Saturday, 1 August 2020

ડોક્ટર દર્દી બને ત્યારે ......

વર્તમાન વૈશ્વિક મહામારીના સમય દરમિયાન  આપણે સૌ એક અસામાન્ય પરિસ્થિતિ અનુભવી રહ્યા છીએ. આવા સંજોગોમાં ડોક્ટરોએ તેમની સામાજિક ફરજના ભાગ રૂપે હોસ્પિટલમાં સર્વિસ ચાલુ રાખી છે. પરંતુ દર્દીઓ ઘણી વાર  અનિવાર્ય  ના હોય એવી પરિસ્થિતિમાં પણ હોસ્પિટલ આવવાનો અથવા તો ડોક્ટર પાસે ચેકઅપ કરાવવાનો આગ્રહ રાખે છે,  જે દર્દી, ડોક્ટર અને સમાજ બધા માટે ભયંકર સાબિત થઈ શકે છે.

કોરોનાથી સંક્રમિત કોઈ પણ વ્યક્તિને લક્ષણો દેખાવાની શરૂઆત સંક્રમણ લાગવાના  બે-ત્રણ દિવસ બાદ શરુ થાય છે. આ  સમય દરમિયાન  દરેક દર્દીને એમ જ લાગે છે કે પોતાને કાંઈ નથી. તે પોતે  બીજા વ્યક્તિમાંથી સંક્રમણ ના થાય એના માટે મોઢા પર માસ્ક પણ બાંધે છે ,બીજા લોકોથી safe distance પણ રાખે છે .પરંતુ તેના માનવા પ્રમાણે તેને કોઈ તકલીફ નથી એટલે જ્યારે હોસ્પિટલમાં આવે છે ત્યારે   રિસેપ્શન, ખુરશી, દીવાલ, દરવાજા, રેલીંગ, અને અન્ય ઘણી જગ્યા પર એના હાથનો સ્પર્શ થાય છે. આ એવી જગ્યાઓ છે કે જ્યાં બીજા દર્દીઓના પણ હાથ અડવાના જ છે. જેને કારણે હોસ્પિટલનાં બીજા દર્દીઓ કે સ્ટાફને સંક્રમિત થવાની સંભાવના રહેતી જ હોય  છે.

બીજું, ડોક્ટર હોસ્પિટલમાં બધા જ પ્રકારના universal safety measures લે છે એમ છતાં તેના માટે પણ કોરોના પોઝિટિવથી બચવું લગભગ અસંભવ છે. ડોક્ટરો અલગ અલગ પ્રકારના અનેક દર્દીઓને તપાસતા હોય છે. અનેક વિચિત્ર અને ગંભીર જીવાણુઓથી એક્સપોઝ થતા હોય છે. એમાંય ખાસ કરીને કોરોનાના સમયમાં તો એવી પૂરી શક્યતા છે કે એ ‘કોરોના કેરિયર’ બને અને  પોતાના સંપર્કમાં   આવનારા અનેક લોકોને ભેટમાં કોરોના આપી પણ શકે. ગમે તેટલા પ્રિકોશન્સ રાખવા છતાં હોસ્પિટલની અનેક સપાટીઓ પર ઉછરી રહેલા કોરોના વાઈરસ  કોઈને કોઈ રીતે અનેક લોકોના  ઘર સુધી પહોંચી જાય. અનેક ડોકટરો, પેરામેડીકલ સ્ટાફ અને તેમના  પરિવારજનો આવી રીતે જ સંક્રમિત થયા છે. અમુક કિસ્સાઓમાં તો ડોકટરો, નર્સિંગ સ્ટાફ કે તમના પરિવારજનોના  ના મૃત્યુ પણ થયા છે...

