Saturday, 14 December 2024

ગીતા વિમર્શ

 

        માગશર સુદ એકાદશી એટલે શ્રીમદ્ ભગવદ્ ગીતા જયંતિ. ભગવાન શ્રીકૃષ્ણ  ભગવદ્ ગીતાના દસમા અધ્યાય ‘વિભૂતિયોગ’ માં કહે છે કે, “ઋતુઓમાં હું વસંત છું અને મહિનાઓમાં ઉત્તમ એવો માગશર  છું.”  ભગવાને માગશર મહિનાને પોતાની એક વિભૂતિ ગણાવી છે. માગશર માસની સુદ એકાદશીએ કુરુક્ષેત્રની યુદ્ધભૂમિમાં શ્રીકૃષ્ણના મુખેથી મોક્ષ આપનારી ગીતાનું પ્રાગટ્ય થયું હતું. તેને ‘મોક્ષદા એકાદશી’ પણ કહેવાય છે. મહત્વની બાબત એ છે કે દરેક અવતારોની જયંતિ ઉજવાય પણ ગીતા એકમાત્ર ગ્રંથ છે જેની જયંતિ ઉજવવામાં આવે છે.

 

ભગવદ્ ગીતા એ ભારતની ઓળખ છે. તે ભારતનું તત્વજ્ઞાન અને કાવ્ય છે. ૫૦૦૦ વર્ષ પૂર્વે ભારતની ભૂમિમાંથી પ્રગટેલો ગ્રંથ આજે સંપૂર્ણ વિશ્વને માર્ગદર્શન કરી રહ્યો છે.  આજે  વિશ્વભરમાં ગીતાના શ્લોક બહુ જ આદર સહિત ગાવામાં આવે છે. ગીતા શ્રીકૃષ્ણ અને અર્જુન વચ્ચેનો તાત્વિક સંવાદ છે. અર્જુનને નિમિત્ત બનાવીને ભગવાન શ્રીકૃષ્ણ સમગ્ર માનવજાત માટે  જીવન મૂલ્યોનો સંદેશ આપે છે. એ એક એવી રચના છે કે જે આપણને જીવન સર્વોત્તમ રીતે કેવી રીતે જીવાય એની કળા અને એનો સિદ્ધાંત શીખવે છે. વિષમ પરિસ્થિતિઓનો સામનો કરી વિજય પ્રાપ્ત કરવાનો ઉપદેશ આપે છે. તેમાંથી સાંપ્રત સમસ્યાઓનો ઉકેલ મળી રહે છે. અહિંસા પર અટલ વિશ્વાસ રાખનાર મહાત્મા ગાંધીજીએ  ભગવદ્ ગીતાને પોતાની પ્રેરણા માની છે. જીવનની વિકટ સમસ્યાઓનો ઉકેલ તેઓ ગીતામાંથી જ શોધતા હતા.

 

ભગવદ્ ગીતાની વાણી આજના યુગમાં સર્વક્ષેત્રના લોકો  માટે પ્રેરક છે. બાળક, યુવાન, વૃદ્ધ, સ્ત્રીપુરુષ વગેરે દરેક વર્ગના લોકો તથા ડોક્ટર, એન્જિનિયર, શિક્ષક, વિદ્યાર્થી, વેપારી વગેરે કોઈપણ ક્ષેત્રમાં કાર્યરત મનુષ્ય ગીતાનું જ્ઞાન પ્રાપ્ત કરી પોતાના જીવનને ઉન્નતિના શિખર પર પહોંચાડી શકે છે. ગીતાનું જ્ઞાન ફક્ત અર્જુન માટે જ નહીં પરંતુ સંપૂર્ણ માનવ સમાજ માટે પ્રેરક ખજાનો છે, જેનાથી  હતાશ નિરાશ મનમાં આશા અને  નવીન ઉત્સાહ ભરાય છે. વિશ્વના મોટાભાગના તત્વ ચિંતકો, ક્રાંતિકારીઓ, વૈજ્ઞાનિકોએ આ  મહાગ્રંથમાંથી પ્રેરણા લીધી છે અને લઇ રહ્યા છે. મહાન ક્રાંતિવીર મદનલાલ ઢીંગરાને ફાંસી આપવામાં આવી ત્યારે એમના હાથમાં ગીતા હતી.તેમનો અંતિમ સંદેશ હતો,  ‘દેશની સેવા એ શ્રીકૃષ્ણની જ સેવા છે.’

 

આજના આધુનિક જમાનામાં ‘અમે યંગસ્ટર્સ છીએ, જો અમે ગીતા હાથમાં લઈશું તો અમારી ઇમ્પ્રેશન ખરાબ થઈ જશે. શાસ્ત્ર-ગ્રંથ તો વડીલોએ વાંચવા જોઈએ’... એવા સંવાદ યુવાનોના મુખે ઘણીવાર સાંભળવામાં આવે છે. પોતાની ઇમ્પ્રેશન, પોતાના માન સન્માનનો ખ્યાલ રાખવાવાળા યુવાનો અર્જુનના વ્યક્તિત્વને જુએ. તે શ્રેષ્ઠ ધનુર્ધર તેમજ સર્વગુણ સંપન્ન યોદ્ધા હતો. વિશેષ વાત એ હતી કે અર્જુનના મિત્ર સ્વયં શ્રીકૃષ્ણ ભગવાન હતા.

