Wednesday, 8 November 2023

ઉત્સવોથી અર્થતંત્રને ગતિ મળે છે.....

 


દિવાળીના ઉત્સવોનું વાતાવરણ જામી રહ્યું છે. વર્ષોથી ભારતનું અર્થતંત્ર ઉત્સવ આધારિત  બનાવવામાં આવ્યું છે. ઉત્સવ આધારિત અર્થતંત્રના મૂળમાં પરિવારને મહત્વનું અંગ ગણવામાં આવે છે. ભારતની પરિવાર વ્યવસ્થા એ ભારતના અર્થતંત્ર માટે વરદાન સમાન છે. ભારતીય સમાજમાં પ્રત્યેક વર્ગમાં પરંપરાગત રોજગાર અથવા રોજગાર આધારિત વિશેષ કાર્ય ઉપલબ્ધ છે જેના જ્ઞાનને  એક પેઢીમાંથી બીજી પેઢીમાં હસ્તાંતરિત કરવામાં આવે છે.

 

માટીના વાસણો બનાવવાથી લઈને હસ્તકલા સાથે સંલગ્ન કાર્ય,  લાકડાના ઉપયોગથી વિવિધ પ્રકારના સાધનો બનાવવા જેવા વ્યવસાય,  મોટા મોટા  ભવનો બનાવવા સુધી તમામ પ્રકારના પરંપરાગત વ્યવસાય પરિવારોમાં   એક પેઢીથી બીજી પેઢીમાં આગળ વધે છે. આ ઉપરાંત એવા અનેક પ્રકારના કાર્યો પણ છે જેનાથી પેઢી દર પેઢી આવા કાર્યો પરંપરાગત ચાલ્યા આવ્યા છે.

 

સમગ્ર ભારતમાં દીપાવલી, દશેરા, ગણેશ ઉત્સવ, મકરસંક્રાંતિ, રક્ષાબંધન જેવા પ્રમુખ તહેવારો દરમિયાન સમગ્ર  દેશની અર્થવ્યવસ્થાને ગતિ મળે છે, ખાસ કરીને ગણેશોત્સવથી લઈને દિપાવલી સુધીના સમયમાં આવતા વિવિધ ઉત્સવો અર્થવ્યવસ્થા માટે બુસ્ટર સમાન હોય છે. દિવાળીમાં હાથ બનાવટની વસ્તુઓથી લઈને પૂજા ઉપાસનામાં વપરાતી વસ્તુઓ સ્થાનિક સ્તર પર તૈયાર થાય છે જેના કારણે સ્થાનીય અર્થતંત્રની સાથે સાથે રાષ્ટ્રીય અર્થતંત્ર પણ મજબૂત બને છે. સમય અનુસાર બજારની માંગને ધ્યાનમાં લઈએ તો સિઝનલ ધંધા કરવાવાળા નાના-મોટા વેપારીઓ માટે આ બધા ઉત્સવ મુખ્ય ભૂમિકા ભજવે છે. ભારતીય ઉત્સવના માધ્યમથી પરિવારને આર્થિક સંપન્નતા મળે છે અને ભારતીય સમાજ આત્મનિર્ભર બને છે.

 

અર્થવ્યવસ્થાના તમામ ક્ષેત્રો દિપાવલીના ઉત્સવને ધ્યાનમાં રાખી પોતાની યોજના તૈયાર કરવામાં લાગી જાય છે. દિપાવલીનો તહેવાર રસ્તા પર ઉભા રહેતાં લારી ગલ્લાવાળાથી લઈને મોટા મોટા શોરૂમ સુધી બધાને વ્યાપારની તક આપે છે. દિવાળીના તહેવાર સમયે વ્યક્તિગત અને ઘરવપરાશની વસ્તુઓ, ઇલેક્ટ્રોનિક વસ્તુઓની માંગ પુષ્કળ રહે છે જેમાં મોબાઈલ ફોન, વોશિંગ મશીન, રેફ્રિજરેટર જેવા ઉપકરણોની માંગ સવિશેષ રહે છે. ઓટોમોબાઇલ સેક્ટર પણ દિવાળી સમયે વૃદ્ધિ પામે છે

 

બદલાતા સમય સાથે ભારતની ઉત્સવ પરંપરા વધુને વધુ મજબૂત થતી જાય છે. સામાન્ય લોકોમાં પણ ઉત્સવ પ્રત્યે સકારાત્મક અભિગમ જોવા મળે છે. આ બધું જોતા ભારતીય બજાર અર્થતંત્ર ઉન્નતિના શિખર પર વધી રહ્યું હોય તેમ જણાય છે. આ સંદર્ભે આપણી પરિવાર વ્યવસ્થા  જેટલી મજબુત  અને સુદ્રઢ બનશે તેટલું ભારતનું અર્થતંત્ર પણ મજબૂત બનશે.

