કેટલાક
મહામાનવો એવા હોય છે કે જેમના જીવનમાં દેશ અને
સમાજ પ્રત્યે સર્વ સમર્પણની ઉત્કટ ભાવના હોવાને કારણે કેવળ ધ્યેય બાકી રહે છે. ‘ધ્યેય
આયા દેહ લેકર’ એ ઉક્તિને સાર્થક કરનારા એ જીવનો હોય છે. આવા જીવનની પરંપરા એ આપણા
રાષ્ટ્રજીવનની શાશ્વત સંપદા છે. પંથ, સંપ્રદાય, ભાષા, પ્રાંત વગેરેથી ઉપર ઉઠી આવા
જીવનો સમાજ માટે હંમેશા પ્રેરણારૂપ હોય છે...
રાષ્ટ્રીય
સ્વયંસેવક સંઘના દ્વિતીય સરસંઘચાલક શ્રી માધવરાવ સદાશિવરાવ ગોળવલકરનું જીવન આવું
ઉચ્ચ કોટીનું જીવન હતું. તેમનું જીવન સેંકડો લોકોને રાષ્ટ્ર માટે સમર્પણની પ્રેરણા
આપે છે.
પૂજનીય
ગુરુજી 33 વર્ષ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક
રહ્યા. અલૌકિક, પ્રતિભાસંપન્ન વ્યક્તિત્વ, તેજસ્વી અને પવિત્ર, સતત કાર્યરત ઋષિતુલ્ય જીવન, ધીરોદ્દાત નેતૃત્વ અને કર્તૃત્વ, દુરગામી અને મૂળગામી દ્રષ્ટિ વગેરે દૈવીસંપદા
યુક્ત તેમનું જીવન રહ્યું. કોટી કોટી સ્વયંસેવકોના હૃદય ઉપર તેમના સ્નેહે પોતાનું
અધિરાજ્ય સ્થાપિત કર્યું.
શ્રી
ગુરુજીનો ધાર્મિક ક્ષેત્રે અત્યંત નિકટનો સંબંધ હતો. ગુરુજી જ્યારે જ્યારે સાધુ, સંત, મહંત, મોટા મઠોની મુલાકાત લેતા ત્યારે એમની સાથે
હિન્દુ સમાજની પરિસ્થિતિ વિશે ચર્ચા કરતા અને એમને વિનંતી કરતા કે યુગાનુકુલ ધર્મજાગૃતિ
કરવાની આજે આવશ્યકતા છે. ધર્મભાવના જાગરણની અનિવાર્ય આવશ્યકતાના મિશ્ર પ્રભાવ અને
પ્રેરણાથી ગુરુજીના મનમાં એક કલ્પના સાકાર બની અને તે માટે પ્રયત્નો શરૂ થયા. આ
પ્રયત્નોના પરિણામે 1964માં
જન્માષ્ટમીના પવિત્ર દિવસે વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના થઈ.
આધુનિક
ઇતિહાસમાં ધર્મ, સંસ્કૃતિ, સંસ્કાર, સામાજિકતા અને વિશ્વના સમગ્ર હિન્દુઓને પોતાનો
ભાવાત્મક તેમજ સંસ્કૃતિક મંચ પૂરો પાડવાની દ્રષ્ટિએ વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના
અત્યંત મહત્વપૂર્ણ મનાય છે.
વિશ્વ
હિન્દુ પરિષદની સર્વ સમાવેશ વ્યાસપીઠનો ઉપયોગ હિન્દુ સમાજના વિવિધ જૂથોમાં વધેલી
તિરાડ પુરીને સ્નેહમય સમરસતાની ભાવના જગાવવામાં થવા લાગ્યો છે એ જોઈને ગુરુજી ખૂબ
પ્રસન્ન હતા.
1969માં ૧૩- ૧૪ ડિસેમ્બરમાં કર્ણાટક પ્રાંતના ઉડુપીમાં
વિશ્વ હિન્દુ પરિષદનું બે દિવસનું સંમેલન હતું.. આ સંમેલનમાં શૈવ, વૈષ્ણવ ,લિંગાયત ,જૈન, બૌદ્ધ ,શીખ વગેરે 40 સંપ્રદાયોના ધર્મચાર્યો ઉપસ્થિત હતા. 100 કરતાં પણ વધુ અન્ય સંતો પણ હતા..આ સંમેલનમાં
બીજા સત્રમાં અસ્પૃશ્યતા નિવારણનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો. ધર્મશાસ્ત્રમાં
અસ્પૃશ્યતા કે બીજા કોઈ પ્રકારની ઉચ્ચ નીચની ભાવનાનું લેશમાત્ર પણ સમર્થન નથી, બધા
હિન્દુ ભાઈ ભાઈ છે, કોઈપણ પતિત નથી. આવા આશયવાળો એક પ્રસ્તાવ સમસ્ત ધર્માચાર્યોએ
સર્વસંમતિથી પસાર કર્યો. આ પ્રસ્તાવ પસાર થતાં જ ગુરુજીનું હૃદય આનંદથી ઉછળી
રહ્યું. તેઓ બોલી ઉઠ્યા ધન્ય ધન્ય... આ ઐતિહાસિક પળ ધન્ય છે.