 

ગીતા એ જીવનમાં શુભ વિચારોનું ઘડતર થાય એવા પ્રકારનો એક પ્રકારે ગુરુ-શિષ્ય સંવાદ છે. ગીતાનો મુખ્ય સંદેશ છે શીખવું, શીખવવું અને તેનું આચરણ કરવું. વિદ્યાર્થીઓએ અર્જુન જેવા આદર્શ બનીને  શીખવાનું છે અને તે અનુસાર આચરણ કરવાનું છે. યુદ્ધભૂમિ પર ભ્રમિત અને હતપ્રભ મનોદશાવાળો વીરયોદ્ધો અર્જુન એક શ્રેષ્ઠ વિદ્યાર્થી અને શિષ્ય બનીને પોતાના ગુરુ શ્રીકૃષ્ણ ભગવાનના માર્ગદર્શનને અનુસરીને પોતાની આંતરિક શક્તિઓને યોગ્ય દિશામાં વાળી પોતાના વાસ્તવિક સ્વરૂપને પ્રાપ્ત કરે છે. આ સુંદર સંદેશ ગુરુ-શિષ્યના પરસ્પરના સંબંધને કેવી રીતે દ્રઢ બનાવે છે તે ગીતા દ્વારા સ્પષ્ટ થાય છે.

 

એક તરફ ભગવાન શ્રીકૃષ્ણનું વ્યક્તિત્વ આપણને શીખવે છે કે આદર્શ ગુરુ અથવા શિક્ષક કેવો હોય અથવા કેવો હોવો જોઈએ તો બીજી તરફ અર્જુનનું વ્યક્તિત્વ એ શીખવે છે કે આદર્શ વિદ્યાર્થી હંમેશા નિષ્ઠાવાન, પ્રામાણિક, જ્ઞાન પ્રાપ્તિ માટે સદાય તત્પર તથા જીવન વિષયક પ્રશ્નો પ્રત્યે ઉત્સુક અને જીજ્ઞાસુ  હોવો જોઈએ. ભગવાન શ્રીકૃષ્ણ પોતાના પ્રિય શિષ્ય અર્જુનને કહે છે કે જીવન શ્રેષ્ઠ રીતે વ્યતિત કરવું હોય તો સદૈવ સર્વોત્તમ અને પરિપૂર્ણ વિદ્યાર્થી બની રહો. જો યુવાનો  પણ આ દ્રષ્ટિકોણ અપનાવે અને ભગવાન શ્રીકૃષ્ણએ દર્શાવેલા માર્ગ પર ચાલે તો  તેમનું જીવન પણ સર્વોત્કૃષ્ટ બની શકે....

 

ભારત સરકારની નવી શિક્ષણનીતિ અનુસાર પાઠ્યક્રમમાં ચારિત્ર્ય ઘડતરમાં ઉપયોગી થાય એવા વિષયોને સ્થાન મળ્યું છે. આને આધારે ગુજરાત સરકારે શાળાના શિક્ષણમાં ભગવદ્ ગીતાને સ્થાન આપ્યું છે. આવા સમયે શિક્ષકો અને વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન મળે તેવું ગીતાનું સ્વરૂપ એ આજની આવશ્યકતા છે. આજની પાઠશાળાઓમાંથી જ ભવિષ્યના ભારતનું નિર્માણ થવાનું છે. રાષ્ટ્ર નિર્માણમાં આજના વિદ્યાર્થીઓનું જ વિશેષ યોગદાન રહેશે. એ દૃષ્ટિએ વિદ્યાર્થીઓના જીવન ઘડતરને સહાયરૂપ એવું સાહિત્ય ભગવદગીતા સ્વરૂપે શાળામાંથી જ મળે તો વિદ્યાર્થીઓ દ્વારા  વ્યવહારુ તત્વજ્ઞાનનું અનુસરણ થઈ શકે.

 

ગીતા જયંતીના પાવન પર્વે આપણે સૌ ગીતાનું વાંચન, મનન અને  સેવન કરીએ અને તેના અનુસાર આચરણ કરવાનો સંકલ્પ કરીએ. ગીતાનું અધ્યયન કરનારા સૌ કોઈ અર્જુનની જેમ શ્રીકૃષ્ણની શરણાગતિ સ્વીકારી ભગવાનની કૃપા મેળવે અને જીવનમાં વિજય પ્રાપ્ત કરે એવી પ્રાર્થના...

 

ડો. નિખિલ ખમાર

પાટણ