ભારતભૂમિનું એ સદભાગ્ય રહ્યું છે કે આ ભૂમિ પર જન્મેલા અનેક વ્યક્તિત્વો તેમના કાર્યોથી અમર થઇ ગયા. તે
વ્યક્તિ અને તેમના સંદેશ હરહમેશ પ્રસ્તુત
હોય છે. આવું જ એક તેજસ્વી વ્યક્તિત્વ એટલે સ્વામી વિવેકાનંદ. ભારતના અતીત,
વર્તમાન અને ભવિષ્ય સાથે અભિન્ન રીતે જોડાયેલું તે નામ છે. સ્વામી વિવેકાનંદના
જીવનને ભારતના ઇતિહાસનું એક સુવર્ણ પ્રકરણ ગણી શકીએ.૧૨મી જાન્યુઆરી એ નરેન્દ્રમાંથી બનેલા
સ્વામી વિવેકાનંદનો જન્મદિવસ છે. ભારતવાસીઓ માટે આ એક પવિત્ર ઉત્સવનો દિવસ છે. તેમના
૩૯ વર્ષના ટૂંકા જીવનનો પ્રત્યેક શબ્દ તેજ અને
ઉર્જાથી ભરેલો છે. પોતાના જીવનકાળમાં તેમણે ભારત અને
સમગ્ર વિશ્વની પ્રજાને ઢંઢોળવાનું કાર્ય કર્યું. તેમનુ જીવનકાર્ય એટલું તો ઉજ્જવળ
અને ભવ્ય હતું કે આટલા વર્ષો પછી પણ સ્વામીજીની સ્મૃતિ માત્ર આપણામાં પ્રેરણાની
લહેર પ્રસરાવે છે.
આપણે નિરાંતે વિચારીએ તો એવું લાગે છે
કે એવું કયું તત્વ હશે એમના જીવનનું જે આજે આટલા વર્ષો પછી પણ ભારતીય માનસ પર
મજબૂત પ્રભાવ ધરાવે છે. એમના વિચારો, એમના શબ્દો, એમનો આર્તનાદ આજે પણ પ્રત્યેક
ભારતીયને અંદરથી હચમચાવી દે છે. આટલા બધા વર્ષો
પહેલા બોલાયેલા શબ્દો આજે પણ આપણામાં શક્તિ અને આત્મવિશ્વાસ ભરી દે છે તો
તે જે સમયે બોલાયેલા હતા ત્યારે કેટલા શક્તિશાળી હશે તેનો તો વિચાર જ કરવો રહ્યો..
સ્વામી વિવેકાનંદ યુવાનોના સૌથી મોટા
આદર્શ છે. તેનું કારણ એ છે કે તેમના જીવનના એક એક વિચાર અનંત ઊર્જાના તરંગોથી
પરિપૂર્ણ હતા. તેમના વિચાર અને દર્શનમાં તથ્ય, તર્ક, ધર્મ, કર્મ, જ્ઞાન, વિજ્ઞાન એમ
બધાનો સમાવેશ છે. તેઓ કહેતા કે વીર્યવાન, તેજસ્વી, શ્રદ્ધાસંપન્ન અને દૃઢ વિશ્વાસથી
પરિપૂર્ણ નચિકેતા સમાન ૧૦૦ નવયુવાનો મળી જાય તો સંસારની કાયાપલટ થઈ શકે. તેમને
યુવાનો પર સંપૂર્ણ ભરોસો હતો. શક્તિશાળી યુવાનો દેશની કાયાપલટ કરી શકે તે બાબત પર
તેમને પૂર્ણ વિશ્વાસ હતો.
સ્વામીજીનો યુવા વર્ગ માટે કોઈ સંદેશ
હોય તો તે છે ‘બળવાન બનો, સાહસી બનો, નિર્ભય બનો.’ તેઓ ગીતાના અધ્યયન કરતાં
ફૂટબોલની રમત પર વધુ આગ્રહ રાખતા. તેઓ જાણતા હતા કે શક્તિદાયી મન બલિષ્ઠ શરીરમાં જ
શક્ય છે. સ્વામીજી યુવાનોને કહે છે આગળ વધો, આપણે અનંત શક્તિ, અનંત ઉત્સાહ, અનંત
સાહસ અને અનંત ધૈર્ય રાખવું આવશ્યક છે, તો
જ મહાન કાર્યો સંપન્ન થઈ શકશે. મદ્રાસના એક પ્રવચનમાં સ્વામીજીએ
કહ્યું હતું તમારામાંનો દરેકે દરેક જો આત્મશ્રદ્ધા રાખે કે તેમનામાં અનંત શક્તિ છે તો અવશ્ય તમે સમસ્ત ભારતનું
પુનર્જીવન સાધી શકશો.
સ્વામીજી યુવાનોને કહેતા કે શિક્ષણનો
ઉદ્દેશ્ય શું હોય? યુવાનો શિક્ષણ દ્વારા શું ગ્રહણ કરે છે? માત્ર ને માત્ર ડિગ્રી
કે જે આપણા રોજગાર અને આજીવિકા માટેનું માધ્યમ બને છે તે..? સ્વામીજીએ શિક્ષણને
અંત્યંત સુંદર ભાષામાં પરિભાષિત કરી છે. યુવાનોને કહેતા કે જે શિક્ષણ સામાન્ય
વ્યક્તિને પોતાના જીવનમાં સંઘર્ષ કરવા
માટે સામર્થ્યવાન બનાવે છે, જે મનુષ્યને ચારિત્ર્યવાન અને પરોપકારની ભાવના યુક્ત
તથા સિંહ જેવું સાહસ લાવે છે તે જ સાચું શિક્ષણ છે. આ શિક્ષણ પોતાના વ્યવહારમાં પ્રગટ થાય તે માટે સ્વામીજીએ ‘ત્યાગ’ અને ‘સેવા’
એમ બે આદર્શોને રાષ્ટ્રના આદર્શો તરીકે આપણી સામે મૂક્યા છે. આ આદર્શોના આચરણ
દ્વારા જીવન સામર્થ્યપૂર્ણ બને એમ તેઓ માનતા હતા. શિક્ષણ અને ધન પ્રાપ્ત કર્યા પછી
જે લોકો સમાજનું ઋણ ચૂકવતા નથી તેમને તેઓ સમાજદ્રોહી ગણતા. સમાજનું ઋણ ચૂકતે
કરવાના આહવાનથી પ્રેરાઈને સેંકડો યુવાનોએ પોતાના જીવન સમાજ માટે સમર્પિત કર્યા હતા.
