Thursday, 23 April 2020

પુસ્તકોનો સંગ,લાવે જીવનમાં રંગ


   આજે ૨૩ એપ્રિલનો દિવસ એટલે 'વિશ્વ પુસ્તક દિવસ'. આ દિવસ સ્પેનના પ્રસિદ્ધ લેખક મીગુયેલ ડી સર્વાન્ટીસ અને વિશ્વ પ્રસિદ્ધ લેખક શેક્સપિયરની પુણ્યતિથિ છે. સાહિત્ય જગતમાં તેમનું નામ ખુબ ઉચ્ચ સ્થાને  છે અને તેને ધ્યાનમાં રાખીને પુસ્તકોના મહત્વને ૨૧ મી સદીમાં જાળવી રાખવા યુનેસ્કો દ્વારા ૧૯૯૫થી તેમને શ્રધાંજલિ રૂપે   દિવસને 'વિશ્વ પુસ્તક દિવસ' તરીકે ઉજવવાની જાહેરાત કરી. વિશ્વમાં વધુને વધુ લોકોની  વાચન પ્રત્યે અભિરુચિ  કેળવાય એવા ઉદ્દેશથી વિશ્વ પુસ્તક  દિવસ ઉજવવાનું નક્કી કર્યું.

     પુસ્તકોનું આપણા જીવનમાં ખૂબ જ મહત્વ છે. પુસ્તકો પાસે આપણી દરેક સમસ્યાનું સમાધાન છે.પુસ્તકો જગતને બદલી શકે છે.આપણા જીવનને બદલી શકે છે. જરા કલ્પના કરીએ કે પુસ્તકો વિના દુનિયા કેવી હોત? પુસ્તકો વગર જગત આખું વિચાર શૂન્યતાના બવંડરમાં ફંગોળાઈ ગયું હોત. લોકમાન્ય ટીળકે કહ્યું હતું, “હું નરકમાં પણ સારા પુસ્તકોનું સ્વાગત કરીશ, કારણકે તેમનામાં એટલી શક્તિ છે કે તે જ્યાં હશે ત્યાં આપોઆપ સ્વર્ગ બની જશે.” પુસ્તકોમાં આવી જબરજસ્ત તાકાત હોય છે.

     એક વાત પહેલા નિશ્ચિત હતી અને આજે પણ નિશ્ચિત  છે કે જીવનમાં સફળતા મેળવવા માટે સૌને ‘ફાઈવ આઈ(I)’ ની જરૂર હોય છે. ઈમેજીનેશન, ઇન્ફર્મેશન, ઈન્ટેલીજન્સ, ઇનોવેશન અને ઈન્સાઈટ.. આ ‘ફાઈવ આઈ’ મેળવવા માટે પુસ્તકો વાંચવા જ પડશે. પુસ્તકોની દુનિયામાં ડૂબકી  મારવી જ  પડશે. ન વાચનાર  લોકોએ વાંચવાવાળા લોકોની આંગળી પકડવીને  ચાલવું પડે છે. લીડર બનવું હોય તો પહેલા રીડર બનવું જ પડશે.

     એક પુસ્તક સો મિત્રો બરાબર હોય  છે. મિત્રો સાથે બેઠા બેઠા કલાકો સુધી વાતો કરવાની મઝા આવે તેમ પુસ્તકો સાથે પણ વાતો કરવાનો આનંદ કઈક અનેરો હોય છે. એક મિત્રની જેમ પુસ્તક આપણી સાથે પ્રેમાળ ભાષામાં વાતો કરે છે. પુસ્તકો આપણો વિરોધ કર્યા વગર, આપણી સાથે દલીલો કર્યા વગર આપણી સાથે સંવાદ કરે. તમે અચાનક તેને બંધ કરી દો તો પણ તેને વાંધો નથી અને જ્યારે ફરી ખોલો ત્યારે  પણ  એટલી જ આત્મીયતાથી વાતનો દોર આગળ ચલાવે છે. ટૂંકમાં  પુસ્તક એ બિનશરતી પ્રેમ કરનાર મિત્ર છે, દોસ્ત છે. પુસ્તક એવો મિત્ર છે જે સુખદુઃખમાં સાથ આપે, આનંદ આપે, ઉત્સાહ આપે પ્રોત્સાહન આપે છે અને સાથે સાથે સાંત્વના પણ આપે છે. તેને મિત્રની ઉપમા આપી છે પણ તે અનેક રૂપમાં પ્રગટ થાય છે. કોઈપણ સ્વરૂપે તેનો સંગ  ખૂબ જ  મીઠો લાગે છે.

     આ સદીની શરૂઆતનાં સમયમાં લોકો વાચી નથી રહ્યા  લોકો હવે નહિ વાંચે એવી વાતો ખુબ પ્રચલિત બની, પરંતુ આજની હકીકત એ છે કે પુસ્તકો વધારે સારા અને વધારે સંખ્યામાં વેચાય છે. વધારે લોકો ખરીદે અને વાંચે પણ છે. આજે પુસ્તકોનું પ્રકાશન, ખરીદ-વેચાણ અને વાચન એમ ત્રણેય પ્રકિયા વધી છે. આજે પુસ્તકોને whatsapp કે ઈમેલ દ્વારા પણ મોકલી શકાય  છે. ગમે ત્યારે ગમે ત્યાં ફોન પર વાંચી શકાય  છે.  દરેક  વ્યક્તિ જો એક પુસ્તક વાંચવાનું અને ખરીદવાનું સંકલ્પ  કરે તો પુસ્તકોને ઘણો ટેકો મળશે. પુસ્તકોની દુનિયામાં પડ્યો તે મહાસુખ માણે એવું પુસ્તકોનું વિશ્વ છે.

No comments:

Post a Comment