Saturday, 3 December 2022

ગીતા જયંતી..

આજે માગશર સુદ એકાદશી.. શ્રીમદ્ ભગવદ્ ગીતા જયંતી..
મહાભારતકાળમાં આજના દિવસે શ્રીકૃષ્ણએ અર્જુનને શ્રીમદ્ ભગવદ્ ગીતાનો ઉપદેશ આપ્યો હતો. શ્રીમદ્ ભગવદ્ ગીતા એટલે કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિમાં ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને સંભળાવેલી આધ્યાત્મિક કવિતા. મહાભારતના યુદ્ધમાં પ્રથમ દિવસે અર્જુન પોતાના મિત્ર અને સારથી બનેલા શ્રીકૃષ્ણને પોતાનો રથ બંને સેનાની વચ્ચે લેવાનું કહે છે. બંને સેનાનું નિરીક્ષણ કરતાં તેને લાખો લોકોના મૃત્યુનો અંદાજ આવે છે. યુદ્ધના આવા ભયાનક પરિણામથી ગભરાઈને યુદ્ધ ન કરવાના વિચારો આવે છે. તેના હાથમાંથી ગાંડીવ પડી જાય છે કોઈ માર્ગ ન સૂઝતાં તે શ્રીકૃષ્ણને માર્ગદર્શન કરવાનું કહે છે. કૃષ્ણ અને અર્જુનના આ સંવાદો 18 અધ્યાય સ્વરૂપે ગીતા તરીકે પ્રચલિત છે. તે 700 શ્લોકમાં રચાયેલ છે..
શ્રીમદ ભગવદગીતા એ હિંદુ ધર્મનો પ્રાચીન અને પવિત્ર ગ્રંથ ગણાતો હોવા છતાં એ ફક્ત હિન્દુ માટે સીમિત ન રહેતા સંપૂર્ણ માનવ સમાજ માટેનો ગ્રંથ ગણાય છે.ગીતા શાશ્વત છે અને આજના સમયમાં સર્વ ક્ષેત્રે ઉપયોગી છે. વિશ્વના અનેક ચિંતકોએ તેમાંથી માર્ગદર્શન લીધું છે.ગીતાનું મહત્વ અલૌકિક છે. તેને સ્મૃતિ ગ્રંથ પણ કહેવામાં આવે છે. જીવનની વિકટ પરિસ્થિતિમાં સમસ્યાઓના ઉકેલ આપણને ગીતામાંથી મળી રહે છે.
એક વખત ગીતાનું વાંચન કે શ્રવણ કર્યા પછી મનુષ્યને ક્યાંય મૂંઝવણમાં રહેવાનું, અધર્મ આચરવાનું કે જીવનમાં દિશાહીન રહેવાનું બનતું નથી. ગીતા એ દિવ્ય વિચારોનો સ્ત્રોત છે. ગીતા એ ભારત દેશની ઓળખ છે. આપણી અંદર એક નવો પ્રાણ પૂરવાનું કામ જો કોઈ ગ્રંથ કરી શકે તો તે ગીતા છે.
ગીતા જયંતીના પાવન દિવસે સૌને શુભકામનાઓ..

Thursday, 1 December 2022

અવસર... લોકશાહીનો

    ભારત દુનિયાનો સૌથી મોટી લોકશાહી વ્યવસ્થા ધરાવતો  દેશ છે. લોકશાહી એટલે લોકોની, લોકો માટે, લોકો દ્વારા ચાલતી શાસનવ્યવસ્થા. પ્રાચીન સમયમાં રાજાશાહી હતી. તેમાં રાજા અને એના વંશજો પ્રજા પર રાજ્ય કરતા. સમય જતા લોકશાહીનું અસ્તિત્વ આવ્યું. લોકો પોતાનો રાજા પોતે જ ચૂંટવા લાગ્યા. આ રાજા નક્કી કરવાની   પદ્ધતિ એટલે વર્તમાન મતદાન પદ્ધતિ.. મતદાન દ્વારા પ્રજાનું જનમાનસ પ્રતિબિંબિત થતું હોય છે.. એટલે જ લોકશાહી માટે એવું કહેવાય છે કે યથા પ્રજા તથા રાજા.
લોકશાહીમાં મતદાનનો દિવસ એ  સૌ માટે પવિત્ર પર્વ છે, ઉત્સવ છે, અવસર છે. લોકશાહીના આ અવસરમાં આપણા સૌની સક્રિય ભાગીદારીના કારણે ભારતનું લોકતંત્ર મજબૂત બન્યું છે અને સમય સમયે વધુ પરિપક્વ બનતું જાય છે. આ  વ્યવસ્થા વધુ દ્રઢ બને તેના માટે એક નાગરિક તરીકે સો ટકા મતદાન કરવું, કરાવવું એ આપણી નૈતિક ફરજ છે.