આવી પરીસ્થિતિમાં  ડોક્ટર અને હોસ્પિટલ quarantine થાય, તો જ્યારે કોરોના કે એ સિવાયની અન્ય બીમારીઓ માટે પણ દર્દીઓને  જરૂર પડે  ત્યારે ડોકટરો ઉપલબ્ધ ના થઇ શકે. આપણે ત્યાં  એમ પણ ડોક્ટર ઓછા છે અને આ આંકડો વધુ નાનો થાય એ આપણને કોઈ પણ ભોગે પોષાય એમ નથી. મિત્રો આપ સૌને નમ્ર અરજ છે કે અનિવાર્ય ના હોય ત્યાં સુધી  હોસ્પિટલ જવાનું ટાળીએ કે જેથી જ્યારે કટોકટીના સંજોગ હોય ત્યારે ડોક્ટર તમારી મદદ કરી શકે.

આ એવો સમય છે જ્યારે સામાન્ય તકલીફો માટે ડોક્ટરની મુલાકાત ન લઈને તમે વધારે સ્વસ્થ રહી શકો છો. આવી પરિસ્થિતિમાં હોસ્પિટલમાંથી તમને બતાવવાની ના પાડવામાં આવે અથવા ફોન પર  સારવાર  કરવામાં આવે તો એમ ના સમજતા કે ડોક્ટર પોતાની જવાબદારીમાંથી છટકવા માંગે છે, પરંતુ તે આપણને કોરોનાનો ફેલાવો અટકાવવામાં તથા ઇમરજન્સીમાં જરૂર હોય ત્યારે ડોક્ટરની સુવિધા મળી રહે એ માટે ખાસ જરૂરી છે.

કેટલીક તકલીફો એવી હશે, જે ઘરે રહીને આપમેળે સોલ્વ થઈ જશે. આવા સંજોગોમાં  ડોક્ટરની રૂટીનમુલાકાત’ બિનજરૂરી છે. એટલું જ નહિ, એ તકલીફો કાઢવા જતા એવી પૂરી શક્યતા છે કે તમારા ઘરમાં કોઈ મોટી તકલીફ ઘૂસી જાય, જે ફક્ત તમને જ નહિ, તમારી આસપાસના લોકોને પણ હેરાન કરી મૂકે.

આપણે સૌ સમજણ અને વિવેકબુદ્ધિથી  કામ લઈએ એ ખૂબ જ જરૂરી છે. આ  માટે અત્યારે દરેક વ્યક્તિ બીજો વ્યક્તિ કોરોના ચેપગ્રસ્ત છે એમ માનીને ચાલે એ ખાસ જરૂરી છે. દરેક લોકો આવશ્યકતા  હોય ત્યાં જ પોતાના ઘરની બહાર નીકળે... કુતુહલતાવશ, કે બહાર લટાર મારવા  માટે ઘરની બહાર ના નીકળે. ભીડભાડવાળી જગ્યાએ ના જાય. એક દર્દીમાંથી બીજા હજારો લોકોને ઇન્ફેક્શન લાગતું  રોકવાનો આ એક માત્ર ઉપાય છે.

કોરોના મહામારીએ આપણને સૌને  એક થવાની  તક  આપી છે. આ સંજોગોમાં આપણે સૌ  સકારાત્મક વિચારોથી કોરોના સામે લડવા માટેની એકતા બતાવીએ એ જ  સમય ની આવશ્યકતા  છે


Thursday, 23 April 2020

પુસ્તકોનો સંગ,લાવે જીવનમાં રંગ


   આજે ૨૩ એપ્રિલનો દિવસ એટલે 'વિશ્વ પુસ્તક દિવસ'. આ દિવસ સ્પેનના પ્રસિદ્ધ લેખક મીગુયેલ ડી સર્વાન્ટીસ અને વિશ્વ પ્રસિદ્ધ લેખક શેક્સપિયરની પુણ્યતિથિ છે. સાહિત્ય જગતમાં તેમનું નામ ખુબ ઉચ્ચ સ્થાને  છે અને તેને ધ્યાનમાં રાખીને પુસ્તકોના મહત્વને ૨૧ મી સદીમાં જાળવી રાખવા યુનેસ્કો દ્વારા ૧૯૯૫થી તેમને શ્રધાંજલિ રૂપે   દિવસને 'વિશ્વ પુસ્તક દિવસ' તરીકે ઉજવવાની જાહેરાત કરી. વિશ્વમાં વધુને વધુ લોકોની  વાચન પ્રત્યે અભિરુચિ  કેળવાય એવા ઉદ્દેશથી વિશ્વ પુસ્તક  દિવસ ઉજવવાનું નક્કી કર્યું.

