Wednesday, 2 April 2025

યુગ પ્રવર્તક –ડો. હેડગેવાર

 


રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ શતાબ્દી તરફ આગળ વધી રહ્યો છે. સંઘનું નામ આજે સર્વત્ર ચર્ચામાં છે. સંઘકાર્ય આજે  દેશભરમાં પ્રવાહમાન ધારાની જેમ સતત ગતિમાન છે. રાષ્ટ્રહિતમાં વિચારનારી સજ્જનશક્તિ સંઘનો વધતો વ્યાપ જોઈ પ્રત્યક્ષ સંઘ સાથે જોડાઈ રહી છે અથવા સામાજિક કાર્યમાં સક્રિય બનવા ઉત્સુક છે. સંઘકાર્યની અવિરત ધારાને જોતાં તેનું ઉદગમસ્થાન જોવા જાણવાની ઈચ્છા આપોઆપ જાગ્રત થાય તે સ્વાભાવિક છે. સંઘનો પ્રારંભ કોણે કર્યો? કેવી રીતે થયો? સંઘ સરિતાના પ્રવાહને ધરતી પર ઉતારનાર એ ભગીરથ કોણ છે? વગેરે...આ લેખ દ્વારા સંઘના આદ્યસ્થાપક ડો. કેશવરાવ બલિરામ હેડગેવારના જીવનના પ્રસંગો દ્વારા તેમના જીવનનો પરિચય મેળવીએ.

નાગપુરમાં ચૈત્ર સુદ એકમ એટલે કે વર્ષ પ્રતિપદા (ગુડી પડવા)ના પાવન દિવસે, અંગેજી  દિનાંક ૧ એપ્રિલ, ૧૮૮૯ના રોજ જન્મેલા કેશવ બલિરામ હેડગેવાર જન્મજાત દેશભક્ત હતા. બાળ કેશવના મનમાં અંગ્રેજો પ્રત્યે ભારોભાર ગુસ્સો તથા દેશને સ્વતંત્ર જોવાની અદમ્ય ઈચ્છા હતી. આવું તેમના અનેક પ્રસંગો પરથી કહી શકાય. રાણી વિક્ટોરિયાના રાજ્યારોહણના હિરક મહોત્સવ નિમિત્તે શાળાઓમાં વહેંચાયેલી મીઠાઈને બાળ કેશવે કચરામાં ફેંકી દીધી હતી. વંદે માતરમના ઉદઘોષ પર પ્રતિબંધ મૂકનારા સર્ક્યુલરની અવગણના કરીને ૧૯૦૭માં વિદ્યાલયમાં નિરીક્ષકના સ્વાગતમાં પ્રત્યેક વર્ગખંડમાં વંદે માતરમનો  ઉદઘોષ કરવામાં આવ્યો. આ યોજના કેશવની જ હતી. આના માધ્યમથી પોતાની નિર્ભયતા, દેશભક્તિ તથા સંગઠન કુશળતાનો પરિચય કેશવે કરાવ્યો. ક્રાંતિકારી આંદોલનનું કેન્દ્ર કલકત્તા હોવાથી ડોક્ટરનો અભ્યાસ કરવા તેઓ કલકત્તા ગયા અને ખૂબ ઝડપથી ક્રાંતિકારી આંદોલનની સંસ્થા અનુશીલન સમિતિમાં જોડાઈને પોતાનું નામ પ્રસ્થાપિત કરી દીધું. અભ્યાસ પૂર્ણ થયા બાદ નાગપુર પાછા આવીને ઘરની આર્થિક સ્થિતિ ખરાબ હોવા છતાં ડોક્ટરનો વ્યવસાય કે વિવાહ કરવાનો વિચાર ત્યાગી પૂર્ણ શક્તિથી સ્વતંત્રતા આંદોલનમાં જોડાઈ ગયા.

૧૯૧૫થી ૧૯૨૪ સુધીના સમયગાળા દરમિયાન દેશમાં ચાલનારા વિવિધ આંદોલનો તેમજ વિવિધ સંસ્થાઓમાં કામ કરતાં કરતાં એમનું ચિંતનશીલ અને પરિપક્વ મન તે સમયની સામાજિક, સાંસ્કૃતિક પરિસ્થિતિઓ અને વિશ્વની પૃષ્ઠભૂમિમાં ભારતવર્ષના પરાજય વિષે પણ સતત ચિંતન મંથન કરતુ હતું. ભારતને ગ્રસિત કરનારા રોગનું નિદાન  શોધવામાં તેઓ વ્યસ્ત રહેતા..