૧૯૯૮માં યોજાયેલ લોકસભાની ચૂંટણીના દિવસે દિલ્હીના એક બૂથ પર ઉભેલા એક મતદાતાને જોઈ તમામ લોકો આશ્ચર્યમાં પડી ગયા.  એ મતદાતા હતા દેશના તત્કાલીન રાષ્ટ્રપતિ શ્રી કે. આર. નારાયણન. તેઓ સામાન્ય મતદાતાની જેમ જ મત  આપવા તેમના પુત્રી સાથે ઊભા હતા. એક પત્રકારે તેમને પ્રશ્ન પૂછ્યો, તો જવાબમાં તેમણે કહ્યું મારો મત અતિ કિંમતી છે. મતદાન એ દરેક નાગરિકનો ધર્મ છે. હું મારો નાગરિક ધર્મ નિભાવી રહ્યો છું.

લોકશાહીમાં મતનું ઘણું જ મૂલ્ય હોવા છતાં પણ આપણે ત્યાં સો ટકા મતદાન થતું નથી..જો કે ધીમે ધીમે મતની મહત્તા સમજાવવા લાગી છે. વધતાં શિક્ષણ, ચૂંટણીપંચ તથા વિવિધ સંસ્થાઓ દ્વારા થતા મતદાન જાગૃતિના કાર્યક્રમને કારણે હવે મતદારો આળસ છોડીને મતદાન કરતાં થયા છે. ગુજરાતમાં છેલ્લી બે ત્રણ ચૂંટણીમાં મતદાનનું પ્રમાણ ઉત્તરોત્તર વધતું રહ્યું છે. સ્વસ્થ લોકશાહીનું જતન ૧૦૦ ટકા મતદાનથી જ પરિપૂર્ણ થાય.

ઘણા લોકો એવું માની બેસે છે કે લાખો લોકો મત આપશે, હું નહીં જાઉં તો શું ફરક પડે છે? પરંતુ  આ સમજવા અકબર બીરબલની માર્મિક વાર્તા સમજવી જોઈએ. અકબર પોતાના નગરજનોને એક કુંડમાં રાત્રે એક લોટો દૂધ નાખવાનું ફરમાન કરે છે. નગરજનો વિચારે છે કે રાત્રે દૂધની જગ્યાએ એક લોટો પાણી નાખી દઈએ તો કોને ખબર પડવાની છે. દૂધમાં પાણી ભળી જશે. મારા એક લોટા પાણીથી શું ફરક પડવાનો છે. બધાએ આવું વિચારીને દૂધની જગ્યાએ પાણી જ નાખ્યું .સવારે જ્યારે અકબર કુંડને જોવા આવે છે તો કુંડ માત્ર પાણીથી જ ભરેલો હોય છે. મતદાનમાં પણ કંઈક આવું જ થાય છે. ઘણા મતદારો તો મતદાન કરતા જ નથી. આ લોકો વિચારે છે કે મારા એક મતથી શું થવાનું છે. આપણે એ સમજવું જોઈએ કે દરેક મતની ગણના થાય છે. જીત અને હાર વચ્ચેનું અંતર માત્ર એક જ મતનું હોય છે. આ કારણથી જ ચૂંટણીમાં દરેક મત અતિ મૂલ્યવાન છે.

મતદાન કરવું એ આપણો અધિકાર અને જવાબદારી પણ છે. જેમ તળાવમાં પડેલું પાણીનું દરેક ટીપું કિમતી છે તેમ દરેકનો મત કિમતી છે. પોતાની વિવેકબુદ્ધિ અને સમજદારીથી પોતાના મતનો ઉપયોગ કરવો જોઈએ. આપણે જે દેશના નાગરિક છીએ તે દેશમાં આપણા પોતાના મતનું અનોખું મહત્વ હોય છે. એક સારા નાગરિક તરીકે આપણે આ અધિકારનો સદુપયોગ કરવો જ જોઈએ. ગમે તે પરિસ્થિતિમાં પણ મત તો આપવો જ જોઈએ. મત આપીને કોઈ એક પાર્ટીના હાથમાં આપણે આપણું ભવિષ્ય સોંપીએ છીએ. મતદાન માત્ર કરવા ખાતર નહીં પરંતુ આપણા ભવિષ્યને સુનિશ્ચિત કરવા માટે કરીએ. આપણે આપણા વોટની કિંમત ના સમજતા હોઈએ તો એનો મતલબ છે કે આપણને આપણી સમજણશક્તિ પર વિશ્વાસ નથી. એવું કહેવાય છે કે બેલેટની તાકાત બુલેટ કરતાં પણ વધુ હોય છે. જો રાજનેતાઓને સબક શીખવવો હોય, રાજનીતિની ગંદકી દૂર કરવી હોય તો બેલેટનો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ.

