
ભારતનું ભ્રમણ કરીને ૧૮૯૨ના ડીસેમ્બર માસમાં તેઓ ભારતના દક્ષિણ છેડે આવી પહોચ્યા, જ્યાં ત્રણેય
સમુદ્રોનો સંગમ થાય છે, એને તરીને એક ખડક પર જઈને ઊંડા ધ્યાનમાં મગ્ન થઇ ગયા. આ
કોઈ સામાન્ય ધ્યાન હતું નહિ, પરંતુ આ ધ્યાન હતું- ભારતમાતા પરનું. ભારતની તત્કાલીન
દુખદ પરિસ્થિતિ, ભારતનો ગૌરવમય અતીત અને ભારતના સુવર્ણમય ભાવિ- આ બધુ તેમના મન:ચક્ષુ
સમક્ષ પ્રગટ થઇ ગયું હતું. તેઓ ભારતના વિચારોથી એટલા ગાઢ ઓતપ્રોત થઇ ગયા કે પાછળથી તેમણે લખ્યું હતું -કન્યાકુમારીના એ
શિલાખંડ પર તેઓ ઘનીભૂત ભારત બની ગયા હતા. તેમનું જીવન ચરિત્ર વાંચતા એવું લાગે કે
ભારતના ગૌરવથી ભાગ્યે જ કોઈને આટલો ગર્વ થયો હશે, અને ભારતના દુખથી કોઈએ આટલી
વેદના અનુભવી હશે.જેવી રીતે માતા તેના બાળક પ્રત્યે રાખે તેવા માતૃવાત્સલ્યથી ભારત
દેશને ઓળખ્યો હતો
તેમણે કહ્યું હતું નવું ભારત બહાર આવે ગામડાના
ગ્રામવાસીની ઝૂપડીમાંથી,.... મોચીની દુકાનેથી, ધોબીના મકાનથી, ખેડૂતના હળથી, ખેતરોમાંથી, કારખાનાની ચિમનિઓમાંથી,
બજારથી, દુકાનમાંથી, જ્યાં જ્યાં ભારત છે, ત્યાંથી તમામ તરફથી ભારત ખડું થાય. એ
ભારત આપણે ખડું કરવું પડશે.અને એક રીતે
નવીન ભારતનું નિર્માણ, ન કેવળ પોતાના માટે પરંતુ સમગ્ર વિશ્વના કલ્યાણ માટે કરવાની
આવશ્યકતા છે. આવી હતી તેમની ભારતના સર્વાંગીણ વિકાસની કલ્પના.
સ્વામીજી એ આધુનિક પશ્ચિમી
વિજ્ઞાનની મહાનતા સ્વીકારી હતી, પરંતુ તેમને એટલો જ અહોભાવ ભારતના પ્રાચીન
વિજ્ઞાન માટે પણ હતો. તેમને ભારતના સંગીત,પ્રાચીન ગ્રંથો, સાહિત્ય રચનાનો, સંસ્કૃત
ભાષાનો, ભારતની વિવિધતાની મુક્તકંઠે પ્રશંસા કરી હતી.તેમને ભારતની પ્રત્યેક વસ્તુ
માટે પ્રેમ હતો. તેઓ અહીના નદીનાળા, સંસ્કૃતિ, સભ્યતાના વખાણ કરતાં થાકતા નહિ.
તેમને તત્કાલીન સમાજની જાતિભેદ, અંધશ્રદ્ધા,
અજ્ઞાન પ્રત્યે આક્રોશ તો હતો જ પરંતુ તે આજના બુદ્ધિજીવીઓની શુષ્ક સંવેદનહીન પ્રતિક્રિયાના
રુપમાં નહિ પરંતુ માતૃવાત્સલ્ય હૃદય થી પોતાના બાળકને હોય તે સ્વરૂપે.
બેલુર મઠમાં બેસીને એક વાર સ્વામીજી એ કહ્યું
હતું, “મે બધું જોઈ લીધું છે, ભારતવર્ષમાં આગામી
વર્ષમાં ઇતિહાસનું પાનું ફરી જશે.
સ્વામીજીએ કહ્યું હતું ભારતમાં ભૌતિક સમૃદ્ધિ એટલી વધશે કે તેનો પ્રાચીન વૈભવ
ઝાંખો પડી જશે.
સ્વામીજીના આ સ્વપ્ન ને પૂર્ણ કરવા માટે આપણે
બધાએ સજ્જ થવું પડશે. આપની માતૃભૂમિ પાસે
વિશ્વવિજયી બનવાની બધી સામગ્રી છે. આપણી મહાન સંસ્કૃતિ અને વેદાંતના અમૃતને પામવા માટે આજે વિદેશના લોકો આતુર થઇ
ગયા છે. આપણા વૈજ્ઞાનિકો અણુવિજ્ઞાનના ક્ષેત્રે, અવકાશવિજ્ઞાનના ક્ષેત્રે,
સોફ્ટવેર ટેકનોલોજીના ક્ષેત્રે અદ્ભુત
સિદ્ધિઓ હાસલ કરી રહ્યા છે. આપણી પાસે આર્થિક વિકાસ માટે આવશ્યક સાધનો પણ ઉપલબ્ધ
છે, પણ આ માટે સ્વામીજીએ આપેલ મંત્ર આપણે સૌ એ યાદ રાખવો પડશે, “ભારતવર્ષને પ્રેમ
કરો.”