Tuesday, 11 January 2022

યુથ આઇકોન વિવેકાનંદ

 

તારીખ 12મી જાન્યુઆરી, 1863ના રોજ સ્વામી વિવેકાનંદનો જન્મ થયો હતો. સ્વામી વિવેકાનંદના જન્મદિનને ‘રાષ્ટ્રીય યુવા દિન’ તરીકે ઉજવાય છે કારણ કે યુવાનો માટે સ્વામીજી ખૂબ જ આશાઓ ધરાવતા હતા. યુવાનોમાં તેમને અપાર વિશ્વાસ હતો. એ કહેતા કે યુવાનો જ આ દેશની શક્તિ છે. યુવાનો જ ઈતિહાસ બદલી શકશે.

યુવાનોને સંબોધીને તેમણે અનેક સંદેશ આપ્યા છે. યુવાનો સામેના પડકારોનો સામનો કેવી રીતે કરી શકાય તેનું માર્ગદર્શન પણ આપ્યું છે. ભારત દેશ સ્વતંત્ર થયો તેનાં પચાસ વર્ષ પહેલા મદ્રાસના યુવાનો સમક્ષ આપેલા એક પ્રવચનમાં સ્વામીજીએ ઉદઘોષ  કર્યો હતો કે 'મારો વિશ્વાસ યુવા શક્તિ પર છે એમાંથી જ સારા કાર્યકર્તાઓ પેદા થશે  જે તેમના પરાક્રમોથી વિશ્વને બદલી નાખશે.... ‘ સવાસો વર્ષ પહેલા સ્વામીજીએ યુવાનોને સંબોધીને અભૂતપૂર્વ સંદેશ આપ્યો હતો તે આજે પણ એટલો જ પ્રસ્તુત છે..

સ્વામીજીનું સમગ્ર જીવન અને સંદેશ યૌવનનો આદર્શ હતો. ફક્ત ૩૯ વર્ષ, ૫ માસ અને 22 દિવસના ટૂંકા આયુષ્યમાં તેમણે અનેક યુવાનોને પ્રેરીત કર્યા. અનેક મહાપુરુષોના જીવનને પણ  પ્રભાવિત કર્યું છે. આજે પણ એમનું સાહિત્ય વાંચનારના મનમાં કોઈ અગ્નિમંત્રની જેમ ભાવ પેદા કરે છે. એમનાં પુસ્તકોમાંથી  અદભુત ચેતનાનો પ્રવાહ વહે છે. સ્વામી વિવેકાનંદના વિચારો ભારતના યુવાનોના માર્ગમાં સતત અજવાળું પાથરે છે. તેમના ચુંબકીય વ્યક્તિત્વના કારણે તેમના દર્શન માત્રથી હતાશ યુવાનોમાં અદભુત ઉર્જાનો સંચાર થતો હતો. એમની ઓજસ્વી વાણી યુવાનોને હચમચાવી  મુકે તેમ હતી.

આજે વિશ્વ એક નવયૌવનનો ધબકાર અનુભવી રહ્યું છે. યુવાનો પણ પોતાનો વિકાસ કરવા માટે ઝંખે છે. તેમની પાસે જે અખૂટ શક્તિનો ભંડાર પડેલો છે તેનાથી પણ તેઓ પરિચિત થતા જાય છે. તેઓ એવી વ્યક્તિ,એક આદર્શને શોધી રહ્યા છે જે તેમને યોગ્ય માર્ગદર્શન આપી શકે, જેનાથી તેઓ પોતાનો, પોતાના પરિવાર, દેશ અને સમાજનો સ્વસ્થ વિકાસ કરી શકે. ત્યારે કલ્પના કરીએ કે આ યુવાનોને સ્વામી વિવેકાનંદ મળી જાય તો....!!! સ્વામી વિવેકાનંદ કદાચ ન મળે તો પણ તેમણે કહેલી વાતો, તેમના ગ્રંથો સાહિત્ય રૂપે આજે પણ ઉપલબ્ધ છે. યુવાનો તેમાંથી અભ્યાસ કરે તો સ્વામીજી  સાક્ષાત આપણી સાથે છે તેઓ અનુભવ થઈ શકે અને તેમાંથી પ્રેરણા લઈને પોતાના વ્યક્તિત્વનો વિકાસ કરી સમાજકાર્ય માટે આગળ આવી શકે એમ છે. કારણકે તેમનું સાહિત્ય પણ એટલું જ ઉત્સાહવર્ધક છે.

