દિવાળીના ઉત્સવોનું વાતાવરણ
જામી રહ્યું છે. વર્ષોથી ભારતનું અર્થતંત્ર ઉત્સવ
આધારિત બનાવવામાં આવ્યું છે. ઉત્સવ આધારિત
અર્થતંત્રના મૂળમાં પરિવારને મહત્વનું અંગ ગણવામાં આવે છે. ભારતની પરિવાર વ્યવસ્થા
એ ભારતના અર્થતંત્ર માટે વરદાન સમાન છે. ભારતીય સમાજમાં પ્રત્યેક વર્ગમાં પરંપરાગત
રોજગાર અથવા રોજગાર આધારિત વિશેષ કાર્ય ઉપલબ્ધ છે જેના જ્ઞાનને એક પેઢીમાંથી બીજી પેઢીમાં હસ્તાંતરિત કરવામાં
આવે છે.
માટીના વાસણો
બનાવવાથી લઈને હસ્તકલા સાથે સંલગ્ન કાર્ય, લાકડાના ઉપયોગથી વિવિધ પ્રકારના સાધનો બનાવવા
જેવા વ્યવસાય, મોટા મોટા ભવનો બનાવવા સુધી તમામ પ્રકારના પરંપરાગત
વ્યવસાય પરિવારોમાં એક પેઢીથી બીજી
પેઢીમાં આગળ વધે છે. આ ઉપરાંત એવા અનેક પ્રકારના કાર્યો પણ છે જેનાથી પેઢી દર પેઢી
આવા કાર્યો પરંપરાગત ચાલ્યા આવ્યા છે.
સમગ્ર ભારતમાં
દીપાવલી, દશેરા, ગણેશ ઉત્સવ, મકરસંક્રાંતિ, રક્ષાબંધન જેવા પ્રમુખ તહેવારો દરમિયાન
સમગ્ર દેશની અર્થવ્યવસ્થાને ગતિ મળે છે, ખાસ
કરીને ગણેશોત્સવથી લઈને દિપાવલી સુધીના સમયમાં આવતા વિવિધ ઉત્સવો અર્થવ્યવસ્થા
માટે બુસ્ટર સમાન હોય છે. દિવાળીમાં હાથ બનાવટની વસ્તુઓથી લઈને પૂજા ઉપાસનામાં
વપરાતી વસ્તુઓ સ્થાનિક સ્તર પર તૈયાર થાય છે જેના કારણે સ્થાનીય અર્થતંત્રની સાથે
સાથે રાષ્ટ્રીય અર્થતંત્ર પણ મજબૂત બને છે. સમય અનુસાર બજારની માંગને ધ્યાનમાં લઈએ
તો સિઝનલ ધંધા કરવાવાળા નાના-મોટા વેપારીઓ માટે આ બધા ઉત્સવ મુખ્ય ભૂમિકા ભજવે છે.
ભારતીય ઉત્સવના માધ્યમથી પરિવારને આર્થિક સંપન્નતા મળે છે અને ભારતીય સમાજ
આત્મનિર્ભર બને છે.
અર્થવ્યવસ્થાના
તમામ ક્ષેત્રો દિપાવલીના ઉત્સવને ધ્યાનમાં રાખી પોતાની યોજના તૈયાર કરવામાં લાગી
જાય છે. દિપાવલીનો તહેવાર રસ્તા પર ઉભા રહેતાં લારી ગલ્લાવાળાથી લઈને મોટા મોટા
શોરૂમ સુધી બધાને વ્યાપારની તક આપે છે. દિવાળીના તહેવાર
સમયે વ્યક્તિગત અને ઘરવપરાશની વસ્તુઓ, ઇલેક્ટ્રોનિક વસ્તુઓની માંગ પુષ્કળ રહે છે
જેમાં મોબાઈલ ફોન, વોશિંગ મશીન, રેફ્રિજરેટર જેવા ઉપકરણોની માંગ સવિશેષ રહે છે.
ઓટોમોબાઇલ સેક્ટર પણ દિવાળી સમયે વૃદ્ધિ પામે છે
બદલાતા સમય સાથે
ભારતની ઉત્સવ પરંપરા વધુને વધુ મજબૂત થતી જાય છે. સામાન્ય લોકોમાં પણ ઉત્સવ
પ્રત્યે સકારાત્મક અભિગમ જોવા મળે છે. આ બધું જોતા ભારતીય બજાર અર્થતંત્ર ઉન્નતિના
શિખર પર વધી રહ્યું હોય તેમ જણાય છે. આ સંદર્ભે આપણી પરિવાર વ્યવસ્થા જેટલી મજબુત અને સુદ્રઢ બનશે તેટલું ભારતનું અર્થતંત્ર પણ
મજબૂત બનશે.