Monday, 4 September 2017

શિક્ષક કભી સાધારણ નહિ હોતા...

આપણા દેશે અનેક મહાન શિક્ષકોને જન્મ આપ્યો છે, તેમાંના ઉત્તમ શિક્ષક એટલે ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન. શિક્ષણ ક્ષેત્રે તેમના અભૂતપૂર્વ યોગદાનના ગૌરવરૂપે તેમના જન્મ દિવસ ૫ સપ્ટેમ્બરને શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે શિક્ષકના કર્તવ્યને યાદ કરવું જ રહ્યું.
કોઈપણ વ્યક્તિના સંસ્કાર વિકાસમાં ચાર પરિબળો મુખ્ય ભાગ ભજવે છે, તેમાં પ્રથમ છે-પૂર્વજન્મમાંથી મળેલા સંસ્કારો. બીજું પરિબળ છે-વ્યક્તિના  માતાપિતાએ આપેલા સંસ્કારો. ત્રીજું છે-સમાજમાંથી મળેલા સંસ્કારો અને ચોથું પરિબળ છે તે શિક્ષા. આ ચોથું પરિબળ ઘણો જ અગત્યનો ભાગ ભજવાતું હોવાથી શક્ષકોને  સમાજ પરિવર્તનના જ્યોતિર્ધર ગણવામાં આવે છે. સમયાંતરે ગુરુ, માસ્તર, શિક્ષક કે ટીચર એવા નામો બદલાતા રહ્યા છે પણ એનો મહિમા હજુ પણ બદલાયો નથી. આજે પણ શિક્ષકના હાથમાં સમાજની ધુરા રહેલી છે.ચાણક્ય કહે છે-શિક્ષક કભી સાધારણ નહિ હોતા....
મહાન શિલ્પકાર  માઈકલ એન્જેલોને એક દિવસ એક મૂર્તિ બનાવવાનો વિચાર આવ્યો. પરંતુ તેમની પાસે તે સમયે મૂર્તિ બનાવવા માટે આરસ ખરીદવાના પૈસા પણ નહોતા. એક દિવસ એ આરસ શોધવા માટે બજારમાં નીકળી પડ્યા. રસ્તામાં એક  બાજુ પર પડેલા પથ્થર પર તેની નજર પડી. એકદમ ગંદો અને ખરબચડો પથ્થર જોઇને તે રસ્તાની બાજુ પર આવેલી આરસની દુકાનમાં જઈને તેણે દુકાનદારને પૂછ્યું, ભાઈ  પેલો પથ્થર તમારો વેચવાનો છે? દુકાનદારે જવાબ આપ્યો, ભાઈ એ તો ફેકી દેવાયેલો છે. કોઈ કામનો નથી અને તેમાંથી કઈ બની શકે તેમ પણ નથી.તારે લેવો હોય તો લઇ જા,મારે તેના એક પણ પૈસા જોઈતા નથી. દુકાનદારની આ વાત સાંભળી માઈકલ ખુશ થઇ ગયો અને તે પથ્થર  ઘરે લઇ ગયો. ઘરે જઈ તે પથ્થરને ધોઈ સ્વચ્છ કરી એમાંથી મૂર્તિ ઘડવાનું શરુ કર્યું.  એ પથ્થરમાંથી મિસ મેરી અને જીસસ એકબીજાને ભેટતા હોય એવું મા-દીકરાનું અદભૂત  શિલ્પ કંડાર્યું અને એ શિલ્પ દુનિયાની અમર કૃતિ બની ગઈ.
આ અંગે માઈકલને પૂછવામાં આવ્યું કે તમે શિલ્પ માટે રસ્તે પડેલા પથ્થરને કેમ પસંદ કર્યો? ત્યારે તેમનો જવાબ હતો કે પથ્થર કોઈ પણ હોય તેમાંથી શિલ્પ ઘડવાનું કામ મારું હતું. શિલ્પકાર ધારે તો ગમે તેવા પથ્થરમાંથી પણ મૂર્તિ ઘડી શકે છે. મને એમ લાગ્યું કે પથ્થરમાં રહેલો આત્મા મને બોલાવતો હતો. બસ, આ જ રીતે શિક્ષક પણ એક શિલ્પકાર બનીને કોઈપણ વિદ્યાર્થીને મહાન બનાવી શકવાની ક્ષમતા ધરાવે છે.
