Monday, 4 September 2017

શિક્ષક કભી સાધારણ નહિ હોતા...

આપણા દેશે અનેક મહાન શિક્ષકોને જન્મ આપ્યો છે, તેમાંના ઉત્તમ શિક્ષક એટલે ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન. શિક્ષણ ક્ષેત્રે તેમના અભૂતપૂર્વ યોગદાનના ગૌરવરૂપે તેમના જન્મ દિવસ ૫ સપ્ટેમ્બરને શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે શિક્ષકના કર્તવ્યને યાદ કરવું જ રહ્યું.
કોઈપણ વ્યક્તિના સંસ્કાર વિકાસમાં ચાર પરિબળો મુખ્ય ભાગ ભજવે છે, તેમાં પ્રથમ છે-પૂર્વજન્મમાંથી મળેલા સંસ્કારો. બીજું પરિબળ છે-વ્યક્તિના  માતાપિતાએ આપેલા સંસ્કારો. ત્રીજું છે-સમાજમાંથી મળેલા સંસ્કારો અને ચોથું પરિબળ છે તે શિક્ષા. આ ચોથું પરિબળ ઘણો જ અગત્યનો ભાગ ભજવાતું હોવાથી શક્ષકોને  સમાજ પરિવર્તનના જ્યોતિર્ધર ગણવામાં આવે છે. સમયાંતરે ગુરુ, માસ્તર, શિક્ષક કે ટીચર એવા નામો બદલાતા રહ્યા છે પણ એનો મહિમા હજુ પણ બદલાયો નથી. આજે પણ શિક્ષકના હાથમાં સમાજની ધુરા રહેલી છે.ચાણક્ય કહે છે-શિક્ષક કભી સાધારણ નહિ હોતા....
મહાન શિલ્પકાર  માઈકલ એન્જેલોને એક દિવસ એક મૂર્તિ બનાવવાનો વિચાર આવ્યો. પરંતુ તેમની પાસે તે સમયે મૂર્તિ બનાવવા માટે આરસ ખરીદવાના પૈસા પણ નહોતા. એક દિવસ એ આરસ શોધવા માટે બજારમાં નીકળી પડ્યા. રસ્તામાં એક  બાજુ પર પડેલા પથ્થર પર તેની નજર પડી. એકદમ ગંદો અને ખરબચડો પથ્થર જોઇને તે રસ્તાની બાજુ પર આવેલી આરસની દુકાનમાં જઈને તેણે દુકાનદારને પૂછ્યું, ભાઈ  પેલો પથ્થર તમારો વેચવાનો છે? દુકાનદારે જવાબ આપ્યો, ભાઈ એ તો ફેકી દેવાયેલો છે. કોઈ કામનો નથી અને તેમાંથી કઈ બની શકે તેમ પણ નથી.તારે લેવો હોય તો લઇ જા,મારે તેના એક પણ પૈસા જોઈતા નથી. દુકાનદારની આ વાત સાંભળી માઈકલ ખુશ થઇ ગયો અને તે પથ્થર  ઘરે લઇ ગયો. ઘરે જઈ તે પથ્થરને ધોઈ સ્વચ્છ કરી એમાંથી મૂર્તિ ઘડવાનું શરુ કર્યું.  એ પથ્થરમાંથી મિસ મેરી અને જીસસ એકબીજાને ભેટતા હોય એવું મા-દીકરાનું અદભૂત  શિલ્પ કંડાર્યું અને એ શિલ્પ દુનિયાની અમર કૃતિ બની ગઈ.
આ અંગે માઈકલને પૂછવામાં આવ્યું કે તમે શિલ્પ માટે રસ્તે પડેલા પથ્થરને કેમ પસંદ કર્યો? ત્યારે તેમનો જવાબ હતો કે પથ્થર કોઈ પણ હોય તેમાંથી શિલ્પ ઘડવાનું કામ મારું હતું. શિલ્પકાર ધારે તો ગમે તેવા પથ્થરમાંથી પણ મૂર્તિ ઘડી શકે છે. મને એમ લાગ્યું કે પથ્થરમાં રહેલો આત્મા મને બોલાવતો હતો. બસ, આ જ રીતે શિક્ષક પણ એક શિલ્પકાર બનીને કોઈપણ વિદ્યાર્થીને મહાન બનાવી શકવાની ક્ષમતા ધરાવે છે.
શિક્ષકે એક મહાન કાર્ય કરવાનું હોય છે. આ મહાન કાર્ય એટલે વિદ્યાર્થીઓને નવી નવી પ્રેરણા આપવાનું,પોતાનો વિદ્યાર્થી બીજાથી કઈક જુદું કરી શકે, બીજાથી વિશેષ આપી શકે અને બીજાથી કઈક નવી બાબતો વિકસાવી શકે તેનું જ્ઞાન આપવાનું કાર્ય શિક્ષકે કરવાનું છે.સાચો શિક્ષક એ છે જે વિદ્યાર્થીને તેની અંદર રહેલી ક્ષમતાનો પરિચય કરાવી શકે અને તેનું માર્ગદર્શન આપે.અબ્દુલ કલામને એક સભામાં પૂછવામાં આવ્યું કે શિક્ષકનું ઉત્તમ કાર્ય કયું? તેમનો ઉત્તર હતો, શિક્ષકનું ઉત્તમ કાર્ય વિદ્યાર્થીઓને ઊંચા સપના જોવડાવવાનું છે. જો વિદ્યાર્થી સપના નહિ જુએ તો તે આગળ વધી નહિ શકે. સ્વપ્ન જ કોઈ પણ માણસને પોતાનું ભવિષ્ય રચવાની શક્તિ પૂરી પાડે છે.સ્વપ્નો જ માણસને આગળ વધવા માટેની શક્તિ પુરી પાડે છે.
શિક્ષકને સમાજે કેટલું મહાન દાયિત્વ સોપ્યું છે!!. એક રીતે શિક્ષક એ સમાજની કરોડરજ્જુ છે. એ જેટલો પ્રજ્ઞાવાન એટલો સમાજ પણ મજબુત અને સમાજની આવતીકાલ પણ વધુ ઉજ્જવળ હશે. તે ભવિષ્યની પેઢીને અસરકારક  ઘાટ આપી શકે છે.શિક્ષક સમાજને જ્ઞાન પૂરું પાડે છે, શિક્ષક દ્વારા જ સમાજમાં ગુણોનું સિંચન થાય છે. શિક્ષક માટે ભણાવવું એ કેવળ વ્યવસાય કે રૂટીન કામ નહિ પરંતુ એક મિશન છે. પ્રત્યેક શિક્ષકે ગર્વ લેવું જોઈએ કે તે એક શિક્ષક છે. ડો. રાધાકૃષ્ણન એક શિક્ષકમાંથી છેક રાષ્ટ્રપતિ પદ પર પહોચ્યા. એમનું સન્માન કરવાનો કાર્યક્રમ યોજાયો. સન્માનના પ્રતિભાવમાં તેમણે કહ્યું, કોઈ વ્યક્તિ શિક્ષકમાંથી રાષ્ટ્રપતિ પદે પહોચે એ માટે સન્માન થાય એ સારી બાબત તો છે જ, પરંતુ   એના કરતા વિશેષ તો કોઈ વ્યક્તિ રાષ્ટ્રપતિનું પદ છોડી શિક્ષક બનવા તૈયાર થાય એ મને વધારે ગમશે. એમાં જ શિક્ષકનું સાચું ગૌરવ છે.