 

Tuesday, 24 October 2023

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ...૧૦૦ વર્ષ

 

૧૯૨૫માં વિજયાદશમીના દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના થઈ. ૯૮ વર્ષમાં એક નાના બીજમાંથી વિશાળ વટવૃક્ષ બનવાની સંઘની આ યાત્રા સરળ નથી રહી. અનેક વ્યક્તિઓ, વિચારો અને સંસ્થાઓ દ્વારા સંઘને જડમૂળથી ઉખાડી નાખવાના અનેક પ્રયત્નો, ષડયંત્રો થયા. તેમ છતાં સંઘના કાર્યકર્તાઓના અથાક પરિશ્રમ, ધૈર્ય, ત્યાગ અને સમર્પણના આધારે તથા સમાજના આશીર્વાદથી  સંઘનો વિસ્તાર અને પ્રભાવ સતત વધતો રહ્યો. સમાજકાર્ય માટે પ્રતિબદ્ધ રહી આટલા લાંબા સમય સુધી એક  સ્વયંસેવી સંગઠન સાતત્યપૂર્ણ વૃદ્ધિ પામે  તેવું વિશ્વભરમાં અન્ય કોઈ સંગઠન નથી.  સંઘની શતાબ્દીનું વર્ષ નજીક છે ત્યારે સમાજમાં પણ આ અંગે ભારે ઉત્સુકતા છે. સંઘના આ  વિશાળ કાર્યને મર્યાદિત શબ્દોમાં વર્ણન કરવું  અસંભવ  છે.

 

સંઘના કાર્યનો આત્મા તેની રોજેરોજ ખુલ્લા મેદાનોમાં  લાગતી શાખાઓ છે. શાખાના માધ્યમથી વ્યક્તિઓને સંસ્કારી અને  સમાજકાર્ય માટે ધ્યેયનિષ્ઠ નાગરિક તૈયાર કરવા એ સંઘનું મૂળભૂત કાર્ય છે.  નિત્ય શાખા દ્વારા દેશભક્તિના સંસ્કાર મળતા રહે છે. નિત્ય દેશભક્તિના સંસ્કાર એ શાખાની કાર્યપદ્ધતિની વિશેષતા છે. તેની સ્થાપનાના પહેલા દિવસથી જ સંઘ આ કાર્ય કરી રહ્યું છે. આજે દેશના પ્રત્યેક તાલુકા સુધી સંઘકાર્યનો વિસ્તાર અને વ્યાપ થયો છે.

 

શાખા પદ્ધતિના આધારે સંસ્કારિત થયેલા  સ્વયંસેવકો  સમાજની  એકતા માટે, સ્વસ્થ અને સમરસ સામાજિક જીવન માટે તથા સમાજ પ્રત્યે મારું કર્તવ્ય છે એવા સેવાભાવથી સમાજના વિવિધ આયામોમાં  સક્રિય થતા ગયા અને ત્યાં સંઘની પ્રેરણાથી અનેક સંગઠનો ઊભા કર્યા. આવા તમામ સમવિચારી સંગઠનો સમાજમાં રાષ્ટ્રીય હિતોનું સંરક્ષણ કરતાં કરતાં સકારાત્મક પરિવર્તનના વાહક બન્યા છે. શિક્ષણ, કલા, ફિલ્મ, સાહિત્ય, ખેલ, ઉદ્યોગ, વિજ્ઞાન, આર્થિક, મજદૂર, એન્જિનિયર, ડોક્ટર, પ્રધ્યાપક એમ વિવિધ વ્યવસાયી વર્ગોના સમૂહની વચ્ચે સંઘના સમવિચારી સંગઠન પ્રામાણિકતાથી કાર્ય કરી રહ્યા છે. સંઘની અપેક્ષા છે કે આ બધા જ ક્ષેત્રોમાં સ્વયંસેવકો રાષ્ટ્રીય વિચારને પ્રભાવિત કરે અને આ દ્વારા  રાષ્ટ્રીય ચારિત્ર્યનું નિર્માણ થાય..

