પોષ સુદ બારસ, ૧૧/૧/૨૦૨૫ શનિવારના દિવસે
અયોધ્યામાં શ્રીરામમંદિર
પુનઃ પ્રાણપ્રતિષ્ઠાને એક વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સમગ્ર ભારતવર્ષમાં પ્રતિષ્ઠા દ્વાદશી ઉત્સવ તરીકે ઉજવણી કરવામાં
આવી. વિ.સં.૨૦૮૦,
પોષ સુદ બારસ, ૨૨મી જાન્યુઆરી,૨૦૨૪નો દિવસ વિશ્વના ઇતિહાસમાં
અમર સ્મૃતિ દિવસ હતો.. આ દિવસે અયોધ્યામાં
શ્રીરામમંદિરની પુનઃ પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી. સંતોના સતત સંઘર્ષ, સમાજની સંગઠિત શક્તિના
પ્રયાસ અને રાજકીય ઈચ્છાશક્તિના કારણે આપણા સૌ માટે પરમ સૌભાગ્યનું આ સ્વપ્ન સાકાર
થયું. ઘણી પેઢીઓ આ ખુશીની ક્ષણ જોવાનું સપનું લઈને દુનિયા છોડી ગઈ. અત્યારની
પેઢીને આ સૌભાગ્ય મળ્યું. આ સંઘર્ષના ઈતિહાસને આપણે સૌએ ખાસ કરીને યુવા પેઢીએ જાણવો રહ્યો.
મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામની સ્મૃતિમાં
તેમના પુત્ર કુશે તેમના ગુરુના માર્ગદર્શનથી અયોધ્યાની ભૂમિ પર ભવ્ય રામમંદિરનું
નિર્માણ કરાવ્યું હતું. આ મંદિર પર સૌથી પહેલું આક્રમણ ઈ.સ. પૂર્વે ૧૫૦માં ગ્રીક
આક્રમણકારી મિલિંદે કર્યું હતું. ઈ.સ. ૧૫૨૮ના યુદ્ધમાં
મોગલ બાદશાહ બાબરના આદેશથી તેના સેનાપતિ મીરબાંકીએ મંદિરને જમીનદોસ્ત કર્યું.. સૌના આરાધ્યદેવ પ્રભુ શ્રીરામનું મંદિર તુટ્યું એ ભારતના અપરાધભાવનો સમય હતો. એક
વિદેશી આક્રમણકારીએ આપણું જે અપમાન કર્યું હતું તેને દૂર કરવા માટે પહેલા
અયોધ્યાના લોકો, ત્યારબાદ સંતો અને ૧૯૮૪ પછી આખો દેશ સંઘર્ષરત રહ્યો.. મંદિરના મુખ્ય
પૂજારી મહાત્મા શ્યામાનંદજી મહારાજનું બલિદાનમાં સૌથી પહેલું નામ છે. સંતો દ્વારા કાયદાકીય લડાઈઓ પણ લડવામાં આવી. અનેક
રાજા મહારાજાઓ, મુગલો અને અંગ્રેજોની અદાલતોમાં ન્યાય માટે અનેક કેસ ચાલ્યા. ૧૮૮૫માં મહંત રઘુબરદાસ
દ્વારા પ્રથમ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ૧૯૩૪, ૧૯૩૮ અને
૧૯૪૯માં પણ સંત સમાજ આગળ આવ્યો અને ૧૯૫૦ પછી મોટા ભાગની
અરજીઓ પણ સંતો વતી કોર્ટમાં પહોંચી. ૧૫૨૮થી ૧૯૪૯ સુધીના
સમયગાળામાં ૭૬ યુદ્ધો થયા, જેમાં લાખો રામભક્તોએ પોતાના પ્રાણની
આહુતિ આપી.
રાષ્ટ્રીય વિચારધારા ધરાવતા સંગઠનોની સક્રિયતાના
કારણે સંતોના રામ જન્મભૂમિ મુક્તિ સંગ્રામને વેગ મળ્યો. ૧૯૬૬માં શરુ થયેલા ગૌરક્ષા અંદોલન બાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દ્વિતીય સરસંઘચાલક શ્રી
માધવરાવ ગોળવલકરજીની ગોરખપુર અને કાશીની મુલાકાત દરમિયાન સંતોએ અયોધ્યાનો વિષય
તેમની સમક્ષ મૂક્યો અને સહકારની અપેક્ષા
રાખી. ત્યારબાદ ભારત-પાકિસ્તાન યુદ્ધ, જેપી આંદોલન અને કટોકટીની પરિસ્થિતિને કારણે
કોઈ નિર્ણાયક યોજના બની શકી નહીં. કટોકટી પછી સંઘના તૃતીય સરસંઘચાલક શ્રી બાળાસાહેબ
દેવરસજીના સમયમાં આ વિષય પર ગંભીર ચર્ચા વિચારણા થઈ અને ૧૯૮૪થી આ સંઘર્ષને
સમર્થન આપવાનું મનોબળ બન્યું. ૮ એપ્રિલ,૧૯૮૪ના રોજ નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે
યોજાયેલ ધર્મ સંસદમાં સંતો અને
ધર્મગુરુઓની હાજરીમાં ‘શ્રીરામજન્મભૂમિ મુક્તિ યજ્ઞ સમિતિ’ ની રચના દ્વારા આ
જનજાગૃતિ અભિયાનને દેશવ્યાપી બનાવવાનું નક્કી થયું અને તેનું નેતૃત્વ વિશ્વ હિન્દુ
પરિષદને સોંપવામાં આવ્યું.