ગુજરાતમાં લોકશાહીનું પર્વ નજીક છે ત્યારે આપણે આપણા વોટનું મહત્વ સમજીને સક્ષમ, સંસ્કારી, સેવાભાવી, દેશભક્ત લોક પ્રતિનિધિને ચૂંટીને વિધાનસભામાં મોકલીએ. ચૂંટાયેલી સરકારના પ્રતિનિધિઓ પાસેથી પ્રજાને સર્વાંગી વિકાસના કામની અપેક્ષાઓ હોય છે. લોકપ્રતિનિધિએ પોતાના ક્ષેત્રમાં નાગરિકોને સુવિધા અને સુરક્ષા પ્રદાન થાય, શિક્ષણ અને રોજગાર મળી રહે તેવી અનેક ફરજો બજાવવાની હોય છે.

કોઈની શેહશરમમાં આવી, કોઈના દબાણને વશ  થઈ માત્ર થોડીક આર્થિક લાલચમાં ફસાઈ પાંચ વર્ષ પસ્તાવાનો વારો આવી પડે એવું મતદાન ન કરીએ.  સૌથી વધુ મહત્વનું એ છે કે જ્ઞાતિ આધારિત રાજકારણથી ઉપર ઊઠીને વિકાસ આધારિત નેતૃત્વ પસંદ કરવાનો ભાવ કેળવાય તો જ આપણે સક્ષમ નાગરિકો ગણાઈ શકીએ.

આગામી ચૂંટણીમાં ગુજરાતના પ્રબુદ્ધ, દેશભક્ત નાગરિકો સામે ખરો પડકાર છે કે વિધાનસભા ચૂંટણીમાં નાતજાત,પંથ, મત,મઝહબની ઓળખથી ઉપર ઉઠી રાષ્ટ્રના, ગુજરાતના અને લોકતંત્રના હિતમાં કામ કરે, જેમના માટે ભારતીય લોકશાહીના મૂલ્યો સર્વોપરી હોય તેવા જ ઉમેદવારની જીત થાય. ગુજરાતનું ગૌરવ અને અસ્મિતા આપણા હાથમાં છે. મતદાન કરવું એ આપણી નૈતિક ફરજ છે. સો ટકા મતદાન કરીને સક્ષમ સંનિષ્ઠ અને દેશભક્ત સરકાર પસંદ કરીએ.

 


 

 

Tuesday, 4 October 2022

સંઘ અને સમાજજાગરણ


 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું કાર્ય 1925માં વિજયાદશમીના દિવસે નાગપુરથી આરંભાયું. વર્તમાનમાં દેશની સ્વતંત્રતાને ૭૫ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે સંઘકાર્યના આરંભને પણ 97 વર્ષ પૂર્ણ થશે અને આવનારા 2025માં સંઘ કાર્યની શતાબ્દી પૂર્ણ થશે. સંઘકાર્ય અનેક  કાર્યકર્તાઓના અથાક પરિશ્રમ, ત્યાગ અને સમર્પણના આધારે તથા સમાજના સમર્થનના કારણે સતત વધતું રહ્યું છે. અનેક પ્રકારના વિરોધો અને સંકટોને પાર કરીને સંઘનો વ્યાપ અને પ્રભાવ દિનપ્રતિદિન વધતો રહ્યો છે. આજે સર્વત્ર સંઘની ચર્ચા થતી આપણે જોઈ શકીએ છીએ.

 

પોતાના સ્થાપનાકાળથી લઈને આજ દિન સુધી નિરંતર અને અણથક પ્રયત્નોના પરિણામ સ્વરૂપે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સમાજ જાગરણનું એક મૌન પરંતુ સશક્ત આંદોલન બની ચૂક્યું છે. સંઘના સ્વયંસેવકો આજે ભારતના ખૂણે ખૂણે દેશપ્રેમ, સમાજસેવા, રાષ્ટ્રજાગરણ અને રાષ્ટ્રીય ચેતનાની અલખ જગાવી રહ્યા છે. હિન્દુત્વને પોતાના કાર્યનો આધાર બનાવીને સમસ્ત ભારતીય સમાજને એક રાષ્ટ્રીય દિશા પ્રદાન કરી રહ્યા છે.

 

સંઘની સ્થાપના પૂર્વે પણ આપણા દેશમાં સમાજ  જાગરણના અનેક પ્રયાસો થયા હતા. અનેક મહાપુરુષો, અનેક વિચારકોએ સમાજ જાગરણ માટે પોતાના કાલખંડ દરમિયાન વિવિધ પ્રયાસો કર્યા. આચાર્ય ચાણક્ય, છત્રપતિ શિવાજી, ગુરુ ગોવિંદસિંહ, સ્વામી વિવેકાનંદ, રાજા રામમોહનરાય, શંકરાચાર્યજી વગેરે..  અનેક નામો  ગણી  શકાય.   સંઘે રાષ્ટ્ર જાગરણ માટેની    ગૌરવશાળી પરંપરાને  આગળ વધારી  છે.