સ્વતંત્રતા આંદોલનમાં લગભગ એક દાયકાની સક્રિય ભૂમિકા પછી તેમના ધ્યાનમાં આવ્યું કે આપણી અધોગતિ માટે આપણા સામાજિક દોષો જવાબદાર છે. સ્વાભિમાન શૂન્ય, આત્મવિસ્તૃત અને અસંગઠિત હિંદુ સમાજને કારણે જ વિદેશીઓ  આટલા બધા વર્ષો સુધી વિશાળ ભારત ઉપર શાસન કરી શક્યા. માત્ર અંગ્રજો કે મુસલમાનોને ગાળો કાઢવાને બદલે હિન્દુ સમાજે પોતાનામાં રહેલા દોષોને જવાબદાર ગણી પોતાના દોષો દૂર કરવાના પ્રયત્નોમાં લાગી જવું પડશે.  ભારતને સશક્ત બનાવવા માટે ભારતના ઈતિહાસ, વર્તમાન તથા ભવિષ્યને સાંકળીને એમણે રાષ્ટ્રીયતાના મૂળ પ્રશ્ન પર ઊંડો વિચાર કર્યો. ભાષણો, અપીલો અથવા અપેક્ષાઓ માત્રથી રાષ્ટ્ર સબળ બની શકે નહિ.  એ માટે નિરંતર દેશભક્તિ, સામુહિકતા, સામાજિક સંવેદનશીલતા તેમજ એકતાની ભાવનાનો સંચાર થવો જોઈએ.

ભારત પાસે ચિંતકો અને સિદ્ધાંતકારો હતા, ચિંતન અને સિદ્ધાંતો હતા, ઈતિહાસ અને પરંપરાઓ હતી, ભવિષ્યની કલ્પનાઓ પણ હતી, પરંતુ આ બધાને એક સૂત્રમાં પરોવનારું અને એક સ્વર પ્રદાન કરનારું કોઈ સંગઠન નહોતું. ડો.હેડગેવારે રાષ્ટ્રજીવનની આ ઉણપ સમજી લઈને એને પૂર્ણ કરવાનું વ્રત લીધું.

પોતાના અંતરંગ સાથીઓ સાથે  તેમના હૃદયમાં રહેલા વિચારો સ્પષ્ટ કરતાં  અને કહેતા કે કોઈક એવા સંગઠન અને પદ્ધતિને આકાર આપવો જોઈએ જે દેશને માટે પ્રભાવી અને સ્થાયી પરિબળ બની શકે અને આવતીકાલના સમાજનું તેમાંથી ઘડતર થાય. રાજનીતિથી આ કામ ન થઇ શકે, રાષ્ટ્રીયતાનો ભાવ જ આની ચાલના આપી શકે.

તેમના મનમાં એક દ્રઢ વિચાર સ્થાયી હતો કે ‘હું આ દેશનો  ઘટક છું અને મારે દેશ માટે ત્યાગ કરવો એ મારું કર્તવ્ય છે’, એ ભાવનાનું પુનર્જાગરણ જ સુષુપ્ત સમાજમાં નવો પ્રાણ સંચાર કરશે. પોતાના અંગત સુખ છોડીને દેશ અને સમાજ માટે પૂર્ણ જીવન સમર્પિત કરનારા સેંકડો યુવાનો જયારે બહાર આવશે ત્યારે દેશમાં પરિવર્તન આવશે. એ માટે જે સંગઠન કામ કરશે તે સંગઠન સમાજજીવન માટે એક વિધાયક આંદોલન બની જશે. આ કામની શરૂઆત હું મારાથી જ કરીશ..

આ દ્રઢ સંકલ્પનું  શુભ પરિણામ એટલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ. આ ભગીરથ સંકલ્પની સિદ્ધિ માટે ડો. હેડગેવારે ૧૯૨૫માં વિજયાદશમીના દિવસે નાગપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કરી. નાગપુરના મોહિતેવાડાના મેદાનમાં શરૂ થયેલી શાખા ધીરે ધીરે દેશભરમાં ફેલાઈ ગઈ. ડો. હેડગેવારજીના એક ઇશારે પોતાનું સર્વસ્વ જીવન સમર્પિત કરનાર નવલોહિયા યુવાનોની હારમાળા સર્જાઈ.. ૧૯૪૦માં ડોક્ટર હેડગેવારજીના અવસાન સુધી  ૧૫ વર્ષમાં તો દેશના પ્રત્યેક પ્રાંતમાં સંઘની શાખાઓ હિન્દુ શક્તિના સ્વરૂપે ઓળખાવા લાગી.

