Saturday, 14 December 2024

ગીતા વિમર્શ

 

        માગશર સુદ એકાદશી એટલે શ્રીમદ્ ભગવદ્ ગીતા જયંતિ. ભગવાન શ્રીકૃષ્ણ  ભગવદ્ ગીતાના દસમા અધ્યાય ‘વિભૂતિયોગ’ માં કહે છે કે, “ઋતુઓમાં હું વસંત છું અને મહિનાઓમાં ઉત્તમ એવો માગશર  છું.”  ભગવાને માગશર મહિનાને પોતાની એક વિભૂતિ ગણાવી છે. માગશર માસની સુદ એકાદશીએ કુરુક્ષેત્રની યુદ્ધભૂમિમાં શ્રીકૃષ્ણના મુખેથી મોક્ષ આપનારી ગીતાનું પ્રાગટ્ય થયું હતું. તેને ‘મોક્ષદા એકાદશી’ પણ કહેવાય છે. મહત્વની બાબત એ છે કે દરેક અવતારોની જયંતિ ઉજવાય પણ ગીતા એકમાત્ર ગ્રંથ છે જેની જયંતિ ઉજવવામાં આવે છે.

 

ભગવદ્ ગીતા એ ભારતની ઓળખ છે. તે ભારતનું તત્વજ્ઞાન અને કાવ્ય છે. ૫૦૦૦ વર્ષ પૂર્વે ભારતની ભૂમિમાંથી પ્રગટેલો ગ્રંથ આજે સંપૂર્ણ વિશ્વને માર્ગદર્શન કરી રહ્યો છે.  આજે  વિશ્વભરમાં ગીતાના શ્લોક બહુ જ આદર સહિત ગાવામાં આવે છે. ગીતા શ્રીકૃષ્ણ અને અર્જુન વચ્ચેનો તાત્વિક સંવાદ છે. અર્જુનને નિમિત્ત બનાવીને ભગવાન શ્રીકૃષ્ણ સમગ્ર માનવજાત માટે  જીવન મૂલ્યોનો સંદેશ આપે છે. એ એક એવી રચના છે કે જે આપણને જીવન સર્વોત્તમ રીતે કેવી રીતે જીવાય એની કળા અને એનો સિદ્ધાંત શીખવે છે. વિષમ પરિસ્થિતિઓનો સામનો કરી વિજય પ્રાપ્ત કરવાનો ઉપદેશ આપે છે. તેમાંથી સાંપ્રત સમસ્યાઓનો ઉકેલ મળી રહે છે. અહિંસા પર અટલ વિશ્વાસ રાખનાર મહાત્મા ગાંધીજીએ  ભગવદ્ ગીતાને પોતાની પ્રેરણા માની છે. જીવનની વિકટ સમસ્યાઓનો ઉકેલ તેઓ ગીતામાંથી જ શોધતા હતા.

 

ભગવદ્ ગીતાની વાણી આજના યુગમાં સર્વક્ષેત્રના લોકો  માટે પ્રેરક છે. બાળક, યુવાન, વૃદ્ધ, સ્ત્રીપુરુષ વગેરે દરેક વર્ગના લોકો તથા ડોક્ટર, એન્જિનિયર, શિક્ષક, વિદ્યાર્થી, વેપારી વગેરે કોઈપણ ક્ષેત્રમાં કાર્યરત મનુષ્ય ગીતાનું જ્ઞાન પ્રાપ્ત કરી પોતાના જીવનને ઉન્નતિના શિખર પર પહોંચાડી શકે છે. ગીતાનું જ્ઞાન ફક્ત અર્જુન માટે જ નહીં પરંતુ સંપૂર્ણ માનવ સમાજ માટે પ્રેરક ખજાનો છે, જેનાથી  હતાશ નિરાશ મનમાં આશા અને  નવીન ઉત્સાહ ભરાય છે. વિશ્વના મોટાભાગના તત્વ ચિંતકો, ક્રાંતિકારીઓ, વૈજ્ઞાનિકોએ આ  મહાગ્રંથમાંથી પ્રેરણા લીધી છે અને લઇ રહ્યા છે. મહાન ક્રાંતિવીર મદનલાલ ઢીંગરાને ફાંસી આપવામાં આવી ત્યારે એમના હાથમાં ગીતા હતી.તેમનો અંતિમ સંદેશ હતો,  ‘દેશની સેવા એ શ્રીકૃષ્ણની જ સેવા છે.’