સાંદીપની, વશિષ્ઠ, ચાણક્ય, રાધાકૃષ્ણન જેવી વિભૂતિઓ શિક્ષક જ હતા જેમણે શિક્ષણ દ્વારા સમાજનું પોષણ કર્યું  અને સમાજને નબળો થતો બચાવ્યો છે.શિક્ષકમાં એક શક્તિ છે કે એ  સમગ્ર સમાજને ધારે તે મોડ આપી શકે, ધારે તે ઊંચાઈ પર સ્થાપિત કરી શકે.સમાજની આંતરિક નબળાઈને ડામી શકે. એ જ તો છે શિક્ષકનું પથદર્શક તરીકેનું કર્તવ્ય. પ્રત્યેક શિક્ષક આ કર્તવ્ય બાબતે કઈક કરી છૂટવાનો સંકલ્પ કરે.... 

Tuesday, 20 June 2017

યોગને આપણી જીવનશૈલીનો ભાગ બનાવીએ....

મહાકવિ કાલિદાસે કુમારસંભવ મહાકાવ્યમાં કહ્યું છે, “શરીરમાદ્યમ ખલુ ધર્મ સાધનમ....” અર્થાત ધર્મને પ્રાપ્ત કરવો હોય તો શરીર એ  સાધન છે. ધર્મ પ્રાપ્તિના  સાધન એવા શરીરને તંદુરસ્ત, નિરામય, સ્ફૂર્તિવંત રાખવું જ  પડે. આ સત્યને પામવા માટેનું એકમાત્ર સાધન એટલે પ્રાચીન સમયથી ચાલી આવતી આપણી યોગ પરંપરા. યોગ એ માત્ર કોઈ કસરત નથી,પરંતુ એ સદીઓ પુરાણી વૈજ્ઞાનિક અભ્યાસ શૈલી છે, જેનું મૂળ ભારત છે. યોગ દ્વારા દ્વારા આપણા જીવનમાં  શારીરિક, માનસિક અને આધ્યાત્મિક પરિવર્તન લાવી શકીએ છીએ છે. એ શરીર, ઇન્દ્રિય અને મન ઉપર કાબુ મેળવીને માનવીને અદમ્ય શાંતિ અને આધ્યાત્મ તરફ પ્રેરે છે. એ વ્યક્તિને પ્રકૃતિ સાથે એક થવા માટેનો  માર્ગ છે.યોગ એ માનવમનના મૌનને પ્રાપ્ત કરવાની સરળ,  સહજ, અને સર્વગ્રાહ્ય  વૈજ્ઞાનિક પદ્ધતિ છે.
યોગ એ ભારતે વિશ્વને સ્વસ્થ રાખવા માટે આપેલી અણમોલ ભેટ છે.યોગ એવું એક માધ્યમ છે જેના દ્વારા આપણે આંતરિક અને બાહ્ય બંને રીતે સ્વસ્થ રહી શકીએ છીએ. કોઈ વ્યક્તિ શારીરિક રીતે બહુ જ સ્વસ્થ હોય, પરંતુ આંતરિક રીતે તે સ્વસ્થ ના પણ હોય. વ્યાયામ એ શારીરિક સ્વસ્થતા આપે છે, પરંતુ આંતરિક સ્વસ્થતા માટે યોગ જરૂરી છે. આધુનિક વિજ્ઞાન અને મેડિકલ સાયન્સ પણ માને છે કે રોગમુક્તિ માટે પહેલા માનસિક તણાવથી મુક્ત હોવું જરૂરી છે. યોગના નિયમોનો અભ્યાસ કરી તેને જીવનમાં અપનાવવાથી આપણે મન અને કર્મ બંનેને સંતુલિત કરી શકીએ તો તેના દ્વારા તણાવ મુક્ત રહી શકીએ છીએ..આપણું શરીર અંદર અને બહાર બંને બાજુ સંતુલિત થઇ જાય છે.
આપણા  વૈજ્ઞાનિકોએ  પ્રયોગોને આધારે સિદ્ધ કર્યું છે કે યોગાસન અને પ્રાણાયામથી શરીરમાં જુદા જુદા પરિવર્તન આવે છે અને ક્રમબદ્ધ રીતે ધાર્યા પરિણામ લાવી શકાય છે.તે માત્ર શારીરિક બીમારી જ નહિ પરંતુ મનના વિચારોને પણ નિયંત્રણમાં લાવી શકે છે. ચોક્કસ અને એકાગ્રતાથી કરેલ પદ્ધતિસરના પ્રયોગો શરીર અને મન પર ધારી અસર કરે છે. આપણા સમાજમાં  જેમણે યોગના અભ્યાસ દ્વારા અસાધ્ય રોગો પર કાબુ મેળવ્યો હોય તેવા અનેક ઉદાહરણો છે
માણસના વ્યક્તિત્વના નિખાર માટે શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સુખની સ્થિતિ જરૂરી છે.આપણી શારીરિક તેમજ માનસિક તંદુરસ્તી માટે, આપણા વ્યક્તિત્વને નિખારવા, જીવનની દરેક પળને આનંદથી માણવા માટે તથા જીવનને સફળ  અને સંતુષ્ટ  બનાવવા માટે યોગ એ સચોટ જડીબુટ્ટી છે.
 યોગ મનની વૃત્તિઓને કાબુમાં રાખે છે. યોગ બાળકો, કિશોરો, યુવાનો, બુઝુર્ગો, એમ તમામ લોકોના શારીરિક અને માનસિક વિકાસ માટે ફાયદાકારક છે.વિદ્યાર્થીઓને તેમના અભ્યાસ અને કારકિર્દી માટે એકાગ્રતા, મનની સ્થિરતા વગેરે ગુણો પ્રાપ્ત થાય છે.  યુવાનોને સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે યોગ એક અકસીર દવા બની શકે છે.તે શરીરને એક નવી ઉર્જા પૂરી પાડે છે. યોગ એ એક એવું કલ્પવૃક્ષ છે  કે જેના ઉપયોગથી આપણે કોઈ પણ કાર્ય સિદ્ધ કરી શકીએ છીએ.અને જીવનને પૂર્ણ,સફળ અને સંતુષ્ટ બનાવી શકીએ છીએ..
યોગ એ જીવન જીવવા માટેની એક કળા છે . યોગને અપનાવીને વ્યક્તિ નિરામય અને શાંત જીવન વ્યતિત કરી શકે છે. પ્રકૃતિને અનુકુળ અને સુસંગત જીવન જીવનારાઓની સંખ્યા આ યોગના અનુસરણથી દિન-પ્રતિદિન વધતી જાય છે. આમાં વિશ્વના સામાન્ય વ્યક્તિથી માંડીને નામાંકિત વ્યક્તિઓ, કલાકારો, રાજનેતાઓ, કર્મયોગીઓ તથા તત્વજ્ઞાનીઓનો સમાવેશ થાય છે.આપણા ચાર પુરુષાર્થ - ધર્મ માટે, જીવન જીવવા માટે( કર્મ માટે), સફળ થવા માટે( અર્થ માટે),અને છેલ્લો આપણો પુરુષાર્થ -મોક્ષ માટે, સ્વની ઓળખ માટે.. યોગ અનિવાર્ય છે..આ માટે આપણે સૌ યોગને આપણા જીવનશૈલીનો ભાગ બનાવીએ..

