Tuesday, 11 September 2018

વિવેકાનંદની સિંહગર્જના


     આજથી બરાબર ૧૨૫ વર્ષ પૂર્વે ઈ.સ. ૧૮૯૩ની ૧૧ સપ્ટેમ્બરના દિવસે ભારતના એક સન્યાસી સ્વામી વિવેકાનંદે શિકાગો વિશ્વ ધર્મ પરિષદમાં સિંહગર્જના કરી.  એ ગર્જના બાદ સમગ્ર વિશ્વનો ભારત તરફ જોવાનો દ્રષ્ટિકોણ બદલાઈ ગયો.

     ગુરુ રામકૃષ્ણ પરમહંસનાં ધર્મ–આધ્યાત્મના વિશ્વમાં પ્રસાર માટે સ્વામી વિવેકાનંદ અમેરિકા ગયા. એક અકિંચન, અસહાય સન્યાસી બધી જ વિષમતાઓ ઉપર વિજય મેળવીને વિશ્વ ધર્મ સંસદના મંચ પર આસીન થયા. તેમણે ક્યારેય જાહેરમાં પ્રવચન કર્યા ન હતા તેથી વિશ્વભરમાંથી ઉમટી પડેલા હજારો વિદ્વાનોને જોઈને  સ્વામીજી પણ થોડીક વાર માટે વિચલિત થયા, પરંતુ ગુરુદેવના આશીર્વાદથી તેમના શ્રીમુખેથી જે ઓજસ્વી વાગ્ધારા  વહેતી હતી તેનાથી હજારો શ્રોતાઓ મંત્રમુગ્ધ થઇ ગયા તે આપણે જાણીએ છીએ.
  
     હિંદુ ધર્મ એટલે મૂર્તિપૂજા અને કર્મકાંડ એવા ભ્રમમાં રાચતા અમેરિકાવાસીઓને  એ વિશ્વાસ જ બેસતો ન હતો કે એક  હિંદુ આવું વિદ્વતાપૂર્ણ ભાષણ કેવી રીતે આપી શકે ! યુરોપ અને અમેરિકામાં સ્વામીજીએ આપેલા સંખ્યાબંધ પ્રવચનો અને વાર્તાલાપોને  પરિણામે પશ્ચિમના લોકોની ભારત અને હિંદુ વિષેની અનેક  ભ્રમણાનું ખંડન થયું. ધાર્મિક સહિષ્ણુતા કોને કહેવાય એનું ભાન સ્વામીજીએ સમગ્ર  પશ્ચિમને  કરાવ્યું. હિંદુ ધર્મ અને આધ્યાત્મ વિશે  પશ્ચિમના વિશ્વમાં ઘર કરી ગયેલ ભ્રમણાઓને  સ્વામીજીએ ધરમૂળમાંથી ઉખેડી નાખી અને કહ્યું કે, ”હિંદુ ધર્મ એટલે કોઈ સિદ્ધાંત,પૂજા પદ્ધતિ કે વિધિવિધાનને અનુસરવું એ જ  નથી, કેમ કે હિંદુનું મન તો શબ્દો કે સિદ્ધાંતોથી ક્યારેય તૃપ્ત થતું નથી. હિંદુ તો આપણી સ્થૂળ દ્રષ્ટિથી અગોચર એવા વિશ્વમાં પણ ભ્રમણ કરી શકે છે, હિંદુ એ છે કે જે આ ભૌતિક સતાક્ષેત્રથી પર એવી સર્વ શક્તિમાન સતાને પોતાની અંતર્દૃષ્ટિ થી પણ જોઈ શકે છે.”