તેમના માટે સંઘકાર્ય એ જ જીવનકાર્ય બની ગયું હતું. સંઘકાર્યને સંપૂર્ણ સ્વાવલંબી તથા આત્મનિર્ભર બનાવવા તેમણે બહારથી આર્થિક સહાયતા લેવાની પરંપરા રાખી નહીં. સંઘના સ્વયંસેવકો જ આ કાર્ય માટે જરૂરી ધનસંચય, પરિશ્રમ, ત્યાગ આપવા તૈયાર થાય તેવા ઉમદા હેતુથી ગુરુદક્ષિણાની અભિનવ પરંપરા સંઘમાં શરૂ કરી. આ ચિર પુરાતન તથા નિત્યનૂતન હિન્દુ સમાજને સતત પ્રેરણા આપનારા પ્રતીક ભગવા ધ્વજને ગુરુના સ્થાને સ્થાપિત કરવાનો તેમનો વિચાર તેઓ દીર્ઘદ્રષ્ટા હોવાનો પુરાવો આપે છે.

ડો.હેડગેવારે બે પ્રભાવી ઘોષણાઓ કરી હતી. એક ઘોષણા એ કે ‘આ હિન્દુસ્તાન હિન્દુ રાષ્ટ્ર છે.’ કેટલાક નેતાઓ જ્યારે આ રાષ્ટ્રને ‘નેશન ઇન મેકિંગ’ કહી રહ્યા હતા તેવા સમયે ડો.હેડગેવારે  નિર્ભયતાપૂર્વક કહ્યું હતું કે ‘આ હિન્દુ રાષ્ટ્ર છે’.  બીજી ઘોષણા એટલે ‘અમારે નવું કશું કરવાનું નથી’ આ ઘોષણાનું રહસ્ય ઘણા સમય સુધી લોકોની સમજમાં નહોતું આવતું. કેટલાક લોકો ત્યારે ટીકા કરતાં કહેતા કે સંઘે નવું કંઈ કરવાનું નથી તો પછી સંઘની સ્થાપના કેમ કરવામાં આવી?. પરંતુ લોકોની ટીકા ઉપર ધ્યાન આપ્યા સિવાય તેઓ અવિરત સંઘકાર્ય કરતાં રહ્યા. પૂર્ણ વિચાર અને ગંભીર અભ્યાસ પછી તેમણે આ ઘોષણા કરી હતી. તેઓ જાણતા હતા કે ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય આ ત્રણેય કાળમાં વ્યાપ્ત વિરાટ રાષ્ટ્રપુરુષના દર્શન માત્રથી જનતાના મનમાં આત્મવિશ્વાસની ભાવના દ્રઢ થશે.

શબ્દોથી નહીં આચરણથી શીખવવાની તેમની કાર્યપદ્ધતિ હતી. સંઘકાર્યની પ્રસિદ્ધિની ચિંતા કર્યા વિના સંઘકાર્યના પરિણામથી જ લોકો સંઘકાર્યને મહેસુસ કરશે, તેને સમજશે અને સહયોગ આપશે તેવું તેવું માનતા હતા.. પ્રારંભમાં સંઘકાર્ય માટે ઉપેક્ષા પછી ઉપહાસ, પછી તટસ્થતા અને તે પછી સંઘનો વિરોધ અને પછી સંઘકાર્યનો સ્વીકાર આ ક્રમ જળવાતો રહ્યો. સંઘના વિરોધથી માંડી બધી બાબતો સંઘ પ્રત્યેના  પ્રેમમાં પરિવર્તિત થવા લાગી અને આજે જનતાની સમક્ષ પ્રભાવી હિન્દુ રાષ્ટ્રનું મંગલમય ચિત્ર દેખાવા લાગ્યું છે. કાળક્રમે ડો.હેડગેવાર સાચા પડ્યા. સંઘ સ્થાપના પછી જેમને પાગલ કહીને મજાક ઉડાવતા હતા તે ડો.હેડગેવાર લોકોને દેવદૂત જેવા લાગવા માંડ્યા.

૨૧ જૂન, ૧૯૪૦ ના રોજ તેમનું નિધન થયું. તેમના નિધન પછી અનેક ચડાવ ઉતાર સંઘના જીવનમાં આવ્યા હોવા છતાં સંઘનું કાર્ય આજે પોતાની નિશ્ચિત કરેલી ગતિથી આગળ વધી રહ્યું છે.. મહાન કાર્ય માટેનો ધ્યેય મંત્ર,આગવી સંગઠન કુશળતા અને પ્રભાવી નેતૃત્વ આ  ત્રણેય ગુણો ડો. હેડગેવારમાં એકત્ર હતા, એટલે જ તેઓ યુગ પ્રવર્તક હતા.


