Friday, 21 April 2017

એક પુસ્તકની તાકાત

પ્રસિદ્ધ લેખક,વિચારક એલ્વિન ટોફરલ પોતાના પુસ્તકમાં લખે છે, “એકવીસમી  સદીમાં એ લોકો અભણ  નહિ કહેવાય જેમને લખતા વાચતા નહિ આવડતું હોય પરંતુ એ લોકો અભણ ગણાશે જેઓ સારું વાંચન કરીને જીવનનો બોધપાઠ નહિ શીખે, જીવનની અવળી વાતોને નહિ ભૂલે, જીવનમાં વારંવાર શીખવા જેવું નહીં શીખે.!” આમ તેમણે પુસ્તકોના વાચનનો મહિમા બતાવ્યો છે. આપણને પ્રશ્ન થાય કે પુસ્તક વાચનનો પ્રભાવ શું હોય છે? શા માટે લોકો પુસ્તકો તરફ આટલા બધા ઉમટે છે?
વાસ્તવમાં, વાચનમાં એક જબરજસ્ત તાકાત રહેલી  છે. વાચન વિના, વિચાર વિના, કશું કદી આગળ વધ્યું નથી. પુસ્તકોનું વાચન આપણા અંતરને ખોલી દે છે. પુસ્તક વાચનની  અનુભૂતિ અનોખી છે. તેની વાત કરતી વખતે કયા શબ્દોમાં વર્ણન કરવું તેની મુંઝવણ થાય. અસંખ્ય રીતે પુસ્તકોના આનંદને વર્ણવી શકાય  અને તેમ છતાં તેમાં કઈક અધુરુ  લાગે..
પુસ્તક વાચન એક સંપૂર્ણ ખોરાક છે. જેમ સંપૂર્ણ ખોરાકમાં દરેક પ્રકારના વિટામિન અને પોષક તત્વો મળી રહે છે તેમ પુસ્તક વાચનથી પણ કોઈ પણ પ્રકારના રસને  સંતોષી શકાય છે. વિજ્ઞાન, કળા, વિનોદ, ઈતિહાસ, રાજકારણ, સમાજકારણ, રસોઈ, બાળ સાહિત્ય, નિબંધ.... વગેરે જેવા અનેક વિષયોને પુસ્તક આવરી લેતું હોય છે. પુસ્તક આપણને લાગણીઓના ભાવજગતમાં લઇ જઈ શકે છે. પ્રેમ, ઉદારતા, સમર્પણ, સેવા, કરુણા, સંવેદના, આનંદ, ઉત્સાહ, આશા વગેરે જેવી આપણી અનેક લાગણીઓને પુસ્તક ઢંઢોળે છે. પુસ્તક હસાવે, રડાવે, શક્તિ આપે, શ્રદ્ધા આપે, પ્રોત્સાહિત કરે,.. તે આપણને એક જુદા જ ભાવવિશ્વમાં લઇ જાય છે.
પુસ્તકો આપણા જીવનને ઘડે છે, જીવનને એક નવી દિશા આપે છે, આપણા વિચારોને સમૃધ્ધ કરે છે.. એવા અસંખ્ય ઉદાહરણો છે કે કઈ રીતે પુસ્તકે કોઈ વ્યક્તિના જીવનની દિશા બદલી છે.દિલ્હીના રેલ્વે સ્ટેશન પર આત્મહત્યાનો વિચાર મનમાં લઈને અન્ના હજારે બેઠા હતા. ગાડી આવવાની વાર હતી. સ્ટેશનના બુકસ્ટોલ પરથી વિવેકાનંદના જીવનચરિત્રનું પુસ્તક  ખરીદીને વાંચતા વાચતા આત્મ હત્યાનો વિચાર બાષ્પીભવન થઇ ગયો. આ પુસ્તકની  તાકાત છે.
