૧૯૨૫માં વિજયાદશમીના દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના થઈ. ૯૮ વર્ષમાં એક નાના બીજમાંથી વિશાળ વટવૃક્ષ બનવાની સંઘની આ યાત્રા સરળ નથી રહી. અનેક વ્યક્તિઓ, વિચારો અને સંસ્થાઓ દ્વારા સંઘને જડમૂળથી ઉખાડી નાખવાના અનેક પ્રયત્નો, ષડયંત્રો થયા. તેમ છતાં સંઘના કાર્યકર્તાઓના અથાક પરિશ્રમ, ધૈર્ય, ત્યાગ અને સમર્પણના આધારે તથા સમાજના આશીર્વાદથી સંઘનો વિસ્તાર અને પ્રભાવ સતત વધતો રહ્યો. સમાજકાર્ય માટે પ્રતિબદ્ધ રહી આટલા લાંબા સમય સુધી એક સ્વયંસેવી સંગઠન સાતત્યપૂર્ણ વૃદ્ધિ પામે તેવું વિશ્વભરમાં અન્ય કોઈ સંગઠન નથી. સંઘની શતાબ્દીનું વર્ષ નજીક છે ત્યારે સમાજમાં પણ આ અંગે ભારે ઉત્સુકતા છે. સંઘના આ વિશાળ કાર્યને મર્યાદિત શબ્દોમાં વર્ણન કરવું અસંભવ છે.
સંઘના કાર્યનો
આત્મા તેની રોજેરોજ
ખુલ્લા મેદાનોમાં લાગતી શાખાઓ છે. શાખાના માધ્યમથી વ્યક્તિઓને સંસ્કારી અને સમાજકાર્ય માટે ધ્યેયનિષ્ઠ નાગરિક તૈયાર કરવા એ સંઘનું
મૂળભૂત કાર્ય છે. નિત્ય શાખા દ્વારા
દેશભક્તિના સંસ્કાર મળતા રહે છે. નિત્ય દેશભક્તિના સંસ્કાર એ શાખાની કાર્યપદ્ધતિની
વિશેષતા છે. તેની સ્થાપનાના પહેલા દિવસથી જ સંઘ આ કાર્ય કરી રહ્યું છે. આજે દેશના પ્રત્યેક
તાલુકા સુધી સંઘકાર્યનો વિસ્તાર અને વ્યાપ થયો છે.
શાખા પદ્ધતિના આધારે સંસ્કારિત થયેલા સ્વયંસેવકો સમાજની એકતા માટે, સ્વસ્થ અને સમરસ સામાજિક જીવન માટે
તથા સમાજ પ્રત્યે મારું કર્તવ્ય છે એવા સેવાભાવથી સમાજના વિવિધ આયામોમાં સક્રિય થતા ગયા અને ત્યાં સંઘની પ્રેરણાથી અનેક સંગઠનો ઊભા કર્યા. આવા તમામ સમવિચારી
સંગઠનો સમાજમાં રાષ્ટ્રીય હિતોનું સંરક્ષણ કરતાં કરતાં સકારાત્મક પરિવર્તનના વાહક
બન્યા છે. શિક્ષણ, કલા, ફિલ્મ, સાહિત્ય, ખેલ, ઉદ્યોગ, વિજ્ઞાન, આર્થિક, મજદૂર,
એન્જિનિયર, ડોક્ટર, પ્રધ્યાપક એમ વિવિધ વ્યવસાયી વર્ગોના સમૂહની વચ્ચે સંઘના
સમવિચારી સંગઠન પ્રામાણિકતાથી કાર્ય કરી રહ્યા છે. સંઘની અપેક્ષા છે કે આ બધા જ
ક્ષેત્રોમાં સ્વયંસેવકો રાષ્ટ્રીય વિચારને પ્રભાવિત કરે અને આ દ્વારા રાષ્ટ્રીય ચારિત્ર્યનું નિર્માણ થાય..
એક સામાજિક સાંસ્કૃતિક સંગઠન હોવાના કારણે હિન્દુ સમાજ પર
આવતી વિવિધ સમસ્યાઓનો વિચાર કરીને તેના
નિરાકરણ માટે સંઘ સંવેદનશીલ અને સતત
પ્રયત્નશીલ છે.. સામાજિક વિષમતાની સમસ્યા આપણા સમાજમાં
અનેક વર્ષોથી પ્રચલિત છે. સમાજજીવન જાતિગત ભેદોના કારણે અસ્વસ્થ છે. સમતાયુક્ત અને
શોષણમુક્ત સમાજજીવન નિર્માણ થાય એ સ્વસ્થ સમાજની નિશાની છે. એટલા માટે સંઘે પોતાના
કાર્યમાં સામાજિક સમરસતાના કાર્યને પ્રાધાન્યતા આપી છે. સામાજિક વિષમતાનું નિરાકરણ એક લાંબી પ્રક્રિયા
છે. એના નિરાકરણ માટે સમાજના સામુહિક પ્રયાસો અનિવાર્ય છે. સમાજના સહયોગ અને
પ્રયાસથી એના પર અવશ્ય વિજય પ્રાપ્ત થઈ શકે છે.
