આજે ૮મી માર્ચ...આજનો દિવસ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ
તરીકે ઉજવાય છે. આખી દુનિયામાં ભારત જ એવો દેશ છે જ્યાં નારીને ઉચ્ચ સ્થાન આપવામાં
આવ્યું છે. ‘નારી તું નારાયણી’.. એવું
કહીને અહી જ નવાજવામાં આવે છે. નારી એ શક્તિ, સામર્થ્ય અને સંઘર્ષનું
પ્રતિક છે. એ માતા, પત્ની, બહેન કે સખીના રૂપે સદાય સ્નેહ વરસાવતી રહે છે. ઈશ્વરે
સંસાર રથને સુપેરે ચલાવવા માટે સ્ત્રી અને પુરુષ રૂપી બે પૈડાનું સર્જન કર્યું છે.
બંને પૈડા સાથે ચાલે, સમતોલ રહે તે જરૂરી છે.. ઈશ્વરે તે મુજબ રચના પણ કરી આપીં
છે, પરંતુ બંનેના કાર્યની ભિન્નતા તો ઈશ્વરે જ નિશ્ચિત કરી આપી છે.
આજની ભારતીય નારી પોતાની
આવડત અને બુદ્ધિથી સમાજના અનેક
ક્ષેત્રોમાં સક્રિય બની છે. આજે એવું એક
પણ ક્ષેત્ર નથી કે જ્યાં તેણી આગળ ન હોય. તેણીએ વિવિધ ક્ષેત્રોમાં પોતાનો
પગદંડો જમાવ્યો છે. પછી એ ક્ષેત્ર
રાજકારણનું હોય કે સમાજસેવાનું હોય,
શિક્ષણનું હોય કે વેપારનું હોય,.. ધર્મનું હોય કે આરોગ્યનું હોય.. તેણે પોતાના
પરિવારને સહાયક બનવા માટે અર્થોપાર્જન
ક્ષેત્રમાં હરણફાળ ભરી છે. પોતાના જીવનસાથીની લગોલગ અને ક્યાંક તો તેનાથી
આગળ પણ ખરી.. આપણા ઘરની સ્ત્રી- ચાહે તે માતાના સ્વરૂપે હોય કે પત્નીના સ્વરૂપે હોય,તે આપણા પરિવારના કેન્દ્રમાં હોય
છે..વર્તમાન સમયમાં પોતાના પરિઘને તેણે વિસ્તાર્યો છે. આજે જ્યારે તેના હાથમાં કલમ
છે ત્યારે પણ તેના કેન્દ્રમાં તો પરિવાર જ છે. પોતાની કલાકૃતિ અને સર્જનને પોતાના
હાથ પગના આભૂષણ તરીકે સ્વીકાર્યા છે ત્યારે પણ તે પોતાના કેન્દ્રથી દુર નથી જ ગઈ,તો
સ્વરક્ષણના હેતુથી હાથમાં કટાર કે તલવાર લીધી છે ત્યારે પણ પોતાના કેન્દ્રથી દુર
નથી ગઈ... કહેવાનો મતલબ છે નારીએ પોતાની જાતને આધુનિકતાના તાલ સાથે તાલ મિલાવી છે ત્યારે પણ તેના આત્માની
અંદર તો કુટુંબની વાત્સલ્યતા, ધીરજ, સમજણ, સહનશીલતા, અને નિ:સ્વાર્થતાને જ રાખી
છે...
ભારતીય ગૃહિણી પોતાના
પરિવાર માટે કેટકેટલો ત્યાગ કરે છે!!... તે પોતાના પરિવારને ખુશ રાખવા માટે અંતિમ શ્વાસ સુધી બધું જ કરી
છૂટે છે. પરિવાર માટે ઘણી વાર પોતાના
મોજશોખ, કારકીર્દી, મહત્વાકાંક્ષાઓ બધું જ બાજુ પર મૂકી દે છે.. તે જ્યારે પોતાના
પરિવાર માટે કામ કરે છે ત્યારે તેના મુખ પર જરા પણ ફરિયાદ, થાક, કંટાળો કે ટેન્શન
હોતું નથી. તેના ચહેરા પર દેખાય છે સહજતા, આનંદ અને આત્મસંતોષની લાગણી. કૃષ્ણ
ભગવાને ગીતામાં જે કર્મયોગની વાત કરી છે તે છે આ કર્મયોગ. નારી પોતાની પ્રેરણાથી
કામ કરે છે. તેના પ્રત્યેક કામમાં પ્રેમ, નિ:સ્વાર્થભાવ અને તન્મયતા જોવા મળે
છે.આવા નિષ્કામ કર્મયોગની સામે સર્ટીફીકેટ, એવોર્ડ કે રીવોર્ડની હેસિયત શું?..