 

આજના આધુનિક જમાનામાં ‘અમે યંગસ્ટર્સ છીએ, જો અમે ગીતા હાથમાં લઈશું તો અમારી ઇમ્પ્રેશન ખરાબ થઈ જશે. શાસ્ત્ર-ગ્રંથ તો વડીલોએ વાંચવા જોઈએ’... એવા સંવાદ યુવાનોના મુખે ઘણીવાર સાંભળવામાં આવે છે. પોતાની ઇમ્પ્રેશન, પોતાના માન સન્માનનો ખ્યાલ રાખવાવાળા યુવાનો અર્જુનના વ્યક્તિત્વને જુએ. તે શ્રેષ્ઠ ધનુર્ધર તેમજ સર્વગુણ સંપન્ન યોદ્ધા હતો. વિશેષ વાત એ હતી કે અર્જુનના મિત્ર સ્વયં શ્રીકૃષ્ણ ભગવાન હતા.

 

ગીતા એ જીવનમાં શુભ વિચારોનું ઘડતર થાય એવા પ્રકારનો એક પ્રકારે ગુરુ-શિષ્ય સંવાદ છે. ગીતાનો મુખ્ય સંદેશ છે શીખવું, શીખવવું અને તેનું આચરણ કરવું. વિદ્યાર્થીઓએ અર્જુન જેવા આદર્શ બનીને  શીખવાનું છે અને તે અનુસાર આચરણ કરવાનું છે. યુદ્ધભૂમિ પર ભ્રમિત અને હતપ્રભ મનોદશાવાળો વીરયોદ્ધો અર્જુન એક શ્રેષ્ઠ વિદ્યાર્થી અને શિષ્ય બનીને પોતાના ગુરુ શ્રીકૃષ્ણ ભગવાનના માર્ગદર્શનને અનુસરીને પોતાની આંતરિક શક્તિઓને યોગ્ય દિશામાં વાળી પોતાના વાસ્તવિક સ્વરૂપને પ્રાપ્ત કરે છે. આ સુંદર સંદેશ ગુરુ-શિષ્યના પરસ્પરના સંબંધને કેવી રીતે દ્રઢ બનાવે છે તે ગીતા દ્વારા સ્પષ્ટ થાય છે.

 

એક તરફ ભગવાન શ્રીકૃષ્ણનું વ્યક્તિત્વ આપણને શીખવે છે કે આદર્શ ગુરુ અથવા શિક્ષક કેવો હોય અથવા કેવો હોવો જોઈએ તો બીજી તરફ અર્જુનનું વ્યક્તિત્વ એ શીખવે છે કે આદર્શ વિદ્યાર્થી હંમેશા નિષ્ઠાવાન, પ્રામાણિક, જ્ઞાન પ્રાપ્તિ માટે સદાય તત્પર તથા જીવન વિષયક પ્રશ્નો પ્રત્યે ઉત્સુક અને જીજ્ઞાસુ  હોવો જોઈએ. ભગવાન શ્રીકૃષ્ણ પોતાના પ્રિય શિષ્ય અર્જુનને કહે છે કે જીવન શ્રેષ્ઠ રીતે વ્યતિત કરવું હોય તો સદૈવ સર્વોત્તમ અને પરિપૂર્ણ વિદ્યાર્થી બની રહો. જો યુવાનો  પણ આ દ્રષ્ટિકોણ અપનાવે અને ભગવાન શ્રીકૃષ્ણએ દર્શાવેલા માર્ગ પર ચાલે તો  તેમનું જીવન પણ સર્વોત્કૃષ્ટ બની શકે....

 

ભારત સરકારની નવી શિક્ષણનીતિ અનુસાર પાઠ્યક્રમમાં ચારિત્ર્ય ઘડતરમાં ઉપયોગી થાય એવા વિષયોને સ્થાન મળ્યું છે. આને આધારે ગુજરાત સરકારે શાળાના શિક્ષણમાં ભગવદ્ ગીતાને સ્થાન આપ્યું છે. આવા સમયે શિક્ષકો અને વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન મળે તેવું ગીતાનું સ્વરૂપ એ આજની આવશ્યકતા છે. આજની પાઠશાળાઓમાંથી જ ભવિષ્યના ભારતનું નિર્માણ થવાનું છે. રાષ્ટ્ર નિર્માણમાં આજના વિદ્યાર્થીઓનું જ વિશેષ યોગદાન રહેશે. એ દૃષ્ટિએ વિદ્યાર્થીઓના જીવન ઘડતરને સહાયરૂપ એવું સાહિત્ય ભગવદગીતા સ્વરૂપે શાળામાંથી જ મળે તો વિદ્યાર્થીઓ દ્વારા  વ્યવહારુ તત્વજ્ઞાનનું અનુસરણ થઈ શકે.

 

ગીતા જયંતીના પાવન પર્વે આપણે સૌ ગીતાનું વાંચન, મનન અને  સેવન કરીએ અને તેના અનુસાર આચરણ કરવાનો સંકલ્પ કરીએ. ગીતાનું અધ્યયન કરનારા સૌ કોઈ અર્જુનની જેમ શ્રીકૃષ્ણની શરણાગતિ સ્વીકારી ભગવાનની કૃપા મેળવે અને જીવનમાં વિજય પ્રાપ્ત કરે એવી પ્રાર્થના...

