Tuesday, 20 June 2017

યોગને આપણી જીવનશૈલીનો ભાગ બનાવીએ....

મહાકવિ કાલિદાસે કુમારસંભવ મહાકાવ્યમાં કહ્યું છે, “શરીરમાદ્યમ ખલુ ધર્મ સાધનમ....” અર્થાત ધર્મને પ્રાપ્ત કરવો હોય તો શરીર એ  સાધન છે. ધર્મ પ્રાપ્તિના  સાધન એવા શરીરને તંદુરસ્ત, નિરામય, સ્ફૂર્તિવંત રાખવું જ  પડે. આ સત્યને પામવા માટેનું એકમાત્ર સાધન એટલે પ્રાચીન સમયથી ચાલી આવતી આપણી યોગ પરંપરા. યોગ એ માત્ર કોઈ કસરત નથી,પરંતુ એ સદીઓ પુરાણી વૈજ્ઞાનિક અભ્યાસ શૈલી છે, જેનું મૂળ ભારત છે. યોગ દ્વારા દ્વારા આપણા જીવનમાં  શારીરિક, માનસિક અને આધ્યાત્મિક પરિવર્તન લાવી શકીએ છીએ છે. એ શરીર, ઇન્દ્રિય અને મન ઉપર કાબુ મેળવીને માનવીને અદમ્ય શાંતિ અને આધ્યાત્મ તરફ પ્રેરે છે. એ વ્યક્તિને પ્રકૃતિ સાથે એક થવા માટેનો  માર્ગ છે.યોગ એ માનવમનના મૌનને પ્રાપ્ત કરવાની સરળ,  સહજ, અને સર્વગ્રાહ્ય  વૈજ્ઞાનિક પદ્ધતિ છે.
યોગ એ ભારતે વિશ્વને સ્વસ્થ રાખવા માટે આપેલી અણમોલ ભેટ છે.યોગ એવું એક માધ્યમ છે જેના દ્વારા આપણે આંતરિક અને બાહ્ય બંને રીતે સ્વસ્થ રહી શકીએ છીએ. કોઈ વ્યક્તિ શારીરિક રીતે બહુ જ સ્વસ્થ હોય, પરંતુ આંતરિક રીતે તે સ્વસ્થ ના પણ હોય. વ્યાયામ એ શારીરિક સ્વસ્થતા આપે છે, પરંતુ આંતરિક સ્વસ્થતા માટે યોગ જરૂરી છે. આધુનિક વિજ્ઞાન અને મેડિકલ સાયન્સ પણ માને છે કે રોગમુક્તિ માટે પહેલા માનસિક તણાવથી મુક્ત હોવું જરૂરી છે. યોગના નિયમોનો અભ્યાસ કરી તેને જીવનમાં અપનાવવાથી આપણે મન અને કર્મ બંનેને સંતુલિત કરી શકીએ તો તેના દ્વારા તણાવ મુક્ત રહી શકીએ છીએ..આપણું શરીર અંદર અને બહાર બંને બાજુ સંતુલિત થઇ જાય છે.
આપણા  વૈજ્ઞાનિકોએ  પ્રયોગોને આધારે સિદ્ધ કર્યું છે કે યોગાસન અને પ્રાણાયામથી શરીરમાં જુદા જુદા પરિવર્તન આવે છે અને ક્રમબદ્ધ રીતે ધાર્યા પરિણામ લાવી શકાય છે.તે માત્ર શારીરિક બીમારી જ નહિ પરંતુ મનના વિચારોને પણ નિયંત્રણમાં લાવી શકે છે. ચોક્કસ અને એકાગ્રતાથી કરેલ પદ્ધતિસરના પ્રયોગો શરીર અને મન પર ધારી અસર કરે છે. આપણા સમાજમાં  જેમણે યોગના અભ્યાસ દ્વારા અસાધ્ય રોગો પર કાબુ મેળવ્યો હોય તેવા અનેક ઉદાહરણો છે
માણસના વ્યક્તિત્વના નિખાર માટે શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સુખની સ્થિતિ જરૂરી છે.આપણી શારીરિક તેમજ માનસિક તંદુરસ્તી માટે, આપણા વ્યક્તિત્વને નિખારવા, જીવનની દરેક પળને આનંદથી માણવા માટે તથા જીવનને સફળ  અને સંતુષ્ટ  બનાવવા માટે યોગ એ સચોટ જડીબુટ્ટી છે.
 યોગ મનની વૃત્તિઓને કાબુમાં રાખે છે. યોગ બાળકો, કિશોરો, યુવાનો, બુઝુર્ગો, એમ તમામ લોકોના શારીરિક અને માનસિક વિકાસ માટે ફાયદાકારક છે.વિદ્યાર્થીઓને તેમના અભ્યાસ અને કારકિર્દી માટે એકાગ્રતા, મનની સ્થિરતા વગેરે ગુણો પ્રાપ્ત થાય છે.  યુવાનોને સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે યોગ એક અકસીર દવા બની શકે છે.તે શરીરને એક નવી ઉર્જા પૂરી પાડે છે. યોગ એ એક એવું કલ્પવૃક્ષ છે  કે જેના ઉપયોગથી આપણે કોઈ પણ કાર્ય સિદ્ધ કરી શકીએ છીએ.અને જીવનને પૂર્ણ,સફળ અને સંતુષ્ટ બનાવી શકીએ છીએ..
યોગ એ જીવન જીવવા માટેની એક કળા છે . યોગને અપનાવીને વ્યક્તિ નિરામય અને શાંત જીવન વ્યતિત કરી શકે છે. પ્રકૃતિને અનુકુળ અને સુસંગત જીવન જીવનારાઓની સંખ્યા આ યોગના અનુસરણથી દિન-પ્રતિદિન વધતી જાય છે. આમાં વિશ્વના સામાન્ય વ્યક્તિથી માંડીને નામાંકિત વ્યક્તિઓ, કલાકારો, રાજનેતાઓ, કર્મયોગીઓ તથા તત્વજ્ઞાનીઓનો સમાવેશ થાય છે.આપણા ચાર પુરુષાર્થ - ધર્મ માટે, જીવન જીવવા માટે( કર્મ માટે), સફળ થવા માટે( અર્થ માટે),અને છેલ્લો આપણો પુરુષાર્થ -મોક્ષ માટે, સ્વની ઓળખ માટે.. યોગ અનિવાર્ય છે..આ માટે આપણે સૌ યોગને આપણા જીવનશૈલીનો ભાગ બનાવીએ..