૧૯૮૪ થી ૧૯૮૯ દરમિયાન ભારતભરમાં જુદા જુદાં
પ્રકારે અંદોલનો અને અભિયાનો દ્વારા સામાજિક જાગૃતિના પ્રયાસો થયા. શ્રીરામ જાનકી
રથયાત્રા, શ્રી રામ જ્યોતિ પ્રસાર અભિયાન, શ્રીરામ શીલા પૂજન વગેરે મુખ્ય અભિયાનો દ્વારા ભારતભરમાં ભાવ જાગરણના પ્રયાસો
થયા. યુવાનોને આ અભિયાનમાં જોડવા માટે હિન્દુ યુવા સંમેલનો યોજવામાં આવ્યા. ૧૯૯૦માં પ્રથમ
કારસેવા કરવાનું નક્કી થયું. કારસેવા માટે
ગયેલા લાખો રામભક્તો પર કરવામાં આવેલા ગોળીબારમાં
ઘણા રામભક્તોએ પોતાના જીવનનું બલિદાન આપ્યું. આખરે છઠ્ઠી ડિસેમ્બર, ૧૯૯૨ના દિવસે વિવાદિત
ઢાંચો તોડી પાડ્યો. સંતો અને રાષ્ટ્રીય સંગઠનો સિવાય અન્ય કોઈ સંગઠન ખૂલીને એમ કહી
શક્યું નહીં કે ત્યાં રામ મંદિર હતું અને માત્ર રામમંદિર જ બનવું જોઈએ.
રામ જન્મભૂમિનો મહિમા સ્થાપિત કરવામાં મહત્વનું
પરિમાણ રાજકીય સંકલ્પ શક્તિનું પણ રહ્યું છે. ભારતીય જનતા પાર્ટી રામ જન્મભૂમિની
મુક્તિ માટે સંકલ્પિત હતું.. અદાલતમાં રામજન્મભૂમિ
મુક્તિ માટે જે નિર્ણયો આવ્યા હતા તેમાં દરેક સરકારે તેના અમલીકરણમાં તુષ્ટીકરણને
સંતુલિત કરવાનો પ્રયાસ કર્યો. ૨૦૧૪ બાદ ભાજપ સરકાર દ્વારા ન્યાયાલયના નિર્ણયને
તેના મૂળ સ્વરૂપમાં લાગુ કરવાની દિશામાં પગલાં લીધા. માનનીય સર્વોચ્ચ ન્યાયાલય
દ્વારા ૯ નવેમ્બર, ૨૦૧૯ના દિવસે
શ્રીરામમંદિરની તરફેણમાં ચુકાદો આવ્યો. ૪૯૨ વર્ષ સુધી સતત
સંઘર્ષરત હિન્દુ સમાજ મંદિરની જમીન મેળવવા
માટેના પ્રયાસમાં સફળ થયો. હિન્દુ સમાજના અખંડ ધૈર્ય, અતૂટ શ્રદ્ધા, અડગ વિશ્વાસ,
સતત સંઘર્ષ અને દ્રઢ નિશ્ચયના પરિણામ સ્વરૂપ વિજયનો શંખનાદ થયો. જેને પરિણામે ૫ ઓગસ્ટ, ૨૦૨૦ના પાવન દિને
અયોધ્યામાં શ્રીરામમંદિરના ભૂમિપૂજનથી મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થયું. સંવત
૨૦૮૦,પોષ સુદ બારસ, ૨૨ જાન્યુઆરી, ૨૦૨૪ની બપોર પવિત્ર
અભિજીત મુહૂર્તમાં રામલલાની ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા સંપન્ન થઈ. દરેક ભારતીય તન,મન,ધનથી
પ્રભુભક્તિમાં તલ્લીન થયા અને સમગ્ર વિશ્વ આ દિવ્ય ઉજવણીની ક્ષણોનું સાક્ષી બન્યું.
મંદિરના નિર્માણ કાર્ય માટે 11 કરોડથી વધુ
લોકોએ નિધિ સમર્પણમાં આર્થિક સહયોગ આપ્યો. જેમણે મંદિર માટે યોગદાન આપ્યું તેમાં
જૈન, બૌદ્ધ, શીખ, શૈવ, વૈષ્ણવ જેવી વિવિધ પૂજા પ્રણાલીઓને અનુસરતા લોકો પણ હતા.
પૂર્વથી પશ્ચિમ, ઉત્તરથી દક્ષિણ દેશના દરેક ખૂણેખૂણેથી યોગદાન આવ્યું હતું. સૌ
માટે રામ પોતાના હતા તેથી આપણે કહીએ છીએ કે ‘રામ દરેકના છે, રામ
દરેકમાં છે. ‘
અયોધ્યામાં શ્રીરામમંદિરના નિર્માણ દ્વારા ભારતે
રાષ્ટ્રીય ગૌરવયાત્રાનો એક તબક્કો પૂર્ણ કર્યો છે. દેશને વિકાસના ઉચ્ચ શિખરે લઈ
જવાની યાત્રા ચાલુ થઈ છે. મંદિર નિર્માણની સાથે અયોધ્યાને પણ પુનર્જીવિત કરવામાં
આવી રહી છે. શાશ્વત અને સાંસ્કૃતિક ઓળખ સાથે અયોધ્યા વિશ્વની
સાંસ્કૃતિક રાજધાની બનવા તરફ આગળ વધી રહી છે ત્યારે ભારત વિશ્વમંચ પર એક મજબૂત,
સમૃદ્ધ અને સશક્ત રાષ્ટ્ર તરીકે ઉભરી
રહ્યું છે. વાસ્તવમાં અયોધ્યા એટલે નવા ભારતનો નવો સૂર્યોદય.