Saturday, 25 December 2021

સંકલ્પ દિવસ

 

આજે ૨૫મી ડિસેમ્બર,...આજનો દિવસ એટલે ભારતના ઇતિહાસ સાથે અંકિત થયેલ અજોડ ઘટનાનો સ્મૃતિ દિવસ...રામકૃષ્ણ પરમહંસના શિષ્ય એવા  યુવા સન્યાસી સ્વામી વિવેકાનંદ ભારત ભ્રમણ કરતાં-કરતાં કન્યાકુમારી પહોંચે છે. ભારતયાત્રા દરમિયાન તેમણે નિરખેલ સમાજની દુર્દશા તેમના સંવેદનશીલ ચિત્તને ઘેરી વળેલી હોય છે. અચાનક તેમનું ધ્યાન સમુદ્રમાં ઉભેલા એક ખડક પર પડે છે, તેમના મનમાં એક ઝબકારો થાય છે. આ શીલા પર બેસી ધ્યાન કરવાની ઈચ્છાએ સમુદ્રમાં છલાંગ લગાવી તરતાં તરતાં  એ દ્વીપ સમાન શીલા પર પહોંચે છે,... આ દિવસ હતો ૨૫મી ડિસેમ્બર, ૧૮૯૨... શીલા પર પહોંચી ધ્યાનમાં બેસે છે. તેમના જ્ઞાનચક્ષુ આગળ હોય છે ભારતમાતા.. ઉત્તરમાં હિમાલયથી દક્ષિણમાં હિંદ મહાસાગર અને પૂર્વમાં બંગાળના ઉપસાગરથી પશ્ચિમમાં અરબસાગર સુધી ફેલાયેલી ભારતમાતા તેમની સામે હોય છે... પરિવ્રાજકના રૂપમાં ભ્રમણ દરમિયાન નિહાળેલો ભારતનો સમાજ, દુઃખ, ગરીબાઈ, ભૂખમરો, અજ્ઞાન, અંધશ્રદ્ધામાં અટવાયેલો હતાશ સમાજ...

25, 26, 27 ડિસેમ્બર એમ ત્રણ દિવસ-રાત આંખમાં અવિરત આંસુ સાથે એક જ પ્રશ્ન મનમાં ઘૂમરાઈ રહ્યો છે કે ઘણા બધા ધર્મોનું જન્મ સ્થાન અને મિલન ક્ષેત્ર પુણ્યતીર્થ ભારતવર્ષ, ભારતનો ગૌરવભર્યો આધ્યાત્મયુક્ત ઉજ્જવળ ભૂતકાળ છતાં દુઃખ અને  દારિદ્રયમાં ડૂબેલ ગૌરવ ગુમાવી બેઠેલો અને અધ્યાત્મ સંપત્તિથી વિમુખ થયેલો સમાજ અને ગાઢ અંધકારથી ઘેરાયેલું અનિશ્ચિત ભવિષ્ય... !!! ભારતના લુપ્ત થયેલા ગૌરવને ફરીવાર સુપ્રતિષ્ઠિત કરવાનું સંભવ છે?.. તેનો ઉપાય શું? ...ઉચ્ચ શિખરે બિરાજેલુ ભારત કેમ કરતાં અવનતિના પંથે ગયું?.... આવા અનેક પ્રશ્નો તેમની સામે હતા....ભારતનું નજરોનજર નિહાળેલું વાસ્તવિક સ્વરૂપ અને ભવિષ્યનો પથ શોધતા  યુવા સંન્યાસીના મન:સાગરમાં ઉઠી રહેલ આ ઘુઘવાટ ચોતરફ ફેલાયેલા વિશાળ હિન્દ મહાસાગરના ઘુઘવાટ કરતાંય  પ્રચંડ અને પ્રગાઢ હતો.

 

સતત ત્રણ દિવસ એ નિર્જન શીલા પર બેઠેલા યુવા સંન્યાસીને પલટી નાખ્યો. એક આમૂલ સંસ્કારક અને શક્તિમાન આત્માનુભવ સંપન્ન દેશનાયકના રૂપમાં તેઓ પરિવર્તિત થયા. તેમની આંખો સમક્ષ ભારતના ઈતિહાસના અનેક પૃષ્ઠો  જાણે એકી સાથે ખુલી ગયા અને તેમના અંતરચક્ષુ સમક્ષ ભારતીય ધર્મ અને સંસ્કૃતિની ભવ્ય સંભાવનાઓનું એક પૂર્ણ અને ઉજ્જવળ ભવિષ્યનું ચિત્ર ઉપસી આવ્યું.  ભાવિ ભારતને ધર્મ અને સંસ્કૃતિથી પરિપૂર્ણ અને અનેક વિવિધતાઓમાં એકતા સાથે બિરાજમાન અખંડ સત્તારૂપ જોયું. .બસ આ જ જીવનકાર્ય  એ સંકલ્પ મનમાં થયો... ભારતનું સર્વાંગીણ કલ્યાણ એ જ જીવનવ્રત... ધ્યાન અવસ્થામાંથી બહાર આવ્યા ત્યારે તેમના મુખ પર શાંતિ અને સંતોષની આભા છે.. નિર્ભય આંખો, બીડાયેલા હોઠ અને અદબ વાળેલી  ભૂજાઓ તેમના ચિત્તમાં આકાર લઈ રહેલા કોઈ દિવ્ય સંકલ્પની સાક્ષી પૂરે છે..

આ ઘટના ભારત અને વિશ્વના ઈતિહાસ માટે ટર્નિંગ પોઇન્ટ સમાન હતી. ધ્યાન અવસ્થામાંથી બહાર આવ્યા બાદ સ્વામીજીએ યુરોપ, અમેરિકા અને સમગ્ર વિશ્વનો પ્રવાસ કરી સમગ્ર વિશ્વને ભારત અને તેની ભવ્યતાનો પરિચય કરાવ્યો હતો. સ્વામીજીએ ભારતવર્ષ અને તેના વેદાંત હિંદુત્વના વિશ્વને કરાવેલ પરિચયથી સમગ્ર વિશ્વ પ્રભાવિત થયું હતું

સંકલ્પ થી મહાન કાર્યોની પૂર્તિ માટેની ઉર્જા પ્રાપ્ત થાય છે... જેવી રીતે સ્વામીજીએ કરેલો દઢ સંકલ્પ ભારતના નવોત્થાન માટે ટર્નિંગ પોઈન્ટ બન્યો તેવી  રીતે સમાજ પ્રત્યેની સંવેદનામાંથી ઉદ્ભવેલો નાનો સંકલ્પ પણ આપણા વ્યક્તિગત જીવનને નવી ઊંચાઈ આપશે તથા રાષ્ટ્રના પુનર્નિર્માણ માટે નવી દિશા આપશે અને તેના થકી જ સ્વામીજીના સ્વપ્નના ભારત નિર્માણનો માર્ગ સુનિશ્ચિત થશે....