 

ડો. નિખિલ ખમાર

પાટણ

 

 

 

 

 

 

 

 

Monday, 23 September 2024

સર્વહિતકારક નાગરિક અનુશાસન એ સમયની માગ છે.

 


ભારત અત્યારે સ્વાધીનતાનું અમૃત પર્વ મનાવી રહ્યું છે. વિવિધ ક્ષેત્રોમાં ભારતે પ્રગતિની હરણફાળ ભરી છે.  વિશ્વભરમાં ભારત અગ્રેસર પ્રગતિશીલ દેશ તરીકે ગણના પામી રહ્યું છે. આર્થિક, ઇન્ટ્રાસ્ટ્રક્ચર, સંરક્ષણ, ટેકનોલોજી એમ વિવિધ ક્ષેત્રોમાં ભારત સ્વાવલંબી બની રહ્યું છે. વિકાસના આવા વિવિધ આયામોની વચ્ચે  આપણે સૌએ ચિંતન કરવાનો અને અનુસરવાનો સમય આવી ગયો છે કે એક નાગરિક તરીકેની આપણી ફરજો અંગે આપણી સમજ, સભાનતા  કેટલી વિકસિત કરી શક્યા છીએ.? વિકાસના વિવિધ માપદંડોની સાથે નાગરિક તરીકેની ફરજ (સિવિક સેન્સ)ની સમજ પણ વિકાસનો એક માપદંડ ગણાવો  જોઈએ.

 

ટ્રાફિક સેન્સ, સ્વચ્છતા, રાષ્ટ્રીય સંપતિની જાળવણી વગેરે વિષયોમાં આપણે એક નાગરિક તરીકે પોતાની સમજણ વિકસિત કરવાની જરૂરિયાત લાગે છે. નાગરિક અનુશાસનના પાઠ ભારતના બધા નાગરિકોએ શીખવાની અને વ્યવહારમાં લાવવાની આવશ્યકતા જણાઈ રહી છે. ભારતમાં સડક નિર્માણના આંકડાઓ ગૌરવ અપાવે છે, પરંતુ તેની સામે સડક દુર્ઘટનાના આંકડા આપણને હતપ્રભ કરી દે તેવા છે. ટ્રાફિક સેન્સની સમજણના અભાવે અનેક નિર્દોષ લોકો મૃત્યુ પામે છે. આ અકસ્માતો ઘર પરિવારોને તબાહ કરી નાખે છે. ઉત્તરોત્તર વધી રહેલા અકસ્માતો અંગે ચિંતા અને ચિંતન બંને જરૂર છે.  અકસ્માત થાય ત્યારે થોડા દિવસ મીડિયામાં ચર્ચા બળાપો થાય છે  પરંતુ થોડા દિવસ પછી બધું એમનું એમ થઇ જાય છે..

 

સ્વચ્છતાની બાબતમાં પણ કંઈક આવું જ અનુભવાય છે જાહેર સ્થળોએ ગમે ત્યાં થૂંકવું. ચાલુ કારે દરવાજો ખોલીને માવો થુંકવો, જાહેર સ્થળો પર ગંદકી કરવી આ બધું સામાન્ય હોય એવું અનુભવાય છે ક્યાંક ક્યાંક સરકારી કચેરીમાં કે જાહેર સ્થળોએ કોઈ પાનની પિચકારીઓ ના મારે તે માટે ત્યાં ભગવાનના ફોટા મૂકે છે તો તેને પણ કોઈ બાકી રાખતા  નથી.

 

ભારતની કોઈ વ્યક્તિ વિદેશમાં જઈને પાછા આવે ત્યારે ત્યાંના નાગરિકજીવનના ભરપેટ વખાણ કરતા હોય. જે વ્યક્તિઓ વિદેશમાં જઈને નાગરિક જીવનના નિયમો, સ્વચ્છતા, ટ્રાફિક સેન્સ વગેરેના વખાણ કરતા થાકતા નથી એ જ વ્યક્તિ ભારતમાં પાછા ફરે છે ત્યારે વિદેશમાં પોતે કરેલા વ્યવહારથી તદ્દન વિરુદ્ધ વ્યવહાર કરતા નજરે પડે છે.