     પશ્ચિમનાં લોકોને સ્વામીજીએ ભાન કરાવ્યું કે જે વિજ્ઞાન માટે તેમને અહંકાર છે તેને તો ધર્મ સાથે સ્નાન-સુતકનો પણ સંબંધ નથી, પરંતુ એ જ વિજ્ઞાનનાં સિદ્ધાંતોને  હિંદુઓ અનાદિ કાળથી જાણતા હતા, એટલું જ નહિ સમગ્ર હિંદુ ધર્મ પણ એ વૈજ્ઞાનિક સનાતન સત્યો ઉપર જ આધારિત છે. સ્વામીજીએ પશ્ચિમમાં સિંહગર્જના કરી કે , બીજા બધા જ ધર્મો એક વ્યક્તિ વિશેષ અને તેના ઉપદેશ ઉપર જ આધારિત છે. એકમાત્ર હિંદુ ધર્મ જ કોઈ વ્યક્તિ વિશેષ કે તેના ઉપદેશ ઉપર નહિ , પરંતુ શાશ્વત જીવનમૂલ્યો ઉપર જ આધારિત  છે. આથી જ, કેવળ હિંદુ ધર્મ જ એક દિવસે વિશ્વધર્મ બનશે,ધર્મ આધ્યાત્મની સંકલ્પનાઓથી અપરિચિત એવા પશ્ચિમમાં સ્વામી વિવેકાનંદે કરેલી સિંહગર્જનાનાં પડઘા આજે પણ વિશ્વભરમાં સાંભળવા મળે છે.

     આજે પણ વિશ્વ ભારત પાસે મીટ માંડીને બેઠું છે. ભારતને વિશ્વગુરુ બનાવવા માટે સૌ સામુહિક પ્રયાસ કરીએ...

Tuesday, 14 August 2018

કૃતિશીલ દેશભક્તિ (Patriotism in Action)


