આજથી બરાબર ૧૨૫ વર્ષ
પૂર્વે ઈ.સ. ૧૮૯૩ની ૧૧ સપ્ટેમ્બરના દિવસે ભારતના એક સન્યાસી સ્વામી વિવેકાનંદે
શિકાગો વિશ્વ ધર્મ પરિષદમાં સિંહગર્જના કરી. એ ગર્જના બાદ સમગ્ર વિશ્વનો ભારત તરફ જોવાનો દ્રષ્ટિકોણ બદલાઈ ગયો.

હિંદુ ધર્મ એટલે
મૂર્તિપૂજા અને કર્મકાંડ એવા ભ્રમમાં રાચતા અમેરિકાવાસીઓને એ વિશ્વાસ જ બેસતો ન હતો કે એક હિંદુ આવું વિદ્વતાપૂર્ણ ભાષણ કેવી રીતે આપી
શકે ! યુરોપ અને અમેરિકામાં સ્વામીજીએ આપેલા સંખ્યાબંધ પ્રવચનો અને વાર્તાલાપોને પરિણામે પશ્ચિમના લોકોની ભારત અને હિંદુ વિષેની
અનેક ભ્રમણાનું ખંડન થયું. ધાર્મિક
સહિષ્ણુતા કોને કહેવાય એનું ભાન સ્વામીજીએ સમગ્ર
પશ્ચિમને કરાવ્યું. હિંદુ ધર્મ અને
આધ્યાત્મ વિશે પશ્ચિમના વિશ્વમાં ઘર કરી
ગયેલ ભ્રમણાઓને સ્વામીજીએ ધરમૂળમાંથી
ઉખેડી નાખી અને કહ્યું કે, ”હિંદુ ધર્મ એટલે કોઈ સિદ્ધાંત,પૂજા પદ્ધતિ કે
વિધિવિધાનને અનુસરવું એ જ નથી, કેમ કે હિંદુનું
મન તો શબ્દો કે સિદ્ધાંતોથી ક્યારેય તૃપ્ત થતું નથી. હિંદુ તો આપણી સ્થૂળ દ્રષ્ટિથી
અગોચર એવા વિશ્વમાં પણ ભ્રમણ કરી શકે છે, હિંદુ એ છે કે જે આ ભૌતિક સતાક્ષેત્રથી
પર એવી સર્વ શક્તિમાન સતાને પોતાની અંતર્દૃષ્ટિ થી પણ જોઈ શકે છે.”
પશ્ચિમનાં લોકોને
સ્વામીજીએ ભાન કરાવ્યું કે જે વિજ્ઞાન માટે તેમને અહંકાર છે તેને તો ધર્મ સાથે
સ્નાન-સુતકનો પણ સંબંધ નથી, પરંતુ એ જ વિજ્ઞાનનાં સિદ્ધાંતોને હિંદુઓ અનાદિ કાળથી જાણતા હતા, એટલું જ નહિ
સમગ્ર હિંદુ ધર્મ પણ એ વૈજ્ઞાનિક સનાતન સત્યો ઉપર જ આધારિત છે. સ્વામીજીએ
પશ્ચિમમાં સિંહગર્જના કરી કે , બીજા બધા જ ધર્મો એક વ્યક્તિ વિશેષ અને તેના ઉપદેશ
ઉપર જ આધારિત છે. એકમાત્ર હિંદુ ધર્મ જ કોઈ વ્યક્તિ વિશેષ કે તેના ઉપદેશ ઉપર નહિ ,
પરંતુ શાશ્વત જીવનમૂલ્યો ઉપર જ આધારિત છે.
આથી જ, કેવળ હિંદુ ધર્મ જ એક દિવસે વિશ્વધર્મ બનશે,ધર્મ આધ્યાત્મની સંકલ્પનાઓથી
અપરિચિત એવા પશ્ચિમમાં સ્વામી વિવેકાનંદે કરેલી સિંહગર્જનાનાં પડઘા આજે પણ
વિશ્વભરમાં સાંભળવા મળે છે.
આજે પણ વિશ્વ ભારત પાસે મીટ માંડીને બેઠું છે. ભારતને
વિશ્વગુરુ બનાવવા માટે સૌ સામુહિક પ્રયાસ કરીએ...