 

વાસ્તવમાં આપણા સૌની સામૂહિક પ્રગતિ માટે નાગરિક અનુશાસન (સિવિક સેન્સ) ખૂબ જરૂરી છે. નાગરિક અનુશાસન એ માત્ર ભાષણનો મુદ્દો નથી, પરંતુ આપણે સૌએ એને વ્યવહારમાં લાવવા માટે અગ્રેસર થવું પડશે. સિવિક સેન્સની સમજણ ઓછી હોવાના કારણે એક આખી પેઢીનો બેફામ રીતે ઉછેર થઈ રહ્યો છે. આ અંગે સભાનતા લાવવાની અત્યંત આવશ્યકતા છે. નાગરિક અનુશાસનના સંસ્કાર ઘર-પરિવાર, શાળાથી શરૂ થવા જોઈએ.. આજે શાળાઓ અને પરિવારોમાં પણ આવા અનુશાસનનો આગ્રહ ઘટતો જોઈ શકાય છે. શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શાળાએ જવા કે ફરવા જવા માટે ઉંમરની લાયકાત ન હોવા છતાં વાલીઓ તેમને મુક્તપણે વાહન આપતા પણ અચકાતા નથી. જે માતા પિતા પોતાના ટીનેજ બાળકોને વાહનો આપી દે છે તેમણે પોતે અંદર ઝાંખીને નિર્ણય કરવો જોઈએ કે શું આ યોગ્ય છે?  શાળાઓ પણ આવા વિદ્યાર્થીઓને શાળામાં વાહનો લાવવાની છૂટ આપે છે. આ વિદ્યાર્થીઓ રસ્તા પર બેફામ રીતે વાહન ચલાવતા હોય છે જે ક્યારેક ક્યારેક અકસ્માતમાં પોતાને તથા અન્ય લોકોને મુશ્કેલીમાં મૂકી દેતા હોય છે. આમાંથી બહાર લાવવા માટે પરિવાર અને શાળાઓએ સંસ્કાર માટેનું એક સક્ષમ માધ્યમ બનવું જોઈએ.

 

આપણે ભારતીય નાગરિકોની સ્કિલ, સંપન્નતા ખૂબ વધારે છે. સરકાર જ બધી સમસ્યાઓનો સંપૂર્ણ હલ કરશે  એ માનસિકતામાંથી બહાર આવી જવાબદાર નાગરિક તરીકે  અનુશાસનનો ગુણ જાગૃત થાય તે બાબતે આપણે સૌ સંવેદનશીલ બનીએ અને વ્યવહારમાં લાવીએ તો ભારતની યશોગાથા  પુરપાટ ઝડપે દોડશે. સર્વહિતકારક નાગરિક અનુશાસન આપણા સમાજનું અંગ બને તે સમયની માગ છે.

 

 

 


 

 

 

 

 

Wednesday, 11 September 2024

મન કે હારે હાર હે મન કે જીતે જીત.... આ કહેવત જેટલી વ્યક્તિને લાગુ પડે છે તેટલી સમાજ પર પણ લાગુ પડી શકે છે. વિજયની આકાંક્ષા સમાજમનને શક્તિ  પ્રદાન કરે છે. જ્યારે  સમાજ   પોતાની શક્તિઓને ભૂલીને આત્મગ્લાની અનુભવતો   હોય ત્યારે કોઈ અદ્વિતીય વિજયની આકાંક્ષા સમાજની આ માનસિકતામાંથી બહાર લાવી શકે છે. આત્મવિસ્મૃતિની  માનસિકતાના કારણે સમાજ અકર્મણ્ય થઈ જતો હોય છે.

 

19 મી સદીના અંત ભાગમાં ભારતની સ્થિતિ કંઈક આવી જ હતી. સમાજ આવી અકર્મણ્યતા અને આત્મગ્લાની અનુભવતો હતો. ક્યાંયથી કોઈ આશાનું કિરણ નહોતું. સમાજ પરાધીન હતો. આત્મવિશ્વાસ ગુમાવી ચુક્યો હોવાના કારણે સ્વાધીનતા માટે પ્રયત્ન કરવામાં પણ ઉદાસીન જણાતો હતો.. આવી પૃષ્ઠભૂમિમાં 11 સપ્ટેમ્બર 1893માં શિકાગોની સર્વ ધર્મ પરિષદમાં સનાતન હિન્દુ ધર્મના પ્રતિનિધિ યોદ્ધા યુવા સંન્યાસી સ્વામી વિવેકાનંદ દ્વારા થયેલો દિગ્વિજયી ચમત્કાર ભારતના સમાજ માટે ચમત્કારિક ઘટના હતી. ભારતના માનસને ઝંકૃત કરીને સુપ્ત સમાજને જાગૃત કર્યો. અમે પણ કંઈ કરી શકીએ છીએ, આપણી પોતાની સંસ્કૃતિ, પરંપરા અને  ધર્મમાં વિશ્વ વિજયની ક્ષમતા છે એવી સભાનતા સમાજમાં જાગૃત કરવા માટે પર્યાપ્ત થઈ. શિકાગોની વિશ્વ ધર્મ પરિષદમાં થયેલ આધ્યાત્મિક વાતો આપણા ભારતના સર્વતોમુખી વિશ્વ વિજયનો શુભારંભ કહી શકીએ..