 

સંઘ દ્વારા ચાલી રહેલા સમાજ જાગરણના રાષ્ટ્રવ્યાપી સ્વરૂપને સમજવા માટે તેના ચતુષ્કોણીય કાર્ય સ્વરૂપને સમજવું જરૂરી છે. સંઘ કાર્યનું પ્રથમ સ્વરૂપ છે પ્રત્યક્ષ શાખાનું કાર્ય. શાખા એક એવું શક્તિપુંજ છે જ્યાંથી રાષ્ટ્રપ્રેમના તરંગો ઊઠીને સમાજના પ્રત્યેક ક્ષેત્રને જગમગાવે છે. સંઘની શાખાના વિભિન્ન કાર્યક્રમો દ્વારા ભારતીય સંસ્કૃતિ, રાષ્ટ્રીય એકતા, સામાજિક સદભાવ અને રાષ્ટ્રની આધ્યાત્મિક પરંપરાઓના દર્શન થાય છે. મહાપુરુષોના જીવન ચરિત્રોના સ્મરણ કરતાં કરતાં સંઘના સ્વયંસેવક ભારતમાતાની વંદના  કરે છે.

 

સંઘકાર્યનું બીજું સ્વરૂપ છે - સંઘવિચારથી પ્રેરિત સ્વયંસેવકો દ્વારા  વિવિધ સામાજિક ક્ષેત્રોમાં ચાલતા  સંગઠનો. આ તમામ સંગઠનોના માધ્યમથી પોતપોતાના ક્ષેત્રની આવશ્યકતાઓ અનુસાર અને પરિસ્થિતિ અનુસાર રાષ્ટ્ર જાગરણના કાર્યમાં સ્વયંસેવકો સક્રિય છે

સંઘ કાર્યનું ત્રીજું સ્વરૂપ છે - સ્વયંસેવકો દ્વારા પર ચાલી રહેલા વિવિધ સેવાકીય પ્રકલ્પો.. આ આયામમાં વિદ્યાલયો, સમાચારપત્રિકા, રુગ્ણાલયો, મંદિરની વ્યવસ્થા વગેરે જેવા સાંસ્કૃતિક અને સેવાકીય પ્રકલ્પો ગણી શકાય. સ્વયંસેવકો દ્વારા ચાલી રહેલા આ તમામ  સેવાકીય કાર્યો પાછળ રાષ્ટ્રીય એકતા અને હિંદુત્વની પ્રેરણા છે.

 

સંઘકાર્યનું ચોથું સ્વરૂપ એટલે રાષ્ટ્ર જાગરણનું વિશાળ અને મહત્વપૂર્ણ કાર્ય. આમાં એ તમામ સેવાકીય પ્રવૃત્તિઓ, પ્રકલ્પો, સંમેલનો, અભિયાનો, આધ્યાત્મિક, ધાર્મિક સંગઠનોનો સમાવેશ થાય છે કે જે સંઘની જેમ જ  હિંદુ સંગઠન અને આ રાષ્ટ્રને વૈભવસંપન્ન બનાવવા માટે સક્રિય છે. સ્વયંસેવકો આ તમામ સંગઠનોની સાથે  સહયોગી  બનીને  પોતાના અને સંગઠનના નામથી ઉપર ઊઠીને એક દેશભક્ત નાગરિક તરીકેની ભૂમિકામાં રહીને  વિવિધ પ્રવૃત્તિઓમાં સક્રિય રહે છે.

 

સંઘ સંસ્થાપક ડોક્ટર હેડગેવારની કલ્પના હતી કે સંઘકાર્યને શાખા સુધી સીમિત ન રાખતાં તેને સમાજ સુધી વ્યાપ્ત કરવાનું છે. પોતાના પરિવાર માટે આવશ્યક આર્થિક ઉપાર્જન અને પરિવારનું ધ્યાન રાખીને સમાજ પરિવર્તન અને સમાજ જાગરણના કોઈપણ કાર્યમાં પોતાના સમયનું આયોજન કરીને સક્રિય રહેવું એ જ સંઘકાર્ય છે. સ્વયંસેવક પોતાની રુચિ અને ક્ષમતા અનુસાર કોઈપણ ક્ષેત્ર પસંદ કરીને સમાજ જાગરણ અને પરિવર્તન માટે સક્રિય બને છે.

