Monday, 7 October 2019

સંઘ બઢતા જા રહા હૈ...


 .. ૧૯૨૫માં વિજયાદશમીના દિવસે નાગપુરમાં ડો.કેશવરાવ બલીરામ હેડગેવાર દ્વારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ નામે શરુ  થયેલું  સંગઠન  આજે  આસેતુ  હિમાચલ  વ્યાપ્ત થઈને  વિશાળ વટવૃક્ષ બની ગયું  છે. પ.પૂ. ડોક્ટર હેડગેવારે જ્યારે આ કાર્યનો પ્રારંભ કર્યો ત્યારે તેમની પાસે સીમિત સાધનો હતા. સંપૂર્ણ હિંદુ સમાજનું સંગઠન કરવાનું બીડું તેમણે ઝડપ્યું હતું. કાર્યનું સ્વરૂપ ઘણું વિશાળ હતું, પરંતુ એનો પ્રારંભ નાના સ્વરૂપમાં થયો હતો. એની સંકલ્પના ડોક્ટર હેડગેવારના મનમાં અવશ્ય હતી. ૧૯૨૫ પહેલા આ ધરતી પર સંઘ નામની કોઈ ચીજ ન હતી, પરંતુ આજે પ્રત્યેક તાલુકા અને ગ્રામ્ય સ્તર  સુધી વિવિધ સ્વરૂપે સંઘનું કાર્ય છે. શૂન્યમાંથી સૃષ્ટિ સર્જાઈ હોય એવો આવિષ્કાર થયો. ઉપેક્ષા, ઉપહાસ, વિરોધ અને અવરોધોને માત આપીને સંઘકાર્ય અવિરત વધતું જાય છે.
આજે આ કાર્ય એક વિશિષ્ટ તબક્કે આવી પહોચ્યું છે. ગત નવ દાયકાથી  પણ વધારે સમયથી આ દેશના ભાગ્યવિધાતા હિંદુ સમાજને જાગૃત અને સંગઠિત કરીને દેશના વિકાસ અને ઉત્થાન માટે પરિશ્રમી બનાવવા માટે સંઘ ભગીરથ પ્રયત્નો કરે છે. સંઘનું કાર્ય શું છે, એનું ધ્યેય શુ છે, એની કાર્યપદ્ધતિ શું છે એની સ્પષ્ટ કલ્પના આજે સમાજ સામે છે. સંઘનું ધ્યેય આપણા આ ભારતને  દુનિયાનો એક સર્વશ્રેષ્ઠ દેશ બનાવવાનું છે. જ્ઞાન-વિજ્ઞાનનાં ક્ષેત્રમાં આપણો દેશ શ્રેષ્ઠ બને, આર્થિક દ્રષ્ટિથી સ્વાવલંબી અને સંપન્ન બને. ભારતે કોઈ દિવસ કોઈ દેશ પર આક્રમણ નથી કર્યું, પરંતુ જો ભારત પર યુદ્ધ લાદવામાં આવે તો યુદ્ધમાં પણ ભારત વિજયી બને. ભારત એક દેશ માત્ર નથી, ભારતની એક જીવન દ્રષ્ટિ છે. આ દ્રષ્ટિ-ચિંતન ભારતની આધ્યાત્મિકતા અને એકાત્મતા છે. એ જ ભારતની ઓળખાણ છે. આ જીવનદ્રષ્ટિ ભારતના પ્રત્યેક ક્ષેત્રમાં વ્યાપ્ત બને એવી સમાજરચના ઉભી કરવી એ સંઘનું કાર્ય છે. સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે આધ્યાત્મિકતા એ ભારતનો પ્રાણ છે. આ આધ્યાત્મિકતા  ભારતના સમાજજીવનના પ્રત્યેક અંગમાં પ્રગટે એવો એક સર્વાંગીણ ઉન્નત સમાજ તૈયાર થાય એ જ સંઘનું કાર્ય છે.
આ ધ્યેયનું સ્મરણ સ્વયંસેવકો પ્રતિદિન પ્રાર્થનામાં કરે છે. ઈશ્વરે  ભારત માટે નક્કી કરેલ ધ્યેય-મિશન પરિપૂર્ણ કરવાની દ્રષ્ટિથી પ્રત્યેક વ્યક્તિને જાગ્રત કરવી, તૈયાર કરવી એ વાતનો સંકલ્પ સંઘની પ્રાર્થનામાં  કરે  છે. આ રાષ્ટ્રીય ધ્યેયનો સાક્ષાત્કાર આપણા ઋષિ-મનીષીઓએ પણ  કર્યો જ છે. મનુષ્યજીવનની સફળતા પ્રાપ્ત કરવા માટે વ્યક્તિગત તથા સમાજજીવનની રચના કેવી રીતે કરવી એ અંગેનું માર્ગદર્શન  સંપૂર્ણ વિશ્વને આપવાની જવાબદારી ભારતની છે.
સમાજહિત, રાષ્ટ્રહિત, દેશહિત કોઈપણ સંજોગોમાં કોઈના ભરોસે ના મૂકી શકાય, આ માટે સમાજે જ પોતાના સામર્થ્ય અને સંગઠન દ્વારા પરિશ્રમ કરવો પડતો હોય છે,  સમાજને આ માટે તૈયાર કરનારા કાર્યકર્તા નિર્માણ કરવાનું કામ સંઘ કરી રહ્યો છે, સંઘની કાર્યપદ્ધતિ દ્વારા  તૈયાર થયેલા કાર્યકર્તાનું કર્તૃત્વ આજે સમાજ સામે છે, અને એના કારણે સમાજમાં એક શ્રદ્ધાભાવ અને વિશ્વાસ ઉભો થયો છે. આજે પ્રત્યેક રાષ્ટ્રીય સંકટની ઘડીએ અને સામાજિક વૈમનસ્યની  ઘડીએ  સામાન્ય જનસમાજ સંઘ પ્રત્યે આશા અને  માર્ગદર્શન  માટે ઉત્સુક હોય છે.
સંઘ માત્ર લેખોમાં કે પુસ્તકોમાં નથી, સંઘ  કૃતિમાં છે. સંઘનો પરિચય તેની કૃતિમાંથી જ મળશે. સંઘના વર્તમાન સરસંઘચાલક મા.મોહનરાવ ભાગવત પોતાના વકતવ્યોમાં અવારનવાર કહે છે,“સંઘને  જાણવો સમજવો હશે તો ડો. હેડગેવારના જીવનને સમજો. સંઘમાં આવો, ૨-૩ વર્ષ સંઘમાં રહેશો તો સંઘને જાણશો. સંઘમાં આવવાથી જ સંઘ વિશેની ગેરમાન્યતાઓ દૂર થશે.”