શિક્ષકે એક મહાન કાર્ય કરવાનું હોય છે. આ મહાન કાર્ય એટલે વિદ્યાર્થીઓને નવી નવી પ્રેરણા આપવાનું,પોતાનો વિદ્યાર્થી બીજાથી કઈક જુદું કરી શકે, બીજાથી વિશેષ આપી શકે અને બીજાથી કઈક નવી બાબતો વિકસાવી શકે તેનું જ્ઞાન આપવાનું કાર્ય શિક્ષકે કરવાનું છે.સાચો શિક્ષક એ છે જે વિદ્યાર્થીને તેની અંદર રહેલી ક્ષમતાનો પરિચય કરાવી શકે અને તેનું માર્ગદર્શન આપે.અબ્દુલ કલામને એક સભામાં પૂછવામાં આવ્યું કે શિક્ષકનું ઉત્તમ કાર્ય કયું? તેમનો ઉત્તર હતો, શિક્ષકનું ઉત્તમ કાર્ય વિદ્યાર્થીઓને ઊંચા સપના જોવડાવવાનું છે. જો વિદ્યાર્થી સપના નહિ જુએ તો તે આગળ વધી નહિ શકે. સ્વપ્ન જ કોઈ પણ માણસને પોતાનું ભવિષ્ય રચવાની શક્તિ પૂરી પાડે છે.સ્વપ્નો જ માણસને આગળ વધવા માટેની શક્તિ પુરી પાડે છે.
શિક્ષકને સમાજે કેટલું મહાન દાયિત્વ સોપ્યું છે!!. એક રીતે શિક્ષક એ સમાજની કરોડરજ્જુ છે. એ જેટલો પ્રજ્ઞાવાન એટલો સમાજ પણ મજબુત અને સમાજની આવતીકાલ પણ વધુ ઉજ્જવળ હશે. તે ભવિષ્યની પેઢીને અસરકારક  ઘાટ આપી શકે છે.શિક્ષક સમાજને જ્ઞાન પૂરું પાડે છે, શિક્ષક દ્વારા જ સમાજમાં ગુણોનું સિંચન થાય છે. શિક્ષક માટે ભણાવવું એ કેવળ વ્યવસાય કે રૂટીન કામ નહિ પરંતુ એક મિશન છે. પ્રત્યેક શિક્ષકે ગર્વ લેવું જોઈએ કે તે એક શિક્ષક છે. ડો. રાધાકૃષ્ણન એક શિક્ષકમાંથી છેક રાષ્ટ્રપતિ પદ પર પહોચ્યા. એમનું સન્માન કરવાનો કાર્યક્રમ યોજાયો. સન્માનના પ્રતિભાવમાં તેમણે કહ્યું, કોઈ વ્યક્તિ શિક્ષકમાંથી રાષ્ટ્રપતિ પદે પહોચે એ માટે સન્માન થાય એ સારી બાબત તો છે જ, પરંતુ   એના કરતા વિશેષ તો કોઈ વ્યક્તિ રાષ્ટ્રપતિનું પદ છોડી શિક્ષક બનવા તૈયાર થાય એ મને વધારે ગમશે. એમાં જ શિક્ષકનું સાચું ગૌરવ છે.

સાંદીપની, વશિષ્ઠ, ચાણક્ય, રાધાકૃષ્ણન જેવી વિભૂતિઓ શિક્ષક જ હતા જેમણે શિક્ષણ દ્વારા સમાજનું પોષણ કર્યું  અને સમાજને નબળો થતો બચાવ્યો છે.શિક્ષકમાં એક શક્તિ છે કે એ  સમગ્ર સમાજને ધારે તે મોડ આપી શકે, ધારે તે ઊંચાઈ પર સ્થાપિત કરી શકે.સમાજની આંતરિક નબળાઈને ડામી શકે. એ જ તો છે શિક્ષકનું પથદર્શક તરીકેનું કર્તવ્ય. પ્રત્યેક શિક્ષક આ કર્તવ્ય બાબતે કઈક કરી છૂટવાનો સંકલ્પ કરે....