પાલીતાણાના મારા સ્નેહી અને વિવેકાનંદ કેંદ્ર-કન્યાકુમારીના
ગુજરાત પ્રાંતના પ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ ત્રિવેદી ઘણા સમયથી whatsapp દ્વારા ‘આજ કી બાત..’ એવા શીર્ષકથી શરુ થતી ઓડીયો
ક્લીપીંગ દરરોજ સવારે જુદાજુદા હજારો શ્રોતાઓને સંભળાવે છે. આ દ્વારા તેઓ
સમકાલીન પ્રવાહોને ધ્યાનમાં રાખીને
સામાજિક ચિંતન અને રાષ્ટ્ર ઘડતરના વિવિધ વિષયો લોકો સુધી પહોચાડી રહ્યા છે.. આવું જ કઈક મોરબીના શ્રી શૈલેષભાઈ સગપરીયા કરી રહ્યા છે. ‘આજની વાર્તા..’એવા શીર્ષકથી શરુ થતી ઓડીયો ક્લીપીંગ દ્વારા પ્રેરક પ્રસંગ
કે વાર્તાના માધ્યમથી દરરોજ આપણને સૌને
જીવનોપયોગી સંદેશ કે બોધપાઠનો અનુભવ કરાવે છે..સોશિયલ મીડિયાના પ્લેટફોર્મનો ઉપયોગ
કરીને બંને મિત્રો એક સાથે અનેક લોકોને
કોઈ એક વિચાર સાથે સાંકળે છે.. આની અસરથી અનેક યુવાનો અને બુદ્ધિજીવી લોકોને તેમના
જીવનમાં પ્રેરણાદાયી અનુભવો થયા છે. વિશેષ
નોધનીય બાબત છે કે આ બંને મિત્રોની ઓડિયો ક્લીપીંગની અનેક લોકો દરરોજ સવારે
આતુરતાથી રાહ જોતાં હોય છે..
આ બંને ઉદાહરણોથી આપણને સોશિયલ મીડિયાની તાકાતનો
પરિચય થાય છે.સોશિયલ મીડિયા દ્વારા આપણે
કોઈપણ માહિતી કે સંદેશો ખુબ જ
ઝડપથી પ્રસારી શકીએ છીએ. માહિતીના આદાનપ્રદાન માટે ટેકનોલોજીના ક્ષેત્રે વિશ્વએ
જબરજસ્ત પ્રગતિ કરી છે.આજથી ૨૦-૨૫ વર્ષ પહેલા આપણે સૌ ઈન્ટરનેટથી પરિચિત નહોતા..પરંતુ
વિશ્વનું ૯૦%થી પણ વધારે કોમ્યુનીકેશન આજે ઇન્ટરનેટના માધ્યમથી જ થાય છે.આજે કોમ્પુટર અને ઇન્ટરનેટનો ઉપયોગ
કરનારો વર્ગ બહુ જ વિશાળ છે. છેલ્લા એક દાયકામાં ટેકનોલોજીના ક્ષેત્રે આવેલી
ક્રાંતિના કારણે સોશીયલ મીડિયાની પ્રસિદ્ધિમાં જે વધારો થયો છે તેને અવગણી શકાય એમ
નથી.
આપણા સૌનો અનુભવ છે કે થોડા વર્ષો પહેલાં કોઈ
ખુશીના સમાચાર આપણા સગા સંબંધીઓને પહોચાડવા માટે ટપાલ લખતા હતા. અથવા તો ટેલીફોન
દ્વારા સમાચાર પહોચાડતા હતા આનંદના સમાચારની આપલે કરવા માટે સહેજે ત્રણ ચાર દિવસનો
સમય લાગી જતો. જ્યારે આજે શું થાય છે? ઘરની કોઈ પણ વ્યક્તિ મોબાઈલના કેમેરામાં
ફોટો પાડીને સગા સંબંધીઓને ફોટા સાથે ખુશ ખબર આપી શકે છે. પરદેશમાં જન્મેલ બાળકનો
અવાજ સાંભળીને કે ફોટા જોઇને અહી ભારતમાં બેઠેલા દાદાદાદીની આંખોમાં ખુશી આપણે જોઈ
શકીએ છીએ..અને આ બધું એકદમ ટૂંકા સમયમાં
જ...આજે ટેકનોલોજીનો વ્યાપ વધવાથી અનેક સુવિધાઓ હવે આંગળીના ટેરવે મળી જાય છે સોશિયલ
મીડિયાએ આપણને સૌને એક તાંતણે બાંધી દીધા
છે. કોઈ પણ માહિતી મેળવવા માટે હવે લાયબ્રેરીના પગથિયા ચડવાની જરૂર નથી. એમાં પણ સોશિયલ
મીડિયાની દુનિયામાં ગૂગલ, ફેસબુક, વોટ્સએપ, ટવીટર, યુ ટ્યુબના આવવાથી અદભૂત બદલાવ
આવી ગયો છે. આવી અનેક એપ્સ દ્વારા લોકો સતત
એકબીજાના સંપર્કમાં રહી શકે
છે. આ બધી એપ્સ દ્વારા આપણે મેસેજ, ફોટો,
વિડીયો, ઓડિયો વગેરે એકબીજાને મોકલી શકીએ છીએ. આપણે જે કોઈ વાત કહેવા માગતા હોઈએ એ
વાત કે માહિતી વાઈરસ કરતાં પણ ઝડપથી સોશિયલ મીડિયા દ્વારા પ્રસરી જાય છે. મોબાઈલ
ક્રાંતિ બાદ તેની લોકપ્રિયતાનો આંક પણ વધતો ગયો..આનાથી આપણા જીવનધોરણમાં આમૂલ
પરિવર્તન આવ્યું છે. આપણા સુખ અને સગવડો વધ્યા છે., માટે જ તેનો વ્યાપ અને
સ્વીકૃતિ વધતી જાય છે.