ગત છેલ્લા વર્ષોમાં પર્યાવરણ અસંતુલન વિષયમાં સમગ્ર વિશ્વ
ગંભીર દેખાઈ રહ્યું છે. ગ્લોબલ વોર્મિંગની સમસ્યાથી લઈને નૈસર્ગિક સંપત્તિનું અમર્યાદિત
શોષણ એ ગંભીર પડકાર છે. સંઘે આ ક્ષેત્રમાં કાર્ય કરનારી સંસ્થાઓ સાથે સંપર્ક સાધીને
સંવેદના જગાડી છે. આ માટે જળ, પ્લાસ્ટિક તથા વૃક્ષોના સંદર્ભમાં સમસ્યાઓનું અધ્યયન
કરીને પર્યાવરણ સંરક્ષણ તથા સંતુલનને પ્રાથમિકતા આપી છે.
ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં કુટુંબનું વિશેષ મહત્વ છે. ભારતીય
ચિંતન અને માન્યતા પ્રમાણે સમાજનો સૌથી નાનો એકમ વ્યક્તિ નહિ પરંતુ કુટુંબ છે. ભારતીય આધ્યાત્મિક દ્રષ્ટિથી કુટુંબ
એ ‘હું થી આપણી’ યાત્રાનું પહેલું કદમ છે. શહેરીકરણ અને જીવનની વ્યસ્તતાના કારણે પરિવારો
સંકોચાતા જાય છે. બધાને એકસાથે પોતાની
ધરોહર, પરંપરા, ઉત્સવ વગેરે માટે સમય મળતો નથી તેથી સપ્તાહમાં ઓછામાં ઓછા એક વાર કુટુંબના
બધા સદસ્યો એકત્ર આવી પોતાની, પરિવારની, દેશની પરંપરા, સંસ્કૃતિ તથા સામાજિક
પરિસ્થિતિનું વિશ્લેષણ અને એ પ્રત્યે પોતાના કર્તવ્યની ચર્ચા કરે. આ દ્રષ્ટિકોણ
સાથે સંઘે કુટુંબ પ્રબોધનનું કામ શરુ કર્યું છે અને એ દ્વારા કુટુંબ વ્યવસ્થા
સુદ્રઢ બને તે માટે પ્રયાસ શરુ કર્યા છે.
સમાજહિત, રાષ્ટ્રહિત, દેશહિત કોઈપણ સંજોગોમાં કોઈના ભરોસે ના મૂકી શકાય, આ માટે સમાજે જ પોતાના સામર્થ્ય અને સંગઠન દ્વારા પરિશ્રમ કરવો પડતો હોય છે, સમાજને આ માટે તૈયાર કરનારા કાર્યકર્તા નિર્માણ કરવાનું કામ સંઘ કરી રહ્યો છે, સંઘની કાર્યપદ્ધતિ દ્વારા તૈયાર થયેલા કાર્યકર્તાનું કર્તૃત્વ આજે સમાજ સામે છે, એના કારણે સમાજમાં એક શ્રદ્ધાભાવ અને વિશ્વાસ ઉભો થયો છે. સમાજવ્યાપી બનવાની સાથે સમાજમનમાં એક આગવી ઓળખ બનાવીને સંઘ સમાજ માટે આશ્વસ્ત શક્તિના રૂપમાં સ્થાપિત થયો છે. એટલા માટે પ્રત્યેક રાષ્ટ્રીય સંકટની ઘડીએ અને સામાજિક વૈમનસ્યની ઘડીએ સામાન્ય જનસમાજ સંઘ પ્રત્યે આશા અને માર્ગદર્શન માટે ઉત્સુક હોય છે.
સંઘકાર્યને
વ્યાપક કરવાની સાથે સાથે સમાજના સજ્જનોની શક્તિનો સમન્વય કરીને સમાજની એવી શક્તિ નિર્માણ
થાય કે જેના આધાર પર ભારતને ગૌરવશાળી અને વૈભવ
સંપન્ન બનાવવાના માર્ગ પર આગળ વધીએ એ જ સંઘનો ધ્યેય માર્ગ છે. પોતાના કર્તવ્યોને
સમજીને સમાજની સજ્જન શક્તિ પોતાનું કામ કરતાં કરતાં પરસ્પર પૂરક બની દેશહિતમાં
સક્રિય બને તેવી સંઘની અપેક્ષા છે. આ કાર્ય જેટલું તીવ્ર બનશે તેના આધાર પર સમાજ
પરિવર્તન થઈ શકશે.