 

સ્વામી વિવેકાનંદે મૃત:પ્રાય હિન્દુ સમાજની સમક્ષ વિશ્વ વિજયનું ઉદ્દાત્ત લક્ષ્ય આપ્યું...સ્વામી વિવેકાનંદે સ્પષ્ટ કહ્યું હતું ભારત વિશ્વ વિજય કરશે તે નિશ્ચિત છે પરંતુ આ વિજય રાજનૈતિક, સૈન્યબળ અથવા આર્થિક શક્તિથી નહિ, પરંતુ આધ્યાત્મિક શક્તિ દ્વારા જ થશે. સ્વામીજીની સિંહગર્જના હતી ભારત ઉઠે અને પોતાની આધ્યાત્મિક શક્તિથી સંપૂર્ણ વિશ્વનો વિજય પ્રાપ્ત કરે..

 

આજના  દિગ્વિજય દિન પર આપણે રાષ્ટ્રીય જીવનના વિજયની આકાંક્ષાને પુનઃ જાગૃત કરવ સંકલ્પ લઈએ.....



Wednesday, 28 August 2024

શ્રીમદ ભગવદ્ ગીતા તમને ક્યારેય હારવા નહિ દે....

 


પેરિસ ઓલિમ્પિકમાં ભારતની મનુ  ભાકરે  કાંસ્ય પદક મેળવી ભારતનું ગૌરવ વધાર્યું. 128 વર્ષના ઇતિહાસમાં આ પહેલો પ્રસંગ છે જેમાં ભારતની મહિલાએ શુટિંગમાં ભાગ લઈને ભારતને મેડલ અપાવ્યો.. મેડલ મેળવ્યા બાદ મનુએ ખૂબ જ સરસ વાત કરી છે. એ કહે છે, ”આ મેડલ મેળવવામાં શ્રીમદ ભગવદ્ ગીતાનો મહત્વનો રોલ છે. હું દરરોજ ગીતા વાંચતી હતી,  આ મહાન ગીતામાંથી હું ઘણું શીખી છું. જ્યારે હું ફાઈનલ મેચ દરમિયાન લક્ષ્ય રાખતી હતી ત્યારે ગીતા મારા મગજમાં દોડતી હતી. ગીતામાં કહ્યું છે કે, તમારા કર્મ પર ધ્યાન કેન્દ્રિત કરો, પરિણામ પર નહિ, તેથી મેં તેને ધ્યાનમાં રાખીને લક્ષ્ય રાખ્યું." ભગવદ ગીતા મને મેડલ સુધી લઈ ગઈ.

 

ભગવદ્ ગીતા શ્રીકૃષ્ણ અને અર્જુનના સંવાદના રૂપમાં પ્રસ્તુત છે. યુદ્ધભૂમિમાં બંને સેનાઓની વચ્ચે શ્રી ભગવાન આ  ભગવદ્ ગીતાનું જ્ઞાન કરી રહ્યા છે. આપણને થાય કે યુદ્ધનો સમય હોય, બંને સેનાઓ સામસામે ઉભી હોય, યુદ્ધની ઘોષણા શંખનાદ દ્વારા થઈ ગઈ હોય, આક્રમણ કોઈપણ સમયે થઈ શકે એવા સમયે કોઈ ગીતા કહી શકે?

 

અહિ શ્રીકૃષ્ણ ગુરુ છે અને અર્જુન શિષ્ય. અર્જુને જેવું અનુભવ્યું તેવું બોલ્યો અને શસ્ત્ર હેઠા મૂકીને શ્રીકૃષ્ણને કહ્યું કે મને સમજણ આપો નહિ તો ત્યાં સુધી હું યુદ્ધ કરવાનો નથી. અર્જુનમાં શીખવાની તીવ્ર ઉત્કંઠા હતી. કોઈપણ રીતે એ શીખવા તૈયાર હતો.  અર્જુનના મનમાં જે હતું તે બધું પહેલા ભગવાનને કહી દીધું અને ચૂપ થઈ ગયો. તે  પછી ભગવાન અર્જુનને શીખ આપે છે. તે બધું સાંભળ્યા પછી 18મા અધ્યાયને અંતે અર્જુને કહ્યું “કરિષ્યે વચનમ તવ”.

 

વાસ્તવમાં ગીતા અર્જુન માટે કહેવાઈ નથી. ગીતા આપણા માટે રચાઈ છે. અર્જુનને તો ભગવાન પોતાનું વિરાટ સ્વરૂપ દેખાડી દેત તો અર્જુન ચૂપચાપ લડવા તૈયાર થઈ જાત અથવા કૌરવોને પોતાનું વિરાટ રૂપ દેખાડી દેત તો કૌરવો યુદ્ધનું મેદાન તો શું હસ્તિનાપુર છોડીને પણ ભાગી જાત. ગીતા કુરુક્ષેત્રના યુદ્ધ માટે નહિ, આપણા જીવનસંગ્રામ માટેનો ગ્રંથ છે. ગીતાની રચના એવી છે કે એમાં કહ્યું છે બધું અર્જુનને પણ સમજવાનું છે સમગ્ર માણસ જાતને.