 

એક સામાજિક સાંસ્કૃતિક સંગઠન હોવાના કારણે હિન્દુ સમાજ પર આવતી વિવિધ  સમસ્યાઓનો વિચાર કરીને તેના નિરાકરણ માટે સંઘ સંવેદનશીલ  અને સતત પ્રયત્નશીલ છે.. સામાજિક વિષમતાની સમસ્યા આપણા સમાજમાં અનેક વર્ષોથી પ્રચલિત છે. સમાજજીવન જાતિગત ભેદોના કારણે અસ્વસ્થ છે. સમતાયુક્ત અને શોષણમુક્ત સમાજજીવન નિર્માણ થાય એ સ્વસ્થ સમાજની નિશાની છે. એટલા માટે સંઘે પોતાના કાર્યમાં સામાજિક સમરસતાના કાર્યને પ્રાધાન્યતા આપી છે.  સામાજિક વિષમતાનું નિરાકરણ એક લાંબી પ્રક્રિયા છે. એના નિરાકરણ માટે સમાજના   સામુહિક પ્રયાસો અનિવાર્ય છે. સમાજના સહયોગ અને પ્રયાસથી   એના પર  અવશ્ય વિજય પ્રાપ્ત થઈ શકે છે.  

ગત છેલ્લા વર્ષોમાં પર્યાવરણ અસંતુલન વિષયમાં સમગ્ર વિશ્વ ગંભીર દેખાઈ રહ્યું છે. ગ્લોબલ વોર્મિંગની સમસ્યાથી લઈને નૈસર્ગિક સંપત્તિનું અમર્યાદિત શોષણ એ ગંભીર પડકાર છે. સંઘે આ ક્ષેત્રમાં કાર્ય કરનારી સંસ્થાઓ સાથે સંપર્ક સાધીને સંવેદના જગાડી છે. આ માટે જળ, પ્લાસ્ટિક તથા વૃક્ષોના સંદર્ભમાં સમસ્યાઓનું અધ્યયન કરીને પર્યાવરણ સંરક્ષણ તથા સંતુલનને પ્રાથમિકતા આપી છે.

 

ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં કુટુંબનું વિશેષ મહત્વ છે. ભારતીય ચિંતન અને માન્યતા પ્રમાણે સમાજનો સૌથી નાનો એકમ વ્યક્તિ નહિ પરંતુ  કુટુંબ છે. ભારતીય આધ્યાત્મિક દ્રષ્ટિથી કુટુંબ એ ‘હું થી આપણી’ યાત્રાનું પહેલું કદમ છે. શહેરીકરણ અને જીવનની વ્યસ્તતાના કારણે પરિવારો સંકોચાતા  જાય છે. બધાને એકસાથે પોતાની ધરોહર, પરંપરા, ઉત્સવ વગેરે માટે સમય મળતો નથી તેથી સપ્તાહમાં ઓછામાં ઓછા એક વાર કુટુંબના બધા સદસ્યો એકત્ર આવી પોતાની, પરિવારની, દેશની પરંપરા, સંસ્કૃતિ તથા સામાજિક પરિસ્થિતિનું વિશ્લેષણ અને એ પ્રત્યે પોતાના કર્તવ્યની ચર્ચા કરે. આ દ્રષ્ટિકોણ સાથે સંઘે કુટુંબ પ્રબોધનનું કામ શરુ કર્યું છે અને એ દ્વારા કુટુંબ વ્યવસ્થા સુદ્રઢ બને તે માટે પ્રયાસ શરુ કર્યા છે.

 

