Thursday, 12 January 2023

આધુનિક યુવાવર્ગ અને સ્વામી વિવેકાનંદ...

 


વર્તમાન સમયમાં આપણી યુવા પેઢીમાં દેશના  વિકાસ  માટે ઘણો જ  ઉત્સાહ જોવા મળી રહ્યો છે તે આવકારદાયક છે.  અનેક નવા મિશન સાથે યુવાનો કામ કરવા તૈયાર છે. કોઇપણ કામ હાથમાં લે તે પહેલા ભાવિ ભારતનું સ્પષ્ટ ચિત્ર એમની સામે હોવું જોઈએ.. તેમના સ્વપ્નોને સાકાર કરવા માટે આવશ્યક છે તેમની સામે જીવનના આદર્શો મુકવામાં આવે.

 

યુવાનોમાં આદર્શવાદની સ્થિર અને સમર્થ સમૃદ્ધિ હોવી જોઈએ. અને પોતાના જીવન  દરમિયાન  એને જીવતી રાખવાનો પ્રયાસ કરવો જોઈએ. આ માટે તેમના જીવનમાં જરૂરી માર્ગદર્શન આપણા ઐતિહાસિક વારસામાંથી મળી રહે છે.

 

યુવાનીમાં સ્વપ્નો સેવનાર અને પોતાના જીવનમાં એ સ્વપ્નોને સાચા પાડનાર અનેક આદર્શ જીવન આપણા દેશના ઇતિહાસમાં આપણને જોવા મળે છે. તે બધામાં આધુનિક સમયનું જીવન એટલે સ્વામી વિવેકાનંદનું જીવન. એ બાળ નરેન્દ્ર હતા ત્યારથી જ  ઊંડા આદર્શવાદી અને દ્રઢ મનોબળ ધરાવતા  હતા. એમણે યુવાનીમાં જ સન્યાસી તરીકેનો રાહ અપનાવ્યો. તેમને ઘડનાર રામકૃષ્ણ પરમહંસ  હતા. નરેન્દ્રનાથે પરિવ્રાજક બનીને સમગ્ર ભારતમાં અને વિશ્વમાં ભ્રમણ કર્યું. વિશ્વના વિવિધ ભાગોમાં  કરોડો લોકોને તેમણે શક્તિ, ધૈર્ય અને આનંદ આપ્યા. તેમણે રામકૃષ્ણ મિશનની સ્થાપના કરીને નવીન સન્યાસ  પરમ્પરા ઉભી કરી..

 

સ્વામીજીએ જે કહ્યું છે અને લખ્યું છે તે આપણા માટે અગત્યનું છે. તે દીર્ઘકાલ સુધી આપણને અસર કરવાની ક્ષમતા ધરાવે છે. સ્વામીજીએ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આજના ભારત પર પ્રબળ અસર કરેલી છે. અને સ્વામીજીના જીવનના આ સ્રોત પાસેથી આપણી યુવા પેઢી લાભ ઉઠાવશે..

 

સ્વામીજીનો યુવા વર્ગ માટે કોઈ સંદેશ હોય તો તે છે:- બળવાન બનો, સાહસી  બનો, નિર્ભય બનો. તેઓ ગીતાના અધ્યયન કરતાં ફૂટબોલની રમત પર  વધુ આગ્રહ રાખતા. તેઓ જાણતા  હતા કે શક્તીદાયી મન બલિષ્ઠ શરીરમાં જ શક્ય છે.

 

સ્વામીજીએ ત્યાગ અને સેવા એમ બે આદર્શોને રાષ્ટ્રના આદર્શો તરીકે આપણી સામે મુક્યા છે..આ આદર્શોના  આચરણ દ્વારા આપણું જીવન સામર્થ્યપૂર્ણ બને એમ તેઓ માનતા હતા. સ્વામીજી દીનદુખિયાની વેદના માટે સંવેદના જગાડનાર આધ્યાત્મિક સંત હતા. દીનદુખિયાઓ માટે દરિદ્રનારાયણ શબ્દ પ્રયોજીને દેશવાસીઓને તેમણે આહ્વાન કર્યું હતું. શિક્ષણ અને ધન પ્રાપ્ત કર્યા પછી જે લોકો સમાજનું ઋણ ચુકવતા નથી તેમને તેઓ સમાજ દ્રોહી ગણતા. સમાજનું  ઋણ ચૂકતે કરવાના આહ્વાનથી પ્રેરાઈને સેકડો યુવાનોએ પોતાના જીવન સમર્પિત કર્યા હતા.

 

તેઓ માત્ર એક આધ્યાત્મિક સંત નહોતા,પરંતુ સમગ્ર માનવજાતિની ઉન્નતિ માટે સૌના આત્માને ઢંઢોળનાર એક મહાન વિચારક અને પ્રખર દેશભક્ત હતા. ૨૦ મી સદીના આરંભ કાળમાં સમગ્ર દેશમાં થયેલ સંસ્કૃતિક પુનર્જાગરણ માટે તેમના વિચારો અને કાર્યોનું મહત્વનું પ્રદાન હતું. સ્વતંત્રતા સંગ્રામના અનેક અગ્રગણ્ય નેતાઓ માટે સ્વામીજીના વિચારો પ્રેરણાસ્રોત હતા. બધા જ મહાનુભાવોએ આ વાતનો સ્વીકાર કરી સ્વામીજી પ્રત્યે કૃતજ્ઞતા પ્રગટ કરી હતી.

 

સ્વામીજીનો માતૃભૂમિ પ્રત્યેનો પ્રેમ આપણે યાદ કરવો જરૂરી છે. તેઓ અમેરિકાથી ભારત પરત આવ્યા તે પછી તેમને કોઈએ પૂછ્યું કે હવે તેમને ભારતની પ્રજા કેવી લાગે છે? સ્વામીજી કહે,પહેલા ભારતની પ્રજા મને ચાહવા જેવી લાગતી હતી, હવે પૂજવા જેવી લાગે છે.  સ્વામીજી આવા દેશપ્રેમી હતા. પોતે એક ઘનીભૂત ભારત  જ હતા એમ કહી શકાય.

 

સ્વામીજીએ માત્ર ૩૯ વર્ષની જિંદગીમાં એટલા બધા કાર્યો કર્યા કે અન્ય કોઈ સન્યાસી ૧૦૦ વર્ષમાં પણ ન કરી શકે. તેમણે સાબિત કરી આપ્યું કે જિંદગી મોટી હોવી જોઈએ, લાંબી નહિ.