Monday, 7 October 2019

સંઘ બઢતા જા રહા હૈ...


 .. ૧૯૨૫માં વિજયાદશમીના દિવસે નાગપુરમાં ડો.કેશવરાવ બલીરામ હેડગેવાર દ્વારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ નામે શરુ  થયેલું  સંગઠન  આજે  આસેતુ  હિમાચલ  વ્યાપ્ત થઈને  વિશાળ વટવૃક્ષ બની ગયું  છે. પ.પૂ. ડોક્ટર હેડગેવારે જ્યારે આ કાર્યનો પ્રારંભ કર્યો ત્યારે તેમની પાસે સીમિત સાધનો હતા. સંપૂર્ણ હિંદુ સમાજનું સંગઠન કરવાનું બીડું તેમણે ઝડપ્યું હતું. કાર્યનું સ્વરૂપ ઘણું વિશાળ હતું, પરંતુ એનો પ્રારંભ નાના સ્વરૂપમાં થયો હતો. એની સંકલ્પના ડોક્ટર હેડગેવારના મનમાં અવશ્ય હતી. ૧૯૨૫ પહેલા આ ધરતી પર સંઘ નામની કોઈ ચીજ ન હતી, પરંતુ આજે પ્રત્યેક તાલુકા અને ગ્રામ્ય સ્તર  સુધી વિવિધ સ્વરૂપે સંઘનું કાર્ય છે. શૂન્યમાંથી સૃષ્ટિ સર્જાઈ હોય એવો આવિષ્કાર થયો. ઉપેક્ષા, ઉપહાસ, વિરોધ અને અવરોધોને માત આપીને સંઘકાર્ય અવિરત વધતું જાય છે.
આજે આ કાર્ય એક વિશિષ્ટ તબક્કે આવી પહોચ્યું છે. ગત નવ દાયકાથી  પણ વધારે સમયથી આ દેશના ભાગ્યવિધાતા હિંદુ સમાજને જાગૃત અને સંગઠિત કરીને દેશના વિકાસ અને ઉત્થાન માટે પરિશ્રમી બનાવવા માટે સંઘ ભગીરથ પ્રયત્નો કરે છે. સંઘનું કાર્ય શું છે, એનું ધ્યેય શુ છે, એની કાર્યપદ્ધતિ શું છે એની સ્પષ્ટ કલ્પના આજે સમાજ સામે છે. સંઘનું ધ્યેય આપણા આ ભારતને  દુનિયાનો એક સર્વશ્રેષ્ઠ દેશ બનાવવાનું છે. જ્ઞાન-વિજ્ઞાનનાં ક્ષેત્રમાં આપણો દેશ શ્રેષ્ઠ બને, આર્થિક દ્રષ્ટિથી સ્વાવલંબી અને સંપન્ન બને. ભારતે કોઈ દિવસ કોઈ દેશ પર આક્રમણ નથી કર્યું, પરંતુ જો ભારત પર યુદ્ધ લાદવામાં આવે તો યુદ્ધમાં પણ ભારત વિજયી બને. ભારત એક દેશ માત્ર નથી, ભારતની એક જીવન દ્રષ્ટિ છે. આ દ્રષ્ટિ-ચિંતન ભારતની આધ્યાત્મિકતા અને એકાત્મતા છે. એ જ ભારતની ઓળખાણ છે. આ જીવનદ્રષ્ટિ ભારતના પ્રત્યેક ક્ષેત્રમાં વ્યાપ્ત બને એવી સમાજરચના ઉભી કરવી એ સંઘનું કાર્ય છે. સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે આધ્યાત્મિકતા એ ભારતનો પ્રાણ છે. આ આધ્યાત્મિકતા  ભારતના સમાજજીવનના પ્રત્યેક અંગમાં પ્રગટે એવો એક સર્વાંગીણ ઉન્નત સમાજ તૈયાર થાય એ જ સંઘનું કાર્ય છે.
આ ધ્યેયનું સ્મરણ સ્વયંસેવકો પ્રતિદિન પ્રાર્થનામાં કરે છે. ઈશ્વરે  ભારત માટે નક્કી કરેલ ધ્યેય-મિશન પરિપૂર્ણ કરવાની દ્રષ્ટિથી પ્રત્યેક વ્યક્તિને જાગ્રત કરવી, તૈયાર કરવી એ વાતનો સંકલ્પ સંઘની પ્રાર્થનામાં  કરે  છે. આ રાષ્ટ્રીય ધ્યેયનો સાક્ષાત્કાર આપણા ઋષિ-મનીષીઓએ પણ  કર્યો જ છે. મનુષ્યજીવનની સફળતા પ્રાપ્ત કરવા માટે વ્યક્તિગત તથા સમાજજીવનની રચના કેવી રીતે કરવી એ અંગેનું માર્ગદર્શન  સંપૂર્ણ વિશ્વને આપવાની જવાબદારી ભારતની છે.
સમાજહિત, રાષ્ટ્રહિત, દેશહિત કોઈપણ સંજોગોમાં કોઈના ભરોસે ના મૂકી શકાય, આ માટે સમાજે જ પોતાના સામર્થ્ય અને સંગઠન દ્વારા પરિશ્રમ કરવો પડતો હોય છે,  સમાજને આ માટે તૈયાર કરનારા કાર્યકર્તા નિર્માણ કરવાનું કામ સંઘ કરી રહ્યો છે, સંઘની કાર્યપદ્ધતિ દ્વારા  તૈયાર થયેલા કાર્યકર્તાનું કર્તૃત્વ આજે સમાજ સામે છે, અને એના કારણે સમાજમાં એક શ્રદ્ધાભાવ અને વિશ્વાસ ઉભો થયો છે. આજે પ્રત્યેક રાષ્ટ્રીય સંકટની ઘડીએ અને સામાજિક વૈમનસ્યની  ઘડીએ  સામાન્ય જનસમાજ સંઘ પ્રત્યે આશા અને  માર્ગદર્શન  માટે ઉત્સુક હોય છે.
સંઘ માત્ર લેખોમાં કે પુસ્તકોમાં નથી, સંઘ  કૃતિમાં છે. સંઘનો પરિચય તેની કૃતિમાંથી જ મળશે. સંઘના વર્તમાન સરસંઘચાલક મા.મોહનરાવ ભાગવત પોતાના વકતવ્યોમાં અવારનવાર કહે છે,“સંઘને  જાણવો સમજવો હશે તો ડો. હેડગેવારના જીવનને સમજો. સંઘમાં આવો, ૨-૩ વર્ષ સંઘમાં રહેશો તો સંઘને જાણશો. સંઘમાં આવવાથી જ સંઘ વિશેની ગેરમાન્યતાઓ દૂર થશે.”