વાસ્તવમાં આવા કર્મયોગને કદી કોઈ
પુરસ્સ્કારના ત્રાજવે તોળી ન
શકાય..સાચું કર્મ એ એવોર્ડથી બહુ ઉંચી બાબત છે.કર્મ કરવાનો આનંદ અને સંતોષ એ જ
કર્મનો બદલો છે..આવી ગૃહિણી એ ઘરની પ્રતિષ્ઠાનું સંરક્ષણ અને સંવર્ધન કરે છે..
પરંતુ, બીજી બાજુ વિચાર કરીએ તો વર્તમાન સમયમાં નારી અને સમગ્ર સમાજ
સામે અનેક પડકારો ઉભા થયા છે. આપણી પરિવાર વ્યવસ્થા સામે પણ અનેક પડકારો ઉભા થયા છે.લગ્ન વિચ્છેદના
કિસ્સા દિન પ્રતિદિન વધી રહ્યા છે.. સ્ત્રી પરના અત્યાચારો, હિંસા, બળાત્કાર,
અપહરણ જેવા કિસ્સા વધી રહ્યા છે. .સ્ત્રી જાણે કે એક ઉપભોગનું સાધન બની ગઈ છે.. આજના
આધુનિક ઉચ્ચ શિક્ષણના યુગમાં પણ ભ્રૂણહત્યાના કિસ્સા વધી રહ્યા છે. આજે પણ કોઈ
ઘરમાં સ્ત્રીને દીકરો ના જન્મે તો અનેક
મેણા ટોણા સાંભળવા પડે છે. ટીવીની જાહેરાતોથી કિશોરીઓનું માનસ ઝડપથી અધ:પતન તરફ જઈ
રહ્યું છે.ચિંતાનો વિષય છે કે આ બધા દુષણો કહેવાતા સંપન્ન અને શિક્ષિત વર્ગોમાં વધુ જોવા મળે છે... આવા
પડકારો સામે ટકવા માટે સ્ત્રીને એવી કક્ષાએ લાવીને મુકવી જોઈએ કે તે પોતાના
પ્રશ્નો જાતે ઉકેલી શકે.સ્વામી વિવેકાનંદ પણ કહેતા કે, “ભારત એક તેજસ્વી રાષ્ટ્ર
બને તે માટે જરૂરી છે કે આ રાષ્ટ્રની નારી લક્ષ્મી જેવી સુંદર, સરસ્વતી જેવી પાવન
અને ભવાની જેવી પરાક્રમી બને.” જ્યાં સુધી દીકરીઓ શિક્ષિત નહિ થાય ત્યાં સુધી આખો
પરિવાર અને સમાજ પણ પ્રગતિ નહિ કરી શકે.. દીકરીઓને સીતા જેવું પવિત્ર અને સહનશીલ
જીવન જીવવાની સાથે સાથે તેને દ્રૌપદી જેવી બનાવીને પ્રશ્ન પૂછવાની હિંમત પણ આપવી
પડશે...
આપણે બધાએ આજે નવેસરથી વિચારવાની જરૂર છે. સ્ત્રીને એક
દિવસ ફાળવીને એનું ગૌરવ કરતાં સમાજનો આભાર માની લઈએ છીએ, પરંતુ સાચા અર્થમાં ઉજવણી
ત્યારે જ થાય જ્યારે એ માનસિક રીતે પણ સ્વતંત્ર થાય.
“માના કે પુરુષ બળશાળી હૈ, પર જીતતી હમેશા નારી
હૈ...
સાવરિયા
કે છપ્પન ભોગ પર, સિર્ફ એક તુલસી ભારી હૈ.....”