દેશભક્તિ એટલે શું?
મોટા ભાગે એવી માન્યતા છે કે દેશભક્તિ એ  સ્વાતંત્ર્ય સેનાનીઓ, દેશની સરહદ પર રહીને  દેશની રક્ષા કરતા સેનાનીઓ, પોલીસ, નેવીના જવાનો માટે જ છે. દેશભક્તિના આવા સંકુચિત ખ્યાલમાંથી આપને સૌએ બહાર આવવું પડે. દેશભક્તિ એ પોતાની માતૃભૂમિ પ્રત્યેની અપાર લાગણી, ઋણ અને કૃતજ્ઞતાનો ભાવ છે.એ ભાવ હૃદયની ઊર્મીઓમાથી પ્રગટે છે. આવો પ્રેમ અને કૃતજ્ઞતાનો  ભાવ જ્યારે વ્યવહારમાં આવે છે ત્યારે એ રાષ્ટ્રભક્તિ કહેવાય છે.સાદી અને સરળ ભાષામાં માતૃભૂમિ પ્રત્યેની અનહદ   લાગણી, પ્રેમ  અને સન્માનની ભાવના...પ્રત્યેક વ્યક્તિમાં પ્રેમની લાગણી સહજ હોય છે.આ પ્રેમની લાગણી પોતાની માતૃભૂમિ પ્રત્યે જાગે ત્યારે એ રાષ્ટ્રભક્તિ, દેશભક્તિ બને છે. પોતાની માતૃભૂમિ ની આ ભક્તિ એ ગર્વ અને ગૌરવ ની લાગણી  જન્માવે છે. જેવી રીતે સૈનિકો ને પોતાની માતૃભૂમિ પ્રત્યે પ્રેમ અને સમર્પણનો ભાવ હોય છે જેના કારણે તેઓ કઈ પણ સમર્પિત થવા તૈયાર હોય છે એને આપણે દેશભક્તિ તરીકે જનસામાન્ય સમાજ ઓળખે છે.૧૮૫૭ થી શરુ થયેલો સ્વાતંત્ર્ય સંગ્રામ ૧૯૪૭ સુધી ચાલ્યો,,એમાં અનેક લોકો એ પોતાના જાનનું  બલિદાન આપ્યું અનેક સંઘર્ષો કર્યા... એ કોના માટે? પોતાની માતૃભૂમિ પ્રત્યેના પ્રેમ,  ત્યાગ અને સમર્પણ ની ભાવના ને  લીધે. એટલે આવા સ્વાતંત્ર્ય સેનાનીઓને  આપણે દેશભક્ત મહાપુરુષ તરીકે ઓળખીએ છીએ.   આ બંને દેશભક્તિના ઉત્તમ ઉદાહરણો  છે, પરંતુ પ્રશ્ન એ થાય કે દેશભક્તિ એટલે માત્ર સરહદ પર જવું,? બલિદાન આપવું ?, પોતાના પ્રાણોની આહુતિ આપી દેવી?  ના....
તો તો દેશભક્ત થવું કપરું કામ છે, બધાના બસ ની વાત જ  નથી.
વાસ્તવમાં આ દેશનો સામાન્ય વ્યક્તિ પણ દેશભક્ત હોય છે,દેશ ભક્તિનું બીજ દેશમાં વસતા જનજનના  હૃદયમાં વવાયેલું છે જ. એને જરૂર હોય છે-ખાતર પાણીની અને યોગ્ય આબોહવા અને વાતાવરણની. આ બીજમાંથી મોટું વટવૃક્ષ બનવાની ક્ષમતા રહેલી છે. આ બીજને સક્રિય કરવા પડશે. કેવળ વાતો થી નહિ ચાલે. એને આચરણમાં લાવવી પડશે. પેઢી  દર પેઢી એનું હસ્તાંતરણ થવું જોઈશે., એ માત્ર સૈદ્ધાંતિક ચર્ચાઓથી નહિ પણ, આપણી કૃતિથી જ થઇ શકશે. ભારતના નાગરિકોને મા ભારતી પ્રત્યે અનંત આદર છે, કારણ કે આ પ્રજાએ ગુલામી જોઈ છે. ભારતમાતાના પગમાં બેડીઓ પડેલી જોઈ છે. આઝાદીની કિંમત આ પ્રજાએ ચૂકવી છે, પણ  ઘણું ભુલાઈ ગયું છે. ઘણું આભાસી થઈ ગયું છે. દેશપ્રેમ છે, પણ તે દર્શાવવાના રસ્તા નથી જાણતા....
દેશભક્તિના વિવિધ પ્રયોગો:-
