પેરિસ ઓલિમ્પિકમાં
ભારતની મનુ ભાકરે કાંસ્ય પદક મેળવી ભારતનું ગૌરવ વધાર્યું. 128 વર્ષના ઇતિહાસમાં આ પહેલો પ્રસંગ છે જેમાં ભારતની મહિલાએ શુટિંગમાં
ભાગ લઈને ભારતને મેડલ અપાવ્યો.. મેડલ મેળવ્યા બાદ મનુએ ખૂબ જ સરસ વાત કરી છે. એ કહે છે, ”આ મેડલ મેળવવામાં શ્રીમદ ભગવદ્ ગીતાનો મહત્વનો રોલ છે. હું દરરોજ ગીતા વાંચતી હતી, આ મહાન ગીતામાંથી હું ઘણું શીખી છું. જ્યારે હું
ફાઈનલ મેચ દરમિયાન લક્ષ્ય રાખતી હતી ત્યારે ગીતા મારા મગજમાં દોડતી હતી. ગીતામાં
કહ્યું છે કે, તમારા કર્મ પર ધ્યાન કેન્દ્રિત કરો, પરિણામ પર નહિ, તેથી મેં તેને ધ્યાનમાં રાખીને
લક્ષ્ય રાખ્યું." ભગવદ ગીતા મને મેડલ સુધી લઈ ગઈ.
ભગવદ્ ગીતા
શ્રીકૃષ્ણ અને અર્જુનના સંવાદના રૂપમાં પ્રસ્તુત છે. યુદ્ધભૂમિમાં બંને સેનાઓની
વચ્ચે શ્રી ભગવાન આ ભગવદ્ ગીતાનું જ્ઞાન
કરી રહ્યા છે. આપણને થાય કે યુદ્ધનો સમય હોય, બંને સેનાઓ સામસામે ઉભી હોય, યુદ્ધની
ઘોષણા શંખનાદ દ્વારા થઈ ગઈ હોય, આક્રમણ કોઈપણ સમયે થઈ શકે એવા સમયે કોઈ ગીતા કહી
શકે?
અહિ શ્રીકૃષ્ણ
ગુરુ છે અને અર્જુન શિષ્ય. અર્જુને જેવું અનુભવ્યું તેવું બોલ્યો અને શસ્ત્ર હેઠા
મૂકીને શ્રીકૃષ્ણને કહ્યું કે મને સમજણ આપો નહિ તો ત્યાં સુધી હું યુદ્ધ કરવાનો
નથી. અર્જુનમાં શીખવાની તીવ્ર ઉત્કંઠા હતી. કોઈપણ રીતે એ શીખવા તૈયાર હતો. અર્જુનના મનમાં જે હતું તે બધું પહેલા
ભગવાનને કહી દીધું અને ચૂપ થઈ ગયો. તે પછી
ભગવાન અર્જુનને શીખ આપે છે. તે બધું સાંભળ્યા પછી 18મા અધ્યાયને
અંતે અર્જુને કહ્યું “કરિષ્યે વચનમ તવ”.
વાસ્તવમાં ગીતા
અર્જુન માટે કહેવાઈ નથી. ગીતા આપણા માટે રચાઈ છે. અર્જુનને તો ભગવાન પોતાનું વિરાટ
સ્વરૂપ દેખાડી દેત તો અર્જુન ચૂપચાપ લડવા તૈયાર થઈ જાત અથવા કૌરવોને પોતાનું વિરાટ
રૂપ દેખાડી દેત તો કૌરવો યુદ્ધનું મેદાન તો શું હસ્તિનાપુર છોડીને પણ ભાગી જાત.
ગીતા કુરુક્ષેત્રના યુદ્ધ માટે નહિ, આપણા જીવનસંગ્રામ માટેનો ગ્રંથ છે. ગીતાની
રચના એવી છે કે એમાં કહ્યું છે બધું અર્જુનને પણ સમજવાનું છે સમગ્ર માણસ જાતને.
ગીતા માનવીય
મનનું વિશ્લેષણ છે. મનમાં ચાલતી ગૂંચવણોના ઉકેલ ગીતામાંથી મળી આવવાની શક્યતા છે.
કૃષ્ણને ભગવાન માનીને નહિ તેને એક શિક્ષક માનીને, ફિલોસોફર માનીને એની વાતો સમજીએ.
એક અર્થમાં અર્જુન કૃષ્ણ વચ્ચેના સંવાદના રૂપમાં ગીતા આપણને ડહાપણ શીખવે છે.