 

ગીતા માનવીય મનનું વિશ્લેષણ છે. મનમાં ચાલતી ગૂંચવણોના ઉકેલ ગીતામાંથી મળી આવવાની શક્યતા છે. કૃષ્ણને ભગવાન માનીને નહિ તેને એક શિક્ષક માનીને, ફિલોસોફર માનીને એની વાતો સમજીએ. એક અર્થમાં અર્જુન કૃષ્ણ વચ્ચેના સંવાદના રૂપમાં ગીતા આપણને ડહાપણ શીખવે છે. જ્યારે મનમાં શંકા હોય, મૂંઝવણ હોય, ડિપ્રેશન જેવું લાગે ત્યારે કૃષ્ણના સંવાદના રૂપમાં ગીતા એક માનસશાસ્ત્રીનું કામ કરે છે.

 

પ્રથમ અધ્યાયનો અર્જુન અને અઢારમા અધ્યાયના અંતે જે અર્જુન છે તે પહેલા જેવો અર્જુન નથી, રૂપાંતરિત થયેલો અર્જુન છે. હું યુદ્ધ કરીશ નહીં એમ કહીને મૌન થયેલો અર્જુન માનસિક રોગી જેવો છે. એ જ અર્જુન 18 મા અધ્યાયના અંતે કહે છે આપની કૃપાથી મારો મોહ નષ્ટ થઈ ગયો છે અને મને સ્મૃતિ પ્રાપ્ત થઈ છે સંશય રહિત હું ઉભો થયો છું. આપની આજ્ઞા પાળીશ. હવે રોગીષ્ઠ અર્જુન નથી, સ્વસ્થ થયેલો અર્જુન છે. શ્રીકૃષ્ણ માનસિક રોગીને નિરોગી બનાવે છે.

 

યુવાનોએ શીખવાનું છે કે ભગવદ્  ગીતા કોઈ ધર્મગ્રંથ જ નહિ, તે જીવન જીવવાની કળા શીખવે છે. ઊંચા લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે  ભગવદ્ ગીતા વાંચો. ભગવદ્ ગીતામાં કહ્યું છે, ‘તમારા અધિકારમાં માત્ર કર્મનો જ વિચાર કરવો, પરિણામ માટે ચિંતા ન કરવી કે અકર્મણ્ય પણ ના બનવું. ભગવદ્ ગીતા પ્રમાણે કર્મ એ માત્ર ફળ માટે કે સફળતા માટે નથી પરંતુ પોતાની ક્ષમતા દ્વારા પોતે કોઈ શક્તિનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે એવી નમ્રતા સાથે સફળતાની સાથેસાથે સાર્થકતાની ઉપાસના છે.

 

ભગવાન કહે છે કાર્ય કરતી વખતે આપણું મન ભૂતકાળની યાદો અને ભવિષ્યની ચિંતામાં ન રહેતાં વર્તમાનમાં રહેવું જોઈએ. ક્યારેક આપણે જ આપના મનને કહીએ છીએ મને શું મળશે? શું મારી અપેક્ષા અનુરૂપ મળશે? આમ મન આવા કર્મફળની આશામાં જ ભટકતું રહે છે. ભગવાન કહે છે આપણે કર્મફળ અંગેની ચિંતાઓ અને આગ્રહોનો ત્યાગ એટલે કે કર્મફળ ત્યાગની ભાવનાથી કર્મ કરતાં રહેવું જોઈએ.. ફળ જરૂરથી મળવાનું જ છે અને મળીને જ રહેશે. પણ તે મારા આગ્રહો પ્રમાણે જ મળે તેવી ચિંતા છોડવી જોઈએ.

 

વર્તમાનમાં  પ્રગતિનો ખ્યાલ છે કે ઓછામાં ઓછું કામ અને વધુને વધુ પૈસો. બધું શોર્ટકટમાં મળી જશે એવી ભ્રમણા ફેલાવવાની જાળ ફેલાઈ રહી છે ત્યારે  ભગવદ્ ગીતા આપણને સમજાવે છે કે દરેક વ્યક્તિમાં શ્રેષ્ઠ કાર્યો કરવાની ક્ષમતા રહેલી જ છે.  પણ કોઈપણ વાત શોર્ટકટથી સિદ્ધ થઈ જાય એવું નથી. જે લોકો શ્રેષ્ઠ થયા છે એ અચાનક બન્યા નથી.