Ø  આપણા વાણી , વિચાર અને વ્યવહારમાં  રાષ્ટ્રનો પ્રથમ વિચાર કરીએ છીએ તો એ દેશભક્તિ જ છે. સમાજમાં આવતા અનેક પડકારો તમને હચમચાવી દે છે અને કઈક કરવા માટેની તીવ્ર લાગણી  થાય છે તે દેશભક્તિ જ છે. ક્યાંક ખોટું થઇ રહ્યું છે તેની સંવેદના ઉભી થાય છે એ દેશભક્તિ જ છે.
Ø  તેના માટે સરહદ પર લડવા જવું અનિવાર્ય નથી.
તેના માટે કોઈ સલામતી દળમાં જોડાવું અનિવાર્ય નથી.
તેના માટે કોઈ પદ પર હોવું જરૂરી નથી.
તેના માટે કોઈ વિશેષ સુવિધાની જરૂર નથી.
તેના માટે કોઈ સાધન, શસ્ત્ર, સરંજામથી સજ્જ થવાની જરૂર નથી.
તેના માટે કોઈ શિક્ષણ-પ્રશિક્ષણની આવશ્યકતા નથી.
તેના માટે સ્નાયુબદ્ધ શક્તિશાળી હોવું જરૂરી નથી.
તેના માટે કોઈ ચોક્કસ કોમ, જ્ઞાતિ, નાતના હોવા અનિવાર્ય નથી.
તે કોઈનો ઇજારો નથી અને કોઈ ચોક્કસ વર્ગની જ ફરજ નથી.
તેના માટે કોઈ ગણવેશ વર્દી જરૂરી નથી.
તેના માટે સરકારની મંજૂરીની આવશ્યકતા નથી.
દેશભક્તિ
રાષ્ટ્રપ્રેમ
દિલમાંથી પ્રગટે છે.
બારેમાસ વહે છે.
ખુમારી આપે છે.
સંતુષ્ટી આપે છે.
તેજ આપે છે.
તાકાત આપે છે.
એ સંસ્કારમાં સિંચાય છે
રાષ્ટ્રગીત સાંભળતી વખતે તમને ઊભા થઈ જવાની અદમ્ય ઇચ્છા થઈ આવે છે? તમે સાવધાન થઈ જાઓ છો? તમારાં રૂંવાડાં ઊભાં થઈ જાય છે? રક્તપ્રવાહ ઝડપી થઈ જાય છે? એ તમારી માતૃભૂમિ, તમારા નેશન પ્રત્યેની તમારી લાગણી દર્શાવે છે.
Ø  તમે રસ્તા પર કચરો ન ફેંકો એ દેશભક્તિ છે.
તમે જાહેરમાં થૂંકો નહીં એ દેશભક્તિ છે.
તમે ટ્રાફિક સેન્સ દર્શાવો એ દેશભક્તિ છે.
તમે કરવેરા ભરો એ દેશભક્તિ છે.
તમે સરકારી સંપત્તિનું રક્ષણ કરો એ દેશભક્તિ છે.
તમે બસ-ટ્રેનની સીટ ન ચીરો એ દેશભક્તિ છે.
તમે શહેરની દીવાલો ગંદી ન કરો એ દેશભક્તિ છે
તમે બીજા નાગરિકને મદદરૂપ થાઓ એ દેશભક્તિ છે.
તમે લાઇનમાં ઊભા રહો એ દેશભક્તિ છે.
તમે સામાજિક સેવા કરો એ દેશભક્તિ છે.
યાદી અનંત છે. દરેક કામમાં તમે દેશદાઝ દેખાડી શકો. અન્નનો બગાડ નહીં કરીને, પાણી બચાવીને, નેચરલ રિસોર્સનો મર્યાદિત ઉપયોગ કરીને. કંઈ કેટલીય રીતે રાષ્ટ્રભક્તિ બનાવી શકાય.
તમને રાષ્ટ્રએ જે આપ્યું છે તેનો બદલો વાળવા માટેનું કોઈ કામ તમે કરો છો ખરા? ભારતમાતાના ખોળે પેદા થવું એ આપણું સૌભાગ્ય છે, પણ એ જનની જન્મભૂમિ માટે કશું ન કરવું એ આપણું અભાગ્ય છે. વિચારશો તો અમલ પણ કરશો, કરાવશો. દેશ તો આઝાદ થતાં થઈ ગયો, તેં શું કર્યું ની જેમ કોઈ પૂછે કે માતૃભૂમિ માટે કંઈ કરો છો ખરા?  તો જવાબ આપવા પૂરતું તો કંઈક હોવું જોઈએ ને.....