યોગને કોઈ ધાર્મિક માન્યતા સાથે નહિ પરંતુ સત્યતા સાથે લેવાદેવા છે, કોઈ ‘કંઠી’ કે ‘તાવીજ’ સાથે લેવાદેવા નથી. વાસ્તવમાં, સ્વસ્થ અને સમરસ સમાજ  માટે  વ્યક્તિના શરીર સ્વસ્થ બને, મન સ્થિર થાય  અને  હૃદય સંવેદનશીલ બને તે ખાસ જરૂરી છે. તેના દ્વારા જ સમાજના અનેક દુષણો પણ દુર થશે. યોગના માધ્યમથી સમાજના બધા લોકો  જોડાયેલા રહે છે. યોગ એ આપણી વ્યક્તિગત ચેતનાને વૈશ્વિક ચેતના સાથે જોડે છે. અને આ વિશ્વ એક પરિવાર છે એવી ભાવના અને સત્યતાને ફળીભૂત કરે છે. એના દ્વારા વસુધૈવ કુટુમ્બકમની ભાવના સાકાર થઇ શકે છે.શાંતિ, ભાઈચારો, એકાત્મતા અને સહિષ્ણુતાના ગુણથી  આપણે વિશ્વની વિવિધ સંસ્કૃતિઓને જોડી શકીએ છીએ અને વિશ્વનું માર્ગદર્શન કરી શકીએ છીએ..આ જ ભારતનું શાશ્વત ચિંતન છે.