સમાજહિત, રાષ્ટ્રહિત, દેશહિત કોઈપણ સંજોગોમાં કોઈના ભરોસે ના મૂકી શકાય, આ માટે સમાજે જ પોતાના સામર્થ્ય અને સંગઠન દ્વારા પરિશ્રમ કરવો પડતો હોય છે,  સમાજને આ માટે તૈયાર કરનારા કાર્યકર્તા નિર્માણ કરવાનું કામ સંઘ કરી રહ્યો છે, સંઘની કાર્યપદ્ધતિ દ્વારા  તૈયાર થયેલા કાર્યકર્તાનું કર્તૃત્વ આજે સમાજ સામે છે, એના કારણે સમાજમાં એક શ્રદ્ધાભાવ અને વિશ્વાસ ઉભો થયો છે.  સમાજવ્યાપી બનવાની સાથે સમાજમનમાં એક આગવી ઓળખ બનાવીને સંઘ સમાજ માટે  આશ્વસ્ત  શક્તિના રૂપમાં સ્થાપિત થયો છે. એટલા માટે પ્રત્યેક રાષ્ટ્રીય સંકટની ઘડીએ અને સામાજિક વૈમનસ્યની  ઘડીએ  સામાન્ય જનસમાજ સંઘ પ્રત્યે આશા અને  માર્ગદર્શન  માટે ઉત્સુક હોય છે.

 

સંઘકાર્યને વ્યાપક કરવાની સાથે સાથે સમાજના સજ્જનોની શક્તિનો સમન્વય કરીને સમાજની એવી શક્તિ નિર્માણ થાય  કે જેના આધાર પર ભારતને ગૌરવશાળી અને વૈભવ સંપન્ન બનાવવાના માર્ગ પર આગળ વધીએ એ જ સંઘનો ધ્યેય માર્ગ છે. પોતાના કર્તવ્યોને સમજીને સમાજની સજ્જન શક્તિ પોતાનું કામ કરતાં કરતાં પરસ્પર પૂરક બની દેશહિતમાં સક્રિય બને તેવી સંઘની અપેક્ષા છે. આ કાર્ય જેટલું તીવ્ર બનશે તેના આધાર પર સમાજ પરિવર્તન થઈ શકશે.

 



 

Monday, 20 February 2023

ગુરુજી : જીવનદ્રષ્ટિ

 


    કેટલાક મહામાનવો એવા હોય છે કે જેમના જીવનમાં દેશ અને સમાજ પ્રત્યે સર્વ સમર્પણની ઉત્કટ ભાવના હોવાને કારણે કેવળ ધ્યેય બાકી રહે છે. ‘ધ્યેય આયા દેહ લેકર’ એ ઉક્તિને સાર્થક કરનારા એ જીવનો હોય છે. આવા જીવનની પરંપરા એ આપણા રાષ્ટ્રજીવનની શાશ્વત સંપદા છે. પંથ, સંપ્રદાય, ભાષા, પ્રાંત વગેરેથી ઉપર ઉઠી આવા જીવનો સમાજ માટે હંમેશા પ્રેરણારૂપ હોય છે...

 

    રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દ્વિતીય સરસંઘચાલક શ્રી માધવરાવ સદાશિવરાવ ગોળવલકરનું જીવન આવું ઉચ્ચ કોટીનું જીવન હતું. તેમનું જીવન સેંકડો લોકોને રાષ્ટ્ર માટે સમર્પણની પ્રેરણા આપે છે.

 

    પૂજનીય ગુરુજી 33 વર્ષ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક રહ્યા. અલૌકિક, પ્રતિભાસંપન્ન વ્યક્તિત્વ, તેજસ્વી અને પવિત્ર, સતત કાર્યરત ઋષિતુલ્ય જીવન, ધીરોદ્દાત નેતૃત્વ અને કર્તૃત્વ, દુરગામી અને મૂળગામી દ્રષ્ટિ વગેરે દૈવીસંપદા યુક્ત તેમનું જીવન રહ્યું. કોટી કોટી સ્વયંસેવકોના હૃદય ઉપર તેમના સ્નેહે પોતાનું અધિરાજ્ય સ્થાપિત કર્યું.

 

    શ્રી ગુરુજીનો ધાર્મિક ક્ષેત્રે અત્યંત નિકટનો સંબંધ હતો. ગુરુજી જ્યારે જ્યારે સાધુ, સંત, મહંત, મોટા મઠોની મુલાકાત લેતા ત્યારે એમની સાથે હિન્દુ સમાજની પરિસ્થિતિ વિશે ચર્ચા કરતા અને એમને વિનંતી કરતા કે યુગાનુકુલ ધર્મજાગૃતિ કરવાની આજે આવશ્યકતા છે. ધર્મભાવના જાગરણની અનિવાર્ય આવશ્યકતાના મિશ્ર પ્રભાવ અને પ્રેરણાથી ગુરુજીના મનમાં એક કલ્પના સાકાર બની અને તે માટે પ્રયત્નો શરૂ થયા. આ પ્રયત્નોના પરિણામે 1964માં જન્માષ્ટમીના પવિત્ર દિવસે વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના થઈ.