     પુસ્તકોનું આપણા જીવનમાં ખૂબ જ મહત્વ છે. પુસ્તકો પાસે આપણી દરેક સમસ્યાનું સમાધાન છે.પુસ્તકો જગતને બદલી શકે છે.આપણા જીવનને બદલી શકે છે. જરા કલ્પના કરીએ કે પુસ્તકો વિના દુનિયા કેવી હોત? પુસ્તકો વગર જગત આખું વિચાર શૂન્યતાના બવંડરમાં ફંગોળાઈ ગયું હોત. લોકમાન્ય ટીળકે કહ્યું હતું, “હું નરકમાં પણ સારા પુસ્તકોનું સ્વાગત કરીશ, કારણકે તેમનામાં એટલી શક્તિ છે કે તે જ્યાં હશે ત્યાં આપોઆપ સ્વર્ગ બની જશે.” પુસ્તકોમાં આવી જબરજસ્ત તાકાત હોય છે.

     એક વાત પહેલા નિશ્ચિત હતી અને આજે પણ નિશ્ચિત  છે કે જીવનમાં સફળતા મેળવવા માટે સૌને ‘ફાઈવ આઈ(I)’ ની જરૂર હોય છે. ઈમેજીનેશન, ઇન્ફર્મેશન, ઈન્ટેલીજન્સ, ઇનોવેશન અને ઈન્સાઈટ.. આ ‘ફાઈવ આઈ’ મેળવવા માટે પુસ્તકો વાંચવા જ પડશે. પુસ્તકોની દુનિયામાં ડૂબકી  મારવી જ  પડશે. ન વાચનાર  લોકોએ વાંચવાવાળા લોકોની આંગળી પકડવીને  ચાલવું પડે છે. લીડર બનવું હોય તો પહેલા રીડર બનવું જ પડશે.

     એક પુસ્તક સો મિત્રો બરાબર હોય  છે. મિત્રો સાથે બેઠા બેઠા કલાકો સુધી વાતો કરવાની મઝા આવે તેમ પુસ્તકો સાથે પણ વાતો કરવાનો આનંદ કઈક અનેરો હોય છે. એક મિત્રની જેમ પુસ્તક આપણી સાથે પ્રેમાળ ભાષામાં વાતો કરે છે. પુસ્તકો આપણો વિરોધ કર્યા વગર, આપણી સાથે દલીલો કર્યા વગર આપણી સાથે સંવાદ કરે. તમે અચાનક તેને બંધ કરી દો તો પણ તેને વાંધો નથી અને જ્યારે ફરી ખોલો ત્યારે  પણ  એટલી જ આત્મીયતાથી વાતનો દોર આગળ ચલાવે છે. ટૂંકમાં  પુસ્તક એ બિનશરતી પ્રેમ કરનાર મિત્ર છે, દોસ્ત છે. પુસ્તક એવો મિત્ર છે જે સુખદુઃખમાં સાથ આપે, આનંદ આપે, ઉત્સાહ આપે પ્રોત્સાહન આપે છે અને સાથે સાથે સાંત્વના પણ આપે છે. તેને મિત્રની ઉપમા આપી છે પણ તે અનેક રૂપમાં પ્રગટ થાય છે. કોઈપણ સ્વરૂપે તેનો સંગ  ખૂબ જ  મીઠો લાગે છે.