 

જીવન કેમ જીવવું એ આપણને ગીતા શીખવે છે અને જીવનની દરેક મુશ્કેલીનું સમાધાન પણ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં છે.  ભગવદ્ ગીતા મનુષ્યને અંદરથી મજબૂત બનાવે છે. તે માત્ર કારકિર્દી ઘડવાનો કીમીયો બતાવનાર ગ્રંથ નથી પણ વ્યક્તિ નિર્માણનો ગ્રંથ છે. શ્રીમદ ભગવદ્ ગીતા તમને ક્યારેય હારવા નહિ દે અને ધારો કે કદાચ પણ તમે હાર્યા તો એ તમને ક્યારેય તૂટવા નહિ દે.```

 

ડો. નિખિલ ખમાર

પાટણ

Saturday, 27 July 2024

પર્યાવરણ સંરક્ષણનો ભારતીય દ્રષ્ટિકોણ

 

આજે સર્વત્ર પર્યાવરણની ચર્ચા ચાલી રહી છે.  સામાન્ય વ્યક્તિથી લઈ દુનિયાના બુદ્ધિજીવીઓ  જે વિષય માટે ચિંતિત છે તે પર્યાવરણ સંરક્ષણના વિષયમાં વિચાર કરવાની આવશ્યકતા સૌને લાગી રહી છે. વધતી જતી ગરમી, વાવાઝોડા, ચક્રવાત, અનિયમિત વરસાદ, ક્યાંક પૂર તો ક્યાંક દુષ્કાળ.. આ પ્રકારની ઘટનાઓ ભયજનક હદે વધી રહી છે, ઋતુચક્રમાં થઇ રહેલા આ ફેરફારોએ આપણને વિચાર કરતા  મૂકી દીધા છે. પ્રકૃતિમાં આ પ્રકારના ફેરફાર શા કારણે આવી રહ્યા છે? જે પ્રકૃતિ માનવસમુદાય માટે હમેશા કલ્યાણકારી રહી છે તે માનવના વિનાશ માટે કેવી રીતે વિચારી શકે?  

આપણે ત્યાં માનવજીવન અને પ્રકૃતિ સંરક્ષણનો મહિમા છેક સનાતન કાળથી વર્ણવ્યો છે. આને આપણે સૌ ભારતીય દ્રષ્ટિકોણ કહી શકીએ. ભારતના ઋષિમુનિઓએ પ્રકૃતિ સંરક્ષણનો માનવનો સહજ સ્વભાવ બને એવી સમાજ વ્યવસ્થા નિર્માણ કરી હતી.  હજારો વર્ષો સુધી ભારતીય સમાજે આ વ્યવસ્થાઓનું પાલન કર્યું. આ વ્યવસ્થાઓ જ્યારે તૂટવા લાગી ત્યારે પ્રકૃતિમાં પરિવર્તન થયેલું આપણને જોવા મળે છે. પોતાના સ્વાર્થ અને ઉપભોક્તાવાદી જીવનશૈલીના કારણે માનવ સતત પર્યાવરણનું નિકંદન કાઢી રહ્યો છે. લોકો સીધી કે  આડકતરી રીતે પ્રચંડ પ્રમાણમાં કુદરતી ઊર્જા અને સામગ્રીનો વપરાશ કરે છે. આજે એવી સ્થિતિ આવી છે કે માણસ આ દિશામાં વિચારશે નહિ તો તેના અસ્તિત્વ સામે ખતરો ઊભો થઈ શકે તેમ છે.

ભારતમાં વૃક્ષો, નદી, પર્વત, ગ્રહ, નક્ષત્ર, અગ્નિ, વાયુ સહિત પ્રકૃતિના વિભિન્ન રૂપો સાથે માનવ સંબંધો જોડવામાં આવ્યા છે. વૃક્ષને પુત્ર તો નદીને માતા અને પર્વતને પિતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. વાયુને દેવ ગણી પૂજવામાં આવે છે. આપણી સંસ્કૃતિમાં વૃક્ષોને દેવતા માની પૂજા કરવાની આજ્ઞા છે. પરિણામે આપણે સ્વભાવથી જ વૃક્ષોના સંરક્ષક બનીએ છીએ. છોડમાં રણછોડ જોવાની આપણી પરંપરા  રહી છે મોટાભાગના હિન્દુ ઘરોમાં આજે પણ તુલસીનો છોડ અવશ્ય જોવા મળે છે. વૈજ્ઞાનિકોએ પણ સ્વીકાર્યું છે કે તુલસીનો છોડ સૌથી વધુ ઓક્સિજન છોડે છે. પીપળાના વૃક્ષને દેવતા માનીને પૂજવાની આપણી પરંપરા છે. તેની પાછળ પણ તે સૌથી વધુ ઓક્સિજન પૂરો પાડતો હોવાનું વૈજ્ઞાનિક કારણ છે. વટસાવિત્રીના વ્રતમાં વડની પૂજા કરવામાં આવે છે. મા સરસ્વતીને પીળા ફૂલ પસંદ છે. લક્ષ્મીજીને કમળ અને ગુલાબના ફૂલ થકી પ્રસન્ન કરી શકાય છે. ભગવાન શ્રીગણેશ દુર્વાથી પ્રસન્ન થાય છે. દેવદર્શને  ફૂલ અને ફળ લઈ જવાની પરંપરા સનાતન સંસ્કૃતિ સિવાય વિશ્વની અન્ય કોઈ સંસ્કૃતિમાં જોવા મળતી નથી. પ્રકૃતિ સંરક્ષણના સંસ્કારો માત્ર હિન્દુ  પરંપરાઓમાં જ જોવા મળે છે. ભારતીય ચિંતનમાં પ્રકૃતિને માતા માની તેની સાથે પૂજ્યભાવથી વર્તન કરવાની વાત કહી છે.

