Saturday, 27 July 2024

પર્યાવરણ સંરક્ષણનો ભારતીય દ્રષ્ટિકોણ

 

આજે સર્વત્ર પર્યાવરણની ચર્ચા ચાલી રહી છે.  સામાન્ય વ્યક્તિથી લઈ દુનિયાના બુદ્ધિજીવીઓ  જે વિષય માટે ચિંતિત છે તે પર્યાવરણ સંરક્ષણના વિષયમાં વિચાર કરવાની આવશ્યકતા સૌને લાગી રહી છે. વધતી જતી ગરમી, વાવાઝોડા, ચક્રવાત, અનિયમિત વરસાદ, ક્યાંક પૂર તો ક્યાંક દુષ્કાળ.. આ પ્રકારની ઘટનાઓ ભયજનક હદે વધી રહી છે, ઋતુચક્રમાં થઇ રહેલા આ ફેરફારોએ આપણને વિચાર કરતા  મૂકી દીધા છે. પ્રકૃતિમાં આ પ્રકારના ફેરફાર શા કારણે આવી રહ્યા છે? જે પ્રકૃતિ માનવસમુદાય માટે હમેશા કલ્યાણકારી રહી છે તે માનવના વિનાશ માટે કેવી રીતે વિચારી શકે?  

આપણે ત્યાં માનવજીવન અને પ્રકૃતિ સંરક્ષણનો મહિમા છેક સનાતન કાળથી વર્ણવ્યો છે. આને આપણે સૌ ભારતીય દ્રષ્ટિકોણ કહી શકીએ. ભારતના ઋષિમુનિઓએ પ્રકૃતિ સંરક્ષણનો માનવનો સહજ સ્વભાવ બને એવી સમાજ વ્યવસ્થા નિર્માણ કરી હતી.  હજારો વર્ષો સુધી ભારતીય સમાજે આ વ્યવસ્થાઓનું પાલન કર્યું. આ વ્યવસ્થાઓ જ્યારે તૂટવા લાગી ત્યારે પ્રકૃતિમાં પરિવર્તન થયેલું આપણને જોવા મળે છે. પોતાના સ્વાર્થ અને ઉપભોક્તાવાદી જીવનશૈલીના કારણે માનવ સતત પર્યાવરણનું નિકંદન કાઢી રહ્યો છે. લોકો સીધી કે  આડકતરી રીતે પ્રચંડ પ્રમાણમાં કુદરતી ઊર્જા અને સામગ્રીનો વપરાશ કરે છે. આજે એવી સ્થિતિ આવી છે કે માણસ આ દિશામાં વિચારશે નહિ તો તેના અસ્તિત્વ સામે ખતરો ઊભો થઈ શકે તેમ છે.

ભારતમાં વૃક્ષો, નદી, પર્વત, ગ્રહ, નક્ષત્ર, અગ્નિ, વાયુ સહિત પ્રકૃતિના વિભિન્ન રૂપો સાથે માનવ સંબંધો જોડવામાં આવ્યા છે. વૃક્ષને પુત્ર તો નદીને માતા અને પર્વતને પિતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. વાયુને દેવ ગણી પૂજવામાં આવે છે. આપણી સંસ્કૃતિમાં વૃક્ષોને દેવતા માની પૂજા કરવાની આજ્ઞા છે. પરિણામે આપણે સ્વભાવથી જ વૃક્ષોના સંરક્ષક બનીએ છીએ. છોડમાં રણછોડ જોવાની આપણી પરંપરા  રહી છે મોટાભાગના હિન્દુ ઘરોમાં આજે પણ તુલસીનો છોડ અવશ્ય જોવા મળે છે. વૈજ્ઞાનિકોએ પણ સ્વીકાર્યું છે કે તુલસીનો છોડ સૌથી વધુ ઓક્સિજન છોડે છે. પીપળાના વૃક્ષને દેવતા માનીને પૂજવાની આપણી પરંપરા છે. તેની પાછળ પણ તે સૌથી વધુ ઓક્સિજન પૂરો પાડતો હોવાનું વૈજ્ઞાનિક કારણ છે. વટસાવિત્રીના વ્રતમાં વડની પૂજા કરવામાં આવે છે. મા સરસ્વતીને પીળા ફૂલ પસંદ છે. લક્ષ્મીજીને કમળ અને ગુલાબના ફૂલ થકી પ્રસન્ન કરી શકાય છે. ભગવાન શ્રીગણેશ દુર્વાથી પ્રસન્ન થાય છે. દેવદર્શને  ફૂલ અને ફળ લઈ જવાની પરંપરા સનાતન સંસ્કૃતિ સિવાય વિશ્વની અન્ય કોઈ સંસ્કૃતિમાં જોવા મળતી નથી. પ્રકૃતિ સંરક્ષણના સંસ્કારો માત્ર હિન્દુ  પરંપરાઓમાં જ જોવા મળે છે. ભારતીય ચિંતનમાં પ્રકૃતિને માતા માની તેની સાથે પૂજ્યભાવથી વર્તન કરવાની વાત કહી છે.