Tuesday, 21 January 2025

શ્રીરામ જન્મભૂમિ: ઈતિહાસ, સંઘર્ષ અને ભવ્ય વિજયગાથા

 


પોષ સુદ બારસ, ૧૧/૧/૨૦૨૫ શનિવારના દિવસે અયોધ્યામાં શ્રીરામમંદિર પુનઃ પ્રાણપ્રતિષ્ઠાને એક વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સમગ્ર ભારતવર્ષમાં  પ્રતિષ્ઠા દ્વાદશી ઉત્સવ તરીકે ઉજવણી કરવામાં આવી. વિ.સં.૨૦૮૦, પોષ સુદ બારસ, ૨૨મી જાન્યુઆરી,૨૦૨૪નો દિવસ વિશ્વના ઇતિહાસમાં અમર સ્મૃતિ દિવસ હતો.. આ દિવસે અયોધ્યામાં શ્રીરામમંદિરની પુનઃ પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી. સંતોના સતત સંઘર્ષ, સમાજની સંગઠિત શક્તિના પ્રયાસ અને રાજકીય ઈચ્છાશક્તિના કારણે આપણા સૌ માટે પરમ સૌભાગ્યનું આ સ્વપ્ન સાકાર થયું. ઘણી પેઢીઓ આ ખુશીની ક્ષણ જોવાનું સપનું લઈને દુનિયા છોડી ગઈ. અત્યારની પેઢીને આ સૌભાગ્ય મળ્યું.  આ સંઘર્ષના ઈતિહાસને આપણે સૌએ ખાસ કરીને યુવા પેઢીએ જાણવો રહ્યો.

મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામની સ્મૃતિમાં તેમના પુત્ર કુશે તેમના ગુરુના માર્ગદર્શનથી અયોધ્યાની ભૂમિ પર ભવ્ય રામમંદિરનું નિર્માણ કરાવ્યું હતું. આ મંદિર પર સૌથી પહેલું આક્રમણ ઈ.સ. પૂર્વે ૧૫૦માં ગ્રીક આક્રમણકારી મિલિંદે કર્યું હતું. ઈ.સ. ૧૫૨૮ના યુદ્ધમાં મોગલ બાદશાહ બાબરના આદેશથી તેના સેનાપતિ મીરબાંકીએ મંદિરને જમીનદોસ્ત કર્યું.. સૌના આરાધ્યદેવ પ્રભુ શ્રીરામનું મંદિર તુટ્યું એ ભારતના અપરાધભાવનો સમય હતો. એક વિદેશી આક્રમણકારીએ આપણું જે અપમાન કર્યું હતું તેને દૂર કરવા માટે પહેલા અયોધ્યાના લોકો, ત્યારબાદ સંતો અને ૧૯૮૪ પછી આખો દેશ સંઘર્ષરત રહ્યો.. મંદિરના મુખ્ય પૂજારી મહાત્મા શ્યામાનંદજી મહારાજનું બલિદાનમાં સૌથી પહેલું નામ છે.  સંતો દ્વારા કાયદાકીય લડાઈઓ પણ લડવામાં આવી. અનેક રાજા મહારાજાઓ, મુગલો અને અંગ્રેજોની અદાલતોમાં  ન્યાય માટે અનેક કેસ ચાલ્યા. ૧૮૮૫માં મહંત રઘુબરદાસ દ્વારા પ્રથમ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ૧૯૩૪, ૧૯૩૮ અને ૧૯૪૯માં પણ સંત સમાજ આગળ આવ્યો અને ૧૯૫૦ પછી મોટા ભાગની અરજીઓ પણ સંતો વતી  કોર્ટમાં પહોંચી. ૧૫૨૮થી ૧૯૪૯ સુધીના સમયગાળામાં ૭૬ યુદ્ધો થયા, જેમાં લાખો રામભક્તોએ પોતાના પ્રાણની આહુતિ આપી.