Tuesday, 30 May 2017

સોશિયલ મીડિયાની સોશિયલ ઇફેક્ટ્સ

પાલીતાણાના મારા સ્નેહી અને વિવેકાનંદ કેંદ્ર-કન્યાકુમારીના ગુજરાત પ્રાંતના પ્રમુખ  શ્રી નરેન્દ્રભાઈ ત્રિવેદી ઘણા સમયથી whatsapp દ્વારા ‘આજ કી બાત..’ એવા શીર્ષકથી શરુ થતી ઓડીયો ક્લીપીંગ દરરોજ સવારે જુદાજુદા હજારો શ્રોતાઓને સંભળાવે છે.  આ દ્વારા તેઓ  સમકાલીન  પ્રવાહોને ધ્યાનમાં રાખીને સામાજિક ચિંતન અને રાષ્ટ્ર ઘડતરના વિવિધ વિષયો  લોકો સુધી પહોચાડી રહ્યા છે.. આવું જ કઈક  મોરબીના શ્રી શૈલેષભાઈ સગપરીયા કરી રહ્યા છે. ‘આજની વાર્તા..’એવા શીર્ષકથી શરુ થતી ઓડીયો ક્લીપીંગ દ્વારા પ્રેરક પ્રસંગ કે  વાર્તાના માધ્યમથી દરરોજ આપણને સૌને જીવનોપયોગી સંદેશ કે બોધપાઠનો અનુભવ કરાવે છે..સોશિયલ મીડિયાના પ્લેટફોર્મનો ઉપયોગ કરીને બંને મિત્રો  એક સાથે અનેક લોકોને કોઈ એક વિચાર સાથે સાંકળે છે.. આની અસરથી અનેક યુવાનો અને બુદ્ધિજીવી લોકોને તેમના જીવનમાં  પ્રેરણાદાયી અનુભવો થયા છે. વિશેષ નોધનીય બાબત છે કે આ બંને મિત્રોની ઓડિયો ક્લીપીંગની અનેક લોકો દરરોજ સવારે આતુરતાથી રાહ જોતાં હોય છે..
આ બંને ઉદાહરણોથી આપણને સોશિયલ મીડિયાની તાકાતનો પરિચય થાય છે.સોશિયલ મીડિયા દ્વારા આપણે  કોઈપણ માહિતી કે  સંદેશો ખુબ જ ઝડપથી પ્રસારી શકીએ છીએ. માહિતીના આદાનપ્રદાન માટે ટેકનોલોજીના ક્ષેત્રે વિશ્વએ જબરજસ્ત પ્રગતિ કરી છે.આજથી ૨૦-૨૫ વર્ષ પહેલા આપણે સૌ ઈન્ટરનેટથી પરિચિત નહોતા..પરંતુ વિશ્વનું ૯૦%થી પણ વધારે કોમ્યુનીકેશન આજે ઇન્ટરનેટના માધ્યમથી જ  થાય છે.આજે કોમ્પુટર અને ઇન્ટરનેટનો ઉપયોગ કરનારો વર્ગ બહુ જ વિશાળ છે. છેલ્લા એક દાયકામાં ટેકનોલોજીના ક્ષેત્રે આવેલી ક્રાંતિના કારણે સોશીયલ મીડિયાની પ્રસિદ્ધિમાં જે વધારો થયો છે તેને અવગણી શકાય એમ નથી.
આપણા સૌનો અનુભવ છે કે થોડા વર્ષો પહેલાં કોઈ ખુશીના સમાચાર આપણા સગા સંબંધીઓને પહોચાડવા માટે ટપાલ લખતા હતા. અથવા તો ટેલીફોન દ્વારા સમાચાર પહોચાડતા હતા આનંદના સમાચારની આપલે કરવા માટે સહેજે ત્રણ ચાર દિવસનો સમય લાગી જતો. જ્યારે આજે શું થાય છે? ઘરની કોઈ પણ વ્યક્તિ મોબાઈલના કેમેરામાં ફોટો પાડીને સગા સંબંધીઓને ફોટા સાથે ખુશ ખબર આપી શકે છે. પરદેશમાં જન્મેલ બાળકનો અવાજ સાંભળીને કે ફોટા જોઇને અહી ભારતમાં બેઠેલા દાદાદાદીની આંખોમાં ખુશી આપણે જોઈ શકીએ છીએ..અને આ બધું  એકદમ ટૂંકા સમયમાં જ...આજે ટેકનોલોજીનો વ્યાપ વધવાથી અનેક સુવિધાઓ હવે આંગળીના ટેરવે મળી જાય છે સોશિયલ મીડિયાએ  આપણને સૌને એક તાંતણે બાંધી દીધા છે. કોઈ પણ માહિતી મેળવવા માટે હવે લાયબ્રેરીના પગથિયા ચડવાની જરૂર નથી. એમાં પણ સોશિયલ મીડિયાની દુનિયામાં ગૂગલ, ફેસબુક, વોટ્સએપ, ટવીટર, યુ ટ્યુબના આવવાથી અદભૂત બદલાવ આવી ગયો છે. આવી અનેક એપ્સ દ્વારા લોકો સતત  એકબીજાના સંપર્કમાં  રહી શકે છે.  આ બધી એપ્સ દ્વારા આપણે મેસેજ, ફોટો, વિડીયો, ઓડિયો વગેરે એકબીજાને મોકલી શકીએ છીએ. આપણે જે કોઈ વાત કહેવા માગતા હોઈએ એ વાત કે માહિતી વાઈરસ કરતાં પણ ઝડપથી સોશિયલ મીડિયા દ્વારા પ્રસરી જાય છે. મોબાઈલ ક્રાંતિ બાદ તેની લોકપ્રિયતાનો આંક પણ વધતો ગયો..આનાથી આપણા જીવનધોરણમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. આપણા સુખ અને સગવડો વધ્યા છે., માટે જ તેનો વ્યાપ અને સ્વીકૃતિ વધતી જાય છે.