યુવાનો સ્વામીજીના જીવનનો અભ્યાસ કરે તો તેમના જીવનની એક વાત ઉભરીને આવે છે તે છે સંઘર્ષમય જીવન. તેઓ પરિસ્થિતિના પ્રવાહમાં વહી જાય એવા નહોતા. તેમને દરેક બાબતોમાં સંઘર્ષ કરવો પડ્યો હતો. કોઈ પણ ચીજ તેમને સહજ રીતે મળી નહોતી. જે મળી તેનો પણ સહજતાથી સ્વીકાર ન કર્યો. રામકૃષ્ણ પરમહંસ જેવા ગુરુ તેમને મળ્યા તેમનો પણ સહજતાથી સ્વીકાર ન કરતાં  અનેક વાર કસોટી કરી હતી. આપણે સૌ યુવાનો પોતાના જીવનમાં સંઘર્ષ માટે કેટલા કટિબદ્ધ થયા છીએ તે  સૌએ ચિંતન કરવાની આવશ્યકતા છે.

આજના ભારતને યુવા ભારત કહેવામાં જરાય અતિશયોક્તિ નથી કારણકે આપણા દેશમાં અસંભવને સંભવ કરી શકનારી યુવા શક્તિની સંખ્યા સૌથી વધારે છે. હાલ ભારતની ૬૫ ટકા જેટલી જનસંખ્યામાં યુવાનો છે. આજે આપણા દેશમાં અનેક યુવાનો છે કે જેમણે નાની ઉંમરમાં મોટા મોટા શીખરો સર કરીને દેશને ગૌરવ અપાવ્યું છે. અનેક ક્ષેત્રોમાં ઇનોવેટિવ કામ કરનારા અને ન્યુ સ્ટાર્ટઅપ કરનારા ગૌરવશાળી યુવાનો એ નવા ભારતની શક્તિ છે.

આજે ભારત વિશ્વમાં સૌથી વધુ ઝડપી ગતિએ વિકાસ કરતો દેશ છે દરેક ક્ષેત્રમાં ભારત આગળ વધી રહ્યું છે આપણી ભીતર અનેક શક્તિઓ અને શક્યતાઓ રહેલી છે. સ્વામી વિવેકાનંદ અને તેમનો સંદેશ આપણી શક્તિઓને ફરીથી યાદ અપાવે છે .. જ્યારે ભારત ગુલામીમાંથી મુક્ત થવા મથતો હતો ત્યારે ભારતનું ભાવિ ઉજ્જવળ છે એવું કહેનાર તેઓ એકલા જ હતા. જ્યારે ભારત સમૃદ્ધ બને એવી કોઈને આશા પણ નહોતી ત્યારે એકલા વિવેકાનંદે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભારત  ફરી પોતાના રાજ સિંહાસન પર બિરાજશે...

એક સદી પહેલાં સ્વામી વિવેકાનંદે કરેલી આર્ષવાણીને યાદ કરીએ, “ હું ભવિષ્યને જોતો નથી પરંતુ એક દર્શન સ્પષ્ટ રીતે મારી નજરે પડે છે આપણી પુરાતન માતા ફરી જાગૃત થઈ છે અને પૂર્ણ પ્રાણવાન તથા પ્રતાપમાં બની પોતાના રાજ સિંહાસન પર બિરાજે છે શાંતિ અને આશીર્વાદને સુરે જગત સમક્ષ તેનો મહિમા ગાવ....”

જો વર્તમાન સમયમાં ભારતના યુવાનો સ્વામીજીના બતાવેલા આ સંદેશને પોતાના જીવનમાં ઉતારે તો ભારતને વિશ્વમાં અગ્રણી બનતા વાર નહિ લાગે.