 

    આધુનિક ઇતિહાસમાં ધર્મ, સંસ્કૃતિ, સંસ્કાર, સામાજિકતા અને વિશ્વના સમગ્ર હિન્દુઓને પોતાનો ભાવાત્મક તેમજ સંસ્કૃતિક મંચ પૂરો પાડવાની દ્રષ્ટિએ વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના અત્યંત મહત્વપૂર્ણ મનાય છે.

 

    વિશ્વ હિન્દુ પરિષદની સર્વ સમાવેશ વ્યાસપીઠનો ઉપયોગ હિન્દુ સમાજના વિવિધ જૂથોમાં વધેલી તિરાડ પુરીને સ્નેહમય સમરસતાની ભાવના જગાવવામાં થવા લાગ્યો છે એ જોઈને ગુરુજી ખૂબ પ્રસન્ન હતા.

 

    1969માં ૧૩- ૧૪ ડિસેમ્બરમાં કર્ણાટક પ્રાંતના ઉડુપીમાં વિશ્વ હિન્દુ પરિષદનું બે દિવસનું સંમેલન હતું.. આ સંમેલનમાં શૈવ, વૈષ્ણવ ,લિંગાયત ,જૈન, બૌદ્ધ ,શીખ વગેરે 40 સંપ્રદાયોના ધર્મચાર્યો ઉપસ્થિત હતા. 100 કરતાં પણ વધુ અન્ય સંતો પણ હતા..આ સંમેલનમાં બીજા સત્રમાં અસ્પૃશ્યતા નિવારણનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો. ધર્મશાસ્ત્રમાં અસ્પૃશ્યતા કે બીજા કોઈ પ્રકારની ઉચ્ચ નીચની ભાવનાનું લેશમાત્ર પણ સમર્થન નથી, બધા હિન્દુ ભાઈ ભાઈ છે, કોઈપણ પતિત નથી. આવા આશયવાળો એક પ્રસ્તાવ સમસ્ત ધર્માચાર્યોએ સર્વસંમતિથી પસાર કર્યો. આ પ્રસ્તાવ પસાર થતાં જ ગુરુજીનું હૃદય આનંદથી ઉછળી રહ્યું. તેઓ બોલી ઉઠ્યા ધન્ય ધન્ય... આ ઐતિહાસિક પળ ધન્ય છે.

 

    આ સંમેલનમાં પૂજ્ય પેજાવર મઠાધીશ વિશ્વેશતીર્થે સૌને એક નવો મંત્ર આપ્યો, ‘હિન્દવા: સહોદર: સર્વે, ન હિન્દુ પતિતો ભવેત.’ આ સંમેલનમાં આ પછીના બધા જ વક્તવ્યોમાં પણ આ જ મંત્રનું પ્રતિબિંબ જોવા મળતું હતું. આ સત્રની અધ્યક્ષતા સેવા નિવૃત્ત અધિકારી શ્રી ભરણૈયા કરી રહ્યા હતા. તેઓ પણ આ સત્ર પછી ભાવાવેગથી ગદગદ થઈ ગયા. સત્ર પૂર્ણ થયા બાદ મંચથી નીચે ઉતરવાની સાથે એમની આંખોમાં આંસુધારા હતી. તેઓએ રૂંધાયેલા સ્વરે ગુરુજીને કહ્યું હતું, “અમારા લોકો માટે આપે આ કાર્ય હાથમાં લીધું છે એ અમારા માટે અત્યંત સૌભાગ્યની વાત છે..” ત્યારે ગુરુજીએ કહ્યું, “આ તો આપણા બધાની અને આ માતૃસ્વરૂપ સમાજની ઈચ્છા શક્તિથી થઈ રહ્યું છે..” આ દ્રશ્ય નજરે જોનારા સાક્ષી યાદવરાવજી જોશી કહે છે ગુરુજીના જીવનની આ સર્વોચ્ચ આનંદની ક્ષણ હતી. આ સંમેલન અને આ સંમેલનની કાર્યવાહીને ઐતિહાસિક માનવી પડશે

 