     આ સદીની શરૂઆતનાં સમયમાં લોકો વાચી નથી રહ્યા  લોકો હવે નહિ વાંચે એવી વાતો ખુબ પ્રચલિત બની, પરંતુ આજની હકીકત એ છે કે પુસ્તકો વધારે સારા અને વધારે સંખ્યામાં વેચાય છે. વધારે લોકો ખરીદે અને વાંચે પણ છે. આજે પુસ્તકોનું પ્રકાશન, ખરીદ-વેચાણ અને વાચન એમ ત્રણેય પ્રકિયા વધી છે. આજે પુસ્તકોને whatsapp કે ઈમેલ દ્વારા પણ મોકલી શકાય  છે. ગમે ત્યારે ગમે ત્યાં ફોન પર વાંચી શકાય  છે.  દરેક  વ્યક્તિ જો એક પુસ્તક વાંચવાનું અને ખરીદવાનું સંકલ્પ  કરે તો પુસ્તકોને ઘણો ટેકો મળશે. પુસ્તકોની દુનિયામાં પડ્યો તે મહાસુખ માણે એવું પુસ્તકોનું વિશ્વ છે.

Tuesday, 14 April 2020

મહામાનવ ડો. બાબાસાહેબ આંબેડકર


    ડો. બાબાસાહેબ આંબેડકર એટલે અદ્વિતીય વ્યક્તિત્વ. તેમણે સંઘર્ષ, સંકલ્પ અને સિદ્ધિના સોપાન પર હમેશા અગ્રેસર રહી પોતાના જીવનની યશસ્વી રચના કરી. બાળપણથી જ અનેક અપમાનો, અન્યાયો ની હારમાળા વચ્ચે તેમણે જરાય ધીરજ ગુમાવ્યા સિવાય મુશ્કેલીઓનો સામનો કરી સફળતાના શિખરો સર કર્યા. તેમણે તે સમયે વિશ્વની  ઉચ્ચતમ ડીગ્રીઓ મેળવી. વિશ્વના સૌથી લાંબા, લિખિત અને અજોડ એવા ભારતના બંધારણના શિલ્પી તરીકે પોતાની ક્ષમતા સાબિત કરી ઇતિહાસમાં અમર થયા. તેમનું સ્વપ્ન હતું કે દેશમાં છેવાડાના માણસને ન્યાય મળે, એને એના તમામ અધિકારો મળે તથા તે પણ સ્વમાનભેર સુખ અને શાંતિભર્યું જીવન જીવે. છેવાડાના માણસના સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક ઉત્કર્ષ તથા દેશમાં સમાનતા સધાય માટે તે માટે જીવનભર ઝઝૂમ્યા.પોતાનું સમગ્ર જીવન પીડિત સમાજના ઉત્થાન માટે સમર્પિત કર્યું. જીવનના અંત સમયે બૌદ્ધ ધર્મ અંગીકાર કરી પોતાની રાષ્ટ્ર ભક્તિનું ઉદાહરણ પૂરું પાડ્યું..


     આ દ્રષ્ટા રાષ્ટ્રપુરુષે આપણી સમક્ષ રજૂ કરેલું ચિંતન  સમજવામાં આપણે દેશવાસીઓ ઉણા ઉતર્યા છીએ. તેમના સ્વપ્નનું ભારત ભાવનાત્મક એકતા, બંધુતા અને સામાજિક ન્યાય પર આધારિત રાષ્ટ્ર છે. બાબાસાહેબનું  જીવન વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્ર માટે અનુપમ પ્રેરણાદાયી છે. આ દેશને સામર્થ્યસંપન્ન, સંગઠિત અને એકાત્મ બનાવવા માટે  બાબાસાહેબે વ્યક્ત કરેલા વિચારો, એમણે આપેલી ચેતવણી, એમને ચીંધેલો માર્ગ વગેરેનું યોગ્ય મૂલ્યાંકન કરવું જોઈએ..એમનું વિચારધન એ જ આપણો રાષ્ટ્રીય વારસો છે. એ વિચારોના પ્રકાશમાં આપણે સૌએ આચરણ કરવું જોઈએ..આવા મહામાનવને તેમના ૧૨૯ મા જન્મ દિન નિમિત્તે શત શત વંદન....