જ્યારે મનમાં શંકા હોય, મૂંઝવણ હોય, ડિપ્રેશન જેવું લાગે ત્યારે કૃષ્ણના સંવાદના
રૂપમાં ગીતા એક માનસશાસ્ત્રીનું કામ કરે છે.
પ્રથમ અધ્યાયનો
અર્જુન અને અઢારમા અધ્યાયના અંતે જે અર્જુન છે તે પહેલા જેવો અર્જુન નથી,
રૂપાંતરિત થયેલો અર્જુન છે. હું યુદ્ધ કરીશ નહીં એમ કહીને મૌન થયેલો અર્જુન માનસિક
રોગી જેવો છે. એ જ અર્જુન 18 મા અધ્યાયના અંતે કહે છે આપની કૃપાથી
મારો મોહ નષ્ટ થઈ ગયો છે અને મને સ્મૃતિ પ્રાપ્ત થઈ છે સંશય રહિત હું ઉભો થયો છું.
આપની આજ્ઞા પાળીશ. હવે રોગીષ્ઠ અર્જુન નથી, સ્વસ્થ થયેલો અર્જુન છે. શ્રીકૃષ્ણ
માનસિક રોગીને નિરોગી બનાવે છે.
યુવાનોએ
શીખવાનું છે કે ભગવદ્ ગીતા કોઈ ધર્મગ્રંથ
જ નહિ, તે જીવન જીવવાની કળા શીખવે છે. ઊંચા લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે ભગવદ્ ગીતા વાંચો. ભગવદ્ ગીતામાં કહ્યું છે, ‘તમારા
અધિકારમાં માત્ર કર્મનો જ વિચાર કરવો, પરિણામ માટે ચિંતા ન કરવી કે અકર્મણ્ય પણ ના
બનવું. ભગવદ્ ગીતા પ્રમાણે કર્મ એ માત્ર ફળ માટે કે સફળતા માટે નથી પરંતુ પોતાની
ક્ષમતા દ્વારા પોતે કોઈ શક્તિનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે એવી નમ્રતા સાથે
સફળતાની સાથેસાથે સાર્થકતાની ઉપાસના છે.
ભગવાન કહે છે
કાર્ય કરતી વખતે આપણું મન ભૂતકાળની યાદો અને ભવિષ્યની ચિંતામાં ન રહેતાં
વર્તમાનમાં રહેવું જોઈએ. ક્યારેક આપણે જ આપના મનને કહીએ છીએ મને શું મળશે? શું
મારી અપેક્ષા અનુરૂપ મળશે? આમ મન આવા કર્મફળની આશામાં જ ભટકતું રહે છે. ભગવાન કહે
છે આપણે કર્મફળ અંગેની ચિંતાઓ અને આગ્રહોનો ત્યાગ એટલે કે કર્મફળ ત્યાગની ભાવનાથી
કર્મ કરતાં રહેવું જોઈએ.. ફળ જરૂરથી મળવાનું જ છે અને મળીને જ રહેશે. પણ તે મારા
આગ્રહો પ્રમાણે જ મળે તેવી ચિંતા છોડવી જોઈએ.
વર્તમાનમાં પ્રગતિનો ખ્યાલ છે કે ઓછામાં ઓછું કામ અને
વધુને વધુ પૈસો. બધું શોર્ટકટમાં મળી જશે એવી ભ્રમણા ફેલાવવાની જાળ ફેલાઈ રહી છે
ત્યારે ભગવદ્ ગીતા આપણને સમજાવે છે કે
દરેક વ્યક્તિમાં શ્રેષ્ઠ કાર્યો કરવાની ક્ષમતા રહેલી જ છે. પણ કોઈપણ વાત શોર્ટકટથી સિદ્ધ થઈ જાય એવું નથી.
જે લોકો શ્રેષ્ઠ થયા છે એ અચાનક બન્યા નથી.
જીવન કેમ જીવવું એ આપણને ગીતા શીખવે છે અને જીવનની દરેક
મુશ્કેલીનું સમાધાન પણ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં છે. ભગવદ્ ગીતા મનુષ્યને
અંદરથી મજબૂત બનાવે છે. તે માત્ર કારકિર્દી ઘડવાનો કીમીયો બતાવનાર ગ્રંથ નથી પણ
વ્યક્તિ નિર્માણનો ગ્રંથ છે. શ્રીમદ
ભગવદ્ ગીતા તમને ક્યારેય હારવા નહિ દે અને ધારો કે કદાચ પણ તમે હાર્યા તો એ તમને
ક્યારેય તૂટવા નહિ દે.```
ડો. નિખિલ
ખમાર
પાટણ