રાષ્ટ્રીય વિચારધારા ધરાવતા સંગઠનોની સક્રિયતાના કારણે સંતોના રામ જન્મભૂમિ મુક્તિ સંગ્રામને વેગ મળ્યો.  ૧૯૬૬માં શરુ થયેલા ગૌરક્ષા અંદોલન બાદ  રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દ્વિતીય સરસંઘચાલક શ્રી માધવરાવ ગોળવલકરજીની ગોરખપુર અને કાશીની મુલાકાત દરમિયાન સંતોએ અયોધ્યાનો વિષય તેમની સમક્ષ મૂક્યો  અને સહકારની અપેક્ષા રાખી. ત્યારબાદ ભારત-પાકિસ્તાન યુદ્ધ, જેપી આંદોલન અને કટોકટીની પરિસ્થિતિને કારણે કોઈ નિર્ણાયક યોજના બની શકી નહીં. કટોકટી પછી સંઘના તૃતીય સરસંઘચાલક શ્રી બાળાસાહેબ દેવરસજીના સમયમાં આ વિષય પર ગંભીર ચર્ચા વિચારણા થઈ અને ૧૯૮૪થી આ સંઘર્ષને સમર્થન આપવાનું મનોબળ બન્યું. ૮ એપ્રિલ,૧૯૮૪ના રોજ નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે યોજાયેલ  ધર્મ સંસદમાં સંતો અને ધર્મગુરુઓની હાજરીમાં ‘શ્રીરામજન્મભૂમિ મુક્તિ યજ્ઞ સમિતિ’ ની રચના દ્વારા આ જનજાગૃતિ અભિયાનને દેશવ્યાપી બનાવવાનું નક્કી થયું અને તેનું નેતૃત્વ વિશ્વ હિન્દુ પરિષદને સોંપવામાં આવ્યું.

૧૯૮૪ થી ૧૯૮૯ દરમિયાન ભારતભરમાં જુદા જુદાં પ્રકારે અંદોલનો અને અભિયાનો દ્વારા સામાજિક જાગૃતિના પ્રયાસો થયા. શ્રીરામ જાનકી રથયાત્રા, શ્રી રામ જ્યોતિ પ્રસાર અભિયાન, શ્રીરામ શીલા પૂજન વગેરે મુખ્ય  અભિયાનો દ્વારા ભારતભરમાં ભાવ જાગરણના પ્રયાસો થયા. યુવાનોને આ અભિયાનમાં જોડવા માટે હિન્દુ યુવા સંમેલનો યોજવામાં આવ્યા. ૧૯૯૦માં પ્રથમ કારસેવા કરવાનું નક્કી થયું.  કારસેવા માટે ગયેલા લાખો રામભક્તો  પર કરવામાં આવેલા ગોળીબારમાં ઘણા રામભક્તોએ પોતાના જીવનનું બલિદાન આપ્યું. આખરે છઠ્ઠી ડિસેમ્બર, ૧૯૯૨ના દિવસે વિવાદિત ઢાંચો તોડી પાડ્યો. સંતો અને રાષ્ટ્રીય સંગઠનો સિવાય અન્ય કોઈ સંગઠન ખૂલીને એમ કહી શક્યું નહીં કે ત્યાં રામ મંદિર હતું અને માત્ર રામમંદિર જ બનવું જોઈએ.

રામ જન્મભૂમિનો મહિમા સ્થાપિત કરવામાં મહત્વનું પરિમાણ રાજકીય સંકલ્પ શક્તિનું પણ રહ્યું છે. ભારતીય જનતા પાર્ટી રામ જન્મભૂમિની મુક્તિ માટે સંકલ્પિત હતું.. અદાલતમાં  રામજન્મભૂમિ મુક્તિ માટે જે નિર્ણયો આવ્યા હતા તેમાં દરેક સરકારે તેના અમલીકરણમાં તુષ્ટીકરણને સંતુલિત કરવાનો પ્રયાસ કર્યો. ૨૦૧૪ બાદ ભાજપ સરકાર દ્વારા ન્યાયાલયના નિર્ણયને તેના મૂળ સ્વરૂપમાં લાગુ કરવાની દિશામાં પગલાં લીધા. માનનીય સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા નવેમ્બર, ૨૦૧૯ના દિવસે  શ્રીરામમંદિરની તરફેણમાં ચુકાદો આવ્યો. ૪૯૨ વર્ષ સુધી સતત સંઘર્ષરત  હિન્દુ સમાજ મંદિરની જમીન મેળવવા માટેના પ્રયાસમાં સફળ થયો. હિન્દુ સમાજના અખંડ ધૈર્ય, અતૂટ શ્રદ્ધા, અડગ વિશ્વાસ, સતત સંઘર્ષ અને દ્રઢ નિશ્ચયના પરિણામ સ્વરૂપ વિજયનો શંખનાદ થયો.  જેને પરિણામે ૫ ઓગસ્ટ, ૨૦૨૦ના પાવન દિને અયોધ્યામાં શ્રીરામમંદિરના ભૂમિપૂજનથી મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થયું. સંવત ૨૦૮૦,પોષ સુદ બારસ, ૨૨ જાન્યુઆરી, ૨૦૨૪ની બપોર પવિત્ર અભિજીત મુહૂર્તમાં રામલલાની ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા સંપન્ન થઈ. દરેક ભારતીય તન,મન,ધનથી પ્રભુભક્તિમાં તલ્લીન થયા અને સમગ્ર વિશ્વ આ દિવ્ય ઉજવણીની ક્ષણોનું સાક્ષી બન્યું.