 

સંઘના સ્વયંસેવકોએ પોતાની 97 વર્ષની સતત તપસ્યાના આધાર ઉપર ભારતમાં સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ અર્થાત હિન્દુઓના જાગરણનો એક સશક્ત આધાર તૈયાર કર્યો છે. સંપૂર્ણ ભારતીય સમાજને એક નવી દિશા પ્રદાન કરી છે. સામાન્ય વ્યક્તિ પણ સ્વયં પ્રેરણાથી સમાજ પરિવર્તન માટે કંઈક કરી શકે છે એવો આત્મવિશ્વાસ સમાજમાં ઉભો થઈ શક્યો છે. રાષ્ટ્ર સામેના પડકારોના સમાધાન માટે અનેક પ્રકારના વ્યક્તિઓ સક્રિય થઈ શકે છે તેઓ ભાવ સમાજમાં નિર્માણ થયો છે. આજે ભારતવાસીઓમાં એક વિશ્વાસ ઉભો થઈ શક્યો છે કે રાષ્ટ્રની સર્વાંગીણ ઉન્નતિ, રાષ્ટ્રની સુરક્ષા અને રાષ્ટ્રના વિકાસકાર્યમાં સક્રિય એવા સંઘના સ્વયંસેવકોના  પ્રયત્નોના આધારે ભારત  ફરીથી વિશ્વ ગુરુ તરીકે પોતાની ભૂમિકા નિભાવશે.

 

 

Friday, 1 April 2022

સંઘ વટવૃક્ષનું બીજ ડો. હેડગેવાર

 

ભારતીય સમાજજીવનમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તથા એનું સૈદ્ધાંતિક પાસુ ઘણા વર્ષોથી ચર્ચાના કેન્દ્રમાં રહ્યા છે. રાષ્ટ્રહિતમાં વિચારનારી સજ્જનશક્તિ સંઘનો વધતો વ્યાપ જોઈ ભારતના ભાવિ વિશે આશ્વસ્ત થઈ સંઘ સાથે જોડાઇ રહી છે, અથવા સંઘ દ્વારા ચાલતા વિવિધ સામાજિક કાર્યોમાં સક્રિય બનવા ઉત્સુક થઈ રહી છે. સંઘની વેબસાઈટ પર  જોઈન આર.એસ.એસ’ પ્લેટફોર્મ  દ્વારા જોડાનારા યુવાનોની સંખ્યા પણ દિન-પ્રતિદિન વધતી જાય છે. આનાથી સંઘના વધતા વ્યાપનો અંદાજ લગાવી શકાય છે. સંઘની આ પ્રકારે વધી રહેલી શક્તિનું કારણ શાશ્વત સત્ય પર આધારિત સંઘનો શુધ્ધ રાષ્ટ્રીય વિચાર તથા તેના માટે તન મન ધનથી સમર્પણ ભાવે કામ કરનારા કાર્યકર્તાઓની અખંડ શ્રુંખલા  છે.

 કોઈપણ સંગઠનના  તત્વજ્ઞાન, વૈચારિક દ્રષ્ટિકોણ, સંગઠનાત્મક સંસ્કૃતિ વગેરે પાસાઓને સમજવા માટે એના સંસ્થાપકનો જીવનક્રમ તથા એનો વૈચારિક પક્ષ પણ સમજવો આવશ્યક હોય છે. સંઘ તથા એના સંસ્થાપક ડો. કેશવ બલિરામ હેડગેવાર એકબીજાના પર્યાય છે. સંઘ પોતાના સમકાલીન સંગઠનોથી કેવી રીતે અલગ હતો તેમજ એની વૈચારિક પૃષ્ઠભૂમિ તથા દ્રષ્ટિકોણનો મર્મ શું હતો એ બાબત ડૉક્ટર હેડગેવારના જીવન પ્રસંગો તથા તેમનો દ્રષ્ટિકોણ જાણ્યા વિના સમજવી અઘરી છે.

 ૧ એપ્રિલ, ૧૮૮૯ ...ચૈત્ર શુક્લ પ્રતિપદાના પાવન દિવસે નાગપુરમાં જન્મેલા કેશવ બલિરામ હેડગેવાર જન્મજાત દેશભક્ત હતા.. બાલ્યાવસ્થાથી જ કેશવના મનમાં અંગ્રેજો પ્રત્યે ગુસ્સો તથા દેશને સ્વતંત્ર જોવાની અદમ્ય ઇચ્છા હતી. આવું તેમના અનેક પ્રસંગો પરથી કહી શકાય. શાળાકીય જીવન દરમિયાન પોતાની નિર્ભયતા, દેશભક્તિ તથા સંગઠન કુશળતાનો પરિચય સૌને કરાવ્યો હતો. યુવાનીમાં ડોક્ટરનો અભ્યાસ કરવા તેઓ ક્રાંતિકારી આંદોલનનું કેન્દ્રસ્થાન કલકત્તા  ગયા અને ત્યાં ખૂબ જ ઝડપથી ક્રાંતિકારી આંદોલનની સંસ્થા અનુશીલન સમિતિમાં પોતાનું નામ પણ પ્રસ્થાપિત કરી દીધું. ૧૯૧૬માં અભ્યાસ પૂર્ણ કર્યા  બાદ ઘરની આર્થિક સ્થિતિ સંપન્ન ન હોવા છતાં ડોક્ટરનો વ્યવસાય કે વિવાહ કરવાનો વિચાર ત્યાગી પૂર્ણ શક્તિથી સ્વતંત્રતા આંદોલનમાં જોડાઈ ગયા.

