Thursday, 1 December 2022

અવસર... લોકશાહીનો

    ભારત દુનિયાનો સૌથી મોટી લોકશાહી વ્યવસ્થા ધરાવતો  દેશ છે. લોકશાહી એટલે લોકોની, લોકો માટે, લોકો દ્વારા ચાલતી શાસનવ્યવસ્થા. પ્રાચીન સમયમાં રાજાશાહી હતી. તેમાં રાજા અને એના વંશજો પ્રજા પર રાજ્ય કરતા. સમય જતા લોકશાહીનું અસ્તિત્વ આવ્યું. લોકો પોતાનો રાજા પોતે જ ચૂંટવા લાગ્યા. આ રાજા નક્કી કરવાની   પદ્ધતિ એટલે વર્તમાન મતદાન પદ્ધતિ.. મતદાન દ્વારા પ્રજાનું જનમાનસ પ્રતિબિંબિત થતું હોય છે.. એટલે જ લોકશાહી માટે એવું કહેવાય છે કે યથા પ્રજા તથા રાજા.
લોકશાહીમાં મતદાનનો દિવસ એ  સૌ માટે પવિત્ર પર્વ છે, ઉત્સવ છે, અવસર છે. લોકશાહીના આ અવસરમાં આપણા સૌની સક્રિય ભાગીદારીના કારણે ભારતનું લોકતંત્ર મજબૂત બન્યું છે અને સમય સમયે વધુ પરિપક્વ બનતું જાય છે. આ  વ્યવસ્થા વધુ દ્રઢ બને તેના માટે એક નાગરિક તરીકે સો ટકા મતદાન કરવું, કરાવવું એ આપણી નૈતિક ફરજ છે.

૧૯૯૮માં યોજાયેલ લોકસભાની ચૂંટણીના દિવસે દિલ્હીના એક બૂથ પર ઉભેલા એક મતદાતાને જોઈ તમામ લોકો આશ્ચર્યમાં પડી ગયા.  એ મતદાતા હતા દેશના તત્કાલીન રાષ્ટ્રપતિ શ્રી કે. આર. નારાયણન. તેઓ સામાન્ય મતદાતાની જેમ જ મત  આપવા તેમના પુત્રી સાથે ઊભા હતા. એક પત્રકારે તેમને પ્રશ્ન પૂછ્યો, તો જવાબમાં તેમણે કહ્યું મારો મત અતિ કિંમતી છે. મતદાન એ દરેક નાગરિકનો ધર્મ છે. હું મારો નાગરિક ધર્મ નિભાવી રહ્યો છું.

લોકશાહીમાં મતનું ઘણું જ મૂલ્ય હોવા છતાં પણ આપણે ત્યાં સો ટકા મતદાન થતું નથી..જો કે ધીમે ધીમે મતની મહત્તા સમજાવવા લાગી છે. વધતાં શિક્ષણ, ચૂંટણીપંચ તથા વિવિધ સંસ્થાઓ દ્વારા થતા મતદાન જાગૃતિના કાર્યક્રમને કારણે હવે મતદારો આળસ છોડીને મતદાન કરતાં થયા છે. ગુજરાતમાં છેલ્લી બે ત્રણ ચૂંટણીમાં મતદાનનું પ્રમાણ ઉત્તરોત્તર વધતું રહ્યું છે. સ્વસ્થ લોકશાહીનું જતન ૧૦૦ ટકા મતદાનથી જ પરિપૂર્ણ થાય.

ઘણા લોકો એવું માની બેસે છે કે લાખો લોકો મત આપશે, હું નહીં જાઉં તો શું ફરક પડે છે? પરંતુ  આ સમજવા અકબર બીરબલની માર્મિક વાર્તા સમજવી જોઈએ. અકબર પોતાના નગરજનોને એક કુંડમાં રાત્રે એક લોટો દૂધ નાખવાનું ફરમાન કરે છે. નગરજનો વિચારે છે કે રાત્રે દૂધની જગ્યાએ એક લોટો પાણી નાખી દઈએ તો કોને ખબર પડવાની છે. દૂધમાં પાણી ભળી જશે. મારા એક લોટા પાણીથી શું ફરક પડવાનો છે. બધાએ આવું વિચારીને દૂધની જગ્યાએ પાણી જ નાખ્યું .સવારે જ્યારે અકબર કુંડને જોવા આવે છે તો કુંડ માત્ર પાણીથી જ ભરેલો હોય છે. મતદાનમાં પણ કંઈક આવું જ થાય છે. ઘણા મતદારો તો મતદાન કરતા જ નથી. આ લોકો વિચારે છે કે મારા એક મતથી શું થવાનું છે. આપણે એ સમજવું જોઈએ કે દરેક મતની ગણના થાય છે. જીત અને હાર વચ્ચેનું અંતર માત્ર એક જ મતનું હોય છે. આ કારણથી જ ચૂંટણીમાં દરેક મત અતિ મૂલ્યવાન છે.