ભારતની સૌથી મોટી શક્તિ તેનું યુવાધન છે. ભારતમાં આજે યુવાનોના સંદર્ભમાં ખૂબ સાનુકૂળ અને આશાસ્પદ સ્થિતિ છે. દુનિયાના કોઈપણ દેશ કરતાં ભારતમાં યુવાનોની સંખ્યા વધુ છે. આ યુવાનો
જ દેશને સુપર પાવર બનાવશે.. ભારતમાં એવું યુવાધન છે જેનામાં કંઈ કરી છૂટવાની ખેવના
છે. બદલાતા સમય સાથે દેશની પ્રગતિનું મૂલ્યાંકન કરીને પોતે વ્યક્તિગત વિકાસની સાથે
સાથે દેશ માટે કંઈક કરવા તત્પર છે. આ યુવાનો અનુશાસનમાં માને છે. સંસ્કૃતિના
પ્રવાહો નિરંતર રાખવામાં, રાષ્ટ્ર નિર્માણની પ્રક્રિયામાં, સમાજ અને વિશ્વની
વિચારધારાને દિશા આપવામાં, દેશનું વાતાવરણ બદલવામાં, વિશ્વમાં ભારતનો ડંકો
વગાડવામાં, સામાજિક દૂષણનો ઉખેડીને ફેંકી દેવામાં, ભૌતિકતા તરફથી આધ્યાત્મ તરફની
યાત્રાને ઝડપી બનાવવામાં, હિન્દુત્વનો સાચા અર્થમાં પ્રસાર કરવામાં ભારતના યુવાનો
નિર્ણાયક ભૂમિકા ભજવી શકે તેમ છે.
વાસ્તવમાં આજે અનેક યુવાનો આવી ભૂમિકા
ભજવી પણ રહ્યા છે. સ્વામી વિવેકાનંદ જેવા મહાપુરુષના જીવનથી પ્રેરાઈને અનેક યુવાનો
અને યુવતીઓ ધર્મકાર્ય માટે, આધ્યાત્મિક ચેતનાના પ્રસાર માટે ત્યાગ અને સમર્પણની
ભાવના સાથે ઘરબાર અને એશઆરામ છોડીને સંન્યાસીના સ્વરૂપમાં સક્રિય છે. અનેક યુવાનો
પોતપોતાની રીતે સમાજસેવાના કાર્યોમાં પણ લાગેલા છે. કોઈ વ્યસન મુક્તિ માટે, કોઈ દિવ્યાંગો
માટે, કોઈ વનવાસીઓ માટે, કોઈ રમતગમતમાં,
કોઈ વિજ્ઞાનના ક્ષેત્રમાં, કોઈ સંરક્ષણના ક્ષેત્રમાં સક્રિય છે. અને તેમની આ
સિદ્ધિઓ પણ ઉચ્ચકક્ષાની છે. વિશ્વભરની હોસ્પિટલોમાં ભારતીય ડોક્ટરો, આઇટીના
ક્ષેત્રમાં ભારતીય યુવાનો આજે નામના કમાઈ રહ્યા છે, ભારતીય યુવાનની ક્ષમતા
અમર્યાદિત છે, યોગ્ય દિશાસૂચન અને માર્ગદર્શન મળે તો ચમત્કારિક પરિણામો બતાવી શકે
તેમ છે.
સ્વામી વિવેકાનંદે યુવાનો માટે જે બોધ પ્રગટ કર્યો હતો તેને આત્મસાત કરીને
કર્તવ્યપથ પર અગ્રેસર થવું પડશે. ૨૧મી સદી ભારતની સદી છે. તેનું નેતૃત્વ ભારતના
યુવાનો કરશે. આ માટે ચારિત્ર્યવાન. અનુશાસિત, આત્મગૌરવથી પરિપૂર્ણ વિચારોને સમાજજીવનના
પ્રત્યેક ક્ષેત્રમાં પ્રવાહિત કરવાની આવશ્યકતા છે. યુવાનો રાષ્ટ્રની ગૌરવમય
પરંપરાની સાથે નાગરિક કર્તવ્યનું પાલન પણ કરે. યુવાનોનું એ પ્રાથમિક અને અનિવાર્ય દાયિત્વ
છે કે સમાજને સ્વાવલંબી બનાવવાના ઉદ્દેશ્યથી નવીન વિચારો અને પથ પર સતત અગ્રેસર રહે..
‘રાષ્ટ્ર પ્રથમ’ ની ભાવનાને યુવાનો પોતાના જીવનમાં આત્મસાત કરશે તો સર્વત્ર ભારતનો
જયજયકાર થશે. સ્વામીજીની જન્મજયંતિ આપણા માટે અવસર છે કે આપણે આપણા જીવનને સાર્થક
બનાવવાનો સંકલ્પ કરીએ અને સમગ્ર વિશ્વને યુવા શક્તિથી સમૃદ્ધ કરીએ..
No comments:
Post a Comment