Wednesday, 25 September 2019

દિન વિશેષ - પંડિત દિનદયાલ ઉપાધ્યાય


જાહેર જીવનમાં  નેતાઓના વાણી અને વ્યવહાર લોકો પર વિશેષ અસર કરે છે.  કેટલાક જુજ વ્યક્તિઓ હોય છે જે   તમામ નેતાઓ, તમામ પક્ષોને પોતાના જીવન અને વ્યવહાર થકી અનોખી પ્રેરણા આપે છે. પંડિત દીનદયાલ ઉપાધ્યાય આવા નેતાઓમાં  અગ્રહરોળમાં મૂકી શકાય એવા નેતા હતા. તેઓ ભારતીય રાજનૈતિક જીવનનાં એક દેદીપ્યમાન નક્ષત્ર સમાન  હતા
.
૨૫ સપ્ટેમ્બર,૧૯૧૬ નાં દિવસે જન્મેલા દીનદયાલજી બાલ્યકાળથી જ તેજસ્વી છાત્ર તરીકે આગવી છાપ ધરાવતા હતા.  પોતાની વ્યક્તિગત કારકિર્દી બનાવવાને બદલે રાષ્ટ્ર  માટે જીવન સમર્પિત કરવાના સંકલ્પ સાથે ૧૯૪૨ થી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક બન્યા. ૧૯૫૧ માં ભારતીય જનસંઘની સ્થાપના થઇ ત્યારથી જ રાજકીય ક્ષેત્રના શીર્ષસ્થ આગેવાન બની રહ્યા. ભારતીય ચિંતન, ભારતીય દર્શન, ભારતીય રાષ્ટ્રવાદ અને એકાત્મ માનવદર્શનનાં ભાષ્યકાર  એવા દિનદયાલજી એક વિચારક માત્ર નહિ પરંતુ અનેક કાર્યકર્તાઓનાં માર્ગદર્શક પણ રહ્યા.