૧૯૯૫માં આર્મીના જવાનો, શાળાઓ, કોલેજો વગરે પોતાના કાર્યક્ષેત્ર  સાથે જોડાયેલા રહે તે હેતુથી એક વેબસાઈટથી શરુ થયેલ  સોશિયલ મીડિયા આજે આપણા સૌના સામાજિક અને વ્યક્તિગત જીવનનું અભિન્ન અંગ બની ગયું છે. સોશિયલ મીડીયાના ઉપયોગ કરનારા લોકો વધી રહ્યા છે. આપણને તેના સારા અને ખરાબ એમ બંને પ્રકારના અનુભવો અને પરિણામો જોવા મળે છે. સોશિયલ મીડીયાના કારણે અનેક ગુનાઓનું પ્રમાણ વધ્યું છે. આજે અંગત અદાવત રાખી બદલો લેવા માટે ખોટા પ્રોફાઈલ બનાવીને બીજાને મુશ્કેલીમાં મુકતા લોકો પણ છે. વળી, ગુનેગારોને શોધવામાં મદદ પણ મળી છે. થોડા વર્ષો પહેલા બેંગાલુરુનો એક છોકરો તેની બે મિત્રો સાથે ઘરે જઈ રહ્યો હતો. એવામાં બે સડકછાપ બાઈકસવાર બદમાશો પેલી મહિલાની છેડતી કરીને ભાગી ગયા. આ દરમિયાન છોકરાએ તેનો ફોટો પાડીને ફેસબુક પેજ પર અપલોડ કરી દીધો. માત્ર ૪૮ કલાકમાં તેને હજારો લોકોએ લાઈક કરી અને તેને ધ્યાનમાં લઇને બેંગાલુરુની પોલીસે આ કેસને હાથમાં લઇ તરત તે બદમાશોને જેલમાં ધકેલી દીધા..
દરેક વસ્તુના સારા અને નરસા એમ બંને પાસા હોવાના જ.. એમ સોશિયલ મીડિયાની પણ સારી અને ખરાબ બાજુ હોય જ છે. સવાલ એ છે કે તમે તેનો કેવો ઉપયોગ કરો છો તેના પર તેનો આધાર હોય છે.ટેકનોલોજીની શોધ માનવજીવનને સમૃધ્ધ બનાવવા માટે થઇ છે.પરંતુ કેટલાક લોકો તેનો દુરુપયોગ કરી રહ્યા છે.આજે યુવાનો તેનો હકારાત્મક અને નકારાત્મક એમ બંને ઉપયોગ કરી રહ્યા છે.સોશિયલ મીડિયાની તરફેણ અને વિરોધ કરવાવાળો વર્ગ પણ છે.આ બધાની વચ્ચે પણ સોશિયલ મીડિયા આપણા જીવનનો અભિન્ન ભાગ બની ગયું છે.અને માનો કે ના માનો તેનાથી અદભૂત પરિવર્તન આવ્યું જ છે.ક્યારેક ભૂતકાળમાં ડોકિયું કરીએ ત્યારે ધ્યાનમાં આવે કે ટેકનોલોજી વગરની દુનિયા કેવી હતી..??!! તેની ઉપયોગીતાની સાથેસાથે તેનો વિવેકપૂર્વક ઉપયોગ પણ જરૂરી છે.સોશિયલ મીડિયા વાસ્તવમાં આપણા સૌ વચ્ચે સંપર્ક વધારવા માટે છે. એક્બીજાની જિંદગીમાં દખલગીરી  માટે નહિ.. આવા લોકોથી સાવધાન રહેવાની જરૂર છે.
આજે યુવાનો સોશિયલ મીડિયાના આદિ બની રહ્યા છે.તેની આડઅસરથી લોકો વિવિધ માનસિક રોગોનો સામનો પણ કરી રહ્યા છે. માનસિક તણાવ, ડીપ્રેશન વગેરે સમસ્યાનો સામનો યુવાનો, બાળકો, મહિલાઓ કરી રહ્યા છે.પારિવારીક જીવનમાં પણ એકબીજા વચ્ચે સંવાદ ઘટતો જાય છે. આપણી બધાની વચ્ચેના ભૌતિક અંતરો ભલે ઘટ્યાં હોય પણ હૃદય વચ્ચેના અંતર વધ્યા છે.. હજારો કિલોમીટર દુર બેઠેલી વ્યક્તિ પણ જાણે તમારી સાથે બેસીને વાતો કરતી હોય એવું લાગે છે.અને ક્યારેક એક જ સોફા પર બેસેલી એક જ પરિવારની  બે વ્યક્તિઓ એકબીજા સાથે સંવાદ માટે ઝંખતા હોય તેવું પણ લાગે..સોશિયલ મીડિયાની નકારાત્મક બાજુ પર પણ વધુ ધ્યાન આપવાની જરુર ઉભી થઇ છે.કોઈ પણ સારી વસ્તુનો દુરુપયોગ થવા લાગે તો તે આશીર્વાદરૂપ  નહિ પણ અભિશાપરૂપ બની શકે છે .