 આ વૈશ્વિક સંકટના સમાધાન  માટે વિશ્વએ  ભારતીય સંસ્કૃતિના શરણે જવું પડશે તેવું વિશ્વના મહાનુભાવોને સમજાઈ રહ્યું છે. આ વૈશ્વિક સંકટને ખાળવામાં ભારત નેતૃત્વ કરી વિશ્વને માર્ગ ચીંધી શકે છે.. ભારતીય દર્શન વિશ્વના સ્વસ્થ વિકાસ માટેની એક બ્લુ પ્રિન્ટ છે. દેશ દેશ વચ્ચેના વિવાદો ભૂલીને આપણે એક વિશ્વ છીએ તે ભાવના જાગવી જોઈએ. આ ભાવના વસુધૈવ કુટુંબકમ જગાવે છે. આ આખું વિશ્વ એટલે માત્ર વિશ્વનો માનવ સમુદાય નહિ, પરંતુ જળ, જમીન, જંગલ, જંતુ, જાનવર એ તમામ આપણા પરિવારનો હિસ્સો છે તેવું મનમાં ઉતરે તે માટે આધ્યાત્મિક ચેતનાનું જાગ્રત થવું અનિવાર્ય લાગી રહ્યું છે.  આ વિશ્વ એક પરિવાર અને એક વિશ્વના દર્શનનો સ્વીકાર એ જ એક ઉપાય છે. દુનિયાને આ માર્ગ પર લાવવા ભારત તેનું મોડેલ બને તેવી આહલેક જગાવવી પડશે.

પર્યાવરણ સંરક્ષણના ઉકેલ માટે  ભારતીય દ્રષ્ટિકોણને માત્ર ચર્ચા કે ચિંતન નહિ પરંતુ પ્રત્યક્ષ આચરણમાં લાવવું પડશે. દર વર્ષે ચોમાસુ બેસે ત્યારે વિવિધ સામાજિક સંગઠનો, જાણીતી હસ્તીઓ, રાજકારણીઓ, કોર્પોરેટ જગતના લોકો વૃક્ષો વાવવાની હિમાયત કરતા જોવા મળે  છે.  વૃક્ષારોપણ ચોક્કસપણે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને આપણે સૌએ તે નિયમિતપણે કરવું જોઈએ. પરંતુ માત્ર વૃક્ષારોપણ પર્યાપ્ત નથી વૃક્ષારોપણની સાથેસાથે જલવાયુ પ્રદૂષણ, ગ્લોબલ વોર્મિંગ અને આબોહવા પરિવર્તન જેવી સમસ્યાઓનું નિરાકરણ પણ વિચારવું પડશે જળ, જંગલ અને જમીન આ ત્રણેયનું ધ્યાન રાખવું પડશે. માત્ર વૃક્ષારોપણ કે વૃક્ષઉછેર એ જ એક માત્ર પર્યાવરણ સંરક્ષણનું પાસુ નથી.

આ માટે આપણે સૌએ પોતાની જીવનશૈલીમાં પરિવર્તન લાવવું પડશે. પર્યાવરણપૂરક જીવનશૈલીથી જ આપણે સૌ ભૂમિ, જલવાયુ પ્રદૂષણથી બચી શકીશું.. વ્યક્તિ પોતે અને પોતાના પરિવારમાં પ્રકૃતિનો સંયમિત ઉપયોગ કરે તે ઇચ્છનીય છે. પોતાના ત્યાં રોજેરોજના વપરાશમાં તથા સામાજિક પ્રસંગોમાં પાણીનો બગાડ ન થાય અને પ્લાસ્ટિકનો ન્યૂનતમ વપરાશ થાય તેવા આગ્રહપૂર્વક નાના નાના પ્રયાસોથી આપણે સૌ પર્યાવરણ સામેના સંકટોનો સામનો કરી શકીશું. આપણે બિનપરંપરાગત ઊર્જાના સ્ત્રોત જેવા કે સૌર ઊર્જા, પવન ઊર્જા વગેરેનો ઉપયોગ કરવો જોઈએ. સાથે જ વાહનવ્યવહારમાં પણ પરંપરાગત ઊર્જાના સ્ત્રોતથી ચાલતા વાહનોની જગ્યાએ વીજળીથી ચાલતા વાહનોનો ઉપયોગ કરવાથી પણ ફાયદો થશે.