 સ્વતંત્રતા પ્રાપ્ત કરવી એ કોઈ પણ સમાજ માટે અત્યંત આવશ્યક વિષય છે, પરંતુ તે ચિરસ્થાયી રહે તથા સમાજ આવનારા બધા જ સંકટોનો સફળતાપૂર્વક સામનો કરી શકે તે માટે રાષ્ટ્રીય ગુણોથી યુક્ત અને  વિજયની આકાંક્ષા રાખી પુરુષાર્થ કરનારા સ્વાભિમાની સંગઠિત સમાજનું નિર્માણ કરવું ખૂબ જરૂરી અને મૂળભૂત કાર્ય છે એવા વિચાર સાથે ડોક્ટરજીએ ૧૯૨૫માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કરી. સંપૂર્ણ ભારતમાં પ્રવાસ કરી  અથાગ પરિશ્રમ દ્વારા પોતાના જીવનકાળ દરમિયાન  ૧૫ વર્ષમાં સંપૂર્ણ ભારતમાં સંઘકાર્યનો વિસ્તાર કરવામાં તેઓ સફળ રહ્યા.

 સામૂહિક ગુણોની ઉપાસના તથા સામૂહિક અનુશાસન સ્વયંસેવકોમાં નિર્માણ કરવાના હેતુથી તેમણે દૈનંદિન શાખા સ્વરૂપે અભિનવ કાર્યપદ્ધતિનો વિકાસ કર્યો. ભારતીય પરંપરામાં નવા એવા સમાન ગણવેશ, સંચલન, ઘોષ, શિબિર વગેરે કાર્યક્રમોને સંઘકાર્યનો ભાગ બનાવ્યો. માત્ર શબ્દોથી નહિ પરંતુ આચરણથી શીખવવાની તેમની કાર્યપદ્ધતિ હતી. સંઘકાર્ય પર થનારી આલોચનાની અનદેખી કરી વાદવિવાદમાં પડ્યા વિના બધા જ સાથે આત્મીય સંબંધ કેળવવાનો તેમનો આગ્રહ રહેતો. પ્રસિદ્ધિની ચિંતા કર્યા વિના સંઘકાર્યના પરિણામથી જ લોકો સંઘકાર્યને મહેસૂસ કરશે, તેને સમજશે તથા સહયોગ અને સમર્થન આપશે એવું તેઓ માનતા હતા.

 ડૉક્ટર હેડગેવાર વિશે  અનેક પ્રકારની ભ્રમણાઓ ઊભી કરવામાં આવી. એ પૈકી એક એમના સ્વતંત્રતા આંદોલનથી વેગળા રહેવા વિશેની છે. આ ભ્રમ  સત્યથી કેટલુ દૂર છે તેનું અનુમાન તેમના જીવન દરમિયાન તેમણે સ્વતંત્રતા આંદોલનમાં વિવિધ પ્રકારે ભજવેલી ભૂમિકા પરથી કરી શકાય. ૧૯૨૦માં નાગપુરમાં કોંગ્રેસ અધિવેશનની વ્યવસ્થાની જવાબદારી ડોક્ટરજી પાસે હતી. કોંગ્રેસની પ્રસ્તાવ સમિતિ સામે તેમણે ભારત માટે પૂર્ણ સ્વતંત્રતા અને વિશ્વને મૂડીવાદીઓની ચુંગાલમાંથી મુક્ત કરાવવાનો પ્રસ્તાવ મૂક્યો.....૧૯૨૧ માં બ્રિટીશ સરકારે તેમના પર ઐતિહાસિક રાજદ્રોહનો ખટલો દાખલ કર્યો તેમાં તેમણે એક વર્ષ સશ્રમ કારાવાસ ભોગવ્યો... ૧૯૩૦માં ગાંધીજીના નેતૃત્વમાં શરૂ થયેલ સવિનય કાનૂનભંગમાં તેમણે વિદર્ભમાં જંગલ સત્યાગ્રહમાં સ્વયંસેવકોની સાથે રહી ભાગ લીધો તથા નવ મહિના સુધી જેલવાસ પણ ભોગવ્યો. સંઘકાર્યની શરૂઆત થયા પછી પણ સ્વતંત્રતા પ્રાપ્તિ માટેના તત્કાલીન બધા જ આંદોલન સાથે તેઓ સંપર્કમાં તો હતા જ પરંતુ વ્યક્તિગત રીતે પણ સ્વયંસેવકો સાથે સહભાગી થતા હતા.