Friday, 21 April 2017

એક પુસ્તકની તાકાત

પ્રસિદ્ધ લેખક,વિચારક એલ્વિન ટોફરલ પોતાના પુસ્તકમાં લખે છે, “એકવીસમી  સદીમાં એ લોકો અભણ  નહિ કહેવાય જેમને લખતા વાચતા નહિ આવડતું હોય પરંતુ એ લોકો અભણ ગણાશે જેઓ સારું વાંચન કરીને જીવનનો બોધપાઠ નહિ શીખે, જીવનની અવળી વાતોને નહિ ભૂલે, જીવનમાં વારંવાર શીખવા જેવું નહીં શીખે.!” આમ તેમણે પુસ્તકોના વાચનનો મહિમા બતાવ્યો છે. આપણને પ્રશ્ન થાય કે પુસ્તક વાચનનો પ્રભાવ શું હોય છે? શા માટે લોકો પુસ્તકો તરફ આટલા બધા ઉમટે છે?
વાસ્તવમાં, વાચનમાં એક જબરજસ્ત તાકાત રહેલી  છે. વાચન વિના, વિચાર વિના, કશું કદી આગળ વધ્યું નથી. પુસ્તકોનું વાચન આપણા અંતરને ખોલી દે છે. પુસ્તક વાચનની  અનુભૂતિ અનોખી છે. તેની વાત કરતી વખતે કયા શબ્દોમાં વર્ણન કરવું તેની મુંઝવણ થાય. અસંખ્ય રીતે પુસ્તકોના આનંદને વર્ણવી શકાય  અને તેમ છતાં તેમાં કઈક અધુરુ  લાગે..
પુસ્તક વાચન એક સંપૂર્ણ ખોરાક છે. જેમ સંપૂર્ણ ખોરાકમાં દરેક પ્રકારના વિટામિન અને પોષક તત્વો મળી રહે છે તેમ પુસ્તક વાચનથી પણ કોઈ પણ પ્રકારના રસને  સંતોષી શકાય છે. વિજ્ઞાન, કળા, વિનોદ, ઈતિહાસ, રાજકારણ, સમાજકારણ, રસોઈ, બાળ સાહિત્ય, નિબંધ.... વગેરે જેવા અનેક વિષયોને પુસ્તક આવરી લેતું હોય છે. પુસ્તક આપણને લાગણીઓના ભાવજગતમાં લઇ જઈ શકે છે. પ્રેમ, ઉદારતા, સમર્પણ, સેવા, કરુણા, સંવેદના, આનંદ, ઉત્સાહ, આશા વગેરે જેવી આપણી અનેક લાગણીઓને પુસ્તક ઢંઢોળે છે. પુસ્તક હસાવે, રડાવે, શક્તિ આપે, શ્રદ્ધા આપે, પ્રોત્સાહિત કરે,.. તે આપણને એક જુદા જ ભાવવિશ્વમાં લઇ જાય છે.
પુસ્તકો આપણા જીવનને ઘડે છે, જીવનને એક નવી દિશા આપે છે, આપણા વિચારોને સમૃધ્ધ કરે છે.. એવા અસંખ્ય ઉદાહરણો છે કે કઈ રીતે પુસ્તકે કોઈ વ્યક્તિના જીવનની દિશા બદલી છે.દિલ્હીના રેલ્વે સ્ટેશન પર આત્મહત્યાનો વિચાર મનમાં લઈને અન્ના હજારે બેઠા હતા. ગાડી આવવાની વાર હતી. સ્ટેશનના બુકસ્ટોલ પરથી વિવેકાનંદના જીવનચરિત્રનું પુસ્તક  ખરીદીને વાંચતા વાચતા આત્મ હત્યાનો વિચાર બાષ્પીભવન થઇ ગયો. આ પુસ્તકની  તાકાત છે.
‘સત્યના પ્રયોગો’ પુસ્તકના પ્રકરણ ‘એક પુસ્તકની જાદુઈ અસર’ માં ગાંધીજી તેમના પુસ્તકોના પ્રભાવ વિશે લખે છે, ટ્રેનમાં મુસાફરી દરમિયાન તેમના મિત્ર મી.પોલોકે ગાંધીજીને એક પુસ્તક (અન ટુ ધિ લાસ્ટ) આપ્યું હતું.ગાંધીજી એ રાત્રે ઊંઘી નહોતા શક્યા. એ પુસ્તકે તેમને રચનાત્મક ફેરફાર આપ્યો. એમની માન્યતાઓનું પ્રતિબિંબ આ પુસ્તકમાં હતું. ઈ,સ. ૧૯૦૭મા દક્ષિણ આફ્રિકામાં ‘સિવિલ ડીસઓબેડીયંસ’ નામનું પુસ્તક ગાંધીજીએ વાચ્યું અને તેમાંથી જન્મ થયો ગાંધીજીના અસહકાર આંદોલનનો.. આ સત્યાગ્રહે અંગ્રેજ સલ્તનતને હચમાચાવી મુક્યું હતું. આપણા પૂર્વ રાષ્ટ્રપતિ સ્વ. એ.પી.જે.અબ્દુલ કલામ કહેતા, “કુરાન મારો સૌથી પ્રિય મિત્ર છ... LIGHTS FROM MANY LAMPS  નામનું પુસ્તક મને સતત માર્ગદર્શન આપતું રહ્યું. આપણે કેવી રીતે જીવીએ છીએ તે આ પુસ્તકમાં દર્શાવવામાં આવ્યું છે. આવી જબરજસ્ત તાકાત પુસ્તકોમાં હોય છે. એટલે જ પાટણનો રાજા પગે ચાલે અને ગ્રંથને હાથી પર સવાર કરીને ગ્રંથ નું સન્માન કરે... !!!.
પુસ્તકનું  પોતાનું એક સ્થાન છે, તેનું સ્થાન કોમ્પ્યુટર  કદી લઇ શકે નહિ. કોમ્પ્યુટર એ ફક્ત મન અને બુદ્ધિને સંતોષ આપે, પરંતુ પુસ્તક તો હૃદય અને  આત્માને સંતોષ આપે છે.પુસ્તકના મૃદુ સ્પર્શમાં જીવનને બદલી નાખવાની તાકાત છે. બધાં લોકો બધું ન વાંચે પણ જેમ કોઈ વિરલ મિત્રની ભેટ મળી જાય તેમ કોઈ પુસ્તક તેને મળી જાય, આવા એક –બે પુસ્તક ને પોતાનો મિત્ર બનાવી દે અને વારંવાર તેની સાથે સંવાદ કરે .પુસ્તક રૂપી મિત્ર તમારા સુખમાં વધારો કરે, દુઃખને હળવું કરી નાખે, તમને આનંદ આપે, સાથે સાથે જ્ઞાન પણ આપે, બેહતર સમજણ  આપે, ઠપકો પણ આપે, તમારે એની સાથે એવો સંબંધ કેળવવો પડે.પુસ્તક સાથેની દોસ્તી એટલે પોતાની જાત સાથેની દોસ્તી.
બાળકો અને વિદ્યાર્થીઓમાં સારા પુસ્તકો વાંચવા માટે રુચિ પેદા કરવાની કે એમને સારા પુસ્તકો વાંચતા કરવાની જવાબદારી વાલીઓ અને શિક્ષકોએ જ સ્વીકારવી રહી.. ઘરમાં સારા પુસ્તકો હોવા એ પુસ્તકનું નહિ, ઘરનું ચારિત્ર્ય કહેવાય. આવા ચારિત્ર્યવાન ઘરની સંખ્યામાં વધારો થાય એ ભવિષ્યના સમાજ માટે સારા સંકેત છે.સુંદર ઘર એ છે જેમાં માતાપિતા સંતાનને પુસ્તક ની ભેટ આપતા હોય, સુંદર ઘર એ છે જ્યાં બાળકોને પુસ્તક વાંચવાના સંસ્કારો મળતા હોય,  સુંદર ઘર એ છે જ્યાં અન્ય વસ્તુઓની જેમ પુસ્તકો ખરીદાતા હોય, જ્યાં પુસ્તકો માટે નું અલાયદું કબાટ હોય, જે ઘરમાં સજ્જનોની જેમ સારા પુસ્તકોની અવરજવર હોય. પુસ્તકોથી ઘર એ સાચા અર્થમાં ‘સુંદર ઘર’ બને છે. પુસ્તકો એ ઘરની શોભા છે. સારા પુસ્તકો વગરના ઘરની કલ્પના કઈ રીતે કરી શકાય?....