આજે દિનદયાલજી  હયાત નથી પરંતુ તેમના જીવનને આદર્શ બનાવી સમાજ જીવનને  પલટાવી શકાય છે. ઋષિતુલ્ય, આર્ષદ્રષ્ટા દિનદયાલજીનું જીવન સદૈવ પ્રેરક બની રહે તેમ છે. 

Wednesday, 14 August 2019

અખંડ ભારત સંકલ્પ




૧૫મી ઓગષ્ટ ૧૯૪૭ ના દિવસે આપણને સ્વતંત્રતા મળી, પરંતુ  સ્વતંત્રતાનાં આનંદની સાથે સાથે માતૃભૂમિના વિભાજનનો ઊંડો ઘા પણ સહન કરવો પડ્યો. ૧૯૪૭ નું વિભાજન એ પહેલું અને અંતિમ વિભાજન નથી. ભારતની સીમાઓનું વિભાજન ઘણા વર્ષો પહેલા શરુ થઇ ચુક્યું હતું. અફઘાનિસ્તાન, તિબેટ, ભૂતાન,નેપાળ, પાકિસ્તાન, શ્રીલંકા, બર્મા, બાંગ્લાદેશ વગેરે દેશો જુદા જુદા કાલખંડમાં ભારતથી અલગ થયા..

ભારત  એક  વિશાળ, વિરાટ અને અખંડ રાષ્ટ્ર છે, એ  માત્ર ભૂમિનો ટુકડો નથી. આ રાષ્ટ્રની પ્રત્યેક વ્યક્તિના ધબકારમાં ભારત  વસેલું છે, માટે જ આ ભૂમિના જનજનનો સંકલ્પ રાષ્ટ્રને ફરી અખંડ બનાવશે. અખંડ ભારત એ ભારતની પ્રકૃતિ છે.

અખંડ ભારત એ માત્ર સપનું નથી, પરંતુ એક શ્રદ્ધા છે, નિષ્ઠા છે. જે કારણોથી દેશનું વિભાજન થયું એ કારણોને દુર કરવાથી જ દેશ ફરી અખંડ થાય. એકતાની અનુભૂતિના અભાવથી જો દેશ ખંડિત થયો તો તેના પ્રભાવથી ફરી દેશ અખંડ થશે.અખંડતાનો માર્ગ સાંસ્કૃતિક છે, નહિ કે સૈન્ય કાર્યવાહી. ભારતની અખંડતાનો  આધાર ભૌગોલિક કરતા વધુ સાંસ્કૃતિક છે. ખંડિત ભારતમાં એક સશક્ત, તેજોમાયી રાષ્ટ્રજીવન  સ્થાપિત કરવાથી જ અખંડ ભારતના લક્ષ્યની પૂર્તિ થઇ શકે...

સમગ્ર વિશ્વનું માર્ગદર્શન ભારતે કરવાનું છે. વિશ્વને એક અનુપમ દિશા ભારતે આપવાની છે.આવી ભૂમિકા ત્યારે જ શક્ય છે જ્યારે એનો એક અખંડ રાષ્ટ્ર તરીકે વિકાસ થાય. 

Tuesday, 16 July 2019

ગુરુ ની મહત્તા..

આજના પવિત્ર ગુરુપૂર્ણિમાના દિવસે આપણે  સૌ ગુરુનું પૂજન અર્ચન કરીને તેમના પ્રત્યે ભાવ પ્રગટ કરીએ છીએ.. દરેકના જીવનમાં ગુરુનું સ્થાન આદર અને સન્માન ભર્યું હોય છે.આપણા દેશમાં આ ઉત્સવ ખુબ જ શ્રદ્ધા અને ભાવથી ઉજવવામાં આવે છે.