મંદિરના નિર્માણ કાર્ય  માટે 11 કરોડથી વધુ લોકોએ નિધિ સમર્પણમાં આર્થિક સહયોગ આપ્યો. જેમણે મંદિર માટે યોગદાન આપ્યું તેમાં જૈન, બૌદ્ધ, શીખ, શૈવ, વૈષ્ણવ જેવી વિવિધ પૂજા પ્રણાલીઓને અનુસરતા લોકો પણ હતા. પૂર્વથી પશ્ચિમ, ઉત્તરથી દક્ષિણ દેશના દરેક ખૂણેખૂણેથી યોગદાન આવ્યું હતું. સૌ માટે  રામ પોતાના  હતા તેથી આપણે કહીએ છીએ કે ‘રામ દરેકના છે, રામ દરેકમાં છે. ‘

અયોધ્યામાં શ્રીરામમંદિરના નિર્માણ દ્વારા ભારતે રાષ્ટ્રીય ગૌરવયાત્રાનો એક તબક્કો પૂર્ણ કર્યો છે. દેશને વિકાસના ઉચ્ચ શિખરે લઈ જવાની યાત્રા ચાલુ થઈ છે. મંદિર નિર્માણની સાથે અયોધ્યાને પણ પુનર્જીવિત કરવામાં આવી રહી છે. શાશ્વત અને સાંસ્કૃતિક ઓળખ સાથે અયોધ્યા વિશ્વની સાંસ્કૃતિક રાજધાની બનવા તરફ આગળ વધી રહી છે ત્યારે ભારત વિશ્વમંચ પર એક મજબૂત, સમૃદ્ધ અને સશક્ત  રાષ્ટ્ર તરીકે ઉભરી રહ્યું છે. વાસ્તવમાં અયોધ્યા એટલે નવા ભારતનો નવો સૂર્યોદય.

 

 


Wednesday, 15 January 2025

‘રાષ્ટ્ર પ્રથમ’ ની ભાવનાને યુવાનો પોતાના જીવનમાં આત્મસાત કરશે તો સર્વત્ર ભારતનો જયજયકાર થશે...

 

ભારતભૂમિનું એ સદભાગ્ય રહ્યું  છે કે આ ભૂમિ પર જન્મેલા અનેક  વ્યક્તિત્વો તેમના કાર્યોથી અમર થઇ ગયા. તે વ્યક્તિ અને  તેમના સંદેશ હરહમેશ પ્રસ્તુત હોય છે. આવું જ એક તેજસ્વી વ્યક્તિત્વ એટલે સ્વામી વિવેકાનંદ. ભારતના અતીત, વર્તમાન અને ભવિષ્ય સાથે અભિન્ન રીતે જોડાયેલું તે નામ છે. સ્વામી વિવેકાનંદના જીવનને   ભારતના ઇતિહાસનું એક સુવર્ણ પ્રકરણ ગણી શકીએ.

૧૨મી જાન્યુઆરી એ નરેન્દ્રમાંથી બનેલા સ્વામી વિવેકાનંદનો જન્મદિવસ છે. ભારતવાસીઓ માટે આ એક પવિત્ર ઉત્સવનો દિવસ છે. તેમના ૩૯ વર્ષના ટૂંકા જીવનનો પ્રત્યેક શબ્દ તેજ અને ઉર્જાથી ભરેલો છે. પોતાના જીવનકાળમાં તેમણે ભારત અને સમગ્ર વિશ્વની પ્રજાને ઢંઢોળવાનું કાર્ય કર્યું. તેમનુ જીવનકાર્ય એટલું તો ઉજ્જવળ અને ભવ્ય હતું કે આટલા વર્ષો પછી પણ સ્વામીજીની સ્મૃતિ માત્ર આપણામાં પ્રેરણાની લહેર પ્રસરાવે છે.

    આપણે નિરાંતે વિચારીએ તો એવું લાગે છે કે એવું કયું તત્વ હશે એમના જીવનનું જે આજે આટલા વર્ષો પછી પણ ભારતીય માનસ પર મજબૂત પ્રભાવ ધરાવે છે. એમના વિચારો, એમના શબ્દો, એમનો આર્તનાદ આજે પણ પ્રત્યેક ભારતીયને અંદરથી હચમચાવી દે છે. આટલા બધા વર્ષો  પહેલા બોલાયેલા શબ્દો આજે પણ આપણામાં શક્તિ અને આત્મવિશ્વાસ ભરી દે છે તો તે જે સમયે બોલાયેલા હતા ત્યારે કેટલા શક્તિશાળી હશે તેનો તો વિચાર જ કરવો રહ્યો..