Tuesday, 7 March 2017

કર્મયોગી ભારતીય નારી

આજે ૮મી  માર્ચ...આજનો દિવસ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવાય છે. આખી દુનિયામાં ભારત જ એવો દેશ છે જ્યાં નારીને ઉચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે. ‘નારી તું નારાયણી’.. એવું  કહીને અહી જ નવાજવામાં આવે છે. નારી એ શક્તિ, સામર્થ્ય અને સંઘર્ષનું પ્રતિક છે. એ માતા, પત્ની, બહેન કે સખીના રૂપે સદાય સ્નેહ વરસાવતી રહે છે. ઈશ્વરે સંસાર રથને સુપેરે ચલાવવા માટે સ્ત્રી અને પુરુષ રૂપી બે પૈડાનું સર્જન કર્યું છે. બંને પૈડા સાથે ચાલે, સમતોલ રહે તે જરૂરી છે.. ઈશ્વરે તે મુજબ રચના પણ કરી આપીં છે, પરંતુ બંનેના કાર્યની ભિન્નતા તો ઈશ્વરે જ નિશ્ચિત કરી આપી છે.
આજની ભારતીય નારી પોતાની આવડત  અને બુદ્ધિથી સમાજના અનેક ક્ષેત્રોમાં સક્રિય બની છે. આજે એવું એક  પણ ક્ષેત્ર નથી કે જ્યાં તેણી આગળ ન હોય. તેણીએ વિવિધ ક્ષેત્રોમાં પોતાનો પગદંડો જમાવ્યો છે. પછી  એ ક્ષેત્ર રાજકારણનું હોય કે  સમાજસેવાનું હોય, શિક્ષણનું હોય કે વેપારનું હોય,.. ધર્મનું હોય કે આરોગ્યનું હોય.. તેણે પોતાના પરિવારને સહાયક બનવા માટે અર્થોપાર્જન  ક્ષેત્રમાં હરણફાળ ભરી છે. પોતાના જીવનસાથીની લગોલગ અને ક્યાંક તો તેનાથી આગળ પણ ખરી.. આપણા ઘરની સ્ત્રી- ચાહે તે માતાના સ્વરૂપે હોય કે પત્નીના  સ્વરૂપે હોય,તે આપણા પરિવારના કેન્દ્રમાં હોય છે..વર્તમાન સમયમાં પોતાના પરિઘને તેણે વિસ્તાર્યો છે. આજે જ્યારે તેના હાથમાં કલમ છે ત્યારે પણ તેના કેન્દ્રમાં તો પરિવાર જ છે. પોતાની કલાકૃતિ અને સર્જનને પોતાના હાથ પગના આભૂષણ તરીકે સ્વીકાર્યા છે ત્યારે પણ તે પોતાના કેન્દ્રથી દુર નથી જ ગઈ,તો સ્વરક્ષણના હેતુથી હાથમાં કટાર કે તલવાર લીધી છે ત્યારે પણ પોતાના કેન્દ્રથી દુર નથી ગઈ... કહેવાનો મતલબ છે નારીએ પોતાની જાતને આધુનિકતાના તાલ  સાથે તાલ મિલાવી છે ત્યારે પણ તેના આત્માની અંદર તો કુટુંબની વાત્સલ્યતા, ધીરજ, સમજણ, સહનશીલતા, અને નિ:સ્વાર્થતાને જ રાખી છે...
ભારતીય ગૃહિણી પોતાના પરિવાર માટે કેટકેટલો ત્યાગ કરે છે!!... તે પોતાના પરિવારને  ખુશ રાખવા માટે અંતિમ શ્વાસ સુધી બધું જ કરી છૂટે  છે. પરિવાર માટે ઘણી વાર પોતાના મોજશોખ, કારકીર્દી, મહત્વાકાંક્ષાઓ બધું જ બાજુ પર મૂકી દે છે.. તે જ્યારે પોતાના પરિવાર માટે કામ કરે છે ત્યારે તેના મુખ પર જરા પણ ફરિયાદ, થાક, કંટાળો કે ટેન્શન હોતું નથી. તેના ચહેરા પર દેખાય છે સહજતા, આનંદ અને આત્મસંતોષની લાગણી. કૃષ્ણ ભગવાને ગીતામાં જે કર્મયોગની વાત કરી છે તે છે આ કર્મયોગ. નારી પોતાની પ્રેરણાથી કામ કરે છે. તેના પ્રત્યેક કામમાં પ્રેમ, નિ:સ્વાર્થભાવ અને તન્મયતા જોવા મળે છે.આવા નિષ્કામ કર્મયોગની સામે સર્ટીફીકેટ, એવોર્ડ કે રીવોર્ડની હેસિયત શું?.. વાસ્તવમાં આવા કર્મયોગને કદી કોઈ  પુરસ્સ્કારના ત્રાજવે  તોળી ન શકાય..સાચું કર્મ એ એવોર્ડથી બહુ ઉંચી બાબત છે.કર્મ કરવાનો આનંદ અને સંતોષ એ જ કર્મનો બદલો છે..આવી ગૃહિણી એ ઘરની પ્રતિષ્ઠાનું સંરક્ષણ અને સંવર્ધન કરે છે..
પરંતુ, બીજી બાજુ  વિચાર કરીએ તો વર્તમાન સમયમાં નારી અને સમગ્ર સમાજ સામે અનેક પડકારો ઉભા થયા છે. આપણી પરિવાર વ્યવસ્થા  સામે પણ અનેક પડકારો ઉભા થયા છે.લગ્ન વિચ્છેદના કિસ્સા દિન પ્રતિદિન વધી રહ્યા છે.. સ્ત્રી પરના અત્યાચારો, હિંસા, બળાત્કાર, અપહરણ જેવા કિસ્સા વધી રહ્યા છે. .સ્ત્રી જાણે કે એક ઉપભોગનું સાધન બની ગઈ છે.. આજના આધુનિક ઉચ્ચ શિક્ષણના યુગમાં પણ ભ્રૂણહત્યાના કિસ્સા વધી રહ્યા છે. આજે પણ કોઈ ઘરમાં સ્ત્રીને દીકરો ના જન્મે તો  અનેક મેણા ટોણા સાંભળવા પડે છે. ટીવીની જાહેરાતોથી કિશોરીઓનું માનસ ઝડપથી અધ:પતન તરફ જઈ રહ્યું છે.ચિંતાનો વિષય છે કે આ બધા દુષણો કહેવાતા સંપન્ન અને  શિક્ષિત વર્ગોમાં વધુ જોવા મળે છે... આવા પડકારો સામે ટકવા માટે સ્ત્રીને એવી કક્ષાએ લાવીને મુકવી જોઈએ કે તે પોતાના પ્રશ્નો જાતે ઉકેલી શકે.સ્વામી વિવેકાનંદ પણ કહેતા કે, “ભારત એક તેજસ્વી રાષ્ટ્ર બને તે માટે જરૂરી છે કે આ રાષ્ટ્રની નારી લક્ષ્મી જેવી સુંદર, સરસ્વતી જેવી પાવન અને ભવાની જેવી પરાક્રમી બને.” જ્યાં સુધી દીકરીઓ શિક્ષિત નહિ થાય ત્યાં સુધી આખો પરિવાર અને સમાજ પણ પ્રગતિ નહિ કરી શકે.. દીકરીઓને સીતા જેવું પવિત્ર અને સહનશીલ જીવન જીવવાની સાથે સાથે તેને દ્રૌપદી જેવી બનાવીને પ્રશ્ન પૂછવાની હિંમત પણ આપવી પડશે...
આપણે બધાએ  આજે નવેસરથી વિચારવાની જરૂર છે. સ્ત્રીને એક દિવસ ફાળવીને એનું ગૌરવ કરતાં સમાજનો આભાર માની લઈએ છીએ, પરંતુ સાચા અર્થમાં ઉજવણી ત્યારે જ થાય જ્યારે એ માનસિક રીતે પણ સ્વતંત્ર થાય.
                       “માના કે પુરુષ બળશાળી હૈ, પર જીતતી હમેશા નારી હૈ...
                         સાવરિયા કે છપ્પન ભોગ પર, સિર્ફ એક તુલસી ભારી હૈ.....”