    આ સંમેલન બાદ ઉડુપી સંમેલનના વ્યવસ્થા પ્રમુખ સૂર્યનારાયણ રાવને તેમણે પત્ર લખ્યો. પત્રમાં તેમણે ઉલ્લેખ કર્યો કે આચાર્યો ધર્મગુરુઓ મઠાધિશો અને અન્ય સંતો દ્વારા પ્રસ્તાવિત અસ્પૃશ્યતા સંબંધી આ પ્રસ્તાવ માત્ર ભાવપૂર્ણ ઈચ્છા માત્રથી વાસ્તવિક જીવનમાં અમલી નહીં બનાવી શકાય, ગામેગામ ઘેરઘેર જઈ જનસંપર્ક કરી તેનો યોગ્ય પ્રચાર કરવો પડશે. જીદ લઈને કામ કરવું પડશે. આપણે વાસ્તવિક પરિવર્તન ઈચ્છીએ  છીએ. સમાજમાં એકાત્મતાનો સાક્ષાતકાર ઇચ્છીએ છીએ. જ્યાં જ્યાં દુઃખ દૈન્ય છે ત્યાં જઈને કાર્ય કરવું પડશે, સેવા કરતી વખતે મનુષ્ય મનુષ્યમાં ભેદ ન દેખાવો જોઈએ. આ સમર્પણભાવથી આપણે સૌએ કાર્ય કરવાનું છે. 1970 ની મકરસંક્રાંતિના દિવસે ગુરુજીએ સૂર્યનારાયણને આ પત્ર મોકલ્યો હતો. સમાજમાં સમ્ય ક્રાંતિ લાવવાનો એ  સંક્રાંતિ સંદેશ હતો..

 

    પૂજનીય ગુરુજીના વિચારો માત્ર શબ્દ નથી એ તેમની જીવન દ્રષ્ટિ છે. તે શાશ્વત સનાતન દર્શન છે. તે સંપૂર્ણ વિશ્વ અને માનવતા માટે હિતકર અને તેથી જ યોગાનુકુલ પણ છે. સદા સર્વદા માનવો માટે સ્વીકાર્ય એવું તે વૈશ્વિક જીવન દર્શન છે જે ધ્યેય નિષ્ઠ કાર્યકર્તાઓ માટે  અખંડ પ્રેરણાનું અમૃત ભાથુ છે..

Thursday, 12 January 2023

આધુનિક યુવાવર્ગ અને સ્વામી વિવેકાનંદ...

 


વર્તમાન સમયમાં આપણી યુવા પેઢીમાં દેશના  વિકાસ  માટે ઘણો જ  ઉત્સાહ જોવા મળી રહ્યો છે તે આવકારદાયક છે.  અનેક નવા મિશન સાથે યુવાનો કામ કરવા તૈયાર છે. કોઇપણ કામ હાથમાં લે તે પહેલા ભાવિ ભારતનું સ્પષ્ટ ચિત્ર એમની સામે હોવું જોઈએ.. તેમના સ્વપ્નોને સાકાર કરવા માટે આવશ્યક છે તેમની સામે જીવનના આદર્શો મુકવામાં આવે.

 

યુવાનોમાં આદર્શવાદની સ્થિર અને સમર્થ સમૃદ્ધિ હોવી જોઈએ. અને પોતાના જીવન  દરમિયાન  એને જીવતી રાખવાનો પ્રયાસ કરવો જોઈએ. આ માટે તેમના જીવનમાં જરૂરી માર્ગદર્શન આપણા ઐતિહાસિક વારસામાંથી મળી રહે છે.

 

યુવાનીમાં સ્વપ્નો સેવનાર અને પોતાના જીવનમાં એ સ્વપ્નોને સાચા પાડનાર અનેક આદર્શ જીવન આપણા દેશના ઇતિહાસમાં આપણને જોવા મળે છે. તે બધામાં આધુનિક સમયનું જીવન એટલે સ્વામી વિવેકાનંદનું જીવન. એ બાળ નરેન્દ્ર હતા ત્યારથી જ  ઊંડા આદર્શવાદી અને દ્રઢ મનોબળ ધરાવતા  હતા. એમણે યુવાનીમાં જ સન્યાસી તરીકેનો રાહ અપનાવ્યો. તેમને ઘડનાર રામકૃષ્ણ પરમહંસ  હતા. નરેન્દ્રનાથે પરિવ્રાજક બનીને સમગ્ર ભારતમાં અને વિશ્વમાં ભ્રમણ કર્યું. વિશ્વના વિવિધ ભાગોમાં  કરોડો લોકોને તેમણે શક્તિ, ધૈર્ય અને આનંદ આપ્યા. તેમણે રામકૃષ્ણ મિશનની સ્થાપના કરીને નવીન સન્યાસ  પરમ્પરા ઉભી કરી..