    સ્વામી વિવેકાનંદ યુવાનોના સૌથી મોટા આદર્શ છે. તેનું કારણ એ છે કે તેમના જીવનના એક એક વિચાર અનંત ઊર્જાના તરંગોથી પરિપૂર્ણ હતા. તેમના વિચાર અને દર્શનમાં તથ્ય, તર્ક, ધર્મ, કર્મ, જ્ઞાન, વિજ્ઞાન એમ બધાનો સમાવેશ છે. તેઓ કહેતા કે વીર્યવાન, તેજસ્વી, શ્રદ્ધાસંપન્ન અને દૃઢ વિશ્વાસથી પરિપૂર્ણ નચિકેતા સમાન ૧૦૦ નવયુવાનો મળી જાય તો સંસારની કાયાપલટ થઈ શકે. તેમને યુવાનો પર સંપૂર્ણ ભરોસો હતો. શક્તિશાળી યુવાનો દેશની કાયાપલટ કરી શકે તે બાબત પર તેમને પૂર્ણ વિશ્વાસ હતો.

     સ્વામીજીનો યુવા વર્ગ માટે કોઈ સંદેશ હોય તો તે છે ‘બળવાન બનો, સાહસી બનો, નિર્ભય બનો.’ તેઓ ગીતાના અધ્યયન કરતાં ફૂટબોલની રમત પર વધુ આગ્રહ રાખતા. તેઓ જાણતા હતા કે શક્તિદાયી મન બલિષ્ઠ શરીરમાં જ શક્ય છે. સ્વામીજી યુવાનોને કહે છે આગળ વધો, આપણે અનંત શક્તિ, અનંત ઉત્સાહ, અનંત સાહસ અને અનંત ધૈર્ય રાખવું  આવશ્યક છે, તો જ મહાન કાર્યો સંપન્ન થઈ શકશે. મદ્રાસના એક પ્રવચનમાં સ્વામીજીએ કહ્યું હતું તમારામાંનો દરેકે દરેક જો આત્મશ્રદ્ધા રાખે કે તેમનામાં  અનંત શક્તિ છે તો અવશ્ય તમે સમસ્ત ભારતનું પુનર્જીવન સાધી શકશો.

     સ્વામીજી યુવાનોને કહેતા કે શિક્ષણનો ઉદ્દેશ્ય શું હોય? યુવાનો શિક્ષણ દ્વારા શું ગ્રહણ કરે છે? માત્ર ને માત્ર ડિગ્રી કે જે આપણા રોજગાર અને આજીવિકા માટેનું માધ્યમ બને છે તે..? સ્વામીજીએ શિક્ષણને અંત્યંત સુંદર ભાષામાં પરિભાષિત કરી છે. યુવાનોને કહેતા કે જે શિક્ષણ સામાન્ય વ્યક્તિને પોતાના  જીવનમાં સંઘર્ષ કરવા માટે સામર્થ્યવાન બનાવે છે, જે મનુષ્યને ચારિત્ર્યવાન અને પરોપકારની ભાવના યુક્ત તથા સિંહ જેવું સાહસ લાવે છે તે જ સાચું શિક્ષણ છે. આ શિક્ષણ પોતાના વ્યવહારમાં  પ્રગટ થાય તે માટે સ્વામીજીએ ‘ત્યાગ’ અને ‘સેવા’ એમ બે આદર્શોને રાષ્ટ્રના આદર્શો તરીકે આપણી સામે મૂક્યા છે. આ આદર્શોના આચરણ દ્વારા જીવન સામર્થ્યપૂર્ણ બને એમ તેઓ માનતા હતા. શિક્ષણ અને ધન પ્રાપ્ત કર્યા પછી જે લોકો સમાજનું ઋણ ચૂકવતા નથી તેમને તેઓ સમાજદ્રોહી ગણતા. સમાજનું ઋણ ચૂકતે કરવાના આહવાનથી પ્રેરાઈને સેંકડો યુવાનોએ પોતાના જીવન સમાજ માટે સમર્પિત કર્યા હતા.

