Friday, 31 July 2015

ગુરુ પૂર્ણિમા

આજનો દિવસ આપણા વ્યક્તિગત જીવન અને સમાજ જીવન માટે અત્યંત મહત્વનો ઉત્સવ છે. ..આજના પવિત્ર ગુરુપૂર્ણિમા ના દિવસે આપણે  સૌ ગુરુનું પૂજન અર્ચન કરીને તેમના પ્રત્યે ભાવ પ્રગટ કરીએ છીએ.. દરેક ના જીવનમાં ગુરુનું સ્થાન આદર અને સન્માન ભર્યું હોય છે.આપણા દેશમાં આ ઉત્સવ ખુબ જ શ્રદ્ધા અને ભાવથી ઉજવવામાં આવે છે.

સામાન્ય મનુષ્ય આજની પરિસ્થિતિમાં કયા વિચારને અપનાવવો, કોની ઉપર વિશ્વાસ મુકવો , સાચું શું અને ખોટું શું તે જાણવા માટે એક વિષચક્રમાં ફસાયેલો હોય  છે ત્યારે એક સાચો  ગુરુ જ  તેનું માર્ગદર્શન કરે છે..આપણા સાંસ્કૃતિક   ઈતિહાસ માં અનેક ઉદાહરણો જોવા મળે છે કે જેમાં ગુરુ એ બતાવેલી ગુરુવાણી ને આધારે પોતાના જીવનનું ઘડતર કર્યું છે .ગુરુના  આવા મહિમા ના કારણે તેનું સ્થાન પરમેશ્વરની સમકક્ષ મુકેલું છે., આપણને જન્મ આપનાર માતાપિતા કરતા પણ  વિશેષ સ્થાન ગુરુને આપવામાં આવ્યું છે.સાચો ગુરુ જ્ઞાન આપતા આપતા જીવનનું માર્ગદર્શન પણ કરે છે....હું કોણ છું?..મારા જીવનનું લક્ષ્ય શું છે?...જેવા પ્રશ્નો નું સમાધાન  ગુરુ ના માર્ગ દર્શન થી મળે છે...આ આપણી પરંપરા રહેલી છે.. આવા જ્ઞાન થી આપણા સમાજ જીવનમાં શિવાજી, વિવેકાનંદ, શંકરાચાર્ય જેવી અનેક  મહાન વિભૂતિઓ મળેલ છે..

 ગુરુનું આજે પૂજન કરીએ છીએ ત્યારે કેવળ માત્ર કર્મકાંડથી પૂજન કરતાં  પણ વિશેષ  બાબત એ છે કે આપણે સૌ આપણા ગુરુએ દર્શાવેલા માર્ગે  ચાલીએ ... તેમના જીવન માંથી સમર્પણ નો ભાવ કેળવીએ....અને તે  જ તેમના પ્રત્યે નો ભાવ છે.,.. એ જ સાચી દક્ષિણા છે...આજના દિવસે કરેલું પૂજન  અને સમર્પણ કેવળ પ્રતિક હોય છે, વાસ્તવ માં તેમના બતાવેલા માર્ગે સાતત્યપૂર્ણ રીતે પોતાની બુધિ અને શક્તિ લગાવીને કર્તવ્ય પૂર્તિ માટે નિશ્ચિત માર્ગે આગળ વધવું પડે.

આપણી  સંસ્કૃતિ નિત્યનૂતન  અને ચિરપુરાતન છે...સતત આવિષ્કાર અને યુગાનુકુલ બદલાવ લાવવાનું કામ પણ આપણા ગુરુજનોએ કર્યું છે. સમાજમાં પરિવર્તન ની લહેર ઉઠી છે ત્યારે સમાજ જીવનના વિવિધ પાસાઓ નો વિચાર કરીને તેને પુનર્જીવિત કરવાનો પ્રયાસ કરીએ અને જ્ઞાન સાધના ના સંકલ્પ બળથી સમાજ  માટે સમર્પિતભાવથી કામ કરીએ તો ભારત ફરીથી વિશ્વગુરુ સ્થાને થી સમગ્ર વિશ્વનું માર્ગદર્શન કરશે...  એ જ ગુરુ પ્રત્યે નું સાચું  સમર્પણ છે...