Thursday, 11 January 2018

સ્વામી વિવેકાનંદ નું યુવાનોને આહવાન....

“જરૂર છે મર્દોની, સાચા મર્દોની; બીજું બધું તો થઇ રહેશે, પણ ખરેખર તો બળવાન, પ્રાણવાન, શ્રદ્ધાવાન અને અણિશુદ્ધ નિષ્ઠાથી ઉભરતા નવ યુવકોની જરૂર છે. જો આવા સો નવયુવકો મળી આવે તો જગતની સૂરત પલટી જાય....” આ શબ્દો છે યુવાઓના પ્રેરણામૂર્તિ ભારતના યુગદ્રષ્ટા સ્વામી વિવેકાનંદના. એક ભાષણમાં સ્વામીજીએ યુવાનોને આહ્વાન કરતાં આ શબ્દો ઉચ્ચાર્યા હતા. આ જગતનો ઉદ્ધાર યુવાનો દ્વારા જ થશે તેવો તેમને વિશ્વાસ હતો.
૨૧મીસદીનું વર્તમાન વિશ્વ એક  નવયૌવનનો સ્પંદન-ધબકાર અનુભવી રહ્યું છે. તાજેતરમાં જ પ્રતિષ્ઠિત બ્રિટીશ ડીક્ષનરી ઓકસફોર્ડ Youth Quake    શબ્દને વર્ષ ૨૦૧૭ નો વર્ડ ઓફ યર જાહેર કર્યો. સર્વગ્રાહી રીતે જોઈએ તો વિશ્વભરમાં તમામ ક્ષેત્રોમાં Youth Quake  થયો છે. દરેક ક્ષેત્રમાં આજે યુવાનોની સક્રિયતા વધી છે. યુવાનો પરિવર્તનના વાહક બન્યા છે. સમાજ્જીવનના તમામ ક્ષેત્રો ચાહે રાજકારણ હોય, બીઝનેસ હોય, પત્રકાર-લેખનનું ક્ષેત્ર હોય કે ફિલ્મ એમ દરેક ક્ષેત્રમાં યુવાનોએ પ્રવેશ કર્યો અને ક્રાંતિ કરી છે.
યુવાનો પાસે અખૂટ શક્તિનો ભંડાર છે. આજે યુવાનો એક એવા આદર્શને શોધી રહ્યા છે જેમના માર્ગદર્શનથી પોતાનો, પરિવારનો, દેશ અને સમાજનો સ્વસ્થ વિકાસ કરી શકે. આવા સમયે સ્વામીજીનું જીવન, તેમની ઓજસ્વી વાણીના શબ્દો વગેરે  સાહિત્ય રૂપે ઉપલબ્ધ છે તેનું ચિંતન યુવાનો ને પ્રેરણા રૂપ બની શકે તેમ છે..સ્વામીજીના ચુંબકીય વ્યક્તિત્વના કારણે તેમના દર્શન માત્રથી હતાશ યુવાનોમાં ઉર્જાનો સંચાર થતો હતો.
યુવાનો સ્વામીજીનો અભ્યાસ કરે તો તેમના જીવનની એક વાત ઉભરીને આવે છે, તે છે સંઘર્ષમય જીવન. ત્તેમનું ૩૯ વર્ષનું ટુકું  જીવન સતત સંઘર્ષમય હતું.તેમને દરેક બાબતોનો સંઘર્ષ કરવો પડ્યો હતો,કોઈપણ ચીજ તેમને સહજ મળી નહોતી; જે મળી તેનો પણ સહજતાથી સ્વીકાર ન કર્યો.રામકૃષ્ણ પરમહંસ જેવા પરમ જ્ઞાની ગુરુ તેમને મળ્યા તો પણ તેમનો સહજતાથી સ્વીકાર ન કરતાં અનેક કસોટી કરી હતી. આપણે સૌ યુવાનો પોતાના જીવનમાં સંઘર્ષ માટે કેટલા પ્રતિબદ્ધ છીએ?....સૌએ ચિંતન કરવાની આવશ્યકતા છે.
સ્વામીજીએ એક સદી પહેલા કરેલ આર્ષવાણીને યાદ કરીએ...”હું ભવિષ્ય જોતો નથી, પરંતુ એક દર્શન સ્પષ્ટ રીતે મારી સામે નજરે પડે છે; આપણી પુરાતન માતા ફરી જાગૃત થઇ છે અને પૂર્ણ પ્રાણવાન તથા પ્રતાપવાન  બની  પોતાના સિહાસન પર બિરાજી છે...” તેમના  સપનાને પૂરા કરવાનો સંકલ્પ આપણે સૌએ કરવાનો છે. આની પૂર્તિ માટે તેમને યુવાનો પર અખૂટ વિશ્વાસ હતો.  તેમણે કહ્યું હતું, “મારી સંપૂર્ણ આશાઓ નવી યુવા પેઢીમાં કેન્દ્રિત થઇ છે. આ લોકોમાંથી જ કાર્યકરો મળશે  જે સિંહની જેમ પરાક્રમ કરી બધી જ સમસ્યાઓને ઉકેલશે...”
જો વર્તમાન સમયમાં ભારતના યુવાનો સ્વામીજીના બતાવેલા સુત્રોને પોતાના જીવનમાં ઉતારે તો, ભારતને વિશ્વમાં અગ્રણી બનવામાં વાર નહિ લાગે. સ્વામી વિવેકાનંદજી ની જયંતિ આપણા માટે અવસર છે કે આપણે આપણા જીવનને સાર્થક બનાવવાનો સંકલ્પ કરીએ અને સમગ્ર વિશ્વને યુવાશક્તિથી સમૃધ્ધ કરીએ.