Thursday, 12 January 2017

એક અજાણ્યો યુવાન, જેને  વિશ્વ ધર્મ પરિષદમાં ભાગ લેવા માટેની અનુમતિ પણ નથી હોતી, કારણકે તેની પાસે કોઈ સંસ્થાનું પ્રમાણપત્ર નથી જેનું તે પ્રતિનિધિત્વ કરે છે. પરંતુ કુદરતની યોજના, એને અનુમતિ મળે છે  અને જ્યારે બોલવા ઊભો થાય છે ત્યારે જેવું તેના મોમાંથી શબ્દો નીકળે છે, ”અમેરિકાના ભાઈઓ અને  બહેનો, ..” તો એવું કહેવાય છે ત્યાં સભાગૃહમાં જેટલા લોકો હતા તેમના કાન સુધી નહિ પરંતુ તેમના હૃદય સુધી આ શબ્દો પહોચ્યા અને બધા ઊભા થઈને સતત પાંચ-સાત મિનિટ સુધી તાળીઓના ગડગડાટથી હોલ ગુંજી ઉઠ્યો હતો..તે શબ્દોમાં એવું તે શું હતું? એ કેવળ શબ્દો જ હતા નહિ, પરંતુ  હજારો વર્ષોથી ભારતની ભૂમિ ઉપર સંપૂર્ણ વિશ્વના કલ્યાણની જે  સાધના થઇ હતી,.. , સમગ્ર  વિશ્વને પોતાનો પરિવાર માનવાનું ચિંતન હતું,.. હજારો વર્ષોની ભારતની સાધના અને પરંપરા તે શબ્દોના માધ્યમથી દુનિયાભરના લોકોના હૃદયમાં ગુંજી ઊઠી હતી એનું સ્વાભાવિક પરિણામ હતું. આ ઘટનાએ એક યુગપરિવર્તન કર્યું અને જોતજોતામાં એક યુવાન વિશ્વ પ્રસિદ્ધ થઇ ગયો.અને આખી દુનિયા તેમને સ્વામી વિવેકાનંદ તરીકે ઓળખવા માંડી..આજે સ્વામી વિવેકાનંદની જન્મજયંતિના દિવસે તેમના  ભારત પ્રત્યેના પ્રેમ અને ભારતના ભાવિ અંગે તેમના ચિંતનને વાગોળવું જ રહ્યું.
ભારતનું ભ્રમણ કરીને ૧૮૯૨ના ડીસેમ્બર માસમાં તેઓ  ભારતના દક્ષિણ છેડે આવી પહોચ્યા, જ્યાં ત્રણેય સમુદ્રોનો સંગમ થાય છે, એને તરીને એક ખડક પર જઈને ઊંડા ધ્યાનમાં મગ્ન થઇ ગયા. આ કોઈ સામાન્ય ધ્યાન હતું નહિ, પરંતુ આ ધ્યાન હતું- ભારતમાતા પરનું. ભારતની તત્કાલીન દુખદ પરિસ્થિતિ, ભારતનો ગૌરવમય અતીત અને ભારતના સુવર્ણમય ભાવિ- આ બધુ તેમના મન:ચક્ષુ સમક્ષ પ્રગટ થઇ ગયું હતું. તેઓ ભારતના વિચારોથી એટલા ગાઢ ઓતપ્રોત થઇ ગયા  કે પાછળથી તેમણે લખ્યું હતું -કન્યાકુમારીના એ શિલાખંડ પર તેઓ ઘનીભૂત ભારત બની ગયા હતા. તેમનું જીવન ચરિત્ર વાંચતા એવું લાગે કે ભારતના ગૌરવથી ભાગ્યે જ કોઈને આટલો ગર્વ થયો હશે, અને ભારતના દુખથી કોઈએ આટલી વેદના અનુભવી હશે.જેવી રીતે માતા તેના બાળક પ્રત્યે રાખે તેવા માતૃવાત્સલ્યથી ભારત દેશને ઓળખ્યો હતો
તેમણે કહ્યું હતું નવું ભારત બહાર આવે ગામડાના ગ્રામવાસીની ઝૂપડીમાંથી,....   મોચીની દુકાનેથી, ધોબીના મકાનથી, ખેડૂતના  હળથી, ખેતરોમાંથી, કારખાનાની ચિમનિઓમાંથી, બજારથી, દુકાનમાંથી, જ્યાં જ્યાં ભારત છે, ત્યાંથી તમામ તરફથી ભારત ખડું થાય. એ ભારત આપણે ખડું કરવું પડશે.અને   એક રીતે નવીન ભારતનું નિર્માણ, ન કેવળ પોતાના માટે પરંતુ સમગ્ર વિશ્વના કલ્યાણ માટે કરવાની આવશ્યકતા છે. આવી હતી તેમની ભારતના સર્વાંગીણ વિકાસની કલ્પના.
સ્વામીજી એ આધુનિક  પશ્ચિમી  વિજ્ઞાનની મહાનતા સ્વીકારી હતી, પરંતુ તેમને એટલો જ અહોભાવ ભારતના પ્રાચીન વિજ્ઞાન માટે પણ હતો. તેમને ભારતના સંગીત,પ્રાચીન ગ્રંથો, સાહિત્ય રચનાનો, સંસ્કૃત ભાષાનો, ભારતની વિવિધતાની મુક્તકંઠે પ્રશંસા કરી હતી.તેમને ભારતની પ્રત્યેક વસ્તુ માટે પ્રેમ હતો. તેઓ અહીના નદીનાળા, સંસ્કૃતિ, સભ્યતાના વખાણ કરતાં થાકતા નહિ. તેમને તત્કાલીન સમાજની જાતિભેદ, અંધશ્રદ્ધા,  અજ્ઞાન પ્રત્યે આક્રોશ તો હતો જ પરંતુ તે આજના  બુદ્ધિજીવીઓની શુષ્ક સંવેદનહીન પ્રતિક્રિયાના રુપમાં નહિ પરંતુ માતૃવાત્સલ્ય હૃદય થી પોતાના બાળકને હોય તે સ્વરૂપે. 
બેલુર મઠમાં બેસીને એક વાર સ્વામીજી એ કહ્યું હતું, “મે બધું જોઈ લીધું છે, ભારતવર્ષમાં આગામી  વર્ષમાં ઇતિહાસનું  પાનું ફરી જશે. સ્વામીજીએ કહ્યું હતું ભારતમાં ભૌતિક સમૃદ્ધિ એટલી વધશે કે તેનો પ્રાચીન વૈભવ ઝાંખો પડી જશે.
સ્વામીજીના આ સ્વપ્ન ને પૂર્ણ કરવા માટે આપણે બધાએ સજ્જ થવું પડશે. આપની  માતૃભૂમિ પાસે વિશ્વવિજયી બનવાની બધી સામગ્રી છે. આપણી મહાન સંસ્કૃતિ અને વેદાંતના  અમૃતને પામવા માટે આજે વિદેશના લોકો આતુર થઇ ગયા છે. આપણા વૈજ્ઞાનિકો અણુવિજ્ઞાનના ક્ષેત્રે, અવકાશવિજ્ઞાનના ક્ષેત્રે, સોફ્ટવેર  ટેકનોલોજીના ક્ષેત્રે અદ્ભુત સિદ્ધિઓ હાસલ કરી રહ્યા છે. આપણી પાસે આર્થિક વિકાસ માટે આવશ્યક સાધનો પણ ઉપલબ્ધ છે, પણ આ માટે સ્વામીજીએ આપેલ મંત્ર આપણે સૌ એ યાદ રાખવો પડશે, “ભારતવર્ષને પ્રેમ કરો.”