 આ વૈશ્વિક સંકટના સમાધાન  માટે વિશ્વએ  ભારતીય સંસ્કૃતિના શરણે જવું પડશે તેવું વિશ્વના મહાનુભાવોને સમજાઈ રહ્યું છે. આ વૈશ્વિક સંકટને ખાળવામાં ભારત નેતૃત્વ કરી વિશ્વને માર્ગ ચીંધી શકે છે.. ભારતીય દર્શન વિશ્વના સ્વસ્થ વિકાસ માટેની એક બ્લુ પ્રિન્ટ છે. દેશ દેશ વચ્ચેના વિવાદો ભૂલીને આપણે એક વિશ્વ છીએ તે ભાવના જાગવી જોઈએ. આ ભાવના વસુધૈવ કુટુંબકમ જગાવે છે. આ આખું વિશ્વ એટલે માત્ર વિશ્વનો માનવ સમુદાય નહિ, પરંતુ જળ, જમીન, જંગલ, જંતુ, જાનવર એ તમામ આપણા પરિવારનો હિસ્સો છે તેવું મનમાં ઉતરે તે માટે આધ્યાત્મિક ચેતનાનું જાગ્રત થવું અનિવાર્ય લાગી રહ્યું છે.  આ વિશ્વ એક પરિવાર અને એક વિશ્વના દર્શનનો સ્વીકાર એ જ એક ઉપાય છે. દુનિયાને આ માર્ગ પર લાવવા ભારત તેનું મોડેલ બને તેવી આહલેક જગાવવી પડશે.

પર્યાવરણ સંરક્ષણના ઉકેલ માટે  ભારતીય દ્રષ્ટિકોણને માત્ર ચર્ચા કે ચિંતન નહિ પરંતુ પ્રત્યક્ષ આચરણમાં લાવવું પડશે. દર વર્ષે ચોમાસુ બેસે ત્યારે વિવિધ સામાજિક સંગઠનો, જાણીતી હસ્તીઓ, રાજકારણીઓ, કોર્પોરેટ જગતના લોકો વૃક્ષો વાવવાની હિમાયત કરતા જોવા મળે  છે.  વૃક્ષારોપણ ચોક્કસપણે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને આપણે સૌએ તે નિયમિતપણે કરવું જોઈએ. પરંતુ માત્ર વૃક્ષારોપણ પર્યાપ્ત નથી વૃક્ષારોપણની સાથેસાથે જલવાયુ પ્રદૂષણ, ગ્લોબલ વોર્મિંગ અને આબોહવા પરિવર્તન જેવી સમસ્યાઓનું નિરાકરણ પણ વિચારવું પડશે જળ, જંગલ અને જમીન આ ત્રણેયનું ધ્યાન રાખવું પડશે. માત્ર વૃક્ષારોપણ કે વૃક્ષઉછેર એ જ એક માત્ર પર્યાવરણ સંરક્ષણનું પાસુ નથી.

આ માટે આપણે સૌએ પોતાની જીવનશૈલીમાં પરિવર્તન લાવવું પડશે. પર્યાવરણપૂરક જીવનશૈલીથી જ આપણે સૌ ભૂમિ, જલવાયુ પ્રદૂષણથી બચી શકીશું.. વ્યક્તિ પોતે અને પોતાના પરિવારમાં પ્રકૃતિનો સંયમિત ઉપયોગ કરે તે ઇચ્છનીય છે. પોતાના ત્યાં રોજેરોજના વપરાશમાં તથા સામાજિક પ્રસંગોમાં પાણીનો બગાડ ન થાય અને પ્લાસ્ટિકનો ન્યૂનતમ વપરાશ થાય તેવા આગ્રહપૂર્વક નાના નાના પ્રયાસોથી આપણે સૌ પર્યાવરણ સામેના સંકટોનો સામનો કરી શકીશું. આપણે બિનપરંપરાગત ઊર્જાના સ્ત્રોત જેવા કે સૌર ઊર્જા, પવન ઊર્જા વગેરેનો ઉપયોગ કરવો જોઈએ. સાથે જ વાહનવ્યવહારમાં પણ પરંપરાગત ઊર્જાના સ્ત્રોતથી ચાલતા વાહનોની જગ્યાએ વીજળીથી ચાલતા વાહનોનો ઉપયોગ કરવાથી પણ ફાયદો થશે.