જ્યારે પણ કોઈ અત્યંત પ્રભાવશાળી વ્યક્તિનું નિધન થાય છે ત્યારે તેની સાથે સંકળાયેલ સંગઠન કે સંસ્થાને ક્યારેય પૂર્ણ ન થનારી ખોટનો સામનો કરવો પડતો હોય છે. સંઘ બાબતે પણ તેના મિત્રો અને ઈર્ષાભાવ રાખનાર એમ  બંને પ્રકારના લોકો આવું જ કંઈક વિચારતા હતા, પરંતુ સાર્થક ઉદ્દેશ માટે સમર્પિત આ સારથીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને કાલજયી બનાવી દીધો. તેમના નિધન પછી સંઘના જીવનમાં અનેક ઉતાર-ચઢાવ આવ્યા. રાષ્ટ્રજીવનમાં અનેક ઉથલપાથલ થઇ. આમ છતાં પણ સંઘકાર્ય પોતાની નિશ્ચિત દિશામાં નિશ્ચિત ગતિ સાથે આગળ વધી રહ્યું છે. સંઘની આ યશોગાથામાં ડો. હેડગેવાર જેવા  સમર્પિત યુગદ્રષ્ટા, સફળ સંગઠક અને સાર્થક જીવનની યશોગાથા છે.

ડૉક્ટર હેડગેવારજી  એવા  દ્રષ્ટા હતા જે પથ પર ચાલતા ચાલતા સ્વયં પથ બની ગયા..તેમના જીવનની દરેક વાત,  દરેક ઘટના અનેક પેઢીઓને પ્રેરિત કરનારી  છે. ડૉક્ટર હેડગેવારજીના જન્મદિને  તેમના ચરણોમાં શત શત નમન...

Tuesday, 11 January 2022

યુથ આઇકોન વિવેકાનંદ

 

તારીખ 12મી જાન્યુઆરી, 1863ના રોજ સ્વામી વિવેકાનંદનો જન્મ થયો હતો. સ્વામી વિવેકાનંદના જન્મદિનને ‘રાષ્ટ્રીય યુવા દિન’ તરીકે ઉજવાય છે કારણ કે યુવાનો માટે સ્વામીજી ખૂબ જ આશાઓ ધરાવતા હતા. યુવાનોમાં તેમને અપાર વિશ્વાસ હતો. એ કહેતા કે યુવાનો જ આ દેશની શક્તિ છે. યુવાનો જ ઈતિહાસ બદલી શકશે.

યુવાનોને સંબોધીને તેમણે અનેક સંદેશ આપ્યા છે. યુવાનો સામેના પડકારોનો સામનો કેવી રીતે કરી શકાય તેનું માર્ગદર્શન પણ આપ્યું છે. ભારત દેશ સ્વતંત્ર થયો તેનાં પચાસ વર્ષ પહેલા મદ્રાસના યુવાનો સમક્ષ આપેલા એક પ્રવચનમાં સ્વામીજીએ ઉદઘોષ  કર્યો હતો કે 'મારો વિશ્વાસ યુવા શક્તિ પર છે એમાંથી જ સારા કાર્યકર્તાઓ પેદા થશે  જે તેમના પરાક્રમોથી વિશ્વને બદલી નાખશે.... ‘ સવાસો વર્ષ પહેલા સ્વામીજીએ યુવાનોને સંબોધીને અભૂતપૂર્વ સંદેશ આપ્યો હતો તે આજે પણ એટલો જ પ્રસ્તુત છે..

સ્વામીજીનું સમગ્ર જીવન અને સંદેશ યૌવનનો આદર્શ હતો. ફક્ત ૩૯ વર્ષ, ૫ માસ અને 22 દિવસના ટૂંકા આયુષ્યમાં તેમણે અનેક યુવાનોને પ્રેરીત કર્યા. અનેક મહાપુરુષોના જીવનને પણ  પ્રભાવિત કર્યું છે. આજે પણ એમનું સાહિત્ય વાંચનારના મનમાં કોઈ અગ્નિમંત્રની જેમ ભાવ પેદા કરે છે. એમનાં પુસ્તકોમાંથી  અદભુત ચેતનાનો પ્રવાહ વહે છે. સ્વામી વિવેકાનંદના વિચારો ભારતના યુવાનોના માર્ગમાં સતત અજવાળું પાથરે છે. તેમના ચુંબકીય વ્યક્તિત્વના કારણે તેમના દર્શન માત્રથી હતાશ યુવાનોમાં અદભુત ઉર્જાનો સંચાર થતો હતો. એમની ઓજસ્વી વાણી યુવાનોને હચમચાવી  મુકે તેમ હતી.