આ
સંમેલનમાં પૂજ્ય પેજાવર મઠાધીશ વિશ્વેશતીર્થે સૌને એક નવો મંત્ર આપ્યો, ‘હિન્દવા: સહોદર:
સર્વે, ન હિન્દુ પતિતો ભવેત.’ આ સંમેલનમાં આ પછીના
બધા જ વક્તવ્યોમાં પણ આ જ મંત્રનું પ્રતિબિંબ જોવા મળતું હતું. આ સત્રની અધ્યક્ષતા
સેવા નિવૃત્ત અધિકારી શ્રી ભરણૈયા કરી રહ્યા હતા. તેઓ પણ આ સત્ર પછી ભાવાવેગથી
ગદગદ થઈ ગયા. સત્ર પૂર્ણ થયા બાદ મંચથી નીચે ઉતરવાની સાથે એમની આંખોમાં આંસુધારા
હતી. તેઓએ રૂંધાયેલા સ્વરે ગુરુજીને કહ્યું હતું, “અમારા લોકો માટે આપે આ કાર્ય
હાથમાં લીધું છે એ અમારા માટે અત્યંત સૌભાગ્યની વાત છે..” ત્યારે ગુરુજીએ કહ્યું, “આ
તો આપણા બધાની અને આ માતૃસ્વરૂપ સમાજની ઈચ્છા શક્તિથી થઈ રહ્યું છે..” આ દ્રશ્ય
નજરે જોનારા સાક્ષી યાદવરાવજી જોશી કહે છે ગુરુજીના જીવનની આ સર્વોચ્ચ આનંદની ક્ષણ
હતી. આ સંમેલન અને આ સંમેલનની કાર્યવાહીને ઐતિહાસિક માનવી પડશે
આ
સંમેલન બાદ ઉડુપી સંમેલનના વ્યવસ્થા પ્રમુખ સૂર્યનારાયણ રાવને તેમણે પત્ર લખ્યો.
પત્રમાં તેમણે ઉલ્લેખ કર્યો કે આચાર્યો ધર્મગુરુઓ મઠાધિશો અને અન્ય સંતો દ્વારા
પ્રસ્તાવિત અસ્પૃશ્યતા સંબંધી આ પ્રસ્તાવ માત્ર ભાવપૂર્ણ ઈચ્છા માત્રથી વાસ્તવિક
જીવનમાં અમલી નહીં બનાવી શકાય, ગામેગામ ઘેરઘેર જઈ જનસંપર્ક કરી તેનો યોગ્ય પ્રચાર
કરવો પડશે. જીદ લઈને કામ કરવું પડશે. આપણે વાસ્તવિક પરિવર્તન ઈચ્છીએ છીએ. સમાજમાં એકાત્મતાનો સાક્ષાતકાર ઇચ્છીએ છીએ.
જ્યાં જ્યાં દુઃખ દૈન્ય છે ત્યાં જઈને કાર્ય કરવું પડશે, સેવા કરતી વખતે મનુષ્ય
મનુષ્યમાં ભેદ ન દેખાવો જોઈએ. આ સમર્પણભાવથી આપણે સૌએ કાર્ય કરવાનું છે. 1970 ની મકરસંક્રાંતિના દિવસે ગુરુજીએ સૂર્યનારાયણને
આ પત્ર મોકલ્યો હતો. સમાજમાં સમ્ય ક્રાંતિ લાવવાનો એ સંક્રાંતિ સંદેશ હતો..
પૂજનીય
ગુરુજીના વિચારો માત્ર શબ્દ નથી એ તેમની જીવન દ્રષ્ટિ છે. તે શાશ્વત સનાતન દર્શન
છે. તે સંપૂર્ણ વિશ્વ અને માનવતા માટે હિતકર અને તેથી જ યોગાનુકુલ પણ છે. સદા
સર્વદા માનવો માટે સ્વીકાર્ય એવું તે વૈશ્વિક જીવન દર્શન છે જે ધ્યેય નિષ્ઠ
કાર્યકર્તાઓ માટે અખંડ પ્રેરણાનું અમૃત
ભાથુ છે..