‘સત્યના પ્રયોગો’ પુસ્તકના પ્રકરણ ‘એક પુસ્તકની જાદુઈ અસર’ માં ગાંધીજી તેમના પુસ્તકોના પ્રભાવ વિશે લખે છે, ટ્રેનમાં મુસાફરી દરમિયાન તેમના મિત્ર મી.પોલોકે ગાંધીજીને એક પુસ્તક (અન ટુ ધિ લાસ્ટ) આપ્યું હતું.ગાંધીજી એ રાત્રે ઊંઘી નહોતા શક્યા. એ પુસ્તકે તેમને રચનાત્મક ફેરફાર આપ્યો. એમની માન્યતાઓનું પ્રતિબિંબ આ પુસ્તકમાં હતું. ઈ,સ. ૧૯૦૭મા દક્ષિણ આફ્રિકામાં ‘સિવિલ ડીસઓબેડીયંસ’ નામનું પુસ્તક ગાંધીજીએ વાચ્યું અને તેમાંથી જન્મ થયો ગાંધીજીના અસહકાર આંદોલનનો.. આ સત્યાગ્રહે અંગ્રેજ સલ્તનતને હચમાચાવી મુક્યું હતું. આપણા પૂર્વ રાષ્ટ્રપતિ સ્વ. એ.પી.જે.અબ્દુલ કલામ કહેતા, “કુરાન મારો સૌથી પ્રિય મિત્ર છ... LIGHTS FROM MANY LAMPS  નામનું પુસ્તક મને સતત માર્ગદર્શન આપતું રહ્યું. આપણે કેવી રીતે જીવીએ છીએ તે આ પુસ્તકમાં દર્શાવવામાં આવ્યું છે. આવી જબરજસ્ત તાકાત પુસ્તકોમાં હોય છે. એટલે જ પાટણનો રાજા પગે ચાલે અને ગ્રંથને હાથી પર સવાર કરીને ગ્રંથ નું સન્માન કરે... !!!.
પુસ્તકનું  પોતાનું એક સ્થાન છે, તેનું સ્થાન કોમ્પ્યુટર  કદી લઇ શકે નહિ. કોમ્પ્યુટર એ ફક્ત મન અને બુદ્ધિને સંતોષ આપે, પરંતુ પુસ્તક તો હૃદય અને  આત્માને સંતોષ આપે છે.પુસ્તકના મૃદુ સ્પર્શમાં જીવનને બદલી નાખવાની તાકાત છે. બધાં લોકો બધું ન વાંચે પણ જેમ કોઈ વિરલ મિત્રની ભેટ મળી જાય તેમ કોઈ પુસ્તક તેને મળી જાય, આવા એક –બે પુસ્તક ને પોતાનો મિત્ર બનાવી દે અને વારંવાર તેની સાથે સંવાદ કરે .પુસ્તક રૂપી મિત્ર તમારા સુખમાં વધારો કરે, દુઃખને હળવું કરી નાખે, તમને આનંદ આપે, સાથે સાથે જ્ઞાન પણ આપે, બેહતર સમજણ  આપે, ઠપકો પણ આપે, તમારે એની સાથે એવો સંબંધ કેળવવો પડે.પુસ્તક સાથેની દોસ્તી એટલે પોતાની જાત સાથેની દોસ્તી.
બાળકો અને વિદ્યાર્થીઓમાં સારા પુસ્તકો વાંચવા માટે રુચિ પેદા કરવાની કે એમને સારા પુસ્તકો વાંચતા કરવાની જવાબદારી વાલીઓ અને શિક્ષકોએ જ સ્વીકારવી રહી.. ઘરમાં સારા પુસ્તકો હોવા એ પુસ્તકનું નહિ, ઘરનું ચારિત્ર્ય કહેવાય. આવા ચારિત્ર્યવાન ઘરની સંખ્યામાં વધારો થાય એ ભવિષ્યના સમાજ માટે સારા સંકેત છે.સુંદર ઘર એ છે જેમાં માતાપિતા સંતાનને પુસ્તક ની ભેટ આપતા હોય, સુંદર ઘર એ છે જ્યાં બાળકોને પુસ્તક વાંચવાના સંસ્કારો મળતા હોય,  સુંદર ઘર એ છે જ્યાં અન્ય વસ્તુઓની જેમ પુસ્તકો ખરીદાતા હોય, જ્યાં પુસ્તકો માટે નું અલાયદું કબાટ હોય, જે ઘરમાં સજ્જનોની જેમ સારા પુસ્તકોની અવરજવર હોય. પુસ્તકોથી ઘર એ સાચા અર્થમાં ‘સુંદર ઘર’ બને છે. પુસ્તકો એ ઘરની શોભા છે. સારા પુસ્તકો વગરના ઘરની કલ્પના કઈ રીતે કરી શકાય?....