આજે વિશ્વ એક નવયૌવનનો ધબકાર અનુભવી રહ્યું છે. યુવાનો પણ પોતાનો વિકાસ કરવા માટે ઝંખે છે. તેમની પાસે જે અખૂટ શક્તિનો ભંડાર પડેલો છે તેનાથી પણ તેઓ પરિચિત થતા જાય છે. તેઓ એવી વ્યક્તિ,એક આદર્શને શોધી રહ્યા છે જે તેમને યોગ્ય માર્ગદર્શન આપી શકે, જેનાથી તેઓ પોતાનો, પોતાના પરિવાર, દેશ અને સમાજનો સ્વસ્થ વિકાસ કરી શકે. ત્યારે કલ્પના કરીએ કે આ યુવાનોને સ્વામી વિવેકાનંદ મળી જાય તો....!!! સ્વામી વિવેકાનંદ કદાચ ન મળે તો પણ તેમણે કહેલી વાતો, તેમના ગ્રંથો સાહિત્ય રૂપે આજે પણ ઉપલબ્ધ છે. યુવાનો તેમાંથી અભ્યાસ કરે તો સ્વામીજી  સાક્ષાત આપણી સાથે છે તેઓ અનુભવ થઈ શકે અને તેમાંથી પ્રેરણા લઈને પોતાના વ્યક્તિત્વનો વિકાસ કરી સમાજકાર્ય માટે આગળ આવી શકે એમ છે. કારણકે તેમનું સાહિત્ય પણ એટલું જ ઉત્સાહવર્ધક છે.

યુવાનો સ્વામીજીના જીવનનો અભ્યાસ કરે તો તેમના જીવનની એક વાત ઉભરીને આવે છે તે છે સંઘર્ષમય જીવન. તેઓ પરિસ્થિતિના પ્રવાહમાં વહી જાય એવા નહોતા. તેમને દરેક બાબતોમાં સંઘર્ષ કરવો પડ્યો હતો. કોઈ પણ ચીજ તેમને સહજ રીતે મળી નહોતી. જે મળી તેનો પણ સહજતાથી સ્વીકાર ન કર્યો. રામકૃષ્ણ પરમહંસ જેવા ગુરુ તેમને મળ્યા તેમનો પણ સહજતાથી સ્વીકાર ન કરતાં  અનેક વાર કસોટી કરી હતી. આપણે સૌ યુવાનો પોતાના જીવનમાં સંઘર્ષ માટે કેટલા કટિબદ્ધ થયા છીએ તે  સૌએ ચિંતન કરવાની આવશ્યકતા છે.

આજના ભારતને યુવા ભારત કહેવામાં જરાય અતિશયોક્તિ નથી કારણકે આપણા દેશમાં અસંભવને સંભવ કરી શકનારી યુવા શક્તિની સંખ્યા સૌથી વધારે છે. હાલ ભારતની ૬૫ ટકા જેટલી જનસંખ્યામાં યુવાનો છે. આજે આપણા દેશમાં અનેક યુવાનો છે કે જેમણે નાની ઉંમરમાં મોટા મોટા શીખરો સર કરીને દેશને ગૌરવ અપાવ્યું છે. અનેક ક્ષેત્રોમાં ઇનોવેટિવ કામ કરનારા અને ન્યુ સ્ટાર્ટઅપ કરનારા ગૌરવશાળી યુવાનો એ નવા ભારતની શક્તિ છે.

આજે ભારત વિશ્વમાં સૌથી વધુ ઝડપી ગતિએ વિકાસ કરતો દેશ છે દરેક ક્ષેત્રમાં ભારત આગળ વધી રહ્યું છે આપણી ભીતર અનેક શક્તિઓ અને શક્યતાઓ રહેલી છે. સ્વામી વિવેકાનંદ અને તેમનો સંદેશ આપણી શક્તિઓને ફરીથી યાદ અપાવે છે .. જ્યારે ભારત ગુલામીમાંથી મુક્ત થવા મથતો હતો ત્યારે ભારતનું ભાવિ ઉજ્જવળ છે એવું કહેનાર તેઓ એકલા જ હતા. જ્યારે ભારત સમૃદ્ધ બને એવી કોઈને આશા પણ નહોતી ત્યારે એકલા વિવેકાનંદે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભારત  ફરી પોતાના રાજ સિંહાસન પર બિરાજશે...

એક સદી પહેલાં સ્વામી વિવેકાનંદે કરેલી આર્ષવાણીને યાદ કરીએ, “ હું ભવિષ્યને જોતો નથી પરંતુ એક દર્શન સ્પષ્ટ રીતે મારી નજરે પડે છે આપણી પુરાતન માતા ફરી જાગૃત થઈ છે અને પૂર્ણ પ્રાણવાન તથા પ્રતાપમાં બની પોતાના રાજ સિંહાસન પર બિરાજે છે શાંતિ અને આશીર્વાદને સુરે જગત સમક્ષ તેનો મહિમા ગાવ....”

જો વર્તમાન સમયમાં ભારતના યુવાનો સ્વામીજીના બતાવેલા આ સંદેશને પોતાના જીવનમાં ઉતારે તો ભારતને વિશ્વમાં અગ્રણી બનતા વાર નહિ લાગે.