     ભારતની સૌથી મોટી શક્તિ તેનું યુવાધન છે. ભારતમાં આજે યુવાનોના સંદર્ભમાં ખૂબ સાનુકૂળ અને આશાસ્પદ સ્થિતિ છે. દુનિયાના કોઈપણ દેશ કરતાં ભારતમાં યુવાનોની સંખ્યા વધુ છે. આ યુવાનો જ દેશને સુપર પાવર બનાવશે.. ભારતમાં એવું યુવાધન છે જેનામાં કંઈ કરી છૂટવાની ખેવના છે. બદલાતા સમય સાથે દેશની પ્રગતિનું મૂલ્યાંકન કરીને પોતે વ્યક્તિગત વિકાસની સાથે સાથે દેશ માટે કંઈક કરવા તત્પર છે. આ યુવાનો અનુશાસનમાં માને છે. સંસ્કૃતિના પ્રવાહો નિરંતર રાખવામાં, રાષ્ટ્ર નિર્માણની પ્રક્રિયામાં, સમાજ અને વિશ્વની વિચારધારાને દિશા આપવામાં, દેશનું વાતાવરણ બદલવામાં, વિશ્વમાં ભારતનો ડંકો વગાડવામાં, સામાજિક દૂષણનો ઉખેડીને ફેંકી દેવામાં, ભૌતિકતા તરફથી આધ્યાત્મ તરફની યાત્રાને ઝડપી બનાવવામાં, હિન્દુત્વનો સાચા અર્થમાં પ્રસાર કરવામાં ભારતના યુવાનો નિર્ણાયક ભૂમિકા ભજવી શકે તેમ છે.

     વાસ્તવમાં આજે અનેક યુવાનો આવી ભૂમિકા ભજવી પણ રહ્યા છે. સ્વામી વિવેકાનંદ જેવા મહાપુરુષના જીવનથી પ્રેરાઈને અનેક યુવાનો અને યુવતીઓ ધર્મકાર્ય માટે, આધ્યાત્મિક ચેતનાના પ્રસાર માટે ત્યાગ અને સમર્પણની ભાવના સાથે ઘરબાર અને એશઆરામ છોડીને સંન્યાસીના સ્વરૂપમાં સક્રિય છે. અનેક યુવાનો પોતપોતાની રીતે સમાજસેવાના કાર્યોમાં પણ લાગેલા છે. કોઈ વ્યસન મુક્તિ માટે, કોઈ દિવ્યાંગો માટે,  કોઈ વનવાસીઓ માટે, કોઈ રમતગમતમાં, કોઈ વિજ્ઞાનના ક્ષેત્રમાં, કોઈ સંરક્ષણના ક્ષેત્રમાં સક્રિય છે. અને તેમની આ સિદ્ધિઓ પણ ઉચ્ચકક્ષાની છે. વિશ્વભરની હોસ્પિટલોમાં ભારતીય ડોક્ટરો, આઇટીના ક્ષેત્રમાં ભારતીય યુવાનો આજે નામના કમાઈ રહ્યા છે, ભારતીય યુવાનની ક્ષમતા અમર્યાદિત છે, યોગ્ય દિશાસૂચન અને માર્ગદર્શન મળે તો ચમત્કારિક પરિણામો બતાવી શકે તેમ છે.

     સ્વામી વિવેકાનંદે યુવાનો માટે  જે બોધ પ્રગટ કર્યો હતો તેને આત્મસાત કરીને કર્તવ્યપથ પર અગ્રેસર થવું પડશે. ૨૧મી સદી ભારતની સદી છે. તેનું નેતૃત્વ ભારતના યુવાનો કરશે. આ માટે ચારિત્ર્યવાન. અનુશાસિત, આત્મગૌરવથી પરિપૂર્ણ વિચારોને સમાજજીવનના પ્રત્યેક ક્ષેત્રમાં પ્રવાહિત કરવાની આવશ્યકતા છે. યુવાનો રાષ્ટ્રની ગૌરવમય પરંપરાની સાથે નાગરિક કર્તવ્યનું પાલન પણ કરે. યુવાનોનું એ પ્રાથમિક અને અનિવાર્ય દાયિત્વ છે કે સમાજને સ્વાવલંબી બનાવવાના ઉદ્દેશ્યથી નવીન વિચારો અને પથ પર સતત અગ્રેસર રહે.. ‘રાષ્ટ્ર પ્રથમ’ ની ભાવનાને યુવાનો પોતાના જીવનમાં આત્મસાત કરશે તો સર્વત્ર ભારતનો જયજયકાર થશે. સ્વામીજીની જન્મજયંતિ આપણા માટે અવસર છે કે આપણે આપણા જીવનને સાર્થક બનાવવાનો સંકલ્પ કરીએ અને સમગ્ર વિશ્વને યુવા શક્તિથી સમૃદ્ધ કરીએ..