૧૯૯૫માં આર્મીના જવાનો, શાળાઓ, કોલેજો વગરે
પોતાના કાર્યક્ષેત્ર સાથે જોડાયેલા રહે તે
હેતુથી એક વેબસાઈટથી શરુ થયેલ સોશિયલ
મીડિયા આજે આપણા સૌના સામાજિક અને વ્યક્તિગત જીવનનું અભિન્ન અંગ બની ગયું છે. સોશિયલ
મીડીયાના ઉપયોગ કરનારા લોકો વધી રહ્યા છે. આપણને તેના સારા અને ખરાબ એમ બંને
પ્રકારના અનુભવો અને પરિણામો જોવા મળે છે. સોશિયલ મીડીયાના કારણે અનેક ગુનાઓનું
પ્રમાણ વધ્યું છે. આજે અંગત અદાવત રાખી બદલો લેવા માટે ખોટા પ્રોફાઈલ બનાવીને
બીજાને મુશ્કેલીમાં મુકતા લોકો પણ છે. વળી, ગુનેગારોને શોધવામાં મદદ પણ મળી છે.
થોડા વર્ષો પહેલા બેંગાલુરુનો એક છોકરો તેની બે મિત્રો સાથે ઘરે જઈ રહ્યો હતો. એવામાં
બે સડકછાપ બાઈકસવાર બદમાશો પેલી મહિલાની છેડતી કરીને ભાગી ગયા. આ દરમિયાન છોકરાએ
તેનો ફોટો પાડીને ફેસબુક પેજ પર અપલોડ કરી દીધો. માત્ર ૪૮ કલાકમાં તેને હજારો
લોકોએ લાઈક કરી અને તેને ધ્યાનમાં લઇને બેંગાલુરુની પોલીસે આ કેસને હાથમાં લઇ તરત
તે બદમાશોને જેલમાં ધકેલી દીધા..
દરેક વસ્તુના સારા અને નરસા એમ બંને પાસા હોવાના
જ.. એમ સોશિયલ મીડિયાની પણ સારી અને ખરાબ બાજુ હોય જ છે. સવાલ એ છે કે તમે તેનો
કેવો ઉપયોગ કરો છો તેના પર તેનો આધાર હોય છે.ટેકનોલોજીની શોધ માનવજીવનને
સમૃધ્ધ બનાવવા માટે થઇ છે.પરંતુ કેટલાક લોકો તેનો દુરુપયોગ કરી રહ્યા છે.આજે
યુવાનો તેનો હકારાત્મક અને નકારાત્મક એમ બંને ઉપયોગ કરી રહ્યા છે.સોશિયલ મીડિયાની તરફેણ
અને વિરોધ કરવાવાળો વર્ગ પણ છે.આ બધાની વચ્ચે પણ સોશિયલ મીડિયા આપણા જીવનનો અભિન્ન
ભાગ બની ગયું છે.અને માનો કે ના માનો તેનાથી અદભૂત પરિવર્તન આવ્યું જ છે.ક્યારેક
ભૂતકાળમાં ડોકિયું કરીએ ત્યારે ધ્યાનમાં આવે કે ટેકનોલોજી વગરની દુનિયા કેવી હતી..??!!
તેની ઉપયોગીતાની સાથેસાથે તેનો વિવેકપૂર્વક ઉપયોગ પણ જરૂરી છે.સોશિયલ મીડિયા
વાસ્તવમાં આપણા સૌ વચ્ચે સંપર્ક વધારવા માટે છે. એક્બીજાની જિંદગીમાં દખલગીરી માટે નહિ.. આવા લોકોથી સાવધાન રહેવાની જરૂર છે.
આજે યુવાનો સોશિયલ મીડિયાના આદિ બની રહ્યા છે.તેની
આડઅસરથી લોકો વિવિધ માનસિક રોગોનો સામનો પણ કરી રહ્યા છે. માનસિક તણાવ, ડીપ્રેશન
વગેરે સમસ્યાનો સામનો યુવાનો, બાળકો, મહિલાઓ કરી રહ્યા છે.પારિવારીક જીવનમાં પણ
એકબીજા વચ્ચે સંવાદ ઘટતો જાય છે. આપણી બધાની વચ્ચેના ભૌતિક અંતરો ભલે ઘટ્યાં હોય
પણ હૃદય વચ્ચેના અંતર વધ્યા છે.. હજારો કિલોમીટર દુર બેઠેલી વ્યક્તિ પણ જાણે તમારી
સાથે બેસીને વાતો કરતી હોય એવું લાગે છે.અને ક્યારેક એક જ સોફા પર બેસેલી એક જ
પરિવારની બે વ્યક્તિઓ એકબીજા સાથે સંવાદ
માટે ઝંખતા હોય તેવું પણ લાગે..સોશિયલ મીડિયાની નકારાત્મક બાજુ પર પણ વધુ ધ્યાન
આપવાની જરુર ઉભી થઇ છે.કોઈ પણ સારી વસ્તુનો દુરુપયોગ થવા લાગે તો તે
આશીર્વાદરૂપ નહિ પણ અભિશાપરૂપ બની શકે છે .