 

સ્વામીજીએ જે કહ્યું છે અને લખ્યું છે તે આપણા માટે અગત્યનું છે. તે દીર્ઘકાલ સુધી આપણને અસર કરવાની ક્ષમતા ધરાવે છે. સ્વામીજીએ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આજના ભારત પર પ્રબળ અસર કરેલી છે. અને સ્વામીજીના જીવનના આ સ્રોત પાસેથી આપણી યુવા પેઢી લાભ ઉઠાવશે..

 

સ્વામીજીનો યુવા વર્ગ માટે કોઈ સંદેશ હોય તો તે છે:- બળવાન બનો, સાહસી  બનો, નિર્ભય બનો. તેઓ ગીતાના અધ્યયન કરતાં ફૂટબોલની રમત પર  વધુ આગ્રહ રાખતા. તેઓ જાણતા  હતા કે શક્તીદાયી મન બલિષ્ઠ શરીરમાં જ શક્ય છે.

 

સ્વામીજીએ ત્યાગ અને સેવા એમ બે આદર્શોને રાષ્ટ્રના આદર્શો તરીકે આપણી સામે મુક્યા છે..આ આદર્શોના  આચરણ દ્વારા આપણું જીવન સામર્થ્યપૂર્ણ બને એમ તેઓ માનતા હતા. સ્વામીજી દીનદુખિયાની વેદના માટે સંવેદના જગાડનાર આધ્યાત્મિક સંત હતા. દીનદુખિયાઓ માટે દરિદ્રનારાયણ શબ્દ પ્રયોજીને દેશવાસીઓને તેમણે આહ્વાન કર્યું હતું. શિક્ષણ અને ધન પ્રાપ્ત કર્યા પછી જે લોકો સમાજનું ઋણ ચુકવતા નથી તેમને તેઓ સમાજ દ્રોહી ગણતા. સમાજનું  ઋણ ચૂકતે કરવાના આહ્વાનથી પ્રેરાઈને સેકડો યુવાનોએ પોતાના જીવન સમર્પિત કર્યા હતા.

 

તેઓ માત્ર એક આધ્યાત્મિક સંત નહોતા,પરંતુ સમગ્ર માનવજાતિની ઉન્નતિ માટે સૌના આત્માને ઢંઢોળનાર એક મહાન વિચારક અને પ્રખર દેશભક્ત હતા. ૨૦ મી સદીના આરંભ કાળમાં સમગ્ર દેશમાં થયેલ સંસ્કૃતિક પુનર્જાગરણ માટે તેમના વિચારો અને કાર્યોનું મહત્વનું પ્રદાન હતું. સ્વતંત્રતા સંગ્રામના અનેક અગ્રગણ્ય નેતાઓ માટે સ્વામીજીના વિચારો પ્રેરણાસ્રોત હતા. બધા જ મહાનુભાવોએ આ વાતનો સ્વીકાર કરી સ્વામીજી પ્રત્યે કૃતજ્ઞતા પ્રગટ કરી હતી.

 

સ્વામીજીનો માતૃભૂમિ પ્રત્યેનો પ્રેમ આપણે યાદ કરવો જરૂરી છે. તેઓ અમેરિકાથી ભારત પરત આવ્યા તે પછી તેમને કોઈએ પૂછ્યું કે હવે તેમને ભારતની પ્રજા કેવી લાગે છે? સ્વામીજી કહે,પહેલા ભારતની પ્રજા મને ચાહવા જેવી લાગતી હતી, હવે પૂજવા જેવી લાગે છે.  સ્વામીજી આવા દેશપ્રેમી હતા. પોતે એક ઘનીભૂત ભારત  જ હતા એમ કહી શકાય.

 

સ્વામીજીએ માત્ર ૩૯ વર્ષની જિંદગીમાં એટલા બધા કાર્યો કર્યા કે અન્ય કોઈ સન્યાસી ૧૦૦ વર્ષમાં પણ ન કરી શકે. તેમણે સાબિત કરી આપ્યું કે જિંદગી મોટી હોવી જોઈએ, લાંબી નહિ.