મતદાન કરવું એ આપણો અધિકાર અને જવાબદારી પણ છે. જેમ તળાવમાં પડેલું પાણીનું દરેક ટીપું કિમતી છે તેમ દરેકનો મત કિમતી છે. પોતાની વિવેકબુદ્ધિ અને સમજદારીથી પોતાના મતનો ઉપયોગ કરવો જોઈએ. આપણે જે દેશના નાગરિક છીએ તે દેશમાં આપણા પોતાના મતનું અનોખું મહત્વ હોય છે. એક સારા નાગરિક તરીકે આપણે આ અધિકારનો સદુપયોગ કરવો જ જોઈએ. ગમે તે પરિસ્થિતિમાં પણ મત તો આપવો જ જોઈએ. મત આપીને કોઈ એક પાર્ટીના હાથમાં આપણે આપણું ભવિષ્ય સોંપીએ છીએ. મતદાન માત્ર કરવા ખાતર નહીં પરંતુ આપણા ભવિષ્યને સુનિશ્ચિત કરવા માટે કરીએ. આપણે આપણા વોટની કિંમત ના સમજતા હોઈએ તો એનો મતલબ છે કે આપણને આપણી સમજણશક્તિ પર વિશ્વાસ નથી. એવું કહેવાય છે કે બેલેટની તાકાત બુલેટ કરતાં પણ વધુ હોય છે. જો રાજનેતાઓને સબક શીખવવો હોય, રાજનીતિની ગંદકી દૂર કરવી હોય તો બેલેટનો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ.

ગુજરાતમાં લોકશાહીનું પર્વ નજીક છે ત્યારે આપણે આપણા વોટનું મહત્વ સમજીને સક્ષમ, સંસ્કારી, સેવાભાવી, દેશભક્ત લોક પ્રતિનિધિને ચૂંટીને વિધાનસભામાં મોકલીએ. ચૂંટાયેલી સરકારના પ્રતિનિધિઓ પાસેથી પ્રજાને સર્વાંગી વિકાસના કામની અપેક્ષાઓ હોય છે. લોકપ્રતિનિધિએ પોતાના ક્ષેત્રમાં નાગરિકોને સુવિધા અને સુરક્ષા પ્રદાન થાય, શિક્ષણ અને રોજગાર મળી રહે તેવી અનેક ફરજો બજાવવાની હોય છે.

કોઈની શેહશરમમાં આવી, કોઈના દબાણને વશ  થઈ માત્ર થોડીક આર્થિક લાલચમાં ફસાઈ પાંચ વર્ષ પસ્તાવાનો વારો આવી પડે એવું મતદાન ન કરીએ.  સૌથી વધુ મહત્વનું એ છે કે જ્ઞાતિ આધારિત રાજકારણથી ઉપર ઊઠીને વિકાસ આધારિત નેતૃત્વ પસંદ કરવાનો ભાવ કેળવાય તો જ આપણે સક્ષમ નાગરિકો ગણાઈ શકીએ.

આગામી ચૂંટણીમાં ગુજરાતના પ્રબુદ્ધ, દેશભક્ત નાગરિકો સામે ખરો પડકાર છે કે વિધાનસભા ચૂંટણીમાં નાતજાત,પંથ, મત,મઝહબની ઓળખથી ઉપર ઉઠી રાષ્ટ્રના, ગુજરાતના અને લોકતંત્રના હિતમાં કામ કરે, જેમના માટે ભારતીય લોકશાહીના મૂલ્યો સર્વોપરી હોય તેવા જ ઉમેદવારની જીત થાય. ગુજરાતનું ગૌરવ અને અસ્મિતા આપણા હાથમાં છે. મતદાન કરવું એ આપણી નૈતિક ફરજ છે. સો ટકા મતદાન કરીને સક્ષમ સંનિષ્ઠ અને દેશભક્ત સરકાર પસંદ કરીએ.

 


 

 

No comments:

Post a Comment