આપણા મહાપુરુષોએ 'આચાર્ય દેવો ભવ' કહી તેની મહત્તા ગાઈ છે..'ગુરુ સાક્ષાત પરબ્રહ્મ' કહી તેનું વર્ણન કર્યું છે..આવા ગુરુની મહત્તા તેની અંદર રહેલા ગુરુત્વ નાં  કારણે છે...ભારતની કલ્પના માત્ર પેટિયું રળવા માટે   મજુરી કરતા અને જ્ઞાનને વેચીને જીવતા છોકરા ભણાવવાનો વ્યવસાય કરતા કર્મચારીની નથી પણ સમાજને ઘડનારી  પેઢી તૈયાર કરનાર  સમર્થ આચાર્ય પરમ્પરાની છે.

ભારતમાં જે ગુરુ છે તેવી કલ્પના અન્યત્ર ક્યાય પણ નથી..ગુરુ શબ્દ શિક્ષક,  લેકચરર, પ્રોફેસર, રીડર શબ્દ નો સમાનર્થી નથી જ...આ ગુરુ કોણ  છે?  શિક્ષણની સાથે સાથે બાળકની ઊંડાઈ વધારનારો ગુરુ છે..પ્રોફેસર વિદ્યાર્થીને જીવનમાં સફળ બનાવે છે, ગુરુ વિદ્યાર્થીના જીવનને  તેજસ્વી બનાવે છે.તેના જીવનને  અર્થપૂર્ણ બનાવે છે.ગુરુ બાળકની અંદર ઈશ્વરીય તત્વનો અનુભવ કરે છે. ગુરુ  નાનો પણ હોઈ શકે, મોટો પણ હોઈ શકે.,જેણે બાળકની દિશા બદલી દીધી હોય , બાળકના જીવનને  ધન્યતા આપી હોય, દિવ્યતા આપી હોય તે ગુરુ છે...

સાંપ્રત સમયમાં ભારત પાસે એક મોટું વૈશ્વિક દાયિત્વ છે , ભારત વિશ્વને એક નવી દિશા આપી શકે તેમ  છે. આ મોટી જવાબદારી ભારતના ગુરુજનો  પર છે....ભારતના શિક્ષકો પોતાની હજારો વર્ષોની આ ગુરુ પરંપરાને ધ્યાનમાં  રાખે..ગુરુ ની જવાબદારી આવનારી પેઢીઓને આખી દુનિયાને નવો રસ્તો ચિંધવાની છે... વિશ્વના સંદર્ભમાં  આ એક દિવ્ય જવાબદારી છે...

Wednesday, 3 July 2019

નિર્વાણ દિને સ્વામીજી નું ચિંતન......

આજે ૪ જુલાઈ, આજના દિવસે ૧૯૦૨ માં સ્વામી વિવેકાનંદે મહાસમાધિ લીધી હતી.

સ્વામી વિવેકાનંદ ની વાણી આપણને ઝંકૃત કરે છે, ઉત્સાહ વધારે છે , એટલું જ નહિ , ભાવુક પણ કરે છે....સ્વામીજીએ ભારતવાસીઓને કહ્યું હતું,  ,''જ્યાં સુધી જીવો ત્યાં સુધી કાર્યરત રહો, હું તમારી સાથે છું.જ્યારે હું નહિ હોઉં ત્યારે પણ મારી આત્મા તમારી સાથે રહીને કામ કરતી રહેશે...ધન, યશ, કીર્તિ, સુખભોગ તો ક્ષણિક માત્ર છે.. સંસાર ના જીવજંતુ ની જેમ મારવા કરતાં પોતાના કર્તવ્યનું પાલન કરતાં કરતાં સત્યનો પ્રચાર કરતાં કરતા મૃત્યુને ભેટવું  અધિક શ્રેષ્ઠ છે., અનેક ગણું શ્રેષ્ઠ  છે. આગળ વધો.."

સ્વામી વિવેકાનંદે ૩૯ વર્ષની આયુમાં એટલું બધું ચિંતન આપણને આપ્યું છે કે આગામી અનેક વર્ષો સુધી કોઈ વ્યક્તિ ન આપી શકે. તેમણે ભારતને બૌદ્ધિક અને આધ્યાત્મિક  ક્ષેત્રે વિશ્વમાં સર્વોચ્ચ શિખરે પ્રસ્થાપિત કરી દીધું હતું. આજના દિવસે તેમની પુણ્યતિથિએ તેમને શત શત વંદન.....