યોગને કોઈ ધાર્મિક માન્યતા સાથે નહિ પરંતુ સત્યતા સાથે લેવાદેવા છે, કોઈ ‘કંઠી’ કે ‘તાવીજ’ સાથે લેવાદેવા નથી. વાસ્તવમાં, સ્વસ્થ અને સમરસ સમાજ  માટે  વ્યક્તિના શરીર સ્વસ્થ બને, મન સ્થિર થાય  અને  હૃદય સંવેદનશીલ બને તે ખાસ જરૂરી છે. તેના દ્વારા જ સમાજના અનેક દુષણો પણ દુર થશે. યોગના માધ્યમથી સમાજના બધા લોકો  જોડાયેલા રહે છે. યોગ એ આપણી વ્યક્તિગત ચેતનાને વૈશ્વિક ચેતના સાથે જોડે છે. અને આ વિશ્વ એક પરિવાર છે એવી ભાવના અને સત્યતાને ફળીભૂત કરે છે. એના દ્વારા વસુધૈવ કુટુમ્બકમની ભાવના સાકાર થઇ શકે છે.શાંતિ, ભાઈચારો, એકાત્મતા અને સહિષ્ણુતાના ગુણથી  આપણે વિશ્વની વિવિધ સંસ્કૃતિઓને જોડી શકીએ છીએ અને વિશ્વનું માર્ગદર્શન કરી શકીએ છીએ..આ જ ભારતનું શાશ્વત ચિંતન છે.